યુરોપ

ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં દુનિયાના બાકીના ખંડો પૈકીનો નાનામાં નાનો ખંડ.

સ્થાનસીમાવિસ્તાર : આ ખંડ ઘણા નાના નાના દ્વીપકલ્પોથી બનેલો એક મહાદ્વીપકલ્પ છે. તેનું ‘યુરોપ’ નામ સેમિટિક ભાષાના શબ્દ ‘Erib’ (અર્થ = પશ્ચિમનો અથવા સૂર્યાસ્તનો પ્રદેશ) પરથી ઊતરી આવેલું છે. તે આશરે 35° 30´થી 71° 00´ ઉ. અ. અને 22° 00´ પ. રે.થી 65° પૂ. રે. વચ્ચેનો આશરે 1,05,21,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, જે પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારના 7 % જેટલો તથા એશિયા કરતાં ચોથા ભાગનો છે. તેની પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ 6,400 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 4,800 કિમી. જેટલી છે; જ્યારે તેના દરિયાકિનારાની લંબાઈ 60,973 કિમી. છે; એટલું જ નહિ, તે દ્વીપકલ્પો, અખાતો, ઉપસાગરો જેવાં લક્ષણોથી તૂટક છે. તેના કિનારા નજીક ઘણા ટાપુઓ આવેલા છે.  કૉકેસસ હારમાળામાં આવેલું યુરોપનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એલબ્ર્યૂઝ (Elbrus) 5,633 મીટર ઊંચાઈ ધરાવે છે.

તેના મોટાભાગના બધા જ દેશો દરિયાકિનારાની નજીક છે, માત્ર યુરોપીય રશિયાનો મધ્યભાગ જ 800 કિમી. અંદર તરફ છે. લગભગ આખોય ખંડ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધમાં આવી જાય છે, ઉત્તર તરફનો કેટલોક ભાગ ઉત્તર ધ્રુવવૃત્તની અંદર તરફ રહેલો છે. 40° ઉ. અક્ષાંશવૃત્ત સ્પેન અને પૉર્ટુગલને બે સરખા ભાગોમાં વહેંચી નાખે છે અને ઇટાલીના દક્ષિણ છેડાને સ્પર્શે છે તેમજ ગ્રીસ અને કાસ્પિયન સમુદ્રને વીંધીને, કાળા સમુદ્રની દક્ષિણે પસાર થાય છે. બ્રિટિશ ટાપુઓ 50°થી 60° ઉ. અ. અને 10° પ. રે.થી 1° 45´ પૂ. રે. વચ્ચેના ભાગમાં ખંડથી અલગ ગોઠવાયેલા છે. 0° રેખાંશવૃત્ત લંડનમાંથી, 20° પૂ. રે. યુરોપખંડની મધ્યમાંથી અને 40° પૂ. રે. મૉસ્કોમાંથી પસાર થાય છે. આ ખંડની ઉત્તર તરફ બેરેન્ટ સમુદ્ર અને શ્વેત સમુદ્ર સહિત આકર્ટિક મહાસાગર, પૂર્વ તરફ એશિયાઈ ભૂમિસીમા અર્થાત્ રશિયાનો સાઇબીરિયા પ્રદેશ, દક્ષિણ તરફ બૉસ્પરસ, ડાર્ડેનલ્સ, મારમરાનો સમુદ્ર, કાળો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર અને જિબ્રાલ્ટરની સામુદ્રધુની (અહીં તે આફ્રિકા ખંડથી અલગ પડે છે); જ્યારે પશ્ચિમ તરફ આટલાંટિક મહાસાગર આવેલા છે. આ રીતે તે એક બાજુએ ભૂમિભાગથી અને ત્રણ બાજુએ સમુદ્ર-મહાસાગરથી ઘેરાયેલો છે. યુરોપ-એશિયા વચ્ચેની સીમા યુરલના પૂર્વ ઢોળાવો તથા કાસ્પિયનના ઉત્તર કિનારા દ્વારા નિર્ધારિત થાય છે. યુરલ પર્વતનો સંપૂર્ણપણે યુરોપમાં જ્યારે કૉકેસસનો સંપૂર્ણપણે એશિયામાં સમાવેશ થાય છે. કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્રની વચ્ચે મનીચનો નીચાણવાળો પ્રદેશ તથા એઝોવ સમુદ્ર સીમારૂપ બની રહેલા છે. યુરોપનો આકાર વૃક્ષની ડાળીઓની જેમ ખૂબ જ અનિયમિત છે. યુરોપના મુખ્ય ભૂમિભાગમાંથી દ્વીપકલ્પો ચારે બાજુ લંબાયેલા જોવા મળે છે, તે પૈકી યુરેશિયાના ભૂમિભાગમાંથી કેટલાક દ્વીપકલ્પો પશ્ચિમ તરફ લંબાયેલા છે. સાઇબીરિયન, ઇટાલિયન, બાલ્કન, બ્રિટાની, જ્યૂટલૅન્ડ અને સ્કૅન્ડિનેવિયા જેવા દ્વીપકલ્પીય પ્રદેશોનો બાકીના ભાગોમાં સમાવેશ થાય છે. આ ખંડના સીમાવર્તી ભાગોમાં બ્રિટિશ ટાપુઓ, કૉર્સિકા, સાર્ડિનિયા, ક્રીટ જેવા નાના-મોટા ટાપુઓ પણ આવેલા છે. આ દ્વીપકલ્પો અને ટાપુઓને લીધે યુરોપનો આકાર અનિયમિત બનેલો છે. ખંડના અંદરના ભૂમિભાગો સુધી વિસ્તરેલા સમુદ્રોને કારણે કિનારા ખાંચાખૂંચીવાળા બન્યા છે.

યુરોપ ખંડમાં કુલ 53 દેશો આવેલા છે, તેમને નીચે મુજબ વહેંચી શકાય : (1) ભૂમધ્ય સમુદ્રીય યુરોપ : ગ્રીસ, ઇટાલી, માલ્ટા, મોનૅકો, સાન મરીનો, વૅટિકન સિટી; (2) ઍટલાંટિક યુરોપ : એન્ડોરા, બેલ્જિયમ, ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, આયર્લૅન્ડ, લક્ઝમબર્ગ, પૉર્ટુગલ અને સ્પેન; (3) સ્કૅન્ડિનેવિયા અને બાલ્ટિક ભૂમિ : ડેન્માર્ક, ઇસ્ટોનિયા, ફિનલૅન્ડ, નૉર્વે, સ્વીડન, લૅટવિયા, લિથુઆનિયા અને આઇસલૅન્ડ; (4) મધ્ય યુરોપ : ઑસ્ટ્રિયા, ચેક પ્રજાસત્તાક, જર્મની, લિચસ્ટેનસ્ટાઇન, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ), પોલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, સોલ્વાકિયા, સોલ્વેનિયા, (5) બાલ્કન-ડેન્માર્ક પ્રદેશ :  આલ્બેનિયા, બૉસ્નિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, ક્રોસિયા, હંગેરી, મૅસિડોનિયા, રુમાનિયા અને યુગોસ્લાવિયા; (6) ઉત્તર-મધ્ય યુરેશિયા : આર્મેનિયા, આઝરબૈજાન, બેલારુસ, જ્યૉર્જિયા, કઝાખસ્તાન, કિર્ગીઝસ્તાન, મોલ્દોવા, રશિયા, તઝાકિસ્તાન, તુર્કમેનિયા, યુક્રેન, ઉઝબેકિસ્તાન. વિસ્તારની ર્દષ્ટિએ યુરોપમાં સૌથી મોટો  દેશ રશિયા અને નાનો દેશ વૅટિકન સિટી છે.

યુરોપનાં સામ્રાજ્યો : પ્રાચીન દુન્યવી સંસ્કૃતિ મુખ્યત્વે તો ભૂમધ્ય સમુદ્રની આજુબાજુના દેશોમાં વિકસેલી. તેથી આ પ્રદેશોમાં ગ્રીસ, રોમ, સ્પેન અને પૉર્ટુગલનાં વિશાળ સામ્રાજ્યો સ્થપાયેલાં. સંભવ છે કે આવાં વિશાળ સામ્રાજ્યો સ્થપાવામાં ભૂમધ્ય સમુદ્રની મધ્યમસરની અનુકૂળ આબોહવા કારણભૂત હોય. સામ્રાજ્યોનાં મુખ્ય કેન્દ્રો ઉત્તર તરફ પણ વિકસ્યાં; દા.ત., ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ), બેલ્જિયમ અને જર્મની. ભૌગોલિક સ્થિતિ અનુસાર યુરોપના દેશોને નીચે મુજબ વિભાજિત કરી શકાય :

(1) વાયવ્યના દેશો : બ્રિટિશ ટાપુઓ, નૉર્વે અને સ્વીડન.

(2) વિશાળ યુરોપીય મેદાનના દેશો : બાલ્ટિક દેશો, પોલૅન્ડ, જર્મની, ડેન્માર્ક, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ), ફ્રાન્સ અને બેલ્જિયમ.

(3) ભૂમધ્ય સમુદ્રના દેશો : સ્પેન, પૉર્ટુગલ, ઇટાલી, આલ્બેનિયા અને ગ્રીસ.

(4) મધ્ય યુરોપ અને ડૅન્યૂબ થાળાના દેશો : સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવૅકિયા, હંગેરી, યુગોસ્લાવિયા, રુમાનિયા અને બલ્ગેરિયા.

(5) પૂર્વ યુરોપના દેશો : રશિયા અને તેમાંથી વિભાજિત થયેલા દેશો.

ટાપુઓ : યુરોપના સમુદ્રકિનારે હજારો ટાપુઓ આવેલા છે. તે પૈકી સૌથી મોટો અને મહત્ત્વનો ટાપુસમૂહ ગ્રેટ બ્રિટનનો છે. તે યુરોપની મુખ્ય ભૂમિની વાયવ્યમાં આવેલો છે. તેમાં ઇંગ્લૅડ, સ્કૉટલૅન્ડ, આયર્લૅન્ડ, ઑર્કની અને શેટલૅન્ડના ટાપુઓનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના ટાપુઓમાં આઇસલૅન્ડ અને ફેરો ટાપુઓ છે. તે ઉપરાંત દક્ષિણે આવેલા બેલારિક, કૉર્સિકા, સાર્ડિનિયા, સિસિલી અને ક્રીટ મુખ્ય છે.

યુરોપ

દ્વીપકલ્પો : યુરોપનું ભૂપૃષ્ઠ તેના લાંબા દરિયાકિનારાની ખાંચાખૂંચીને કારણે ઘણા દ્વીપકલ્પોમાં વહેંચાઈ ગયેલું છે. આ પૈકી નૉર્વે, સ્વીડન અને ફિનલૅન્ડથી બનેલો સ્કૅન્ડિનેવિયાનો દ્વીપકલ્પ સૌથી મોટો છે. અન્ય દ્વીપકલ્પોમાં પૉર્ટુગલ અને સ્પેનથી બનેલો આઇબેરિયન દ્વીપકલ્પ, ઇટાલીથી બનેલો ઍપેનાઇન દ્વીપકલ્પ, આલ્બેનિયા, બલ્ગેરિયા, ગ્રીસ, યુગોસ્લાવિયા અને તુર્કીના કેટલાક ભાગથી બનેલો બાલ્કન દ્વીપકલ્પ મુખ્ય છે. આ બધા દ્વીપકલ્પો સમુદ્રો, ઉપસાગરો, અખાતો અને સામુદ્રધુનીઓથી અલગ પડે છે.

હિમજન્ય ભૌગોલિક પરિસ્થિતિ : ઉત્તર અમેરિકાની જેમ હિમયુગ દરમિયાન યુરોપનો મોટો ભાગ હિમઆવરણ હેઠળ ઢંકાયેલો રહેલો. આલ્પ્સનું પોતાનું એક નાનું સ્વતંત્ર હિમાવરણ વિકસેલું. ઉત્તર રશિયા, ફિનલૅન્ડ અને સ્વીડનને લૉરેશિયન ભૂકવચ સાથે સરખાવી શકાય, કારણ કે ત્યાં હિમકાળ વખતનાં ખોતરાયેલાં પોલાણોમાં અસંખ્ય સરોવરો રચાયેલાં છે. ઉત્તર યુરોપીય મેદાની વિસ્તારનો મોટો ભાગ હિમનદીઓની દળદાર જમાવટથી આચ્છાદિત છે. કેટલીક આવી જમાવટ નદીઓનાં પૂરથી સ્થળાંતરિત પણ થયેલી છે. અહીં કેટલાક ભાગો કળણવાળા પણ છે, કેટલાક રેતાળ છે, કેટલાક ફળદ્રૂપ છે, તો કેટલાક કસ વગરના પણ છે.

યુરોપના ભૂપૃષ્ઠને ભૂસ્તરીય અને ભૌગોલિક લક્ષણોને આધારે નીચે મુજબ વર્ણવી શકાય :

ભૂસ્તરીય લક્ષણો : ઉત્તર યુરોપના ખડકો ઘણા પ્રાચીન વયના, સખત અને સ્ફટિકમય કણરચનાવાળા છે. એ જ રીતે દક્ષિણ યુરોપમાં આવેલા કેટલાક ઉચ્ચપ્રદેશો પણ એ જ પ્રકારના છે. આલ્પ્સની ગેડ પર્વતમાળા ટર્શિયરી વયની છે. હિમાલયની જેમ આલ્પ્સમાં પણ જાતજાતની રચનાઓ અને ધસારા-સ્તરભંગોની શ્રેણી જોવા મળે છે.

ભૂપૃષ્ઠ : યુરોપના ભૂપૃષ્ઠને ત્રણ સ્પષ્ટ ભૂસ્તરીય એકમોમાં વિભાજિત કરી શકાય છે : (1) અતિપ્રાચીન વિકૃત ખડકોથી બનેલા ઉત્તર યુરોપના ચાર પહાડી વિભાગો. (2) અંશત: જૂના અને અંશત: નવા કાળના, લાંબા ગાળા દરમિયાન ઘસારો પામેલા ખડકોમાંથી બનેલું યુરોપીય મેદાન. (3) દક્ષિણ યુરોપને આવરી લેતી નૂતન વયની ગેડ પર્વતોની હારમાળાઓ. અહીંની પર્વતશ્રેણીઓ ચાપ અને ગૂંચળાંના આકારોમાં વિસ્તરેલી છે. તેમની અંદરના ભાગોમાં મેદાનો અને ઉચ્ચપ્રદેશો પણ આવેલા છે.

પહાડી ભૂપૃષ્ઠનો વિભાગ ઘણા જૂના, સખત, સ્ફટિકમય ખડકોથી બનેલો છે. આ પૈકી સ્કૅન્ડિનેવિયાનો ભૂકવચ-પર્વતવિભાગ ઘણો મોટો વિસ્તાર આવરી લે છે, તે પ્રથમ ક્રમે આવે છે, જ્યારે સ્કૉટલૅન્ડનો ઊંચાણવાળો પ્રદેશ બીજા ક્રમે, આયર્લૅન્ડનો ઉત્તર ભાગ ત્રીજા ક્રમે અને આઇસલૅન્ડનો ટાપુ ચોથા ક્રમે આવે છે. આઇસલૅન્ડના ટાપુનું જૂનું ભૂપૃષ્ઠ હવે જ્વાળામુખી-પ્રસ્ફુટિત લાવાનાં પડોથી આચ્છાદિત છે.

ઉત્તર યુરોપમાં આવેલાં મેદાનો સમુદ્રસપાટીથી આશરે 150થી માંડીને 600 મીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. તે ઍમેઝોનના નીચાણવાળા ભાગો જેવાં સમતળ સપાટ નથી, તો પ્રેરિઝનાં મેદાનો જેવાં અસમતળ પણ નથી. યુરોપનાં વિશાળ મેદાનોનો પૂર્વ ભાગ રશિયા અને બાલ્ટિક પ્રદેશોની વિશાળ મેદાની ભૂમિમાં ફેરવાઈ જાય છે. આ વિભાગની હેઠળ પ્રાચીન વિકૃત ખડકો રહેલા છે, તેને કેનેડિયન ભૂકવચ સાથે સરખાવી શકાય તેમ છે, પરંતુ તેનો મોટો વિસ્તાર જળકૃત ખડકોના આવરણથી છવાયેલો છે. યુરોપના ઉત્તર ભાગ ફિનલૅન્ડમાં ખડકો વિવૃત બનેલા છે. અહીંના આચ્છાદિત જળકૃત ખડકોના સ્તરો ક્ષૈતિજ વલણવાળા છે.

