મ્યાનમાર : અગ્નિ એશિયામાં આવેલો ભારતનો પડોશી દેશ. અગાઉ તે બ્રહ્મદેશ (બર્મા) તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 00´થી 28° 30´ ઉ. અ. અને 92° 00´થી 101° 00´ પૂ. રે. વચ્ચેનો 6,76,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પતંગને મળતો આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 2,236 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 860 કિમી. જેટલી છે. દક્ષિણ તરફનો તેનો પટ્ટી જેવો સાંકડો ભાગ 900 કિમી.ની લંબાઈમાં મલાયાના દ્વીપકલ્પ સુધી વિસ્તરેલો છે.  તેનો સમુદ્રી તટ 1930 કિમી.ની લંબાઈમાં ફેલાયેલો છે. તેની પશ્ચિમે ભારત, ઉત્તરે ચીનનો પહાડી વિસ્તાર; પૂર્વમાં ચીનનો યુનાન પ્રાંત અને થાઇલૅન્ડ, દક્ષિણમાં હિન્દી મહાસાગર અને મલેશિયા તથા  બાંગ્લાદેશ અને બંગાળનો ઉપસાગર આવેલા છે.

પ્રાકૃતિક રચના : ઇરાવદીના દક્ષિણ ભાગને બાદ કરતાં મ્યાનમારનો બાકીનો બધો જ ભાગ પહાડી છે. દેશની પશ્ચિમ સીમા સાથે આરાકાન યોમા પર્વતમાળા ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. ઉત્તર ભાગમાં તે 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે, દક્ષિણ તરફ તેની ઊંચાઈ ઘટીને 300 મીટરથી પણ ઓછી થઈ જાય છે. પશ્ચિમ કિનારાનું મેદાન આરાકાન મેદાન તરીકે ઓળખાય છે. અહીંની રચનાઓ ટર્શ્યરી યુગની ખડકરચનાઓ સાથે સંબંધિત છે. આરાકાન પર્વતશ્રેણીની પૂર્વ તરફ ઇરાવદી અને ચિંદવીન નદીના ખીણપ્રદેશો આવેલા છે. મધ્યભાગમાં આ ખીણપ્રદેશો પહોળા છે, દક્ષિણમાં પેગુયોમા પર્વતશ્રેણી પથરાયેલી હોવાથી ખીણપ્રદેશ સાંકડો બની રહે છે. આ ભાગમાં પ્રાચીન જ્વાળામુખીના અવશેષો જોવા મળે છે. મધ્યના નીચા મેદાનની પૂર્વમાં શાનનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, તે ચીનના યુનાન પ્રદેશના ભાગ રૂપે છે. આ ઉચ્ચપ્રદેશ પ્રાચીન છે અને તે ઘનિષ્ઠ ખડકોથી બનેલો છે, પરંતુ તે નદીઓ દ્વારા કોતરાયેલો છે. અહીં આવેલી સાલવીનની ખીણ મુખ્ય છે. આ ઉચ્ચપ્રદેશ અગ્નિ દિશામાં મલાયા દ્વીપકલ્પ સુધી ફેલાયેલો છે, તે તેનાસરીમ પ્રદેશ તરીકે ઓળખાય છે. આ તેનાસરીમ પ્રદેશના કિનારાના સાંકડા મેદાનની પાછળ બિલનક્યાંગ પર્વતશ્રેણી આવેલી છે. ભૂપૃષ્ઠ અને રચનાની દૃષ્ટિએ મ્યાનમારના મુખ્ય ત્રણ વિભાગો પાડી શકાય છે : (i) પશ્ચિમનો પહાડી પ્રદેશ, (ii) શાનનો ઉચ્ચપ્રદેશ અને (iii) ઇરાવદી થાળું.

(i) પશ્ચિમનો પહાડી પ્રદેશ : આ પ્રદેશ તિબેટ (ચીન) અને ચીનની સીમા પર વિસ્તરેલો છે. આ પહાડીઓ થઈને આ વિભાગ ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો છે. હિમાલય પર્વતમાળાના ભાગરૂપ આ પહાડી પ્રદેશ મ્યાનમારની પશ્ચિમ સીમા સાથે ચાલુ રહીને છેક દક્ષિણમાં નેગ્રેઇસની ભૂશિર સુધી 1,120 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલો છે. આ પર્વતમાળા આરાકાન યોમા તરીકે ઓળખાય છે. તે ઉત્તરમાં પહોળી અને દક્ષિણમાં સાંકડી બને છે. નેગ્રેઇસની ભૂશિર વટાવ્યા પછી તે સમુદ્રમાં ડૂબી જતી જણાય છે, પરંતુ આંદામાન-નિકોબાર ટાપુઓ રૂપે ફરીથી સમુદ્રસપાટીની બહાર દેખાય છે. આ હારમાળાનું સર્વોચ્ચ શિખર સરામેટી 4,186 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ હારમાળામાં કેટલીક નદીઓએ અનુપ્રસ્થ ખીણો કોતરી કાઢી છે. હારમાળાની ઉત્તર અને પશ્ચિમે પતકોઈ, લુશાઈ, નાગા, મણિપુર અને ચીનની પહાડી શ્રેણીઓ આવેલી છે. ઉત્તરમાં આ પહાડી પ્રદેશોનો પૂર્વીય ઢોળાવ ઉગ્ર છે, આથી અહીં અનેક નૌકાઆકારની સીધા ઢોળાવવાળી ડુંગરધારો (સમુત્પ્રપાતો) રચાયેલી છે; જેમાં ચિંદવીનના હેઠવાસની ડુંગરધાર જાણીતી છે. ક્યાંક ક્યાંક જંગલ-આચ્છાદિત ટેકરીઓ છેક સમુદ્રકિનારે પણ પહોંચી જાય છે અને સમુદ્રભેખડો રચે છે. અહીં કિનારો તૂટક બની રહેલો છે, તેથી કુદરતી બંદરના વિકાસની તકો રહેલી છે, પરંતુ તેના પીઠપ્રદેશમાં પહાડી ભૂમિ હોવાથી તેમજ પરિવહનની ઘણી મુશ્કેલી હોવાથી ફક્ત આક્યાબ બંદર જ વિકસી શક્યું છે.

