રવાદાર-વટાણાદાર ચૂનાખડક

January, 2003

રવાદાર-વટાણાદાર ચૂનાખડક (oolitic-pisolitic limestone) : રવા કે વટાણાના આકાર અને કદ જેવડા લગભગ ગોળાકાર કણો કે કાંકરાથી બંધાયેલો ચૂનાયુક્ત ખડક. રવાદાર ચૂનાખડકના બંધારણમાં રહેલા કણો નાનકડા, ઓછાવત્તા ગોળાકાર હોય છે. મોટા ભાગના ગોલકો 0.5થી 1 મિમી. વ્યાસના હોય છે. વટાણાદાર ગોલકો રવાદાર કણો જેવા જ, પણ 2 મિમી. વ્યાસથી મોટા કદના હોય છે. કદની ભિન્નતા સિવાય બાકીની બધી જ લાક્ષણિકતાઓ બંને પ્રકારોમાં સરખી જ હોય છે. રવા કે વટાણા(oolite-pisolite)ની ગોળાઈ ભિન્ન ભિન્ન હોઈ શકે  કોઈ ગોલક, લંબગોલક તો કોઈ ચપટા ગોલક કે વિરૂપ હોઈ શકે. તેમના આડછેદ વિકેન્દ્રિત કે વલયાકાર કે આ બંને સ્વરૂપોની મિશ્ર રચનાવાળા હોય છે. કેટલાકમાં કેન્દ્રકણ ક્વાર્ટ્ઝનો કે કવચકણિકાનો બનેલો હોઈ શકે છે. તેની આજુબાજુ જમાવટ થતી જવાથી આ પ્રકારની સંરચના તૈયાર થતી હોય છે. રવા કે વટાણાનો દેખાવ સૂચવે છે કે કેન્દ્રકણની આજુબાજુ કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલાં પાતળાં વલયાકાર આવરણો ચઢેલાં હોય છે. સ્થાનભેદે તે કૅલ્સાઇટ, ઍરેગોનાઇટ, સિલિકા, હેમેટાઇટ કે ડૉલોમાઇટ જેવાં જુદાં જુદાં દ્રવ્યથી બનેલાં હોઈ શકે છે; પરંતુ ભૂસ્તરીય કાળ દરમિયાન તે વધુ પડતાં તો ચૂનાયુક્ત દ્રવ્યથી બનેલાં હોવાનું જોવા મળે છે; ક્યારેક ચૂનાયુક્ત દ્રવ્યનું સિલિકા કે ડૉલોમાઇટ દ્રવ્યથી વિસ્થાપન થયેલું હોય છે. ફૉસ્ફેટ કે હેમેટાઇટના રવા કે વટાણા તો મૂળભૂત રીતે બનતા હોય છે. રવાદાર કે વટાણાદાર આવરણની ઉત્પત્તિ માટેની સમજૂતી આ પ્રમાણે છે : તે ઘૂમરાતા પાણીમાં અકાર્બનિક અવક્ષેપ થયાનું કહી જાય છે. તેમાં ઝીણા કણોનાં આવરણ પાણીના પ્રવાહની સાથે સાથે એક ઉપર એક ચઢતાં જાય છે અને એ રીતે ગોળાકાર સ્વરૂપ રચાય છે.

ગિરીશભાઈ પંડ્યા