યુરોપનો દક્ષિણ તરફનો અર્ધો ભાગ તૃતીય જીવયુગના આલ્પ્સ પર્વતોની જટિલ શ્રેણીઓથી બનેલો છે. અહીં પશ્ચિમ-નૈર્ઋત્ય- (WSW)થી પૂર્વ-ઈશાન (ENE) વળાંકવાળાં પહાડી ગૂંચળાં જોવા મળે છે. તેમનો પશ્ચિમ છેડો દક્ષિણ તરફના ઝોકવાળો જણાય છે, ત્યાંથી તે ઇટાલીના છેડા તરફ અગ્નિતરફી વળાંક લે છે અને સિસિલી તરફ જતો અને આગળ જતાં ઍટલાસ પર્વતોમાં ભળી જતો જણાય છે.

પૂર્વ તરફ આલ્પ્સ પર્વતો ત્રણ ફાંટાઓમાં વહેંચાઈ જાય છે : એક દિનારિક પર્વતોમાં ફેરવાય છે, બીજો ડૅન્યૂબ નદીને વીંધે છે, જ્યારે ત્રીજો ફાંટો ઉત્તરતરફી ગૂંચળું રચે છે. વાયવ્ય તરફ આલ્પ્સ પર્વતોને સમાંતર રહેલા જૂરા પર્વતો જોવા મળે છે, તે ઉત્તર તરફ આગળ વધીને બ્લૅક ફૉરેસ્ટ અને વૉસ્જિસ પર્વતોમાં ફેરવાય છે. આ ગેડ પર્વતો વચ્ચે મેદાનો અને ઉચ્ચપ્રદેશો રહેલાં છે. ઘણાખરા ઉચ્ચપ્રદેશો પ્રાચીન ખડકોથી બનેલા છે. તેના સખત ભાગો ઘસારાનો પ્રતિકાર કરીને શિખરો રૂપે જળવાઈ રહ્યા છે. સ્પેનનો ઘણોખરો ભાગ મેસેટા નામના ઉચ્ચપ્રદેશથી બનેલો છે. આલ્પ્સથી ઉત્તરે દક્ષિણ જર્મની નાના નાના ઉચ્ચપ્રદેશોથી બનેલું છે. બીજી તરફ બોહીમિયાનો ઉચ્ચપ્રદેશ છે. ટર્શિયરી યુગ દરમિયાન થયેલા આલ્પ્સના ઉત્થાનની સાથે યુરોપનો દક્ષિણ ભાગ (ભૂમધ્ય સમુદ્ર) અવતલન પામ્યો અને તેણે દરિયાઈ રૂપ ગ્રહણ કર્યું, કૉર્સિકા અને સાર્ડિનિયાના ટાપુઓ અવતલનમાં બચી ગયેલા અવશિષ્ટ રહેલા ઊંચા ભાગો છે.

દક્ષિણ તરફ મેદાનોનો જે ભાગ પર્વતોથી ઘેરાયેલો છે તે ‘પો’ ખીણ તરીકે ઓળખાય છે, વાસ્તવમાં તો તે ખીણ ઉત્તર ઇટાલીનું લૉમ્બાર્ડીનું મેદાન અને હંગેરીનું મેદાન  જેવાં નામોથી જાણીતી છે.

ભૂપૃષ્ઠ : ભૌગોલિક ર્દષ્ટિએ :

યુરોપના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો વચ્ચે ઘણા તફાવતો રહેલા છે. ભૂસ્તરીય અને ભૌગોલિક પરિસ્થિતિને આધારે યુરોપને નીચે મુજબના પાંચ વિભાગોમાં વહેંચી શકાય છે :

(1) પૂર્વ યુરોપનું વિશાળ મેદાન અથવા રશિયન પઠારભૂમિ : સમુદ્રસપાટીથી સ્થાનભેદે આશરે 18 મીટરથી 305 મીટરની ઊંચાઈ ધરાવતું પૂર્વ યુરોપનું આ વિશાળ મેદાન રશિયન પઠારભૂમિ તરીકે પણ ઓળખાય છે. મૉસ્કોની વાયવ્યમાં આવેલી વલ્દાઈની ટેકરીઓ સૌથી વધુ ઊંચી છે, જ્યારે કાસ્પિયન સમુદ્રની આજુબાજુનો વિભાગ સમુદ્રસપાટી કરતાં પણ નીચો છે. કાસ્પિયન કે કાળા સમુદ્રને મળતી નદીઓ આ મેદાનમાં થઈને વહે છે. પર્મો-કાર્બોનિફેરસ ભૂસ્તરીય કાળ દરમિયાન થયેલી હર્સિનિયન ગિરિનિર્માણક્રિયાને પરિણામે આ મેદાનના પૂર્વ ભાગમાં યુરલ પર્વતોની અને દક્ષિણમાં ડોનેટ્સના ઉચ્ચપ્રદેશની રચના થયેલી છે. આ મેદાન મુખ્યત્વે કૉંગ્લોમરેટ, રેતીખડકો અને મૃદખડકોથી બનેલું છે.

(2) ઈશાનનો પહાડી પ્રદેશ : આ પહાડી પ્રદેશની રચના પ્રી-કૅમ્બ્રિયન કાળ દરમિયાન થયેલા ચર્નિયન ગિરિનિર્માણનું પરિણામ છે. તેમાં કૅલિડોનિયન (સાઇલ્યુરો-ડેવોનિયન) ગિરિનિર્માણક્રિયાની અસરો પણ થયેલી છે. અહીંના કેટલાક વિસ્તારો 180 મીટર કરતાં પણ નીચા છે. આ પ્રદેશ બાલ્ટિક ભૂકવચ તરીકે ઓળખાય છે. તેમાં આર્કિયન યુગના ગ્રૅનાઇટ-નાઇસ અને સ્ફટિકમય શિસ્ટ જેવા વિકૃત ખડકો જોવા મળે છે. ભૂસંતુલનની અસર હેઠળ અહીંના કેટલાક ભાગો ઊર્ધ્વગમન પામ્યા છે તો કેટલાક અવતલન પામેલા છે. દક્ષિણ સ્વીડનના સરોવરપટ પ્રદેશને અવતલનના ઉદાહરણરૂપ ગણાવી શકાય. ફિનલૅન્ડમાં આવેલાં અસંખ્ય (આશરે 60,000) સરોવરો પણ આ રીતે જ અસ્તિત્વમાં આવેલાં છે.

બાલ્ટિક ભૂકવચની પશ્ચિમે કૅલિડોનિયન પર્વતો, પશ્ચિમ સ્કૅન્ડિનેવિયા, સ્કૉટલૅન્ડની ઊંચી ભૂમિ તથા ઉત્તર આયર્લૅન્ડ આવેલાં છે. આ બધો પહાડી પ્રદેશ કૅલિડોનિયન ગિરિનિર્માણની પેદાશ છે. ટર્શિયરી કાળની આલ્પાઇન ગિરિનિર્માણક્રિયાની અસરથી આ પ્રદેશોમાં કેટલાક સ્તરભંગો પણ ઉદભવેલા છે. તેને પરિણામે ઉત્તર આયર્લૅન્ડના કેટલાક ભાગો નીચે બેસી જતાં અધોભૂમિ રચાઈ છે. અહીંનો પહાડી પ્રદેશ સામાન્ય રીતે 915થી 1,220 મીટરની ઊંચાઈ ધરાવે છે. ઊંચાં શિખરોમાં નૉર્વેનું ગાલ્હોપિગન (Galdhopigen) (2,592.5 મીટર), ગ્લિટરટિંગ (2,482.7 મીટર) અને સ્કૉટલૅન્ડના બેન નેવિસ(1,343.3 મીટર)નો સમાવેશ થાય છે. આ શિખરો નાઇસ કે ગૅબ્રો ખડકોથી બનેલાં છે.

ચતુર્થ જીવયુગ દરમિયાન પ્રવર્તેલા હિમયુગોમાં સ્કૅન્ડિનેવિયાનો સમગ્ર પ્રદેશ હિમાચ્છાદિત હતો. તેમાંથી નીકળેલી હિમનદીઓની ઘસારાની ક્રિયાથી ‘U’ અને ‘V’ આકારની ખીણો રચાઈ છે. નૉર્વેના પશ્ચિમ કિનારાનો પ્રદેશ નીચે બેસી જતાં તેમાં પાણી ભરાવાથી ફિયૉર્ડની રચના થયેલી છે. ઉત્તર સમુદ્ર, બાલ્ટિક સમુદ્ર, ડોવરની ખાડી અને ઇંગ્લિશ ખાડીની રચના પણ આ જ રીતે થયેલી છે.

(3) મધ્ય યુરોપીય પહાડી પ્રદેશ અથવા હર્સિનિયન પહાડી પ્રદેશ : સાઇબીરિયાથી પોલૅન્ડ સુધીના યુરોપીય વિસ્તારમાં પર્મો-કાર્બોનિફેરસ કાળગાળા દરમિયાન હર્સિનિયન પર્વતમાળા રચાઈ. આ પર્વતો ત્યારે તો ઊંચા હતા, પરંતુ કાળક્રમે ઘસાતા જઈને મેદાનોમાં ફેરવાયા છે. ટર્શિયરી કાળની આલ્પાઇન ગિરિનિર્માણક્રિયાથી ઉદભવેલા સ્તરભંગોની અસર હેઠળ ત્યાં 610થી 1,830 મીટર ઊંચા ખંડ પર્વતો અને ફાટખીણોની રચના થઈ છે. તેમાં હાર્ઝ પર્વતો, બ્લૅક ફૉરેસ્ટ, વૉસ્જિસ, રહાઇન ગ્રેબન, બોહીમિયાનો ઉચ્ચપ્રદેશ, સ્પેનનો ઉચ્ચપ્રદેશ, કૉર્સિકા અને સાર્ડિનિયા મુખ્ય છે.

(4) આલ્પ્સ હારમાળા : આ હારમાળા યુરોપની દક્ષિણે ફ્રાન્સ-ઇટાલી સરહદથી શરૂ થઈ, ઉત્તર તરફ વળાંક લઈ, પૂર્વ તરફ આગળ વધી વિયેના નજીક ડૅન્યૂબની ખીણમાં પૂરી થાય છે. ટર્શિયરી કાળ દરમિયાન તે ઊંચકાઈ આવી તે અગાઉ તેને સ્થાને આવેલા ભૂસંનતિમય થાળામાં ટેથિસ સમુદ્ર અસ્તિત્વ ધરાવતો હતો. તેમાં થયેલી ઘણી જાડાઈવાળી કણજમાવટનું ઉત્થાન થવાથી આ ગેડ પર્વતમાળા રચાયેલી છે. આ ગેડ પર્વતો ગ્રૅનાઇટનાં અંતર્ભેદનો સહિત જળકૃત અને વિકૃત ખડકોથી બનેલા છે, વળી તે ધસારા, સ્તરભંગો અને નેપ રચનાઓનાં લક્ષણોવાળી પણ છે. મા બ્લાં (Mont Blanc) તેનું ઊંચામાં ઊંચું (4,807 મીટર) શિખર છે. આલ્પ્સનો ઉત્તર ભાગ આલ્પાઇન અને દક્ષિણ ભાગ દિનારિક હારમાળા તરીકે ઓળખાય છે. હિમનદીઓએ અહીં U આકારની ખીણોની પણ રચના કરેલી છે.

(5) મધ્ય યુરોપનું મેદાન : આ મેદાન રશિયાથી છેક બિસ્કેના ઉપસાગર સુધી વિસ્તરેલું છે. નૈર્ઋત્ય અને ઉત્તર ફ્રાન્સમાં ચૂનાખડકો, ચૉક, રેતીખડકો અને મૃદખડકો આવેલા છે. અહીં હિમનિક્ષેપોને કારણે ભૂમિ અસમતળ બનેલી છે. હિમઅશ્માવલીઓના કેટલાક ઢગ 305 મીટરથી પણ વધુ ઊંચા છે. મધ્ય ડેન્માર્કના અંતરિયાળમાં હિમઅશ્માવલીની શ્રેણી આવેલી છે. ડેન્માર્ક, જર્મની, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) અને બેલ્જિયમના કિનારાના અંદર તરફના ભાગો સમુદ્રસપાટીથી પણ નીચા છે.

યુરોપ ખંડમાં આવેલી મુખ્ય પર્વતમાળાઓ આ પ્રમાણે છે : આલ્પ્સ, પિરિનિઝ, પિનાઇન, કાર્પેથિયન, કૉકેસસ, બાલ્કન અને સિયેરા નેવાડા (દક્ષિણ સ્પેન).

જળપરિવાહ : યુરોપમાં નદીઓ ઘણી છે, પરંતુ તે પૈકીની મોટાભાગની નદીઓ નાની છે. તે જ્યાં થઈને વહે છે, ત્યાંના વ્યસ્ત ઔદ્યોગિક વિસ્તારો માટે ઘણી મહત્વની બની રહેલી છે. આ ઉપરાંત તે સિંચાઈ અને  જળવિદ્યુત મેળવવા માટે પણ ઉપયોગી છે. યુરોપની નદીઓને ત્રણ જૂથમાં વહેંચી શકાય તેમ છે : (1) ગેડ પર્વતોમાંથી નીકળતી, ઉત્તર તરફ વહેતી નદીઓ; (2) પર્વતોમાંથી દક્ષિણ તરફ વહેતી નદીઓ અને (3) રશિયાની નદીઓ.

હિમાચ્છાદિત આલ્પ્સ, સ્વિટ્ઝર્લૅન્ડ

યુરોપની મહત્વની અને જાણીતી નદીઓમાં જર્મનીની ર્હાઇન (1,120 કિમી.), એલ્બ અને ઓડર; ફ્રાંસની ર્હોન, લૉઇર અને સીન તથા પોલૅન્ડની વિસ્તુલા અને ઇટાલીની પો જેવી નદીઓનો સમાવેશ થાય છે. રશિયા સિવાયના યુરોપીય વિસ્તારમાં જળમાર્ગ માટે રહાઇનનું ઘણું મહત્વ છે. ઉત્તર આલ્પ્સમાંથી નીકળતી, લંબાઈમાં બીજા ક્રમે આવતી અને મહત્વની ગણાતી ડૅન્યૂબ નદી (2,860 કિમી.) પૂર્વ-અગ્નિ (ESE) તરફ વહે છે, કાળા સમુદ્રને મળતાં પહેલાં તે પર્વતની ત્રણ મહત્વની હારમાળાઓને વીંધે છે. વૉલ્ગા યુરોપની લાંબામાં લાંબી (3,531 કિમી.) નદી છે. આર્કટિક મહાસાગર, બાલ્ટિક સમુદ્ર અને ડૉન નદીનાં જળને વૉલ્ગા સાથે સાંકળીને પરિવહન માટે ઘણી નહેરો ઊભી કરવામાં આવી છે. આ નદી આસ્ટ્રિખાન બંદર ખાતે કાસ્પિયન સમુદ્રને મળે છે. રશિયાનો મોટો ભાગ વૉલ્ગાના થાળામાં આવેલો છે. રશિયાની અન્ય નદીઓમાં નીપર, ડૉન, ઉત્તર ડ્વિના અને પશ્ચિમ ડ્વિનાનો સમાવેશ થાય છે.

યુરોપની અન્ય મહત્વની નદીઓમાં સ્પેન અને પૉર્ટુગલની ડોરો, ટૅગસ, ગ્વાડિયાના અને ગ્વાડાલ્ક્વી વીરનો સમાવેશ થાય છે. તે બધી ઍટલાંટિકમાં ઠલવાય છે. એબ્રો ભૂમધ્ય સમુદ્રને મળે છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડની ટેમ્સ, જર્મનીની વેસર અને રશિયાની નેમાન નદીઓ પણ અગત્યની છે.