(ii) શાનનો ઉચ્ચપ્રદેશ : પૂર્વમાં આવેલો આ ઉચ્ચપ્રદેશ અનેક નદીઓ દ્વારા કોતરાયેલો છે. આ પ્રદેશની સરેરાશ ઊંચાઈ 1,000 મીટર જેટલી છે. મ્યાનમારના બીજા કોઈ પણ ભાગ કરતાં એની રચનાઓ જૂની છે. આ પ્રદેશ ચીનના યુનાન પ્રદેશના એક ભાગરૂપ ગણાય છે, દક્ષિણ તરફ તે તેનાસરીમ સુધી વિસ્તરેલો છે. તેની ઉત્પત્તિ મધ્યજીવયુગમાં થઈ હોવાથી તેને ઇન્ડોમલાયન પર્વતશ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં અગ્નિકૃત, જળકૃત (ચૂનાખડકો, રેતીખડકો) તેમજ વિકૃત ખડકો વધુ પ્રમાણમાં મળી આવે છે. ઊંચાઈવાળા ભાગોમાં ગ્રૅનાઇટ વિવૃત થયેલા છે. આ ઉચ્ચપ્રદેશનું વિસ્તરણ પૂર્વ તરફ થાઇલૅન્ડને વીંધીને મૅકોંગની બીજી બાજુ લાઓસ સુધી થયેલું છે. અહીં ચૂનાખડકોમાં રાસાયણિક ખવાણથી પહોળી, છીછરી અને આછા ઢોળાવવાળી ખીણો રચાઈ છે. ક્યાંક ક્યાંક ભૂગર્ભજળમાં દ્રાવણ રૂપે ચૂનાનો બાયકાર્બોનેટ પુનર્નિર્માણ પામીને કૅલ્ક ટુફા બનેલો છે. વળી અહીં ભૂગર્ભીય જળપરિવાહ પણ વિકસેલો જોવા મળે છે. મોટા આંતરિક કુંડ (polje) પણ તૈયાર થયેલા છે. આ વિસ્તારમાં કાર્સ્ટ સ્થળ-દૃશ્યાવલી તેમજ ચૂનાની ડૂબક બખોલો (sink holes) પણ રચાઈ છે.

(iii) ઇરાવદી થાળું : પશ્ચિમે આરાકાન યોમા અને પૂર્વમાં શાનના ઉચ્ચપ્રદેશની વચ્ચે ઇરાવદી થાળાનો વિસ્તાર આવેલો છે. કેટલોક વિસ્તાર ગેડીકરણથી નિર્માણ પામેલો છે. અહીંના ખડકોને ઇરાવદી-શ્રેણી અને પેગુયોમા-શ્રેણીના ખડકો કહે છે. ચિંદવીન, ઇરાવદી અને સિતાંગ નદીના કાંપ હેઠળ અહીંની ગેડરચનાના ખડકો દટાયેલા છે. આ પ્રદેશ ખેતી માટે અનુકૂળ હોવાથી તેને મ્યાનમારની હાર્દભૂમિ કહે છે. વળી અહીં ટર્શ્યરી રચના ખનિજતેલ પણ ધરાવે છે. તેમાંથી ખનિજતેલ મેળવાય છે. જાણીતો મૃત જ્વાળામુખી ‘માઉન્ટ પોપા’ અહીં આવેલો છે. તેની ઊંચાઈ આશરે 1,600 મીટર જેટલી છે. આ સમતળ મેદાની પ્રદેશમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી પેગુયોમા હારમાળા મુખ્ય છે. તે દક્ષિણના પ્રદેશને બે ભાગમાં વહેંચી નાખે છે : પશ્ચિમમાં ઇરાવદીની ખીણ અને પૂર્વમાં સિતાંગની ખીણ. આ થાળામાં દક્ષિણ તરફ કાંપ, કાંકરા, માટી વગેરે પથરાયેલાં છે. ડુંગરાળ પ્રદેશ નજીક બરછટ કણો વધુ, જ્યારે થાળાના મધ્ય અને દક્ષિણ ભાગમાં સૂક્ષ્મ માટી અને કાંપનું પ્રમાણ વધુ હોવાથી, નીચલું થાળું ફળદ્રૂપ બન્યું છે. આ પ્રદેશ ‘દુનિયાના ચોખાના ભંડાર’ તરીકે જાણીતો બન્યો છે.

