યુરે, હેરોલ્ડ ક્લેટન (Urey, Harold Clayton) (જ. 29 એપ્રિલ 1893, વોકરટન, યુ.એસ.; અ. 5 જાન્યુઆરી 1981, લા હોલે, કૅલિફૉર્નિયા) : ડ્યુટેરિયમ(ભારે હાઇડ્રોજન)ની શોધ બદલ 1934ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારવિજેતા, યુ.એસ.ના ભૌતિક-રસાયણવિદ. સમસ્થાનિકો(isotopes)ના અલગનની પદ્ધતિઓ અને સમસ્થાનિકોની ઉપયોગિતા વિકસાવવામાં તેઓ અગ્રણી હતા.

તેઓ એક પાદરીના પુત્ર હતા. મૂળ તેમણે 1917માં મોન્ટાના યુનિવર્સિટીની બી.એસ.ની પદવી પ્રાણીશાસ્ત્ર વિષયમાં મેળવેલી, પણ પછી તેઓ રસાયણશાસ્ત્ર તરફ વળ્યા. શરૂઆતનાં બે વર્ષ ઉદ્યોગોમાં કેમિસ્ટ તરીકે કામ કર્યા બાદ મોન્ટાના યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપી. 1923માં તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયાની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમની વૈજ્ઞાનિક કારકિર્દીની શરૂઆત તેઓ 1923–24માં અમેરિકન સ્કૅન્ડિનેવિયન ફાઉન્ડેશન ફેલો તરીકે કૉપનહેગન ગયા ત્યારથી થઈ. ત્યાં તેમણે નીલ બોહ્રના પરમાણુ-સંરચના અંગેના પાયારૂપ સંશોધનમાં ભાગ લીધો. ત્યાંથી પરત આવ્યા બાદ તેમણે જૉન હૉપક્ધિસ યુનિવર્સિટી (બાલ્ટિમોર) (1924–29) અને કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કર્યું (1929–45). 1945–52 દરમિયાન તેમણે ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યૂક્લિયર સ્ટડિઝ ખાતે રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે અને 1952–58 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં રાયરસન પ્રોફેસર ઑવ્ કેમિસ્ટ્રી તરીકે સેવાઓ આપી. 1958–70 દરમિયાન તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન ડિયેગો ખાતે પ્રોફેસર-એટ-લાર્જ તરીકે; જ્યારે 1970–81 સુધી રસાયણશાસ્ત્રના માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.

કોલંબિયામાં હતા ત્યારે જ યુરે અને તેમના સહકાર્યકરોએ ભારે (heavy) હાઇડ્રોજનની શોધ આદરી હતી. અગાઉ 1919માં સ્ટર્ન અને વૉમર હાઇડ્રોજનનો પરમાણુભાર બરોબર એક(1.0)ને બદલે થોડો  વધુ આવતો હોઈ એક ભારે સમસ્થાનિકની તપાસ કર્યા કરતા હતા. 1920માં રૂધરફોર્ડે પણ તેની આગાહી કરેલી. યુરેએ જ્યૉર્જ મર્ફી તથા ફર્ડિનાન્ડ બ્રિકવેડે સાથે આ સમસ્થાનિકની શોધ માટે 4 લીટર પ્રવાહી હાઇડ્રોજન લઈ તેનું બાષ્પીભવન કર્યું અને જ્યારે લગભગ 1 મિલી. પ્રવાહી બાકી રહ્યું ત્યારે તેની સ્પેક્ટ્રમિકી તપાસ કરી. આમાં તેમને જેનું દળ (mass) 2 હોય તેવા સમસ્થાનિકની સ્પષ્ટ રેખા જોવા મળી (1931). ત્યારબાદ વૉશર્બન સાથે તેમણે પાણીના વિદ્યુતવિભાજન દ્વારા ભારે પાણી (D2O) તથા ભારે હાઇડ્રોજન અથવા ડ્યુટેરિયમ મેળવવાની પદ્ધતિ વિકસાવી. હાઇડ્રોજનને સ્થાને ડ્યુટેરિયમ હોય તેવાં અનેક સંયોજનો તેમણે બનાવ્યાં. આને કારણે સમસ્થાનિક અંકન (isotope labelling) નામની તકનીક પ્રસ્થાપિત થઈ, જે આધુનિક રસાયણશાસ્ત્ર ઉપરાંત ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને આયુર્વિજ્ઞાન(medicine)માં ઘણી ઉપયોગી નીવડી છે.

