રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત)

January, 2003

રયણચૂડરાયચરિય (રત્નચૂડરાજચરિત) : પ્રાકૃતમાં લખાયેલી ગદ્યકથા. ‘આખ્યાનકમણિકોશ’ના રચયિતા સુપ્રસિદ્ધ જૈનાચાર્ય નેમિચન્દ્ર(વિ. સં. 1129)નું ‘રયણચૂડરાયચરિય’ પ્રાકૃત ગદ્યમાં રચાયેલું ધર્મકથાપ્રધાન ગદ્યકાવ્ય છે. એમાં ગૌતમ ગણધર રાજા શ્રેણિકને રત્નચૂડની કથા સંભળાવે છે. આઠ વર્ષનો થતાં રત્નચૂડને વિદ્યાશાળામાં  પાઠવવામાં આવ્યો. ત્યાં તે પંડિત જ્ઞાનગર્ભ કલાચાર્ય પાસે છંદ, અલંકાર, કાવ્ય, નાટક વગેરે ભણ્યો. તે મોટો થયો ત્યારે કોઈ વિદ્યાધર તેને ઉપાડી ગયો. જંગલમાં તેને કોઈ તાપસ સાથે ભેટો થયો. ત્યાં રાજકુમારી તિલકસુંદરી સાથે તેનો મેળાપ થયો. બંને પરણી ગયાં. બંને નંદિપુરમાં રહેતાં હતાં ત્યારે કોઈ વિદ્યાધર તિલકસુંદરીને ઉઠાવી ગયો. ત્યાંથી રત્નચૂડ રિષ્ટપુર ગયો. રત્નચૂડનો સુરાનન્દા સાથે વિવાહ થયો. વૈતાઢ્ય પર્વત પરથી જતાં કનકશૃંગ પર્વત પર શાંતિનાથના ચૈત્યનું દર્શન થયું. તે ચૈત્યમાં સ્નાત્રમહોત્સવ ચાલતો હતો. ત્યારબાદ રત્નચૂડનો રાજશ્રી સાથે વિવાહ થાય છે અને તેનો રાજ્યાભિષેક થયો. પછી રત્નચૂડ અને મદનકેશરીના યુદ્ધનું વર્ણન છે. તેને હરાવી રત્નચૂડ તિલકસુંદરીને છોડાવી લાવ્યો અને પાંચેય સ્ત્રીઓને લઈને તિલકસુંદરીનાં માતાપિતાને મળવા નંદિપુર ગયો. આ કથા આ કૃતિમાં નિરૂપાઈ છે.

ધનપાલ શેઠની કડવાબોલી પત્ની, તેના દ્વારા ભિક્ષાર્થે આવેલા સાધુઓનો તિરસ્કાર, પાટલિપુત્રમાંના દેવાલયમાંની એક રમણીય સ્તંભશાલભંજિકા, એમાં ઉજ્જેનીના રાજા મહેશ્વરની કન્યા રત્નમંજરીના રૂપનું આલેખન, મિત્રાનંદનું ઉજ્જેનીમાં આગમન, રત્નમંજરીનું તેના દ્વારા અપહરણ, અમરદત્તને તેની પ્રાપ્તિ – આ બધા વિષયોનું નિરૂપણ પણ આ કૃતિમાં છે.

આ રચના અમદાવાદમાંથી 1942માં પંન્યાસ મણિવિજય ગણિવર ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી છે. આ કૃતિમાં કાવ્યની છટા અને અનેક સૂક્તિઓ તેમજ સ્વાભાવિક ચિત્રો ઠેકઠેકાણે જોવા મળે છે.

બારમી સદીમાં થયેલા આચાર્ય નેમિચંદ્ર ‘આખ્યાનકમણિકોશ’, ઉત્તરાધ્યયનસૂત્ર પરની ‘સુખબોધા’ ટીકા ‘આત્મબોધકુલક’ અને ‘મહાવીરચરિય’ના પણ વિદ્વાન લેખક છે.

નારાયણ કંસારા