આબોહવા : આ દેશની આબોહવા ભારતની જેમ મોસમી પ્રકારની છે. ઉનાળામાં અહીં ગરમ, ભેજવાળી અને શિયાળામાં ઠંડી અને સૂકી આબોહવા વરતાય છે. અહીંનાં સરેરાશ તાપમાન અનુક્રમે ઉનાળામાં 29° સે. અને શિયાળામાં 20° સે. જેટલાં હોય છે. દેશના ઉત્તર ભાગોમાં 3,000 મીટરથી વધુ ઊંચાઈએ બે માસ હિમવર્ષા થાય છે. માર્ચથી જૂનના ગાળામાં તાપમાન ઊંચું રહેતું હોવાથી મધ્ય મ્યાનમાર ઉપર લઘુભાર સ્થપાય છે. આથી હિન્દી મહાસાગરના ગુરુભારવાળા વિસ્તાર તરફથી નૈર્ઋત્યના મોસમી પવનો અહીં વાય છે. આ કારણે પશ્ચિમના પહાડી પ્રદેશોમાં અને મુખત્રિકોણના પ્રદેશોમાં 2,500થી 3,500 મિમી. જેટલો વરસાદ પડે છે. દક્ષિણ કિનારાથી ઉત્તર તરફ જતાં વરસાદ ઘટતો જાય છે. મેદાનના ઉત્તર ભાગમાં ફક્ત 500 મિમી. વરસાદ પડે છે. શાનનો ઉચ્ચપ્રદેશ વર્ષાછાયાનો પ્રદેશ બનતો હોવાથી ત્યાં વરસાદ 1,500થી 2,000 મિમી. જેટલો પડે છે. મધ્યના સૂકા પ્રદેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત રહે છે, તેની અસર ખેતી પર પણ થાય છે. અહીં વરસાદ માત્ર 500થી 1,500 મિમી. જેટલો જ પડે છે. નવેમ્બરથી માર્ચ સુધી આકાશ નિરભ્ર રહે છે. જૂનથી સપ્ટેમ્બરમાં ઓછા ભેજવાળા પવનો થોડોઘણો વરસાદ આપે છે. મે અને ઑક્ટોબરમાં ગાજવીજ સાથે વરસાદ થાય છે.

મ્યાનમારના પાટનગર યૉગોન(રંગૂન)ના માર્ગો પર મોટા પ્રમાણમાં માલવહન કરતી માનવ-ચાલિત પગરિક્ષાઓ

જળપરિવાહ : મ્યાનમારના જળપરિવાહને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચેલો છે : (i) ઇરાવદી નદીનો જળપરિવાહ, (ii) આરાકાનની નદીઓનો જળપરિવાહ, (iii) તેનાસરીમની નદીઓનો જળપરિવાહ, અને (iv) સાલવીન નદીનો જળપરિવાહ.

(i) ઇરાવદી નદીનો જળપરિવાહ : ઇરાવદી મ્યાનમારની સૌથી મોટી અને જાણીતી નદી છે. તે તિબેટના પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે. મૂળથી મુખ સુધીની તેની લંબાઈ 1,600 કિમી. જેટલી છે. તેના ત્રિકોણપ્રદેશનું ક્ષેત્ર 26,000 ચોકિમી. જેટલું છે. મુખભાગથી 1,200 કિમી. સુધી તેમાં નૌકાવ્યવહાર કરી શકાય છે. ઉત્તર તરફના પર્વતોમાંથી નીકળતાં બે અલગ ઝરણાં મેખા અને માલેખા જ્યાં ભેગાં મળે છે ત્યાંથી 240 કિમી. અંતરે આવેલા ભામો સુધી વહેતી આ નદી ઉપલી ઇરાવદી તરીકે ઓળખાય છે. અહીં પ્રવાહ વેગીલો હોવા છતાં જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ભામો પાસે તે 19 કિમી. પહોળા થાળામાં પ્રવેશે છે. ત્યાંથી સર્પાકારે વહીને ચૂનાખડકો પરથી પસાર થાય છે. અહીંનો ખીણભાગ 83 મીટરની ઊંડાઈવાળો બની રહે છે. ચૂનાખડકોને વટાવીને પશ્ચિમના મેદાનમાં પ્રવેશે છે અને કાથા સુધી પહોંચે છે. કાથાથી માંડલે સુધી તે સ્તરનિર્દેશક ખીણમાં વહે છે. શાનના ઉચ્ચપ્રદેશ તરફ આ ખીણ આશરે 800 મીટર ઊંચી નિવૃત્ત ડુંગરધાર ધરાવે છે. થાબેઇક્કિન પાસે ઇરાવદી રેતીખડકના પ્રદેશમાં રચાયેલાં કોતરોમાંથી વહે છે. કાબવેટ નજીક તે પશ્ચિમ તરફ વહીને દક્ષિણે માંડલે-થાળા તરફ આગળ વધે છે. માંડલેથી થાયેટમાયો સુધીનો વહનમાર્ગ સૂકા મેદાની ભાગમાંથી પસાર થાય છે. થાયેટમાયોથી આગળ જતાં તે વાંકોચૂકો માર્ગ ગ્રહણ કરે છે. અહીંના સાંકડા ભાગમાં આ નદી પર પ્રોમ નામનું બંદર આવેલું છે. પ્રોમથી આશરે 144 કિમી. દક્ષિણે મ્યાનાઊંગ સ્થળેથી ઇરાવદીનો એક ફાંટો જુદો પડે છે, વધુ આગળ તે અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે, અને ફરીથી ભળી જઈ નવ નદીમુખ રચે છે. આ નવ નદીમુખ દ્વારા ઇરાવદી સમુદ્રને મળે છે, તેનો મોટાભાગનો જળરાશિ ઇયા મુખ દ્વારા સમુદ્રમાં ઠલવાય છે.

