યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી

January, 2003

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી, સેરો લા સિલા, ચિલી (European Southern Observatory : ESO) : યુરોપના આઠ દેશોના સહકારથી સ્થપાયેલી વેધશાળા. યુરોપના બેલ્જિયમ, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન અને સ્વિટ્ઝર્લૅન્ડ એમ કુલ આઠ દેશોએ એકત્રિત થઈ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં એક ખગોળ વેધશાળા સ્થાપવાના અને આ વિષયમાં ભેગા મળી સંશોધન કરવાના આશયથી 1962માં ઊભું કરેલું એક સહકારી સંગઠન. આજે તે યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી નામે ઓળખાય છે. તે સમયે તેનું વડું મથક ચિલીમાં લા સિલાથી 240 કિલોમીટર દૂર સાન્ટિયાગો ખાતે હતું. પણ પાછળથી 1974–75માં ESOના બંધારણમાં ધરખમ સુધારા કરી, તેનું વડું મથક જર્મનીમાં મ્યૂનિકની પાસે આવેલા Garching ખાતે લઈ જવામાં આવ્યું. ચિલીમાં આવેલી લા સિલા ઑબ્ઝર્વેટરી આ સહકારી સંઘની પ્રમુખ વેધશાળા છે. આ વેધશાળા 1969માં ચિલીમાં સ્થાપવામાં આવી. આ વેધશાળા અતાકામા ડેઝર્ટના દક્ષિણ ભાગમાં, સાન્ટિયાગો ડી ચિલીથી ઉત્તરે 600 કિમી.(370 માઈલ)ના અંતરે, 2,400 મી. (7,900 ફૂટ) ઊંચાઈએ આવેલી છે.

ચિલીની આ લા સિલા ઑબ્ઝર્વેટરીમાં સંખ્યાબંધ ટેલિસ્કોપ અને ખગોલીય ઉપકરણો ગોઠવવામાં આવ્યાં છે. તે પૈકી એક 3.6 મી.(142 ઇંચ)નું પરાવર્તક (દર્પણ) છે, જે 1975માં કામ કરતું થયું. બીજું 3.5 મી.(138 ઇંચ)નું છે, તો દક્ષિણ આકાશના ફોટા માટે સ્મિટ કૅમેરા (દૂરબીન) પણ છે.

આ ઉપરાંત, ન્યૂ ટેક્નૉલોજી ટેલિસ્કોપ તરીકે ઓળખાતું એક 3.5 મી.(138 ઇંચ)નું પરાવર્તક દૂરબીન પણ અહીં આવેલું છે, જે તેના નામ મુજબ જ, ઘણી બધી આધુનિક સગવડો ધરાવે છે. 1990થી નિયમિત વેધ લેતું આ ટેલિસ્કોપ તેના પ્રથમાક્ષરો પરથી સંક્ષેપમાં NTT નામે ઓળખાય છે. મુખ્ય દર્પણનો ઘાટ એકસરખો જળવાઈ રહે તે માટે સક્રિય પ્રકાશિકી (active optics) તરીકે ઓળખાતી એક ખાસ વ્યવસ્થા આ દૂરબીનમાં કરવામાં આવી છે. આ માટે દર્પણ પાતળું રાખવામાં આવે છે અને દર્પણની પાછળ મૂકવામાં આવેલા વિવિધ ટેકા(આધાર)નું સંચાલન કમ્પ્યૂટરથી આપમેળે થતું રહે છે. પરિણામે ટેલિસ્કોપ વાંકું થાય કે તાપમાનમાં ધરખમ ફેરફાર થાય તોપણ આ દર્પણમાં કશો ફેર થતો નથી. આ રીતે ગમે તેવા સંજોગોમાં દર્પણ એકસરખું કામ આપે છે. વળી આ ટેલિસ્કોપનું સંચાલન અને વેધકાર્ય ESOના જર્મનીમાં આવેલા વડા મથકેથી ઉપગ્રહની મદદથી દૂર બેઠાં થાય છે.

આ ઉપરાંત રેડિયો-એસ્ટ્રૉનોમી માટે 15 મી.(50 ફૂટ)નું સ્વીડિશ/ઈએસઓ સબમિલીમિટર ટેલિસ્કોપ પણ અહીં આવેલું છે.

લા સિલા ઑબ્ઝર્વેટરીમાં પ્રખ્યાત સ્વિસ ગણિતશાસ્ત્રી લિયૉન્હાર્ડ આયલર (કે લિયૉનાર્ડ ઑઇલર) (1707–1783)ના માનમાં 1.2 મી.(3.9 ફૂટ)નું પરાવર્તક ટેલિસ્કોપ પણ આવેલું છે, જેનો મુખ્ય ઉદ્દેશ સૂર્યમાળાની બહારના ગ્રહો શોધવાનો છે. આ ટેલિસ્કોપ જિનીવા વેધશાળામાં તૈયાર કરવામાં આવેલું.

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી ચિલીમાં સેરો પેરાનલ પર્વત ઉપર પેરાનલ વેધશાળા ખાતે વેરી લાર્જ ટેલિસ્કોપ (VLT) તરીકે ઓળખાતા 8.2 મીટર(232 ઇંચ)નું એક એવાં ચાર વિરાટ ટેલિસ્કોપ સંકુલનું પણ નિર્માણ કરી રહી છે. આ ચાર ટેલિસ્કોપ ભેગાં થઈને 16 મીટર(630 ઇંચ)ના એક ટેલિસ્કોપ જેટલો પ્રકાશ એકત્રિત કરશે.

યુરોપિયન સધર્ન ઑબ્ઝર્વેટરી વૈજ્ઞાનિક સંમેલનોનું આયોજન, સંશોધન-સામયિકનું નિયમિત પ્રકાશન જેવી પ્રવૃત્તિઓ પણ કરે છે.

સુશ્રુત પટેલ