સરોવરો : કાસ્પિયન સમુદ્ર વાસ્તવમાં દુનિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે. તેનો પૂર્વ ભાગ એશિયાઈ અને પશ્ચિમ ભાગ યુરોપીય રશિયામાં આવેલો છે. આ કારણથી તેને સમુદ્ર તરીકે ઓળખાવવામાં આવે છે. તે બધી બાજુએ ભૂમિથી ઘેરાયેલું છે અને તેનું ક્ષેત્રફળ આશરે 3,72,000 ચોકિમી. જેટલું છે. તેનો ઉત્તર કિનારો સમુદ્રસપાટીથી 28 મીટર જેટલો નીચે આવેલો છે. યુરોપનું તે સૌથી ઊંડું સ્થળ ગણાય છે.

યુરોપમાં આવેલાં મીઠા પાણીનાં સરોવરોનો કુલ વિસ્તાર 1,37,000 ચોકિમી. જેટલો છે. રશિયાની વાયવ્યમાં આવેલું લાડોગા સરોવર યુરોપમાં સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. તેનું ક્ષેત્રફળ 17,703 ચોકિમી. જેટલું છે. ઇંગ્લૅન્ડનો લેક ડિસ્ટ્રિક્ટ સરોવરોનો પ્રદેશ ગણાય છે. એ જ રીતે ફિનલૅન્ડમાં પણ અસંખ્ય (60,000) સરોવરો આવેલાં છે. આ કારણે તેને ‘હજારો સરોવરોની ભૂમિ’ તરીકે ઓળખવામાં આવે છે. આશરે 1,760 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું સાઇમા (Saimaa) સરોવર અહીંનું મોટામાં મોટું સરોવર ગણાય છે. ફિનલૅન્ડની 3,38,145 ચોકિમી. ભૂમિ પૈકી 33,522 ચોકિમી. ભૂમિ સરોવરોના જળવિસ્તારથી આવૃત છે.

આબોહવા : શિયાળાની ઋતુમાં યુરોપ પશ્ચિમિયા પવનોની અસર હેઠળ આવતું હોવાથી ઍટલાન્ટિક મહાસાગર પરથી ફૂંકાતા ગરમ અખાતી પ્રવાહની અસર વરતાય છે. ખંડનો પૂર્વ ભાગ દરિયાથી દૂર હોવાથી આ અસર હેઠળ આવતો નથી, પરંતુ તે મધ્ય એશિયાના વિશાળ ભૂમિસમૂહની નજીક હોવાથી અતિવિષમ ઠંડી આબોહવા અનુભવે છે. પશ્ચિમ ભાગથી પૂર્વ ભાગ તરફ જેમ જેમ અંતરિયાળ ભૂમિમાં જઈએ તેમ તેમ ઠંડું વાતાવરણ થતું જાય છે. અહીં ભેજવાળા પવનો પશ્ચિમ તરફથી આવે છે, તેથી ખંડનો પશ્ચિમ ભાગ તેના પૂર્વ ભાગ કરતાં વધુ વરસાદ મેળવે છે.

યુરોપના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમમાં શિયાળા લાંબા અને ઠંડા તથા ઉનાળા ટૂંકા અને ગરમ રહે છે. સામાન્ય રીતે ખંડના મોટાભાગના વિસ્તારમાં 500થી 1,500 મિમી. જેટલો, જ્યારે પર્વતીય હારમાળાની પશ્ચિમે 2,000 મિમી. કરતાં વધુ વરસાદ પડે છે તેમાં પશ્ચિમ બ્રિટન અને પશ્ચિમ નૉર્વેનો સમાવેશ થાય છે.

ઉનાળાની ઋતુમાં ખંડનો ઉત્તર ભાગ નૈર્ઋત્યના પ્રતિવ્યાપારી પવનોની અસર હેઠળ આવે છે. યુરોપનો દક્ષિણ ભાગ અર્થાત્ ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલા દેશો ભારે દબાણના પટ્ટામાં આવે છે. આ વિભાગ અયનવૃત્તોથી બહાર છે. ભારે દબાણના પટ્ટાને કારણે ઈશાની વ્યાપારી પવનોની અસર હેઠળ આવે છે, તેથી ઉનાળામાં ભૂમધ્ય સમુદ્રની આજુબાજુનો પ્રદેશ ઠંડી અનુભવતો નથી. ત્યાં ઍટલાન્ટિક પરથી ભેજવાળા પવનો આવતા નથી, પરંતુ ત્યાં ગરમી પ્રવર્તે છે, વરસાદ પડતો નથી. આ પ્રકારની વિશિષ્ટ આબોહવા ભૂમધ્ય સમુદ્રની આબોહવાના નામથી ઓળખાય છે.

ખંડનો આ સિવાયનો બાકીનો ઉત્તરતરફી ભાગ પ્રમાણમાં ઓછો ઠંડો રહે છે. વસંતઋતુમાં રશિયાનો આંતરખંડીય ભાગ પશ્ચિમ કિનારાની તુલનામાં વધુ ગરમી અનુભવે છે. તેમ છતાં દક્ષિણ રશિયાના ભાગમાં લઘુ દબાણનો પટ્ટો ઊભો થાય છે, ત્યારે સ્ટેપ-વિસ્તારમાં થોડોઘણો વરસાદ પડી જાય છે. આ ઉપરાંત વાયવ્ય તેમજ મધ્ય યુરોપનો ભાગ ઉનાળુ વરસાદ વખતે પશ્ચિમિયા પવનોના પટ્ટામાં આવતો હોઈ ચક્રવાત અને પ્રતિચક્રવાતની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ટૂંકમાં, આબોહવાના સંદર્ભમાં યુરોપને નીચે મુજબના ત્રણ પટ્ટાઓમાં વિભાજિત કરી શકાય :

આબોહવાના પટ્ટા : (1) ઈશાન યુરોપનો ઠંડો સમશીતોષ્ણ કટિબંધનો પટ્ટો; (2) અગ્નિ યુરોપ(દક્ષિણ રશિયા)નો ખંડીય સમશીતોષ્ણ કટિબંધનો પટ્ટો; (3) વાયવ્ય યુરોપ, મધ્ય યુરોપ અને મધ્ય રશિયાના ત્રણ પેટાપટ્ટાઓ.

યુરોપની આબોહવા વિવિધતા ધરાવતી હોવા છતાં સમગ્ર ખંડની આબોહવા સરેરાશ રીતે જોતાં નરમ રહે છે. એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપનાં કેટલાંક સ્થળો (દા.ત., અર્કુટ્સ્ક, કૅનેડાનું કૅલગરી (Calgary) અને જર્મનીનું બર્લિન) એક જ અક્ષાંશ પર આવેલાં હોવા છતાં એશિયા અને ઉત્તર અમેરિકાની તુલનામાં યુરોપની આબોહવા નરમ ગણાય છે. જાન્યુઆરીમાં બર્લિનનું તાપમાન કૅલગરી કરતાં 8° સે. ઊંચું અને અર્કુટ્સ્ક કરતાં 22° સે. ઊંચું રહે છે.

યુરોપમાં નરમ આબોહવા રહેવાનું મુખ્ય કારણ સમુદ્ર તરફથી વાતા હૂંફાળા પવનો છે. તે ઍટલાંટિકને ઓળંગીને આવે છે. ગલ્ફ-સ્ટ્રીમનો ગરમ પ્રવાહ આ માટે જવાબદાર ગણાય છે. ઉત્તર ઍટલાંટિક પ્રવાહ સુધી તેની અસર વરતાય છે. આ પવનોની અસરને અવરોધનાર પર્વતોની કોઈ હારમાળા વચ્ચે આવતી નથી. આ કારણે નૉર્વે ઉત્તર અક્ષાંશો (આકર્ટિક વિસ્તાર) પર આવેલું હોવા છતાં તેમજ શિયાળામાં હિમવર્ષા થતી હોવા છતાં તેનાં બંદરો લગભગ બારે માસ ખુલ્લાં રહે છે. બારે માસ વ્યસ્ત રહેતું અને ખુલ્લું રહેતું હૅમરફેસ્ટ બંદર તેનું ઉદાહરણ છે.

વનસ્પતિ : યુરોપમાં કુદરતી વનસ્પતિ ધરાવતા ત્રણ પ્રકારના પ્રદેશો જોવા મળે છે : (1) જંગલો : મધ્ય અને દક્ષિણ યુરોપમાં ગીચ વસ્તીને કારણે જંગલોનો લગભગ સંપૂર્ણપણે નાશ થયો છે; પરંતુ ઉત્તર યુરોપના વિસ્તારોમાં શંકુદ્રુમ અથવા કાયમી લીલાં જંગલો જોવા મળે છે. તેમાં ફર, લાર્ચ, પાઇન અને સ્પ્રૂસ મુખ્ય છે. યુરોપમાં બાંધકામ અને કાગળ-ઉત્પાદન માટે જરૂરી કાચો માલ જંગલોમાંથી મળી રહે છે. ઉત્તરનાં જંગલોનાં વૃક્ષોનાં પાન સોય જેવાં તીક્ષ્ણ હોય છે, જ્યારે રશિયાના પ્રદેશોને બાદ કરતાં મધ્ય અને દક્ષિણના પ્રદેશોમાં વૃક્ષોનાં પાન પ્રમાણમાં પહોળાં હોય છે. ત્યાં ઍશ, બીચ, બર્ચ, એલ્મ, ઓક અને મેપલ મુખ્ય છે. ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં કૉર્ક અને ઑલિવનાં વૃક્ષો વિશેષ છે, શિયાળામાં તેમનાં પાન ખરતાં હોતાં નથી.

(2) ઘાસના પ્રદેશો : યુરોપમાં ઘાસના બે પ્રકારના વિસ્તારો આવેલા છે. સ્ટેપ પ્રદેશના સૂકા વિસ્તારમાં ટૂંકા ગાળા માટે ઘાસ ઊગી નીકળે છે. આ પ્રદેશો ડૅન્યૂબના નીચાણવાળા ભાગોમાંથી શરૂ થઈને અગ્નિ તરફ આવેલી યુરોપીય રશિયાની સીમા સુધી વિસ્તરેલા છે. ઘાસભૂમિના અન્ય વિસ્તારો વિશાળ મેદાની પ્રદેશો તથા મધ્ય યુરોપના પ્રદેશોમાં આવેલા છે. આ મેદાની પ્રદેશો ફળદ્રૂપ હોવાથી અહીંના ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન મળ્યું છે.

(3) ટુન્ડ્ર પ્રદેશો અને ઊંચાઈએ આવેલા પહાડી પ્રદેશો : આ પ્રદેશો પ્રમાણમાં ઠંડા અને વૃક્ષવિહીન રહે છે. ટુન્ડ્ર પ્રદેશો યુરોપીય આકર્ટિકને કિનારે આવેલા છે. આ વિસ્તાર બારે માસ થીજેલો રહે છે. ઉનાળાની ટૂંકી ઋતુમાં સમગ્ર વિસ્તારમાં હિમગલન થવાથી 300થી 600 મિમી. જેટલું પાણી ભરાઈ જાય છે. આથી પંકપ્રદેશો, તળાવો અને ડહોળા પાણીના વિસ્તારો બની રહે છે. આ દરમિયાન લીલ, શેવાળ, ઝાડવાં અને જંગલી ફૂલો ઊગી નીકળે છે. ઊંચા પહાડી પ્રદેશોમાં પણ સમકક્ષ પરિસ્થિતિ જોવા મળે છે.

પ્રાણીજીવન : યુરોપમાં જોવા મળતાં હિંસક પ્રાણીઓ મુખ્યત્વે માનવ-દુર્લભ સ્થાનોમાં વસે છે અથવા રાષ્ટ્રીય ઉદ્યાનો/અભયારણ્યોમાં વિચરે છે. કથ્થાઈ રંગનાં રીંછ જેવાં હિંસક પ્રાણીઓ રશિયા અને સ્કૅન્ડિનેવિયામાં જોવા મળે છે.

યુરોપના લગભગ બધા જ ભાગોમાં શિયાળ અને વરુ; નૈર્ઋત્ય ભાગમાં શૃંગી હરણ; ભૂમધ્ય સમુદ્રથી આકર્ટિક સુધીના પ્રદેશમાં એલ્ક, રેન્ડિયર અને વિવિધ જાતનાં હરણ; જ્યારે સીલ આકર્ટિક-ઍટલાંટિક અને ભૂમધ્ય સમુદ્રમાં જોવા મળે છે. આ ઉપરાંત અન્ય પ્રાણીઓમાં નિશાચર પ્રાણીઓ, સસલાં, છછુંદર, જળબિલાડી, જંગલી ભુંડ તથા પક્ષીઓમાં ગરુડ, બાજ, ફિન્ચ, ચકલી, ઘુવડ, કબૂતર વગેરેનો સમાવેશ થાય છે. ઍટલાંટિક, બાલ્ટિક, આકર્ટિક, કાસ્પિયન સમુદ્ર, કાળો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર જેવા જળવિસ્તારોમાં માછલીઓનું વિપુલ પ્રમાણ જોવા મળે છે. તેમાં કૉડ, ફ્લાઉન્ડેર, હેરિંગ, સાલમન, સાર્ડિન, ટ્રાઉટ, ટ્યૂના અને સ્ટર્જિયૉન મુખ્ય છે.

ખેતીપશુપાલન : સમગ્ર યુરોપની કુલ ભૂમિની 50 % જમીનો ખેતી હેઠળ ઉપયોગમાં લેવાય છે. આશરે 60 % લોકો ખેતી-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. અહીંની સમધાત આબોહવા અને ફળદ્રૂપ જમીનોને કારણે ખેતી સફળ નીવડે છે. પૂર્વ અને મધ્ય યુરોપના પ્રદેશોમાં ખેતીનો વધુ વિકાસ થયેલો છે. એ જ રીતે ઘાસના ઉત્તમ ચરિયાણના વિસ્તારોને લીધે પશુપાલન-પ્રવૃત્તિ પણ વધુ વિકસી છે. 60° ઉ. અક્ષાંશ સુધીના અનુકૂળ પ્રદેશોમાં ઘઉંની ખેતી થાય છે. વધુ ઉત્તરે શંકુદ્રુમ પ્રકારની વનસ્પતિ ઊગે છે, સૂકા પ્રદેશોમાં સિંચાઈ ઉપલબ્ધ થતાં ત્યાં પણ ખેતી-પ્રવૃત્તિ વિકસતી જાય છે.

પશ્ચિમ યુરોપ અને રશિયાના પ્રદેશોમાં અતિ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે છે. અહીંના મોટાભાગના દેશોમાં જવ, ઓટ, બટાટા, રાય, શુગરબીટ અને ઘઉંની ખેતી થાય છે. આ ઉપરાંત ફ્લૅક્સ, મકાઈ, વાલ, વટાણા અને તમાકુની ખેતી પણ થાય છે. ખેતી હેઠળની જમીનોના 50 % ભાગમાં ઘઉં જેવા ખાદ્યપાકો થાય છે. ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં ઑલિવ અને રસવાળાં ખાટાં ફળોની ખેતી થાય છે.

પશુપાલન યુરોપના દેશોની મુખ્ય પ્રવૃત્તિ છે. આ કારણે ડેન્માર્ક, ગ્રેટ બ્રિટન અને હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) જેવા વાયવ્ય ભાગોમાં ડેરી-વિકાસ વધુ થયો છે. યુરોપનાં મેદાનો, પહાડી પ્રદેશો અને જંગલપ્રદેશોમાં પશુઓ માટેના ચરિયાણ-વિસ્તારો ઊભા કરાયા છે. દુનિયાનાં શ્રેષ્ઠ પ્રકારનાં પશુસંવર્ધન-કેન્દ્રો યુરોપમાં છે. ખાસ કરીને ગ્રેટ બ્રિટનમાં હેરિફર્ડ અને જર્સી ગાયનાં તેમજ વિવિધ જાતનાં ઘેટાંનાં પ્રજનન તેમજ ઉછેરકેન્દ્રો આવેલાં છે.