ઇરાવદીની મુખ્ય શાખા ચિંદવીન ઉત્તરમાં હૂકવાંગની ખીણમાં ઉપલી ઇરાવદી નદીની પાસેથી જ વહે છે. અનેક જલપ્રપાત અને જળધોધની રચના કરતી આગળ તે દક્ષિણમાં વહીને ઇરાવદીને શાખાઓ રૂપે મળે છે. ચિંદવીન નદી ઉપર લગભગ 480 કિમી. એટલે કે હોમાલીન સુધી જળમાર્ગ-વ્યવહાર થઈ શકે છે.

(ii) આરાકાન પ્રદેશનો જળપરિવાહ : આરાકાનમાંથી કલાદન, માયું, લેમ્યો અને નાફ નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે અને જાળાકાર પરિવાહ રચે છે. અહીંની ભૂરચનાને કારણે નદીઓ ઉગ્ર વળાંકો લઈને આરાકાનના સમુદ્રકિનારે મુખત્રિકોણ રચે છે. માત્ર કલાદન નદી પાલેટવા સુધી જળમાર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે, બાકીની નદીઓ વહાણવટા માટે ઉપયોગી નથી. નદીઓના ત્રિકોણપ્રદેશમાં કાંપની ફળદ્રૂપ જમીનોને લીધે વસાહતો વિકસેલી છે.

(iii) તેનાસરીમ  પ્રદેશનો જળપરિવાહ : મ્યાનમારની સંયોગીભૂમિમાં તેનાસરીમનો પહાડી પ્રદેશ આવેલો છે. નાની નદીઓ કાટખૂણે વહીને જાળાકાર જળપરિવાહ રચીને સમુદ્રને મળે છે. આ પ્રદેશની નાની, ઝડપી નદીઓ વિપુલ પ્રમાણમાં સ્થૂળથી માંડીને સૂક્ષ્મ શિલાચૂર્ણ ઘસડી લાવીને કિનારે પાથરે છે. આ પ્રદેશના ગ્રૅનાઇટ કલાઈના અયસ્ક ધરાવે છે. અહીંની નદીઓ નાની અને ઝડપી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી નથી.

(iv) સાલવીન નદીનો જળપરિવાહ : તિબેટના ટાંગ્લાહટુના પહાડી પ્રદેશમાંથી આ નદી નીકળે છે. તેનું મુખ માર્તબાનના અખાત ખાતે આવેલું છે. આ નદી ઇરાવદીને લગભગ સમાંતર વહે છે, તેમજ તેનો વહનમાર્ગ સાંકડી લાંબી પટ્ટી જેવો છે. આ નદી મોટી અને ઊંડી ખીણ ધરાવતી હોવા છતાં તેના જળજથ્થામાં વધઘટ થયા કરે છે. આ નદીના જળનો ઉપયોગ સાગનાં લાકડાંના વહન માટે કરવામાં આવે છે.

ઇન્લે સરોવર સાલવીન અને ઇરાવદી નદીઓના જળવિભાજકો વચ્ચેનો આંતરિક જળપરિવાહનો વિસ્તાર છે. આ સરોવર આશરે 1,200 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તેની લંબાઈ 22 કિમી. અને પહોળાઈ 6 કિમી. જેટલી છે.