સમસ્થાનિકો અલગ કરવાની તેમની વિશિષ્ટ નિપુણતાને કારણે 1942માં તેઓ પરમાણુબૉંબ પ્રૉજેક્ટ માટે કોલંબિયા ખાતે સ્થપાયેલ સબ્સ્ટિટ્યૂટ એલૉય મટિરિયલ્સ લૅબોરેટરીના સંશોધન-નિયામક નિમાયા. તેમના માર્ગદર્શન હેઠળ પરમાણુબૉંબ માટે જરૂરી એવા યુરેનિયમ–235 સમસ્થાનિકના મોટા પાયા પર અલગન માટેની વાયુ-વિસરણ (gas-diffusion) પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. હાઇડ્રોજન બૉંબ માટે ટ્રિટિયમ (હાઇડ્રોજનનો અન્ય સમસ્થાનિક) મેળવવામાં પણ તેમણે ફાળો આપેલો. આ ઉપરાંત બૉરૉન, ઑક્સિજન, કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના સમસ્થાનિકોને અલગ કરવાની તેમજ ડ્યુટેરિયમને સંકેન્દ્રિત કરવાની પદ્ધતિઓ પણ તેમણે વિકસાવેલી.

યુરેને 1934ના વર્ષમાં નોબેલ પુરસ્કાર અને 1940માં ડેવી ચંદ્રક એનાયત કરવામાં આવેલા. 1947માં તેઓ રૉયલ સોસાયટીના વિદેશી સભ્ય તરીકે ચૂંટાયા હતા.

ભારે ઑક્સિજન (ઑક્સિજન–18) ઉપરના તેમના કાર્ય દ્વારા તેઓ સમુદ્રનું 18 કરોડ વર્ષ પહેલાંનું તાપમાન માપવાની રીત વિકસાવી શક્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં તેમણે ભૂરસાયણ (geochemistry), ખગોળભૌતિકી (astrophysics), પૃથ્વી અને તેના ઉપરના જીવનની ઉત્પત્તિ, પૃથ્વી ઉપરનાં તત્વોનાં ઉદગમ તથા તેમની વિપુલતા તેમજ સૂર્યમંડળ અને તારાઓમાં તત્વોની વિપુલતાનો અભ્યાસ કર્યો હતો. તેઓ માનતા હતા કે પૃથ્વી મુખ્યત્વે ધાત્વિક (metallic) કણોની શીત અભિવૃદ્ધિ(accretion)ને લીધે ઉત્પન્ન થઈ છે અને શરૂઆતમાં તે, ગુરુના ગ્રહ ઉપર હાલ છે તેવું અપચયી (reducing) વાતાવરણ (મુખ્યત્વે એમોનિયા, મિથેન અને હાઇડ્રોજનનું) ધરાવતી હતી; જ્યારે ચંદ્ર અલગ રીતે ઉદભવ્યો હતો. પૃથ્વી જેટલી ઉષ્ણ અને સુઘટ્ય (plastic) હતી તેવો ચંદ્ર કદી ન હતો. પછીથી થયેલાં સંશોધનોએ તેમના 1952માં વિકસાવાયેલા આ ખ્યાલોને ટેકો આપ્યો છે. તે પછીના વર્ષે શિકાગો ખાતે યુરેની જ પ્રયોગશાળામાં કાર્ય કરતા સ્ટેન્લી મિલરે યુરેના પ્રતિરૂપ (model) પ્રમાણે પાણી અને આવા વાતાવરણમાંથી પારજાંબલી કિરણોની મદદ વડે જીવન માટે જરૂરી એવાં કાર્બનિક સંયોજનોનું સંશ્લેષણ કરવાના સફળ પ્રયોગો કર્યા હતા.

તેમના સિદ્ધાંતો તેમણે ‘ધ પ્લેનેટ્સ : ધેર ઓરિજિન ઍન્ડ ડેવલપમેન્ટ’ નામના પુસ્તકમાં પ્રકાશિત કર્યા હતા. 1960માં તેમણે સૂર્યમંડળના ઉદગમ અને અન્ય ગ્રહો ઉપર જીવનની શક્યતા નક્કી કરવા માટે અવકાશી અન્વેષણ (space exploration) માટે ભલામણો કરેલી.

જ. પો. ત્રિવેદી