મત્સ્યપ્રવૃત્તિ : યુરોપના લોકોના ખોરાકમાં માછલીનો ઉપયોગ વધુ થાય છે. ઉત્તર સમુદ્ર, ઍટલાંટિક કિનારો અને આકર્ટિક મહાસાગર માછલીઓ પકડવાનાં મુખ્ય ક્ષેત્રો ગણાય છે. દુનિયાના કુલ મત્સ્ય-ઉત્પાદન પૈકી 25 % ઉત્પાદન એકલું યુરોપ કરે છે. એ જ રીતે દુનિયામાં માછલી પકડનાર પ્રથમ દસ દેશોમાં નૉર્વે અને રશિયાનો ક્રમ આવે છે.

ઉદ્યોગો : ઈ.સ.ની બીજી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધ ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ યુરોપમાંથી થયો. તેના પરિણામે 1700 સુધીમાં સર્વપ્રથમ ઉદ્યોગો બ્રિટનમાં સ્થપાયા. તે પછીનાં સો વર્ષ સુધીમાં તો સમગ્ર યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ ઉદ્યોગો ફેલાઈ ગયા. આજે તો દુનિયાનાં પહેલાં દસ ઔદ્યોગિક રાષ્ટ્રોમાં પાંચ રાષ્ટ્રો તો યુરોપનાં હોય છે. તેમાં ફ્રાન્સ, જર્મની, યુ.કે., ઇટાલી અને રશિયા ઔદ્યોગિક ક્ષેત્રે આગળ પડતાં છે. પશ્ચિમ યુરોપના મોટાભાગના ઉદ્યોગો ખાનગી પેઢીઓને હસ્તક છે. કેટલાંક રાષ્ટ્રોમાં અમુક ઉદ્યોગો પર સરકારનું પ્રભુત્વ વધુ હોય છે, દા.ત., ફ્રાન્સ, ઇટાલી જેવા દેશોમાં મોટર અને લોખંડ-પોલાદનું ઉત્પાદન કરતા એકમો રાષ્ટ્રના તાબામાં છે. દુનિયાના ઑટોમોટિવ ઉદ્યોગમાં યુરોપ(જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને યુ.કે.)નો ફાળો કુલ ઉત્પાદનના 30 % જેટલો છે. જહાજો, શસ્ત્રો, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગોમાં પણ યુરોપનો ફાળો વિશેષ છે. રસાયણ-ઉદ્યોગમાં જર્મની, ફ્રાન્સ અને યુ.કે. મોખરે છે. કૃત્રિમ રેસા, ખાદ્યસામગ્રી, કાચ અને સિરૅમિક ઉદ્યોગોમાં પણ આ દેશો જ આગળ પડતું સ્થાન ધરાવે છે.

દુનિયામાં મોટરવાહનોનું ઉત્પાદન કરતી 6થી 10 મહત્વની કંપનીઓ યુરોપમાં આવેલી છે. તેમાં વિશેષ કરીને ઇટાલીની ફિયાટ, ફ્રાન્સની રેનૉલ્ટ, જર્મનીની વૉક્સવૅગન અને સ્વીડનની વૉલ્વો વધુ જાણીતી છે.

આજે યુરોપમાં ચીજવસ્તુઓના વિપુલ ઉત્પાદન માટે આધુનિક તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના યુરોપિયન દેશો તકનીકી કૌશલ્યની ગુણવત્તાનો વિશેષ લાભ મેળવે છે. રશિયા અને અન્ય કેટલાક દેશો પાસે કાચો માલ પૂરતા પ્રમાણમાં હોવાથી તેમણે ખનનકાર્ય માટે આધુનિક યંત્રોનો ઉપયોગ ઓછો કર્યો છે. યુરોપના કેટલાક દેશો લોહ-અયસ્ક, ખનિજતેલ અને લાકડાંની આયાત કરે છે.

કોલસાનું ખનનકાર્ય યુરોપનો મહત્ત્વનો ઉદ્યોગ છે. દુનિયાના કોલસાના કુલ ઉત્પાદનના અડધા ભાગનો કોલસો યુરોપમાંથી પ્રાપ્ત થાય છે. દુનિયાભરમાં સૌથી વધુ મહત્વનો ગણાતો ઔદ્યોગિક પ્રદેશ જર્મનીનો રુહરનો પ્રદેશ ગણાય છે. અહીં કોલસાનાં ક્ષેત્રો; રાસાયણિક એકમો તેમજ લોખંડ-પોલાદ, યંત્રો, કાપડ અને પરિવહન જેવા ઉદ્યોગો વિકસ્યા છે.

ગ્રેટ બ્રિટનથી કાસ્પિયન સમુદ્ર સુધીના વિસ્તારમાં યુરોપનાં સૌથી મહત્વનાં ખનિજક્ષેત્રો આવેલાં છે. ખનિજક્ષેત્રોને કારણે અહીં ખનનપ્રવૃત્તિ વધુ વિકસી છે, તેમાં પણ વિશેષ કરીને રશિયા ખનનપ્રવૃત્તિમાં મોખરે છે. દુનિયાનું 1/6 ભાગનું ખનિજતેલ, 1/3 ભાગનું લોખંડ અને કુદરતી વાયુ તથા 1/2 ભાગનો કોલસો યુરોપમાંથી મેળવાય છે. સ્વીડન, જર્મની અને રશિયા લોહ-અયસ્કના ઉત્પાદનમાં અગ્રસ્થાને છે. રશિયા, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) અને ગ્રેટ બ્રિટન કુદરતી વાયુનું; રશિયા, નૉર્વે અને ગ્રેટ બ્રિટન ખનિજતેલનું તેમજ રશિયા ક્રોમાઇટ, મૅંગેનીઝ, નિકલ, પ્લેટિનમ, ચાંદી, જસત, સીસું અને પોટાશનું ઉત્પાદન કરે છે.

સંચાલનશક્તિનાં સાધનો : યુરોપના ઔદ્યોગિક વ્યવહારમાં શક્તિનાં સાધનોનો ફાળો મહત્વનો છે. યુરોપમાં ખનિજતેલ અને કુદરતી વાયુ, કોલસો, અણુઊર્જા, સમુદ્રની ભરતી, પાણી અને વરાળ દ્વારા વિદ્યુત મેળવાય છે. દુનિયામાં કોલસાના ઉપયોગમાં યુરોપનું સ્થાન આગળ પડતું છે; કારણ કે દુનિયાના કોલસાના કુલ ઉત્પાદનમાં યુરોપનો ફાળો 1/2 જેટલો છે; પરંતુ વર્તમાન સંજોગોમાં પ્રદૂષણને કારણે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ ઘટતો જાય છે. ખનિજતેલની માંગ સંતોષાતી ન હોવાથી યુરોપના દેશો મધ્યપૂર્વના દેશોમાંથી ખનિજતેલની અને આફ્રિકામાંથી કુદરતી વાયુની આયાત કરે છે. જર્મની અને ફ્રાન્સ જેવાં રાષ્ટ્રો આજે સહિયારાં અણુવિદ્યુત-મથકો ઊભાં કરીને વિકાસ સાધી શક્યાં છે. યુરોપના દેશો પર્યાવરણને નુકસાન ન થાય તે માટે વધુ જાગ્રત છે, તેમ છતાં 1986માં યુક્રેન ખાતે ચર્નોબિલની જે ઘટના ઘટેલી તેથી તેઓ હવે વધુ સજાગ બન્યા છે.

પરિવહનસંદેશાવ્યવહાર : દુનિયાભરમાં પરિવહનક્ષેત્રે ઉત્તમ સુવિધા યુરોપમાં જોવા મળે છે. તેમાં હવાઈ માર્ગો, દરિયાઈ માર્ગો, આંતરિક જળમાર્ગો, રેલમાર્ગો અને સડકમાર્ગોનો સમાવેશ થાય છે; એટલું જ નહિ, તેની ઉત્તમ વ્યવસ્થા પણ અહીં જોવા મળે છે. જર્મનીમાં ચારમાર્ગી રસ્તાઓ આવેલા છે. દુનિયાના કુલ રેલમાર્ગોના ચોથા ભાગના રેલમાર્ગો યુરોપમાં આવેલા છે. યુરોપનો એક્સપ્રેસ રેલ માર્ગ દુનિયાનો ઉત્તમ માર્ગ ગણાય છે. યુરોપના મોટાભાગના લોકો આ રેલમાર્ગનો ઉપયોગ વધુ કરે છે. યુરોપમાં નવ દેશોનાં મુખ્ય શહેરોને સાંકળતી ઇન્ટરસિટી એક્સપ્રેસ આવેલી છે. તેમાં વીઝા અને કસ્ટમની વિધિ ચાલુ ટ્રેને જ પતી જાય છે. માલસામાનની હેરફેર મુખ્યત્વે દરિયાઈ માર્ગે થાય છે. પર્વતીય વિસ્તારોમાં બોગદાંઓનું નિર્માણ કરીને રેલ અને સડકમાર્ગોનો વિકાસ કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં મોટરમાર્ગ માટેનાં સૌથી લાંબાં ચાર બોગદાં તથા રેલવ્યવહાર માટેનાં પાંચ બોગદાં યુરોપમાં આવેલાં છે. આલ્પ્સ પર્વતની આરપાર પસાર થતું ‘સેંટ ગોથાર્ડ ટનલ’ નામથી ઓળખાતું 16.32 કિમી લાંબું મોટરમાર્ગ બોગદું, દુનિયાનું સૌથી લાંબું બોગદું ગણાય છે. દુનિયાનું રેલમાર્ગ માટેનું સૌથી લાંબું બોગદું સ્વિટ્ઝર્લૅન્ડ-ઇટાલીને સાંકળે છે, તેની લંબાઈ 19.8 કિમી. છે. ગ્રેટબ્રિટન અને ફ્રાન્સ વચ્ચે ઇંગ્લિશ ચૅનલના તળ હેઠળ પણ બોગદું તૈયાર કરવામાં આવ્યું છે.

યુરોપની હવાઈ સેવાઓનો લાભ આખો યુરોપ ખંડ અને દુનિયાના દેશો મેળવે છે. તેમાં સ્કૅન્ડિનેવિયન એર લાઇન્સ, રૉયલ એર લાઇન્સ હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ), એરોફ્લોટ (રશિયા) મુખ્ય છે, એરોફ્લોટ સરકાર હસ્તક છે અને વિશ્વની સૌથી મોટી હવાઈ સેવા ગણાય છે.

યુરોપની નદીઓ અને નહેરમાર્ગો પણ પરિવહનક્ષેત્રે મહત્વનો ફાળો આપે છે. દુનિયાનાં કુલ દરિયાઈ જહાજોની સેવાની અડધા ભાગની સેવા યુરોપને હસ્તક છે. દુનિયાના દરિયાઈ માર્ગો પર વર્ચસ્ ધરાવનારા પહેલા દસ દેશોમાં ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, ગ્રીસ, ઇટાલી, નૉર્વે અને રશિયાનો સમાવેશ થાય છે. દુનિયામાં સૌથી વધુ ગીચ ટ્રાફિક ધરાવતાં બંદરોમાં રૉટર્ડૅમ હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) પ્રથમ ક્રમે આવે છે. અન્ય બંદરોમાં ઍન્ટવર્પ (બેલ્જિયમ, જિનીવા (ઇટાલી), હાર્વે અને માર્સેલ્સ (ફ્રાન્સ), લંડન (યુ.કે.) તથા હૅમ્બર્ગનો સમાવેશ થાય છે.

યુરોપભરમાં સંદેશાવ્યવહારની આધુનિક પદ્ધતિ જોવા મળે છે. યુરોપનો દરેક દેશ રેડિયો અને ટેલિવિઝનની પ્રસારણ-સેવા પોતાની રીતે કરે છે. બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશનનું સ્થાન આ પૈકી મોખરાનું ગણાય છે. કમ્પ્યૂટર અને ઇન્ટરનેટની સેવાઓનો લાભ પણ મળે છે. યુરોપનો દરેક દેશ પોતાનાં વર્તમાનપત્રો પણ પ્રગટ કરે છે, તેમાં બ્રિટનનું ‘ડેઇલી મિરર’ વધુ જાણીતું છે. રશિયામાંથી પ્રગટ થતાં ‘પ્રવદા’ અને ‘ઇઝવેસ્તિયા’ પણ એટલાં જ મહત્વનાં ગણાય છે.

વેનિસ નગરમાં વહેતી નહેરો અને માલસામાનના સ્થળાંતર માટે તેમાં ફરતી નૌકાઓ

પ્રવાસન : બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછી યુરોપના અર્થતંત્રમાં પ્રવાસન-ઉદ્યોગનો ફાળો મહત્વનો રહ્યો છે. યુરોપના દેશોની રાષ્ટ્રીય આવકમાં 50 % જેટલો ફાળો પ્રવાસ-ઉદ્યોગનો છે.

યુરોપની આબોહવા સમશીતોષ્ણ પ્રકારની હોવાથી વાતાવરણ ખુશનુમા રહે છે. ભૂમધ્ય સમુદ્રકિનારે આવેલા દેશોની આબોહવા વિશિષ્ટ પ્રકારની હોવાથી અહીં અનેક પ્રવાસધામો વિકસ્યાં છે. સાયપ્રસ, માલ્ટા, સિસિલી જેવા ટાપુઓ પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો બની રહેલાં છે. ઐતિહાસિક ર્દષ્ટિએ વધુ જાણીતાં બનેલાં શહેરોમાં લંડન, પૅરિસ, બર્લિન, વિયેના, મૉસ્કો, મૅડ્રિડ, બુડાપેસ્ટ, મ્યૂનિક, બર્મિંગહામનો અને ધાર્મિક ર્દષ્ટિએ વધુ મહત્વનાં શહેરોમાં વૅટિકન સિટીનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક મહત્વ ધરાવતાં શહેરોમાં માન્ચેસ્ટર, લેઓન, શેફીલ્ડ, રોટર્ડૅમ, ઍન્ટવર્પ, માર્સેલ્સ, જિનીવા, કોપનહેગન અને હૅમ્બર્ગ છે. એ જ રીતે ભૌગોલિક ર્દષ્ટિએ અગત્યનાં શહેરોમાં સ્વિટ્ઝર્લૅન્ડ છે. આર્થિક ર્દષ્ટિએ સુખી-સંપન્ન વિદેશીઓ અહીંના દેશોની મુલાકાત લેવાનું પસંદ કરતા હોવાથી અહીં હોટેલ-ઉદ્યોગ પણ વધુ વિકસેલો છે.

વસ્તીલોકો : સમગ્ર યુરોપની કુલ વસ્તી આશરે 72,94,06,000 (2001) જેટલી છે. સરેરાશ વસ્તીવૃદ્ધિદર 0.3 % જેટલો છે. વિશ્વની કુલ વસ્તીના આઠમા ભાગની વસ્તી યુરોપ ખંડમાં વસે છે. આ પૈકી આશરે 14,47,000 લોકો યુરોપીય રશિયામાં અને 8,24,01,000 કરોડ

ગગનચુંબી ભવનોનું નગર બર્લિન

લોકો જર્મનીમાં વસે છે. વસ્તીની ર્દષ્ટિએ વૅટિકન સિટી (વસ્તી માત્ર 1000) એ યુરોપનો નાનામાં નાનો દેશ છે. યુરોપની વસ્તી-ગીચતા દર ચોકિમી. દીઠ સરેરાશ 66ની છે; પરંતુ મોનૅકો અને હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ)ની વસ્તી-ગીચતા દર ચોકિમી.દીઠ 400ની છે.