કુદરતી વનસ્પતિ : મ્યાનમારની ભૂરચનાત્મક અને આબોહવાત્મક વિભિન્નતાને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. નીચા મેદાની પ્રદેશમાં હિમવર્ષા થતી નથી, પરંતુ 900 મીટરથી વધુ ઊંચાઈના પહાડી પ્રદેશોમાં ક્યારેક થતી હિમવર્ષા વનસ્પતિને અસર પહોંચાડે છે. ઊંચા પહાડી પ્રદેશોમાં ઓક અને પાઇનનાં વૃક્ષોનાં જંગલો જોવા મળે છે. અહીંના ખુલ્લા ભાગો પર ઘાસ પથરાયેલું જોવા મળે છે, જ્યારે અન્ય ભાગોમાં કુદરતી વનસ્પતિના વિતરણમાં વરસાદ નિર્ણાયક પરિબળ બને છે.

મ્યાનમારમાં જ્યાં 2,032 મિમી.થી વધુ વરસાદ પડે છે એવા પ્રદેશોમાં સદાહરિત વર્ષાજંગલો આવેલાં છે. આરાકાન યોમાના પશ્ચિમ ઢોળાવો, પેગુ યોમાનો દક્ષિણ ભાગ, તેનાસરીમ અને સાલવીન નદીના ખીણપ્રદેશમાં આવેલાં જંગલોમાં મૅહોગની, વાંસ, રોઝવુડ, લૉગવુડ વગેરે વૃક્ષો વિશેષ છે. 1,016થી 2,032 મિમી. વરસાદવાળા પ્રદેશોમાં મિશ્ર પાનખર કે મોસમી જંગલો જોવા મળે છે. તેમાં સાગ, સાલ, આંબા, વાંસ, અબનૂસ, નેતર, આયર્નવુડ જેવાં વૃક્ષો મુખ્ય છે. આ પ્રકારની વનસ્પતિ મુખ્યત્વે ઉત્તર તેનાસરીમ, પેગુયોમા, ઉત્તર મ્યાનમારમાંના ભામો અને કાથા પાસેના પ્રદેશોમાં જોવા મળે છે. ઇરાવદી ખીણના મધ્યસ્થ સૂકા પ્રદેશોમાં ઝાંખરાં-ઝાડી જેવી સૂકી વનસ્પતિ જોવા મળે છે. શાનના ઉચ્ચપ્રદેશમાં સ્થાન બદલતી રહેતી ખેતીને કારણે જંગલોનો નાશ થવાથી ત્યાં સવાના ઘાસના પ્રદેશો જોવા મળે છે. સમુદ્રકાંઠે અને નદીઓના મુખત્રિકોણના કાંપ-માટીના પંકપ્રદેશમાં સુંદરી (મૅન્ગ્રુવ) વૃક્ષોનાં જંગલો જોવા મળે છે.

અહીંનાં જંગલોમાં સસ્તન પ્રાણીઓ, સરીસૃપો અને પક્ષીઓનું વૈવિધ્ય જોવા મળે છે. હાથી અને વાઘ અહીંનાં મહત્વનાં પ્રાણીઓ છે.

અર્થતંત્ર : મ્યાનમારનો વિકાસ ચોક્કસ નક્કી કરેલી ખેતીવિષયક અને વેપારવિષયક નીતિ પર આધારિત છે. દુનિયાભરમાં સૌથી ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ મ્યાનમાર છે. રાષ્ટ્રની 75 ટકા ભાગની આવક ખેતી, શિકાર, મત્સ્ય અને અન્ય ઉત્પાદક ચીજો પર આધારિત છે. 66 ટકા શ્રમિકો ખેત-પ્રવૃત્તિમાં રોકાયેલા છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે અને મુખ્ય નિકાસી વસ્તુ પણ છે. અન્ય કૃષિપાકોમાં શેરડી, મકાઈ, મગફળી, કઠોળ અને કપાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાકભાજી અને ફળોની ખેતી પણ થાય છે.

જંગલસંપત્તિ : અહીંનાં વિવિધ પ્રકારનાં જંગલોમાં પાનખર જંગલોનું આર્થિક દૃષ્ટિએ ઘણું મહત્વ છે. ઇમારતી લાકડું તેની મુખ્ય પેદાશ છે, તે પૈકી સાગ (બર્મીઝ ભાષામાં ‘ક્યૂન’) અને આયર્નવુડનું મૂલ્ય વધુ અંકાય છે. ઈરાવદી-પ્રોમનાં જંગલો, પ્યિનમાના, ટાઉન્ગુ, ચિંદવીન ખીણ, મિન્બુ, શાનનો ઉચ્ચપ્રદેશ અને સાલવીનનો નીચલો ખીણવિસ્તાર સાગનાં જંગલોનો પ્રદેશ ગણાય છે. સાગનાં લાકડાં હાથી અને ભેંસોની મદદથી જંગલોમાંથી બહાર કાઢવામાં આવે છે અને તેમને નદીઓમાં વહેવડાવીને લાકડાં વહેરવાની મિલો સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત આ જંગલોમાંથી રંગો અને વાર્નિશ-ઉદ્યોગ માટેનો કાચો માલ પણ મેળવવામાં આવે છે. આરાકાન પ્રદેશમાં વાંસ (બર્મીઝ ભાષામાં ‘વા’) પણ પુષ્કળ મળી રહે છે.

ખેતીપ્રવૃત્તિ : મ્યાનમાર ખેતીપ્રધાન દેશ છે. અહીંના 70 % લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભૂરચના અને આબોહવાની ભિન્નતાને લક્ષમાં રાખીને ત્રણ વિશિષ્ટ પ્રકારની ખેત-પદ્ધતિઓ અહીં વિકાસ પામી છે : (i) પહાડી ખેતી, (ii) સૂકી ખેતી અને (iii) ત્રિકોણપ્રદેશીય ખેતી.

પહાડી ખેતી : આ દેશના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના પ્રદેશોમાં તેમજ તેનાસરીમના પહાડી વિસ્તારમાં પ્રાચીન સમયથી જ આદિમ જાતિઓ દ્વારા સ્થળ બદલતી ખેતી (બર્મિઝ ભાષામાં ‘ટાઉંગ્યા’) થતી આવી છે. હવે ખેતીનો વિકાસ થતાં અહીં સોપાન ખેતી (Terrace cultivation) કરીને સ્થિર ખેતી થવા માંડી છે. પહાડી પ્રકારની ખેતી દ્વારા ડાંગર, બાજરી, શેરડી, કંદમૂળ અને મકાઈ જેવા પાકો લેવાય છે. જ્યારે સ્થિર ખેતી દ્વારા હવે રબર, નાળિયેરી, ફળફળાદિની ખેતી થવા લાગી છે.

સૂકી ખેતી : આરાકાન યોમાના વર્ષાછાયાના પ્રદેશમાં અને માંડલેની આસપાસના સૂકા પ્રદેશોમાં આ પ્રકારની ખેતી થતી જોવા મળે છે. સૂકી ખેતીની જાણકારી ધરાવતા લોકો મૂળ તો મધ્ય એશિયા અને ચીનના સૂકા પ્રદેશોમાં ઊતરી આવીને અહીં વસેલા. હલકા પ્રકારની જમીનો પર આ લોકો મિશ્ર ખેતી કરવા લાગ્યા. સૂકી ખેતી હેઠળ અહીં મુખ્યત્વે બાજરી, તલ, મગફળી, વટાણા અને કપાસ પકવવામાં આવે છે.

ત્રિકોણપ્રદેશીય ખેતી : ઇરાવદી, સિતાંગ અને સાલવીન નદીઓના મુખત્રિકોણના મોટાભાગના પ્રદેશોમાં આ પ્રકારની ખેતી થતી જોવા મળે છે. દક્ષિણ ઇરાવદીનો ત્રિકોણપ્રદેશ ડાંગરનું ઉત્પાદન કરતા દુનિયાના અન્ય પ્રદેશોમાં અગ્રેસર છે. આ ત્રિકોણપ્રદેશમાં વરસાદ સારો પડે છે. નવા જમા થતા કાંપની રસાળ જમીનો છે. અહીં ખેતીને સિંચાઈની જરૂર પડતી નથી; માત્ર ખેડૂતોને પૂરની સામે રક્ષણ મેળવવું પડે છે. ગરીબ ખેડૂતોને ખેતીનાં સાધનો, ભેંસો, બળદો અને ખેતમજૂરોનો વધુ ઉપયોગ કરવો પડે છે. ત્રિકોણપ્રદેશ અને કિનારાના વિસ્તારોમાં મુખ્યત્વે થાનગોન, આક્યાબ અને થાળામાં ડાંગર છડવાની મિલો અને વેપારકેન્દ્રો છે.

મોટા પાયા પર ઇમારતી લાકડાની નિકાસ કરતા મ્યાનમારમાં માલવહનમાં હાથીનો થતો ઉપયોગ

પશુપાલનપ્રવૃત્તિ : ઉચ્ચપ્રદેશો અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુપાલનની પ્રવૃત્તિ વિકસેલી છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં અને ભૂંડનો ઉછેર આર્થિક દૃષ્ટિએ થાય છે.

ખાણપ્રવૃત્તિ : બીજા વિશ્વયુદ્ધ પહેલાં મ્યાનમારમાં ખનિજ-ખાણકામની પ્રવૃત્તિનો સારો વિકાસ થયો હતો. મ્યાનમારની સરકારે 1950માં ખાણપ્રવૃત્તિના વિકાસ કાજે તેમાં મૂડી રોકનારને પ્રોત્સાહન આપેલું. શાનના ઉચ્ચપ્રદેશની ઉત્તરે આવેલાં ક્ષેત્રોમાંથી લોહ, સીસું, જસત, ચાંદી અને સોનાનું જ્યારે તેનાસરીમના પ્રદેશમાંથી કલાઈ, ટંગસ્ટન વગેરેનું ઉત્પાદન થાય છે. કેટલાક ભાગોમાંથી અંબર, માણેક વગેરે જેવા મુખ્ય રત્નપ્રકારો પણ મળે છે. માંડલેમાંથી સફેદ આરસપહાણ મળે છે. આ બધાં પૈકી ખનિજતેલ અને લિગ્નાઇટ વધુ મહત્વ ધરાવે છે. પેગુયોમાની પશ્ચિમ અને વાયવ્યમાં તથા ચિંદવીન નદીના ખીણપ્રદેશોમાં ખનિજતેલ ભંડારાયેલું છે. લેબિના, મિન્બુ અને સિંગૂ તેનાં મહત્વનાં તેલક્ષેત્રો છે.