યુરોપમાં વસતા લોકોની એક લાક્ષણિકતા એ છે કે તેઓ ચામડીના વર્ણ અને શારીરિક બાંધામાં દુનિયાના અન્ય દેશોના લોકોથી સ્પષ્ટપણે જુદા તરી આવે છે. યુરોપમાં લગભગ બારેક જાતિજૂથો જોવા મળે છે. તેમાં આલ્બેનિયન, ક્રોઍટ, હંગેરિયન, મૅસિડોનિયન, મૉન્ટેનેગ્રિસ, સર્બિયન અને સૉલ્વેનિયન મુખ્ય છે. યુરોપના છેક ઉત્તર છેડાના, રશિયાના ભાગો તેમજ અગ્નિભાગોમાં ઇન્ડો-યુરોપિયન અથવા શ્ર્વેત જાતિના લોકો વસે છે. ઉત્તરના લોકો નૉર્ડિક્સ કહેવાય છે. તેઓ ઊંચા, ફિક્કા વર્ણવાળા, ઓછા વાળવાળા તથા આછા રંગની આંખોવાળા હોય છે. ભૂમધ્ય સમુદ્રની આજુબાજુના દક્ષિણ યુરોપના લોકો ઘેરા રંગની ચામડીવાળા, મધ્યમ કદની ઊંચાઈવાળા, ઘેરા વાળવાળા અને ઘેરી આંખોવાળા હોય છે. આ બે વિભાગોની વચ્ચેના દેશોના લોકો  મધ્ય રશિયા અને મધ્ય યુરોપના લોકો (આલ્પાઇન)  પહોળા સપાટ ચહેરા અને માથાવાળા, ટૂંકા કદના હોય છે. અગ્નિ યુરોપ, હંગેરી અને સ્ટેપ-પ્રદેશમાં મૉંગોલ જાતિના લોકો વસે છે; હંગેરીમાં તેઓ મગ્યાર અને રશિયામાં તેઓ કોસાક નામથી ઓળખાય છે.

યુરોપમાં મોટેભાગે પ્રૉટેસ્ટંટ અને કૅથલિક લોકોનું પ્રમાણ વિશેષ છે. યહૂદીઓ અને મુસ્લિમો પણ છે. અહીં આશરે 50 ભાષાઓ અને 100 બોલીઓ બોલાય છે. યુરોપની પ્રજા દુનિયાભરમાં સૌથી વધુ શિક્ષિત ગણાય છે. 90 % લોકો લખી-વાંચી જાણે છે; માત્ર ચાર દેશોમાં જ શિક્ષણનું સ્તર નીચું છે, તેમાં આલ્બેનિયા, માલ્ટા, પૉર્ટુગલ અને તુર્કીનો સમાવેશ થાય છે. યુરોપમાં દુનિયાની પ્રાચીન અને શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ આવેલી છે. તેમાં લંડન, કેમ્બ્રિજ, ઑક્સફર્ડ અને એડિનબરોની ગણના થાય છે. આ ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓમાં ઇટાલીની બોલોગ્ના, આયર્લૅન્ડની ડબ્લિન, જર્મનીની હાઇડલબર્ગ તથા મૉસ્કો, રોમ, વિયેના અને ઑસ્ટ્રિયાની યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. જુદા જુદા દેશોમાં કેટલાંક પ્રખ્યાત પુસ્તકાલયો પણ છે.

મધ્યકાલીન સ્થાપત્યકલા-મંડિત યુરોપીય ખ્રિસ્તી દેવળ

* અગાઉના યુ.એસ.એસ.આર.નો યુરોપિયન ભાગ (52,69,100 ચોકિમી.) સામેલ છે; ગ્રીસના ઍનાતોલિયા ટાપુઓ પણ તેમાં સામેલ છે; જ્યારે મૅડીરા (794 ચોકિમી.) અને કૅનેરીઝ (7,447 ચોકિમી.) તથા ટર્કી (યુરોપિયન) અને બંને સાયપ્રસનો વસ્તી-વિસ્તાર સામેલ કરેલો નથી.

ઇતિહાસ : યુરોપમાં દસ લાખ વર્ષ પહેલાં પણ માનવવસવાટ હોવાના પુરાવા વૈજ્ઞાનિકોને મળ્યા છે. યુરોપમાં પ્રાગૈતિહાસિક કાળમાં રહેતા લોકો નિયૅન્ડરથલ અને ક્રો-મૅગ્નન હતા. ક્રો-મૅગ્નન લોકો શિકારી તરીકે એક સ્થળેથી બીજે સ્થળે ખોરાકની શોધમાં રખડતા હતા. તેઓ 25થી 30 માણસોના સમૂહમાં રહેતા હતા. ઈ. પૂ. 6000ના અરસામાં અગ્નિ ખૂણે યુરોપમાં રહેતા લોકો ખેતી કરીને તેમનો ખોરાક મેળવતા શીખ્યા હતા. ખેતી શરૂ કર્યા બાદ માણસની ખોરાક મેળવવાની રખડપટ્ટી બંધ થઈ અને સ્થાયી જીવન અને સભ્યતાની શરૂઆત થઈ. એક સ્થળે વસતા લોકોએ ગામો સ્થાપ્યાં અને તેમાંથી ક્રમશ: નગરો થયાં. ઈ. પૂ. 3000ના અરસામાં ઉત્તરનાં ગાઢ જંગલો સિવાયના સમગ્ર યુરોપમાં ખેતીનો ફેલાવો થયો હતો.

ગ્રીસની ઉત્તરે ઇજિયન સમુદ્રમાં આવેલા ટાપુઓ ઉપર યુરોપનો સૌપ્રથમ સાંસ્કૃતિક વિકાસ થયો હતો. ઈ. પૂ. 3000થી 1200 સુધીમાં ઇજિયન સંસ્કૃતિ વિકસી હતી. ખાસ કરીને ક્રીટ તથા બીજા ટાપુઓ ઉપર લોકો લખતાં શીખ્યા હતા. તેઓ સ્થપતિ, કારીગરો અને ચિત્રકારો બન્યા હતા. તેઓ સાહસિક નાવિકો તથા વેપારીઓ પણ હતા. ઇટાલીની દક્ષિણે માલ્ટાના ટાપુમાં પણ એવો સાંસ્કૃતિક વિકાસ થયો હતો. આશરે ઈ. પૂ. 2500 વર્ષ પછી, ઇજિયન ટાપુઓ તથા માલ્ટામાંથી, નાવિકો યુરોપના દક્ષિણ અને પશ્ચિમના કિનારા તરફ વહાણો લઈને ગયા. ત્યાં તેમણે તેમની સભ્યતાનો ફેલાવો કર્યો. ઈ. પૂ. 2000ના અરસામાં રશિયામાંથી ઘોડેસવાર ટોળીઓ દક્ષિણ તથા પશ્ચિમના વિસ્તારોમાં ગઈ અને ત્યાં લડાયક રીતભાત ફેલાવી.

પ્રાચીન સમયમાં ગ્રીસમાં નોંધપાત્ર સાંસ્કૃતિક વિકાસ થયો હતો. ઈ. પૂ. 1200થી 750 સુધીનો ઇતિહાસ ગ્રીસના મહાકવિ હોમરનાં ‘ઇલિયડ’ તથા ‘ઑડિસી’ નામનાં મહાકાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. તેમાંથી તત્કાલીન લોકોનું જીવન, ધર્મ, રીતરિવાજો વગેરેની વિપુલ માહિતી મળે છે. તેથી આ યુગને હોમર યુગ કહે છે. ઈ. પૂ. 750થી 600ના સમયગાળા દરમિયાન રાજાઓની સત્તા નબળી પડી અને ઉમરાવો શક્તિશાળી થયા. તેથી આ યુગને ઉમરાવ યુગ કહે છે. ઉમરાવો વિશાળ જમીનોના માલિક હતા. તેઓ શસ્ત્રો તથા અશ્વદળ રાખતા હતા. તેઓ ચાંચિયાગીરી કરીને શ્રીમંત થયા હતા. તેમણે ગ્રીસનાં સંસ્થાનો સ્થાપ્યાં તથા વેપાર વધાર્યો. તે સમયે ગ્રીસમાં જંગી વહાણો બંધાવા લાગ્યા હતાં.

ઈ. પૂ. 600થી 500 દરમિયાન ગ્રીસનાં નગરરાજ્યોમાંથી લોકનેતાઓએ ક્રાંતિ કરીને ઉમરાવશાહી દૂર કરી. તેઓ વિશાળ સત્તાઓ ભોગવતા હોવાથી સરમુખત્યારો કહેવાય છે. તેમનામાં સોલૉન, પિસિસ્ટ્રૅટસ, ક્લિસ્થેનીઝ વગેરે પ્રખ્યાત સરમુખત્યારો થઈ ગયા. આ સમય દરમિયાન ગ્રીસમાં સાહિત્ય, કલા, વિજ્ઞાન, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ સાધવામાં આવ્યો હતો.

ઍથેન્સમાં સરમુખત્યાર ડ્રેકોએ સૌપ્રથમ લેખિત કાયદાસંગ્રહ તૈયાર કર્યો. તે કાયદા ઘણા કડક હતા. ઈ. પૂ. 594માં સોલૉન ઍથેન્સના આર્કનપદે ચૂંટાયો. તેણે ખેડૂતોનાં દેવાં માફ કર્યાં, ગુલામોને સ્વતંત્રતા આપી, જમીનમાલિકીની ટોચમર્યાદા ઠરાવી તથા આવશ્યક વસ્તુઓની નિકાસબંધી ફરમાવી. પિસિસ્ટ્રૅટ્સે લોકશાહી મજબૂત બનાવી. ક્લિસ્થેનીઝે સરમુખત્યારોના જુલમમાંથી જનતાને છોડાવવા ઑસ્ટ્રેસિઝમ દ્વારા નેતાને દેશનિકાલ કરવાની પ્રથા શરૂ કરી. ઈરાનના સમ્રાટ દરાયસે ઈ. પૂ. 490માં ગ્રીસ જીતવા પ્રચંડ લશ્કર મોકલ્યું. ઍથેન્સના સેનાપતિ મિલ્ટિયાડીઝે મૅરેથોનની લડાઈમાં ઈરાનીઓને સખત પરાજય આપ્યો. ત્યારબાદ ઈરાનના ઝર્કસિસે ગ્રીસ પર પ્રચંડ આક્રમણ કર્યું ત્યારે સ્પાર્ટાના રાજા લિયોનિડાસે થર્મોપિલીના ઘાટમાં ઈરાનીઓનો અપૂર્વ વીરતાથી સામનો કર્યો. આખરે ગ્રીસનાં નગરરાજ્યોના સંયુક્ત લશ્કરે સાલેમિસના નૌકાયુદ્ધમાં તથા માઇકલ અને પ્લેટિયાની લડાઈઓમાં ઈરાનીઓને હરાવ્યા. ઈ. પૂ. 460થી 430 સુધી પેરિક્લીઝ ગ્રીસના નેતા અને મુખ્ય સેનાપતિ તરીકે ચૂંટાયો. તેના સમયમાં ઍથેન્સની લોકશાહી પરાકાષ્ઠાએ પહોંચી તથા સાહિત્ય, કલા, તત્વજ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ. લોકોની સમૃદ્ધિ વધી. આ સમયને ગ્રીસનો તથા ઍથેન્સનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. પેરિક્લીઝે ઍથેન્સના સામ્રાજ્યનો વિકાસ કર્યો તથા તેના નૌકા-કાફલાને અજેય બનાવ્યો.

ગ્રીસની ઉત્તરે આવેલા મૅસિડોનિયાના રાજા ફિલિપ બીજાનો પુત્ર સિકંદર (ઍલેક્ઝાંડર) ઈ. પૂ. 336માં ગાદીએ બેઠો. તે સમયે ગ્રીસનાં નગરરાજ્યો થેસલી, કૉરિન્થ, ઇલિરિયા વગેરેમાં થયેલો બળવો તેણે કચડી નાખ્યો. તેણે ઈરાન, ઇજિપ્ત, બૅક્ટ્રિયા, અફઘાનિસ્તાન તથા તુર્કસ્તાન કબજે કર્યાં. પંજાબના રાજા પુરુને તેણે હરાવ્યો. ઈ. પૂ. 323માં બૅબિલૉનમાં તે મરણ પામ્યો. તે એક મહાન સેનાપતિ હતો; પરંતુ તે ક્રૂર, ઘાતકી, ઘમંડી તથા મિથ્યાભિમાની પણ હતો.

પ્રાચીન યુગમાં ગ્રીસે શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ કર્યો હતો. પ્રજ્ઞાચક્ષુ મહાકવિ હોમરનાં મહાકાવ્યો ‘ઇલિયડ’ તથા ‘ઑડિસી’ વિશ્વપ્રસિદ્ધ છે. હેસિયડ, પિંડાર અને સાઇમૉનિડીઝ જેવા કવિઓ તથા કવયિત્રી સાફો પ્રખ્યાત હતાં. હિરૉડોટસે ઈરાની આક્રમણોનો તથા થૂસિડિડીઝે ‘પેલોપોનીશિયન વિગ્રહો’નો ઇતિહાસ લખ્યો છે. સૉક્રેટીસ, પ્લેટો અને ઍરિસ્ટૉટલ દુનિયાના મહાન તત્વજ્ઞો થઈ ગયા. ગ્રીસમાં ઓલિમ્પિયામાં દર ચાર વર્ષે રમતગમતની સ્પર્ધાઓ યોજાતી. તેની યાદમાં હજી પણ ઓલિમ્પિક રમતો રમાય છે.

ઇટાલીના પશ્ચિમ કિનારે ટાઇબર નદીના કાંઠે આવેલા રોમની સ્થાપના ઈ. પૂ. 735માં થઈ હતી. ઈ. પૂ. 509માં ત્યાંની રાજાશાહી વિરુદ્ધ બળવો કરીને લોકોએ રોમને પ્રજાસત્તાક જાહેર કર્યું. તેનો વહીવટ ચલાવવા વાસ્તે ચૂંટણી કરીને બે કૉન્સલો નીમવામાં આવતા હતા. ત્યાંના સમાજમાં પેટ્રિશિયન અને પ્લેબિયન એવા બે વર્ગો હતા. પેટ્રિશિયનો વિશિષ્ટાધિકારો ભોગવતા, સેનેટમાં બેસતા અને તેમનામાંથી ધર્મગુરુઓ નિમાતા. સામાન્ય લોકો પ્લેબિયન વર્ગમાં આવતા.

ઢળતો મિનારો, પીઝા

પ્રજાસત્તાક રોમે સમગ્ર ઇટાલી તથા ગ્રીસ પર પોતાની સત્તા સ્થાપી. ઉત્તર આફ્રિકામાં આવેલ ફિનિશિયાના સંસ્થાન કાર્થેજને જીતવા રોમે કરેલા ત્રણ વિગ્રહો પ્યૂનિક વિગ્રહો કહેવાય છે. પ્રથમ પ્યૂનિક વિગ્રહમાં રોમે કાર્થેજ પાસેથી સિસિલી જીતી લીધું. બીજા પ્યૂનિક વિગ્રહમાં કાર્થેજના સેનાપતિ હૅનિબાલે ઇટાલીમાં પંદર વરસ સુધી રોમનોને હંફાવ્યા. છેવટે ઝામાના યુદ્ધમાં હૅનિબાલ હાર્યો. ત્રીજા પ્યૂનિક યુદ્ધમાં રોમે કાર્થેજ જીતીને પોતાના સામ્રાજ્યમાં જોડી દીધું.

ઈ. પૂ. 58માં જુલિયસ સીઝર ઉત્તર ઇટાલીના સિસાલ્પાઇન ગૉલ પ્રાંતનો ગવર્નર બન્યો. તેણે સાર્ડિનિયા, સિસિલી, આફ્રિકાના પ્રદેશો, સ્પેન તથા બ્રિટનના પ્રદેશો જીતી લીધા. ઈ. પૂ. 48માં રોમનો કૉન્સલ બન્યા બાદ તેણે નવું કૅલેન્ડર દાખલ કર્યું, ન્યાયતંત્રમાં સુધારા કર્યા, જમીન વહેંચીને ગરીબોને વસાવ્યા, બેકારોને રોજી આપવા બાંધકામો કરાવ્યાં તથા વેપારને ઉત્તેજન આપ્યું. તેનું ખૂન થયા બાદ તેનો ભત્રીજો ઑક્ટેવિયસ કૉન્સલ બન્યો. તેણે પ્રાંતોનું વિભાજન કરી કાર્યદક્ષ ગવર્નરો નીમ્યા તથા રોમમાં આરસપહાણની ઇમારતો બંધાવી. તેના પછી ટાયબેરિયસ નીરો, માર્કસ ઑરેલિયસ વગેરે શાસકો થઈ ગયા.