ઉદ્યોગો : મ્યાનમાર ખેતીપ્રધાન દેશ હોવાથી ખેતીપેદાશ-આધારિત તેમજ જંગલો હોવાથી જંગલપેદાશ-આધારિત અહીં ડાંગર છડવાના, લાકડાં વહેરવાના, શણના કોથળા અને દોરડાં-દોરીઓ બનાવવાના, સુતરાઉ અને રેશમી કાપડના, રંગકામ અને વણાટકામના, પશુપાલનના તથા મચ્છીમારના ઉદ્યોગો વિકસ્યા છે. વળી તેલ-શુદ્ધીકરણના એકમો; ખાંડ, સિમેન્ટ, ચિનાઈ માટીના ઉદ્યોગો તેમજ લોખંડ-પોલાદના ઉદ્યોગો પણ વિકસ્યા છે. માયમ્યો ખાતે ડેરી-ઉદ્યોગ પણ છે. મ્યાનમારની સરકારે ત્રણ વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસયોજના ઘડી કાઢી છે : (i) યાનગોન (રંગૂન) શહેર અને તેનો પરાવિસ્તાર; (ii) મિંગયાન વિસ્તાર અને (iii) ઉત્તર આરાકાન વિસ્તાર. બહુરાષ્ટ્રીય કંપનીઓને અહીં ઉદ્યોગો સ્થાપવા પરવાનગી પણ અપાઈ છે.

વેપાર : મ્યાનમારનો વેપાર ખેતી અને જંગલ-પેદાશો પર આધારિત છે. સાગ અને ચોખા અહીંની અગત્યની નિકાસી ચીજો છે. આયાતી ચીજવસ્તુઓમાં યંત્રો, યંત્ર-પુરજા, પરિવહનનાં સાધનો, દવાઓ અને ગૃહઉપયોગી માલનો સમાવેશ થાય છે. મ્યાનમાર મુખ્યત્વે જાપાન, યુરોપના દેશો, અગ્નિ એશિયાના દેશો અને ભારત સાથે વેપારી સંબંધો ધરાવે છે. ક્યાત આ દેશનું નાણું છે.

પરિવહન : મ્યાનમારના પરિવહનક્ષેત્રે જળમાર્ગોનું મહત્વ વધુ છે. ઇરાવદી, સાલવીન, સિતાંગ, ચિંદવીન વગેરે નદીઓમાં હોડીઓ અને સ્ટીમરો મારફત મુસાફરોની તેમજ માલસામાનની હેરફેર થાય છે. ઇરાવદીના જળમાર્ગે 1,450 કિમી.ના અંતર સુધી સ્ટીમરો જઈ શકે છે. મુખત્રિકોણના પ્રદેશોમાં ટ્વાન્ટે અને પેગૂ-સિતાંગ જેવી બે નહેરોનું નિર્માણ કર્યું છે. સિતાંગના જળમાર્ગે 130 કિમી., સાલવીના જળમાર્ગે 128 કિમી., ચિંદવીન જળમાર્ગે 650 કિમી.ના અંતર સુધી અવરજવર થઈ શકે છે. અહીં યાંગોન (રંગૂન), બસીન, આક્યાબ, મૌલમીન અને મર્ગુઈ મહત્વનાં બંદરો છે.

મ્યાનમારની મૂળ જનજાતિની મહિલા

મ્યાનમારમાં રેલમાર્ગોનું નિર્માણ અંગ્રેજોએ કરેલું. યાંગોનથી રેલમાર્ગો બધી બાજુએ જાય છે. બધા જ રેલમાર્ગો મીટરગેજ પ્રકારના છે. સર્વપ્રથમ રેલમાર્ગ 1877માં યાંગોનથી પ્રોમ સુધી તૈયાર કરવામાં આવેલો. અહીંના રેલમાર્ગોનું સમગ્ર માળખું ‘મ્યાનમાર રેલવે કૉર્પોરેશન’ને હસ્તક છે. દેશમાં કુલ 4,809 કિમી.ની લંબાઈના રેલમાર્ગો પથરાયેલા છે.

અહીંના આશરે 27,000 કિમી. લંબાઈના સડકમાર્ગો, રેલ અને જળમાર્ગોના પૂરક બની રહેલા છે. આ પૈકી આશરે 7,000 કિમી.ની સડકો પાકી છે. યાંગોન-માંડલે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. ભારત-મ્યાનમાર માર્ગ અને શાન-થાઇલૅન્ડ માર્ગ પણ ખૂબ મહત્વના છે. પ્રોમથી ટાઉંગ જતી સડક પણ અગત્યની છે.