રોમનો ભવ્ય ફુવારો

રોમનોએ વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી અને કાર્યક્ષમ વહીવટ આપ્યો હતો. શાસનપ્રણાલી એ રોમની અર્વાચીન જગતને આપેલી અનોખી ભેટ છે. રોમન સામ્રાજ્યમાં આવેલા અનેક દેશો તથા અનેક જાતિના લોકો પર રોમનોએ આશરે 700 વર્ષ રાજ્ય કર્યું. સરકારે પ્રત્યેક પ્રદેશના નાગરિકોને સરખા હક્કો આપીને વિશ્વનાગરિકતાની ભાવના ફેલાવી હતી. ‘રોમન શાંતિ’ને કારણે સલામતીમાં વધારો થયો હતો. રોમનોએ ઈ. પૂ. 451માં પ્રવર્તતા રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ, પ્રણાલિકાઓ વગેરેનો સંગ્રહ કરીને ‘બારમેજી કાયદો’ ઘડ્યો હતો. તે તેમની મહાન સિદ્ધિ હતી.

વિલિયમ શેક્સપિયર

રોમની લૅટિન ભાષાએ લોકોના બૌદ્ધિક જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. લૅટિનમાંથી યુરોપની અન્ય ભાષાઓ વિકસી છે. મહાકવિ વર્જિલે તેના મહાકાવ્ય ‘ઈનિડ’માં રોમની ગૌરવગાથા ગાઈ છે. કેટોએ ‘ઑરિજિન્સ’ ગ્રંથમાં રોમનો ઇતિહાસ લખ્યો. રોમન લોકો અનેક દેવદેવીઓની પૂજા કરતા હતા. કલાના ક્ષેત્રે રોમનોએ ગ્રીસનું અનુકરણ કર્યું છે. તેમણે શિલ્પ અને સ્થાપત્યના ક્ષેત્રે પ્રશંસનીય વિકાસ સાધ્યો હતો. ખ્રિસ્તી ધર્મનો ઉદય પૅલેસ્ટાઇનમાં થયો હતો. રોમન સમ્રાટ કૉન્સ્ટન્ટાઇને ઈ. સ. 325માં ખ્રિસ્તી ધર્મ પરિષદ બોલાવી, પોતે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. સમ્રાટ થિયોડોસિયસે તેને રાજ્ય ધર્મ બનાવ્યો. જગતસાહિત્યમાં પ્રસિદ્ધ એવા મહાન અંગ્રેજ નાટ્યકાર અને કવિ વિલિયમ શેક્સપિયર (1564–1616) માત્ર પોતાના જ યુગના નહિ, પરંતુ સદાકાળ માટે સાહિત્યક્ષેત્રે ચમકતો તેજસ્વી તારલો ગણાય છે.

મહાન અંગ્રેજ સાહિત્યસર્જક વિલિયમ શૅક્સપિયરનું જન્મસ્થળ, સ્ટ્રેટફર્ડ (ઇંગ્લૅન્ડ)

ઈ. સ. 395માં રોમન સામ્રાજ્યનું બે વિભાગોમાં વિભાજન થયું. પૂર્વનું સામ્રાજ્ય બિઝૅન્ટાઇન સામ્રાજ્ય કહેવાયું. તેનું પાટનગર કૉન્સ્ટન્ટિનોપલ (હાલનું તુર્કીમાંનું ઇસ્તંબુલ) હતું. બાકીનું પશ્ચિમી રોમન સામ્રાજ્ય બન્યું. તેનું પાટનગર રોમ હતું. પશ્ચિમી રોમન સામ્રાજ્યની ઉત્તરે એન્ગલ્સ, ફ્રૅન્ક્સ, જ્યૂટ્સ, સૅક્સન, વેન્ડાલ્સ વગેરે જંગલી જાતિઓના લોકો વસતા હતા. તેમણે વારંવાર હુમલા કર્યા અને આખરે ઈ. સ. 476માં રોમન સમ્રાટ રૉમ્યુલસ ઑગસ્ટસને હરાવ્યો. પશ્ચિમી રોમન સામ્રાજ્ય તૂટી પડતાં, મધ્ય યુગ શરૂ થયો અને યુરોપમાં નાનાં રાજ્યો સર્જાયાં, જે લોકોને શાંતિ તથા સલામતી આપવામાં નિષ્ફળ નીવડ્યાં. તેથી ઉદ્યોગધંધા અને વેપારવાણિજ્ય પડી ભાંગ્યાં. લૂંટફાટ અને ચાંચિયાગીરીનું જોર વધ્યું તથા રાજકીય અસ્થિરતા વ્યાપી. આ દરમિયાન રોમન કૅથલિક ચર્ચ સૌથી વધુ શક્તિશાળી બન્યું. તેનું વર્ચસ્ ધાર્મિક ઉપરાંત રાજકીય, શિક્ષણ અને કલાનાં ક્ષેત્રોમાં પણ ફેલાયું. નગરોનું મહત્વ ઘટ્યું, અને આવકનું મુખ્ય સાધન ખેતી હોવાથી ગામડાં તરફ લોકોનું પ્રયાણ થયું.

મધ્ય યુરોપમાં ફ્રૅન્ક જાતિના લોકોએ શક્તિશાળી રાજ્ય સ્થાપ્યું. તેમાં બૅલ્જિયમ, ફ્રાન્સ અને હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) તથા પશ્ચિમ જર્મનીનો સમાવેશ થતો હતો. આ રાજ્ય મહાન રાજા શાર્લમૅન(ઈ. સ. 768–814)ના સમયમાં સૌથી વધુ શક્તિશાળી બન્યું. તેના સામ્રાજ્યનો વિસ્તાર સ્પેનનો ઈશાન ખૂણો, બાલ્ટિક સમુદ્રની ઉત્તરનો પ્રદેશ અને પૂર્વમાં ઇટાલીના દ્વીપકલ્પ સુધી થયો હતો. રોમન કૅથલિક ચર્ચને તે ટેકો આપતો હતો. પોપે તેને સમ્રાટ તરીકેનો તાજ ઈ. સ. 962માં પહેરાવ્યો હતો. જર્મનીના ઑટો પ્રથમે દસમી સદીમાં રાજ્યનો વિસ્તાર કરીને ઇટાલીની ઉત્તરના વિસ્તારો કબજે કર્યા હતા.

પાંચમીથી દસમી સદી પર્યંત યુરોપના મોટાભાગના પ્રદેશોમાં વસ્તી ઓછી અને ગરીબી વધારે હતી. વિશાળ પ્રદેશોમાં જંગલો હતાં અને પ્રદેશો ખેતીલાયક નહોતા. દુષ્કાળો, રોગચાળા, લડાઈઓ તથા નીચું જન્મપ્રમાણ હોવાથી યુરોપની વસ્તી ઓછી હતી. લોકોનું સરાસરી આયુષ્ય માત્ર 30 વરસનું હતું. ફ્રાન્સના સામ્રાજ્યના પતન બાદ, પશ્ચિમ યુરોપમાં સામંતશાહી પદ્ધતિ ઉદભવ પામી. તેમાં રાજા પોતાની સત્તા ટકાવવા, બાહ્ય આક્રમણોથી રાજ્યનું રક્ષણ કરવા તથા રાજ્યમાં શાંતિ અને સલામતી સ્થાપવા પોતાના અધિકારીઓ, સરદારો તથા ધર્મગુરુઓને જાગીરો કે ગામડાં આપતો. એ રીતે વિકસેલી સામંતશાહીએ યુરોપમાં વ્યવસ્થા અને શાંતિ સ્થાપી. લોકજીવન સલામત બનવાથી આર્થિક ઉન્નતિ સધાઈ. નવાં નગરોનું નિર્માણ થયું તથા વેપારવાણિજ્યનો વિકાસ થયો. ખેડૂતોએ ખેતીની નવી પદ્ધતિઓ અપનાવી તથા જંગલો સાફ કરીને ખેતીલાયક જમીન વધારી. નવાં નગરો અને નવા વેપારી વર્ગના ઉદયે સામંતશાહીને ફટકો માર્યો. ચૌદમી સદીમાં નવી જાતનાં શસ્ત્રો તથા દારૂગોળા પ્રચલિત થયા. વેપારી વર્ગે રાજાશાહીને સમર્થન આપવાથી સામંતશાહી નબળી પડી. ચૌદમી સદીમાં લડાઈઓ, રોગચાળો અને આર્થિક સમસ્યાઓએ પશ્ચિમ યુરોપના લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું. સામંતશાહી તૂટવાથી આંતરવિગ્રહો થયા અને ખેડૂતોના બળવા થયા. ઈ. સ. 1337થી 1453 દરમિયાન ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના રાજાઓ વચ્ચે, ફ્રાન્સ પર કબજો મેળવવા વાસ્તે થયેલાં ‘સો વર્ષનાં યુદ્ધો’ને લીધે બંને દેશોની આર્થિક સ્થિતિ નબળી પડી અને યુરોપના વેપારને નુકસાન થયું. ઈ. સ. 1347થી 1350 દરમિયાન થયેલા બ્યૂબૉનિક પ્લેગને કારણે યુરોપની કુલ વસ્તીના 25 ટકા લોકો મરણ પામ્યા. ત્યારબાદ પડેલા ભયંકર દુષ્કાળો અને વારંવાર રેલ આવવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો.

અત્રે એ નોંધવું જોઈએ કે કૉન્સ્ટન્ટિનોપલ ખાતે સ્થપાયેલું બિઝૅન્ટાઇન સામ્રાજ્ય (પૂર્વીય રોમન સામ્રાજ્ય) પંદરમી સદીના મધ્ય ભાગ સુધી ટકી રહ્યું અને 1453માં તુર્કોને હાથે તેનું પતન થયું, ત્યાં સુધી તે ગ્રીક-રોમન સંસ્કૃતિનું કેન્દ્ર હતું. જંગલી જાતિઓના હુમલા તથા નૈર્ઋત્ય એશિયામાંથી થતાં મુસ્લિમોનાં આક્રમણો સામે, સેંકડો વર્ષો સુધી બિઝૅન્ટાઇન સામ્રાજ્યે યુરોપનું રક્ષણ કરતી દીવાલનું કામ કર્યું હતું. તેણે મધ્યયુગમાં પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિનું જતન કર્યું હતું. પંદરમી તથા સોળમી સદીમાં થયેલ ભૌગોલિક શોધખોળો અને ધર્મસુધારણાનાં આંદોલનોને આધુનિક યુગના આરંભ માટેનાં સીમાચિહ્નો ગણવામાં આવે છે. નવજાગૃતિ (રેનેસાં) એ મધ્યયુગમાંથી આધુનિક યુગ તરફનું એક મહાન પરિવર્તન છે. યુરોપની નવજાગૃતિ દરમિયાન સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા તથા ધર્મ, વેપાર, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે નૂતન સોપાનો સિદ્ધ કરવામાં આવ્યાં. મધ્યયુગમાંથી નવજાગૃતિ તરફના સંક્રાન્તિ-સમયે યુરોપ પરની સામંતશાહી તથા ધાર્મિક વડા પોપની સર્વોપરિતાની નાબૂદીની હિલચાલ યુરોપના રાજાઓએ શરૂ કરી હતી. બંદૂક માટેના દારૂગોળાથી રાજાઓની લશ્કરી તાકાતમાં પુષ્કળ વધારો થયો. ફ્રાન્સમાં લૂઈ અગિયારમાએ એક રાષ્ટ્રની સ્થાપના કરી. ઇંગ્લૅન્ડમાં હેન્રી સાતમાએ સામંતોની સત્તા પર મજબૂત રાજાશાહી હકૂમત સ્થાપી.

ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે થયેલાં ધર્મયુદ્ધોએ યુરોપમાં પરિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ યુદ્ધો દ્વારા જેરૂસલેમની પવિત્ર ભૂમિ મુસ્લિમો પાસેથી જીતી લેવા ખ્રિસ્તી રાજ્યોએ નિષ્ફળ પ્રયાસો કર્યા. આ દરમિયાન યુરોપ પૂર્વનાં વિકસિત રાષ્ટ્રોના સંપર્કમાં આવ્યું. પૂર્વની સંસ્કૃતિનો વિકાસ તથા વેપારનો અનુભવ યુરોપને ઉપયોગી પુરવાર થયો. ત્યારબાદ યુરોપે તેનો આંતરરાષ્ટ્રીય વેપાર પુષ્કળ વધાર્યો. ધર્મયુદ્ધો યુરોપની નવજાગૃતિ માટેનું મહત્વનું પ્રેરક પરિબળ પુરવાર થયું.

ખ્રિસ્તી દેવળની ધર્મસંસ્થાનું મુખ્ય મથક રોમ હતું અને તેના વડા પોપ હતા. આ સંસ્થાએ ઇટાલીમાં વિશાળ જમીનો તથા મિલકતો મેળવી હતી. પોપનું ધાર્મિક સામ્રાજ્ય યુરોપના બધા દેશોના લોકો તથા રાજાઓ ઉપર સ્થપાયું હતું. રોમન કૅથલિક ચર્ચમાં પેઠેલો ભ્રષ્ટાચાર, ધનલાલસા, સત્તાપિપાસા, દુરાચાર વગેરે નાબૂદ કરવાના પ્રયાસ રૂપે ધર્મસુધારણાનું આંદોલન ચાલ્યું. તેમાંથી પ્રૉટેસ્ટંટ-પંથનો ઉદભવ થયો. પોપ અને તેમના પાદરીઓએ લોકોની નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને અજ્ઞાનનો ગેરલાભ ઉઠાવી ચર્ચની જમીન અને સંપત્તિ પર અધિકાર જમાવ્યો. પાદરીઓના ભોગવિલાસ અને ભ્રષ્ટાચારનો જાહેરમાં વિરોધ કરનાર ઇટાલીના આર્નોલ્ડને ફાંસી આપવામાં આવી (ઈ. સ. 1155), અંગ્રેજ પાદરી જૉન વિકલીફને બહિષ્કૃત કરવામાં આવ્યો અને પ્રાગ યુનિવર્સિટીના ખૂબ લોકપ્રિય અધ્યાપક જૉન હસને 1415માં જીવતો સળગાવી દેવામાં આવ્યો. જર્મન સુધારક માર્ટિન લ્યૂથરે 95 મુદ્દાવાળું દેવળની નીતિરીતિ વિરુદ્ધનું આક્ષેપનામું જાહેર કરી પોપ અને દેવળ સામે ઉગ્ર પ્રહારો કર્યા. તેણે પ્રૉટેસ્ટંટ-પંથ શરૂ કર્યો. તેને જર્મની ઉપરાંત ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે, આયર્લૅન્ડ, હોલૅન્ડ (આજનું નેધરલૅન્ડ્ઝ) વગેરે દેશોમાં આવકાર મળ્યો. પ્રૉટેસ્ટંટ-પંથને પ્રાપ્ત થયેલા આવકારના પરિણામે, રોમન કૅથલિક પંથના ધર્મગુરુઓએ દેવળની આંતરિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી. તેને ‘પ્રતિધર્મસુધારણા’ તરીકે ઓળખવામાં આવે છે.

ધાર્મિક સુધારણાની ચળવળના ફલસ્વરૂપે રાજાશાહીની સર્વોપરિતાનો સ્વીકાર થયો. પોપના આધિપત્યમાંથી રાજાઓને મુક્તિ મળી. રાષ્ટ્રીયતાની ભાવનાને પોષણ મળ્યું. પોપનું આંતરરાષ્ટ્રીય વર્ચસ્ ઘટ્યું તથા રાજ્ય અને ધર્મની બાબતોને અલગ કરી રાજકીય બાબતોમાં ધાર્મિક વડાની દખલગીરી અટકાવવામાં આવી.

યુરોપમાં સામંતો નબળા પડવાથી રાજાઓની સત્તા મજબૂત બની. વળી, પોપ, પાદરીઓ અને દેવળનું પ્રભુત્વ ઘટવાથી રાજાશાહી મજબૂત બની. પંદરમી સદીમાં સ્પેન અને પૉર્ટુગલ યુરોપની મહાસત્તાઓ હતી. સોળમી સદીમાં તેનું પતન થયું. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચે 1652 અને 1713માં યુદ્ધો થયાં. ત્યારબાદ તે બંને યુરોપનાં અગ્રણી રાષ્ટ્રો બન્યાં. આ દરમિયાન પ્રશિયા અને રશિયા પણ મજબૂત રાષ્ટ્રો બન્યાં.

પંદરમી સદીમાં યુરોપે કરેલી ભૌગોલિક શોધખોળોના પરિણામે તેનો પ્રભાવ દુનિયાના દેશોમાં ફેલાયો. પૉર્ટુગીઝ અને સ્પૅનિશ નાવિકો અગ્રણી સંશોધકો બન્યા. સ્પેનમાં સેવા આપતો ઇટાલિયન નાવિક ક્રિસ્ટોફર કોલમ્બસ 1492માં અમેરિકાના કિનારે પહોંચ્યો. પૉર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા યુરોપથી આફ્રિકા થઈને 1498માં ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યો. તે પછી આશરે વીસ વરસે, પૉર્ટુગીઝ નાવિક ફર્ડિનાન્ડ મેગેલને પૃથ્વીની પ્રદક્ષિણા કરી. ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને હોલૅન્ડ(નેધરલૅન્ડ્ઝ)ના નાવિકોએ પણ સંશોધનોમાં ભાગ લીધો. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપના દેશોએ આફ્રિકા, એશિયા તથા અમેરિકામાં સંસ્થાનો સ્થાપ્યાં. આ સંસ્થાનો સાથે ક્રમશ: વેપાર વધારીને યુરોપના દેશો વધુ ને વધુ સમૃદ્ધ તથા સત્તાધીશ બન્યા.

સત્તરમી અને અઢારમી સદી દરમિયાન મોટાભાગના અગ્રણી યુરોપીય ચિંતકો સત્યની શોધ માટે વિવેકશક્તિનો ઉપયોગ કરવાનો આગ્રહ સેવતા હતા. તર્કશક્તિમાં વિશ્વાસ રાખવાથી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનો વિકાસ થયો. તેને કારણે શરીરરચના, ખગોળશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂમિતિ વગેરે ક્ષેત્રોમાં મહત્ત્વનાં સંશોધનો થયાં. ઉદાહરણ તરીકે, ઇટાલીના ગૅલિલિયોએ શોધ કરી કે ચંદ્ર સ્વયંપ્રકાશિત નથી. અંગ્રેજ ડૉક્ટર વિલિયમ હાર્વેએ બતાવ્યું કે માનવશરીરમાં રુધિરાભિસરણ કેવી રીતે થાય છે. હૉબ્સ અને લૉક જેવા વિદ્વાનોએ પોતાના અર્થશાસ્ત્ર, સહકાર જેવા વિષયોના અભ્યાસમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો.

સત્તરમી અને અઢારમી સદીઓમાં યુરોપમાં લોકશાહી અને રાષ્ટ્રવાદ મહત્ત્વનાં પરિબળો બન્યાં. અંગ્રેજોએ યુરોપમાં રાજાઓની સત્તા વિરુદ્ધ પડકાર ફેંક્યો. સત્તરમી સદીની મધ્યમાં તેમણે દસ વર્ષ સુધી રાજાશાહી નાબૂદ કરી. ઈ. સ. 1689માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે હક્કોનો ખરડો પસાર કર્યો. તેનાથી પાર્લમેન્ટની સત્તા વધી, રાજાની સત્તા મર્યાદિત થઈ અને લોકોની સ્વતંત્રતાની ખાતરી આપવામાં આવી. ઈ. સ. 1789થી 1799 સુધી ચાલેલી ફ્રેન્ચ ક્રાંતિ એ યુરોપમાંની લોકશાહી ક્રાંતિનો અતિ મહત્ત્વનો બનાવ હતો. ફ્રાન્સના નીચલા તથા મધ્યમ વર્ગના લોકોએ રાજા લુઈ 16મા વિરુદ્ધ બળવો કર્યો અને તેમણે સરકાર પરનો અંકુશ લઈ લીધો. ક્રાંતિ દરમિયાન ફ્રેન્ચ લશ્કરના સામાન્ય હોદ્દા પરથી નેપોલિયન બોનાપાર્ટ આગળ આવ્યો. તેણે 1799માં સત્તા હસ્તગત કરી અને ક્રાંતિનો અંત આવ્યો.

ફ્રેન્ચ ક્રાંતિ થવાથી બાકીનું યુરોપ ફ્રાન્સનું વિરોધી બન્યું. યુરોપના અન્ય દેશોના રાજાઓને ભય લાગ્યો કે તેમના રાષ્ટ્રમાં પણ લોકશાહી વિચારો પ્રસરશે. નેપોલિયનના નેતૃત્વ નીચે 1812 સુધીમાં ફ્રેન્ચ લશ્કરે રશિયાની પશ્ચિમની સરહદ સુધી યુરોપના ઘણાખરા દેશો અને ઑટોમન સામ્રાજ્ય જીતી લીધાં; પરંતુ રશિયા પર તેણે આક્રમણ કર્યું ત્યારે તેણે ત્યાં મોટાભાગનું સૈન્ય ગુમાવ્યું. ઈ. સ. 1815માં વૉટરલૂની લડાઈમાં યુરોપના સંયુક્ત સૈન્યે નેપોલિયનને સત્તા પરથી દૂર કર્યો; પરંતુ ફ્રેન્ચ ક્રાંતિના વિચારો સમગ્ર યુરોપના દેશોમાં પ્રસરવા લાગ્યા. ઈ. સ. 1815માં મળેલી કૉંગ્રેસ ઑવ્ વિયેનાએ યુરોપના ઘણા દેશોની સરહદો બદલી નાખી અને લોકશાહી તથા રાષ્ટ્રવાદના વિચારો લોકોના મનમાંથી નાબૂદ કરવાના પ્રયાસો કર્યા. તેણે ફ્રાન્સ, સ્પેન સહિત બીજા કેટલાક દેશોમાં રાજાશાહીની પુન:સ્થાપના કરી.

ઓગણીસમી સદીમાં યુરોપના ઘણા દેશોમાં ક્રાંતિઓ થઈ. ઇટાલી અને સ્પેનમાં 1820માં તથા ગ્રીસમાં 1821માં રાજાઓ વિરુદ્ધ બળવા થયા. ત્રીસીના શરૂનાં વરસોમાં, બેલ્જિયમ, ફ્રાન્સ તથા પોલૅન્ડમાં લોકશાહી માટે બળવા થયા. ઇટાલીમાં 1861માં તથા જર્મનીમાં 1871માં રાષ્ટ્ર-રાજ્ય(nation state)ની સ્થાપના થઈ. ઈ. સ. 1900 સુધીમાં રશિયા સિવાયના લગભગ દરેક યુરોપીય રાષ્ટ્રમાં બંધારણ અને લોકશાહી સંસ્થાઓ હતી.

ગ્રેટ બ્રિટનમાં અઢારમી સદી દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. ઊર્જા-સંચાલિત યંત્રો તથા ઉત્પાદનની નવી પદ્ધતિઓના વિકાસ સાથે ઉદ્યોગો ઝડપથી વધ્યા. ઓગણીસમી સદીના મધ્ય સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમ યુરોપમાં સારી પેઠે પ્રસરી હતી. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં યુરોપના મોટાભાગના લોકો ખેડૂતો હતા, પરંતુ કારખાનાં શરૂ થવાથી, નગરો ઝડપથી ઔદ્યોગિક શહેરો બન્યાં. કારખાનાંમાં નોકરીઓ મેળવવા લોકો મોટી સંખ્યામાં શહેરોમાં ગયા. તેને લીધે સમાજમાં પણ ઘણાં પરિવર્તનો થયાં. વેપારીઓ અને નાના ઉદ્યોગપતિઓનો મધ્યમ વર્ગ ઉદભવ્યો. તેઓ કારખાનાંની માલિકી ધરાવતા, કામદારોને રોજી આપતા તથા બૅંકો, દુકાનો, ખાણો વગેરે ચલાવતા હતા. મોટાભાગના કામદારોને પગાર ઓછો મળતો, ખરાબ સ્થિતિમાં તેઓ કામ કરતા અને બિનઆરોગ્યપ્રદ આવાસોમાં રહેતા હતા.

ઓગણીસમી સદી દરમિયાન જર્મન ચિંતક કાર્લ માર્કસે સામ્યવાદનો સિદ્ધાંત વિકસાવ્યો. તેણે કામદારોને ધનિકો વિરુદ્ધ બળવો કરીને આર્થિક વ્યવસ્થા રાજ્યના અંકુશ હેઠળ સ્થાપવા અને વર્ગવિહીન સમાજની રચના કરવા હાકલ કરી. ઓગણીસમી સદીમાં અનેક દેશોમાં કામદારોને પોતાના સંઘ સ્થાપવાનો અધિકાર મળ્યો. ગ્રેટ બ્રિટન અને બીજા દેશોએ કારખાનાંમાં કામ દરમિયાનની સ્થિતિને નિયમિત કરતા કાયદા પસાર કર્યા. બ્રિટન અને જર્મનીએ કામદારો માટે અકસ્માત, માંદગી તથા બેકારીના વીમાની વ્યવસ્થા કરતા સામાજિક સલામતીના કાયદા ઘડ્યા. ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ રહેવાથી યુરોપના દેશોએ તેમનાં સંસ્થાનો વધાર્યાં. આ દેશોને પોતાનાં કારખાનાં માટે રૂ અને બીજા કાચા માલની જરૂર હતી, જે તેમને આફ્રિકા તથા એશિયાના દેશોમાંથી મોટા પ્રમાણમાં મળતો. વળી તેમના ઉત્પાદિત માલ માટે તેમને વિશાળ બજારો સંસ્થાનોમાં મળતાં. તેથી યુરોપીય દેશો  ખાસ કરીને ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સે આફ્રિકા અને એશિયામાં અનેક સંસ્થાનો સ્થાપ્યાં.

યુરોપનાં રાષ્ટ્રોનાં ખાનગી લશ્કરી જોડાણો, રાષ્ટ્રીય જૂથોની સ્વતંત્ર થવાની ઇચ્છા, સંકુચિત અને આક્રમક રાષ્ટ્રવાદ, ગુપ્ત સંધિઓ, સામ્રાજ્યવાદી સ્પર્ધાના ફલસ્વરૂપે યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ 1914માં શરૂ થયું. ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, રશિયા અને બીજા દેશો(મિત્ર રાષ્ટ્રો)ની સામે જર્મની, ઑસ્ટ્રિયા-હંગેરી વગેરે દેશો (ધરી-રાજ્યો) યુદ્ધે ચડ્યા. 1917માં યુનાઇટેડ સ્ટેટ્સ મિત્ર રાષ્ટ્રો સાથે જોડાયું. ઑક્ટોબર 1917માં રશિયામાં ક્રાંતિ થઈ અને ત્યાં લેનિનની આગેવાની હેઠળ સામ્યવાદી સરકાર સ્થપાયા બાદ રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. 1918માં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો અને વર્સાઈની સંધિ કરવામાં આવી. તદનુસાર ઑસ્ટ્રિયા-હંગેરીનું વિભાજન કરીને કેટલાંક રાષ્ટ્રીય-રાજ્યો રચવામાં આવ્યાં. પૂર્વ યુરોપમાં ચેકોસ્લોવૅકિયા, ઇસ્તોનિયા, લૅટવિયા, લિથુઆનિયા, પોલૅન્ડ તથા યુગોસ્લાવિયા સ્વતંત્ર રાષ્ટ્રો બન્યાં. જર્મન રાજાશાહી દૂર કરીને એ દેશમાં લોકશાહી પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી.

વર્સાઈની સંધિએ યુરોપની ઘણી સમસ્યાઓ અનિર્ણીત રાખી અને કેટલીક નવી સમસ્યાઓ પેદા કરી. આ સંધિએ સરહદો બદલી નાખી અને યુરોપમાં રાષ્ટ્રોની રચના કરી. તેણે જર્મનીનું નિ:શસ્ત્રીકરણ કર્યું અને તેને અબજો ડૉલરનો દંડ મિત્ર રાષ્ટ્રોને આપવાની ફરજ પાડી. વર્સાઈની સંધિએ જર્મનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખ્યું. તેમાંથી જ જર્મનીમાં વેરભાવના પ્રજ્વલિત થઈ, જેથી વર્સાઈની સંધિએ દ્વિતીય વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હતાં, તેમ કહી શકાય.

લેનિનના અવસાન બાદ, જોસેફ સ્તાલિન સોવિયેત સંઘનો વડો પ્રધાન બન્યો. ઇટાલીમાં બેનિટો મુસોલીનીએ ફાસીવાદી સરકારની રચના કરી. ત્રીસીનાં શરૂનાં વરસોમાં વ્યાપેલી આર્થિક મહામંદીને કારણે સામ્યવાદી અને ફાસીવાદી નેતાઓએ વધુ સત્તાઓ હસ્તગત કરી. ઍડૉલ્ફ હિટલરે 1933માં જર્મનીમાં નાઝી સરમુખત્યારશાહી સ્થાપી. સ્પેનમાં 1936થી 1939 દરમિયાન થયેલા આંતરવિગ્રહમાં સોવિયેત સંઘે સ્પૅનિશ લૉયલિસ્ટોને ટેકો આપ્યો, જ્યારે જર્મની તથા ઇટાલીએ ફ્રાંસિસ્કો ફૅન્કોનાં બળવાખોર દળોને મદદ કરી. આખરે બળવાખોરો જીત્યા.

જર્મનીએ 1939માં ઑસ્ટ્રિયા અને ચેકોસ્લોવૅકિયા કબજે કર્યાં અને પોલૅન્ડ પર આક્રમણ કર્યું તે સાથે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. તેમાં જર્મની, ઇટાલી, જાપાન તથા અન્ય નાનાં રાષ્ટ્રો (ધરી-રાજ્યો) ફ્રાન્સ, ગ્રેટ બ્રિટન, સોવિયેત સંઘ, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચાલીસથી વધારે બીજા દેશો સામે યુદ્ધ લડ્યાં. શરૂમાં જર્મની, ઇટાલી અને જાપાને નોંધપાત્ર વિજયો મેળવ્યા, પરંતુ જર્મનીએ સોવિયેત સંઘ પર આક્રમણ કર્યું અને જાપાને યુનાઇટેડ સ્ટેટ્સના હવાઈમાંના પર્લ હાર્બર ઉપર બૉંબવર્ષા કરી. પરિણામે સોવિયેત સંઘ અને યુનાઇટેડ સ્ટેટ્સને યુદ્ધમાં જોડાવું પડ્યું. તે સાથે ધીમે ધીમે યુદ્ધની બાજી પણ પલટાવા લાગી. 1943માં ઇટાલીએ તથા 1945માં જર્મનીએ શરણાગતિ સ્વીકારી.

આ ભયાનક વિશ્વયુદ્ધમાં આશરે બે કરોડ વીસ લાખ સૈનિકો મરાયા તથા ત્રણ કરોડ ચાલીસ લાખ માણસો ઘાયલ થયા. હજારો અબજ ડૉલરનો ખર્ચ થયો અને તેનાથી વધારે કિંમતની મિલકતોનો નાશ થયો. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે વિશ્વસત્તાના કેન્દ્ર તરીકેનું સ્થાન પશ્ચિમ યુરોપે ગુમાવ્યું. યુરોપની મહાસત્તાઓ યુદ્ધને કારણે નબળી પડી, અને તેમણે આફ્રિકા તથા એશિયામાં આવેલાં તેમનાં સંસ્થાનોને સ્વતંત્રતા આપવી પડી. સોવિયેત સંઘ અને યુનાઇટેડ સ્ટેટ્સનો વિશ્વસત્તાઓ તરીકે ઉદભવ થયો. પૂર્વ યુરોપના મોટાભાગના દેશોમાં સોવિયેત સંઘના અંકુશ હેઠળ સામ્યવાદી સરકારો રચવામાં આવી. પશ્ચિમ યુરોપના દેશો આર્થિક અને લશ્કરી બાબતોમાં યુનાઇટેડ સ્ટેટ્સ પર આધાર રાખવા લાગ્યા. જર્મનીનું વિભાજન થયું. પૂર્વ જર્મનીમાં સામ્યવાદી તથા પશ્ચિમ જર્મનીમાં બિનસામ્યવાદી સરકારો રચવામાં આવી.

દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી ફેલાયાં. કરોડો નિરાશ્રિતો ઉજ્જડ રણભૂમિની આસપાસ ભટકતા હતા. રોગચાળો અને દુષ્કાળ ઝડપથી પ્રસરવા લાગ્યા. યુનાઇટેડ સ્ટેટ્સે પશ્ચિમ યુરોપનાં રાષ્ટ્રોના અર્થતંત્રને પગભર કરવા 1,900 કરોડ ડૉલરની મદદ કરવા માર્શલ યોજના ઘડી કાઢી. તેને કારણે પશ્ચિમ યુરોપના દેશોનો ઝડપથી વિકાસ થયો. પૂર્વ યુરોપના દેશોનો વિકાસ પ્રમાણમાં ધીમો હતો.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સોવિયેત સંઘના નેતૃત્વ હેઠળ સામ્યવાદી દેશો તથા યુનાઇટેડ સ્ટેટ્સની આગેવાની નીચે બિનસામ્યવાદી દેશોના સત્તાસંઘર્ષનું કેન્દ્ર યુરોપ બન્યું. ‘શીત યુદ્ધ’ તરીકે ઓળખાતો આ સંઘર્ષ પચાસ અને સાઠના દાયકામાં વધુ ને વધુ તીવ્ર બન્યો. યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા સહિત પશ્ચિમ યુરોપનાં મોટાભાગનાં રાષ્ટ્રોએ ભેગાં મળીને 1949માં ‘નૉર્થ ઍટલાંટિક ટ્રીટી ઑર્ગેનિઝેશન’ (NATO) નામથી લશ્કરી કરાર કર્યો. તેમાં એમ ઠરાવવામાં આવ્યું કે તેમાંના કોઈ પણ દેશ પર આક્રમણ થાય તો બધાંએ સાથે મળીને સામનો કરવો. ઈ. સ. 1955માં સોવિયેત સંઘ અને પૂર્વ યુરોપના મોટાભાગના દેશોએ પરસ્પર લશ્કરી મદદ કરવા માટેના વૉર્સો કરાર કર્યા. સાઠના દાયકાનાં છેલ્લાં વરસોથી શીતયુદ્ધની તંગદિલીમાં ઘટાડો થવા લાગ્યો. પશ્ચિમ જર્મનીએ તેના સામ્યવાદી પાડોશીઓ સાથેના સંબંધો સુધાર્યા. પૂર્વ યુરોપના કેટલાક દેશો સોવિયેત સંઘથી સ્વતંત્રપણે વર્તવા લાગ્યા. આલ્બેનિયાએ સામ્યવાદી છાવણીનો ત્યાગ કરીને ચીનની તરફેણ કરી. રુમાનિયાએ પશ્ચિમના દેશો સાથે વેપાર કરવા માંડ્યો અને ચેકોસ્લોવૅકિયાએ તેના લોકોને વધુ સ્વતંત્રતા આપવા સુધારાનો કાર્યક્રમ હાથ ધર્યો; પરંતુ સોવિયેત સંઘે 1968માં ચેકોસ્લોવૅકિયા પર આક્રમણ કરીને તેની લોકશાહી સુધારાની ચળવળ અટકાવી દીધી. તેનાથી સ્પષ્ટ થયું કે સોવિયેત સંઘ પૂર્વયુરોપમાં તેની સત્તા જાળવી રાખવા માગે છે.

યુદ્ધ પછીનાં વરસોમાં પશ્ચિમ યુરોપના ઘણા દેશો વિવિધ સંગઠનોમાં જોડાયા. આ દેશો પરસ્પર નજીક આવીને તેમની સમસ્યાઓ ઉકેલવા ઉત્સુક હતા. ઈ. સ. 1949માં સભ્ય-દેશોને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક બાબતોમાં જોડવાના હેતુથી કાઉન્સિલ ઑવ્ યુરોપની રચના કરવામાં આવી. પશ્ચિમ જર્મની, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ), બેલ્જિયમ, ફ્રાન્સ, ઇટાલી અને લક્ઝમ્બર્ગના કોલસો, લોખંડ તથા સ્ટીલના ઉદ્યોગોને એકસરખા કરવા યુરોપિયન કોલ ઍન્ડ સ્ટીલ કોમ્યૂનિટી(ECSC)ની 1951માં રચના કરવામાં આવી. ઈ. સ. 1957માં તેના (ECSCના) છ સભ્ય-દેશોએ યુરોપિયન ઈકોનૉમિક કોમ્યૂનિટીની સ્થાપના કરી.

ઈ. સ. 1969માં વિલી બ્રાન્ટ પશ્ચિમ જર્મનીના ચાન્સેલર બન્યા. તેમણે પશ્ચિમ તથા પૂર્વ યુરોપના દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો આદર્યા. જર્મનીના વિભાજન બાદ સૌપ્રથમ વાર પૂર્વ તથા પશ્ચિમ જર્મનીની સરકારોના નેતાઓએ 1970માં મંત્રણા કરી. તે જ વરસે પશ્ચિમ જર્મનીએ સોવિયેત સંઘ અને પોલૅન્ડ સાથે બિનઆક્રમણના કરાર કર્યા.

ઈ. સ. 1975માં યુરોપનાં બધાં રાષ્ટ્રોના તથા યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને સાયપ્રસના પ્રતિનિધિઓ યુરોપમાં સલામતી અને સહકાર વિશેની પરિષદ માટે ફિનલૅન્ડના હેલ્સિન્કીમાં મળ્યા. આર્થિક બાબતો, શાંતિ જાળવવી અને માનવ-અધિકારોના સંવર્ધનમાં સહકાર વધારવાની પ્રવૃત્તિઓ વાસ્તે ‘હેલ્સિન્કી એકૉર્ડ’ પર સહીઓ કરવામાં આવી.

ઈ. સ. 1980થી યુરોપના ઘણા દેશોની સરકારો તથા લોકોએ સુધારાને પ્રોત્સાહન આપ્યું છે. ઈ. સ. 1985થી સોવિયેત સંઘના નેતા મિખાઈલ ગૉર્બાચેવે ‘ગ્લાસનોસ્ત’ (ખુલ્લાપણું) અને ‘પેરેસ્ત્રોઇકા’-(આર્થિક સુધારા)ની યોજના અમલમાં મૂકી. તે સાથે પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોમાં પણ સુધારાની ચળવળ ઉદભવી. પોલૅન્ડ, હંગેરી, ચેકોસ્લોવૅકિયા, પૂર્વ જર્મની, રુમાનિયા અને બલ્ગેરિયામાં મોટી સંખ્યામાં લોકોએ દેખાવો કરીને સામ્યવાદી શાસનનો અંત લાવી વધુ સ્વતંત્રતાની માગણી કરી. ઈ. સ. 1989 તથા ઈ. સ. 1990માં આ દેશોમાં મુક્ત બહુપક્ષી ચૂંટણીઓ યોજવામાં આવી અને બિનસામ્યવાદી પક્ષોએ ત્યાંની સરકારો પર અંકુશ મેળવ્યો. એ સરકારોએ વાણી, ધર્મ અને વર્તમાનપત્રોની સ્વતંત્રતા એટલે કે નાગરિક સ્વાતંત્ર્યો પરના અંકુશો દૂર કર્યા. તે સરકારોએ સરકાર સંચાલિત ઉદ્યોગો ખાનગી સાહસિકોને વેચી દેવાના કાર્યક્રમો શરૂ કર્યા. ઈ. સ. 1990માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું જોડાણ કરીને જર્મની બિનસામ્યવાદી દેશ બન્યો.

ઈ. સ. 1991માં, મિખાઈલ ગૉર્બાચેવને સત્તા ઉપરથી દૂર કરવાના રૂઢિચુસ્ત સામ્યવાદી અધિકારીઓના પ્રયાસો નિષ્ફળતામાં પરિણમ્યા બાદ, સોવિયેત સંઘમાં સામ્યવાદી શાસનનો અંત આવ્યો. તે પછી સોવિયેત સંસદે સામ્યવાદી પક્ષની સર્વે પ્રવૃત્તિઓ અટકાવી દીધી. ત્યાંની સંસદે ઇસ્તોનિયા, લૅટ્વિયા અને લિથુઆનિયાની સ્વતંત્રતા માન્ય રાખી.

સોવિયેત સંઘના વિઘટનથી યુરોપમાં રાજકીય, આર્થિક તથા સલામતીને લગતા સંબંધોની સ્પષ્ટતા કરવા માટે યુરોપના દેશો સજ્જ થયા. આ દરમિયાન પશ્ચિમ યુરોપના દેશોએ અગાઉના સોવિયેત જૂથના એટલે કે પૂર્વ યુરોપના દેશો સાથે સંબંધો સુધારવા માંડ્યા. પૂર્વ યુરોપના દેશોમાંથી 1992માં લાખો નિરાશ્રિતો પશ્ચિમ યુરોપના દેશોમાં ગયા હતા. તેમાંના 3,68,000 નિરાશ્રિતોએ જર્મનીમાં સ્થળાંતર કર્યું હોવાથી ત્યાં ગંભીર આર્થિક સમસ્યાઓ પેદા થઈ. તેનાથી જર્મનીમાં બેકારી પેદા થઈ. તેથી ઉગ્રવાદી જર્મનોએ નિરાશ્રિતો પર હિંસક હુમલા કર્યા અને તેમનાં રહેઠાણો સળગાવ્યાં.

બૉસ્નિયા અને હર્સગોવિનાએ 1992માં સ્વતંત્રતા જાહેર કર્યા બાદ, બૉસ્નિયામાં વસતા સર્બ લોકોએ સર્બિયાની સહાય વડે લડાઈ શરૂ કરી. આ લડાઈ બૉસ્નિયા રાજ્ય અને ત્યાંની મુસ્લિમ વસ્તીના અસ્તિત્વ માટે ધમકી સમાન હતી.

ઈ. સ. 1992માં યુરોપિયન કોમ્યૂનિટીએ તેના બાર સભ્ય-દેશોના લોકોને અસર કરે એવી સહિયારા બજારની યોજના ઘડી. પશ્ચિમ યુરોપના દેશોમાં 1993માં તીવ્ર મંદી પ્રવર્તી. તેના પરિણામે ફ્રાન્સ, ગ્રીસ, ઇટાલીમાં સરકારો બદલાઈ. યુરોપિયન કોમ્યૂનિટીએ સમગ્ર યુરોપમાં સમાન ચલણ વાસ્તે યોજના ઘડી હતી, પરંતુ તેને કાર્યાન્વિત કરવામાં વિવિધ સમસ્યાઓ પેદા થઈ. તેથી સમાન ચલણ (યુરો) 1997માં શરૂ કરવાનું હતું, તે 1999માં શરૂ થઈ શક્યું. યુરોપમાં તીવ્ર મંદીને કારણે વ્યાપક બેકારી ચાલુ રહી. નિષ્ણાતોના અંદાજ અનુસાર આશરે 220 લાખ લોકો યુરોપમાં બેકાર હતા. 1993થી સહિયારા બજારના કાર્યક્રમનો અમલ કરવાથી અનેક અંતરાયોનો અંત આવ્યો. 1994માં યુરોપ આર્થિક મંદીમાંથી બહાર આવ્યું, અને સામ્યવાદી યુગ પછીના બદલાતા રાજકીય વાતાવરણને અનુકૂળ થવા લાગ્યું. આ દરમિયાન નાટોએ શાંતિનો કાર્યક્રમ બનાવી તેમાં મધ્ય અને પૂર્વ યુરોપના દેશોને પણ દાખલ કર્યા. નાટોએ જાન્યુઆરી 1994માં ‘શાંતિ માટેની ભાગીદારી’ નામથી ઐતિહાસિક યોજના મંજૂર કરી. તે દ્વારા અગાઉના સામ્યવાદી જૂથના દેશોને કેટલીક લશ્કરી કવાયતો, શાંતિનાં મિશનો અને માહિતીની આપ-લે કરવાની છૂટ મળી. અગાઉ યુરોપિયન કોમ્યૂનિટી નામની સંસ્થા હવે યુરોપિયન સંઘ બની. 1 જાન્યુઆરી 1994થી જર્મનીના ફ્રૅન્કફર્ટ શહેરમાં યુરોપિયન સેન્ટ્રલ બૅંક ખોલવામાં આવી. યુરોપના દેશોમાં આર્થિક મંદી દૂર થઈ અને વિકાસનો દર 2 ટકા થવા છતાં, કંપનીઓ ઑટોમેશન દ્વારા રોજગારી ઘટાડતી હોવાથી, બેકારી ચાલુ રહી.

યુગોસ્લાવ પ્રજાસત્તાકનું વિભાજન કરવાનું નક્કી થવાથી બૉસ્નિયા-હર્સગોવિનામાં 1995માં યુદ્ધનો અંત આવ્યો. ચાર વર્ષ ચાલેલા આ યુદ્ધમાં 2,50,000થી વધુ લોકો મરણ પામ્યા અને 20 લાખ માણસો ઘરબાર વગરના થઈ ગયા. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુરોપના દેશો પૂર્વ અને પશ્ચિમના વિભાગોમાં વહેંચાઈ ગયા હતા. તે રાષ્ટ્રોને જોડવા માટે 1997માં ઐતિહાસિક પગલાં ભરવામાં આવ્યાં. શીતયુદ્ધના મુખ્ય પ્રતિસ્પર્ધી રશિયા સાથે સલામતીના સહકાર માટે નાટોએ એક ફૉરમની રચના કરી. નાટોએ પૂર્વ યુરોપના અગાઉના સામ્યવાદી જૂથના દેશોને પોતાની સાથે જોડવાના પ્રયાસો કર્યા. પૅરિસમાં મે 1997માં શિખર-મંત્રણામાં રશિયાના પ્રમુખ બૉરિસ યેલ્તસિન અને નાટોના 16 સભ્ય-દેશોના નેતાઓ સાથે ફાઉન્ડિંગ ઍક્ટ નામના કરાર થયા. તે મુજબ શસ્ત્રનિયંત્રણ, શાંતિ-સ્થાપક મિશન અને કટોકટીના સમયમાં મંત્રણાઓ સરળ બનાવવા એક કાયમી સંયુક્ત સમિતિ રચવામાં આવી. યુરોપીય સંઘે પણ 1997માં પૂર્વ યુરોપના દેશોને નવા સભ્યો તરીકે પ્રવેશ આપવાનાં પગલાં ભર્યાં. યુરોપીય સંઘે જાન્યુઆરી 1999માં યુરોપનું નવું સમાન ચલણ જે ‘યુરો’ ગણતરીના એકમ તરીકે શરૂ કર્યું હતું, તે જાન્યુઆરી 2002થી વિનિમયના માધ્યમ તરીકે અમલમાં આવ્યું. તે મુજબ ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, ફિનલૅન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, આયર્લૅન્ડ, ઇટાલી, સ્પેન, લક્ઝમ્બર્ગ, હોલૅન્ડ (નેધરલૅન્ડ્ઝ) અને પૉર્ટુગલ આ બાર દેશોએ પોતાનાં રાષ્ટ્રીય ચલણોનો ત્યાગ કરીને નવા ચલણ યુરોનો સ્વીકાર કર્યો. આ એક ઐતિહાસિક પગલું ગણાય છે.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ

જાહ્નવી ભટ્ટ