યાંગોનથી ઉત્તરે 15 કિમી.ને અંતરે મિંગાલાડોનનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે. આ ઉપરાંત માંડલે, મૌલમીન, ટેવૉઈ મર્ગુઈ, હેહો, મ્યિતકિના, પાક્કોકુ, હેન્ઝાડા વગેરે મ્યાનમારનાં અન્ય હવાઈ મથકો છે.

માનવવસ્તી : મ્યાનમારની કુલ વસ્તી 2014 મુજબ 5,51,67,330 જેટલી અંદાજવામાં આવી છે. અહીંની વસ્તીમાં મૂળ વતનીઓનું પ્રમાણ 84 % જેટલું છે. તેઓ બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંના લોકો આનંદી, શાંત, સંતોષી, સંગીતપ્રેમી અને રમતગમતના શોખીન છે. સ્ત્રીઓ-પુરુષોના પોશાક લગભગ સમાન છે. અહીંનાં કુટુંબો સ્ત્રીપ્રધાન હોવાથી દેશમાં સ્ત્રીઓની સ્થિતિ અન્ય દેશો કરતાં ઘણી સારી છે. મ્યાનમારમાં કારેન, શાન, કાચિન ચીની અને ભારતીય લોકો પણ વસે છે. આ દેશ ‘પેગોડાના દેશ’ તરીકે જાણીતો બન્યો છે.

ઇતિહાસ : આશરે 5,000 વર્ષ પૂર્વે ઇરાવદીના મધ્ય ખીણવિસ્તારમાં સર્વપ્રથમ વસાહત ઊભી થયેલી. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં ભારતના કેટલાક બૌદ્ધ સાધુઓએ આ પ્રદેશની મુલાકાત લીધી હતી. આશરે ત્રીજી સદીમાં તિબેટમાંથી કેટલાક બૌદ્ધ સાધુઓ ધર્મપ્રચારાર્થે અહીં આવેલા. 1057માં રાજા અનાવરણ્યે થાટોન જીતીને પોતાનું પ્રભુત્વ સ્થાપેલું. 1287માં મૉંગોલ પ્રજાએ આ પ્રદેશ જીતી લીધેલો. 1531થી અઢારમી સદી સુધી આ પ્રદેશ ટોઉન્ગુ જાતિના લોકો હેઠળ રહ્યો. 1757માં બર્મીઝ જાતિના લોકપ્રિય નેતા અલાયુગપાયાએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં અને રંગૂનને પાટનગર બનાવ્યું. 1824થી 1826 દરમિયાન બર્મા અને બ્રિટિશરો વચ્ચે યુદ્ધ ચાલ્યું. અંતે બ્રિટિશરોએ આ પ્રદેશ જીતીને તેનો ભારતના એક ભાગ તરીકે સમાવેશ કર્યો. 1937માં બ્રિટિશરોએ બર્માને ભારતથી અલગ કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનીઓએ બર્મા જીતી લીધું. યુદ્ધને અંતે તે ફરીથી બ્રિટિશરોની હકૂમત હેઠળ આવ્યું. 1948માં તે સ્વતંત્ર બન્યું. 1958માં લશ્કરી બળવો થયો. જનરલ નેવિને સત્તા હસ્તગત કરી. 1962માં તેમણે સમાજવાદની નીતિ અપનાવી. 1962થી 1988 જનરલ નેવિનનું પ્રભુત્વ રહ્યું. તેઓ પ્રારંભે લશ્કરી શાસક રહ્યા અને પછી સ્વનિયુક્ત પ્રમુખ રહ્યા. 1973માં પ્રમુખશાહી પદ્ધતિને આધારે નવું બંધારણ રચાયું. 1989માં માર્શલ લૉ જાહેર કર્યો. નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસીનાં નેત્રી (એન.એલ.ડી.) નેમી ઑગ સાન સૂ ચીને જુલાઈ 1989માં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. 1990માં થયેલ ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતી મળી હતી. લોકશાહીની પુન:સ્થાપના માટે અહિંસક ચળવળ કરવા બદલ 1991માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રોના માનવ અધિકાર પંચે તેમને મુક્ત કરવાની માગણી કરી. 10 જુલાઈ, 1995ના રોજ ત્યાંની લશ્કરી સમિતિએ ઑગ સાન સૂ ચીને મુક્ત કર્યાં. તે નોબેલ પુરસ્કાર સ્વીકારવા જઈ શક્યાં નહોતાં. 1996ના આખા વર્ષ દરમિયાન લશ્કરી શાસકો અને તેના વિરોધી નેશનલ લીગ ફોર ડિમૉક્રસી (એન.એલ.ડી.) વચ્ચે સંઘર્ષ ચાલ્યો. એન. એલ. ડી. પક્ષ પર 1997ના વર્ષ દરમિયાન સરકારનો જુલમ ચાલુ રહ્યો. એન. એલ. ડી. પક્ષે લશ્કરી શાસકો પાસેથી સત્તા આંચકી લેવા 1998માં પણ સંઘર્ષ ચાલુ રાખ્યો. ઑગ સાન સૂ ચીએ દેશની કાયદેસરની સંસદ તરીકે તેનો પક્ષ કામ કરશે એમ જાહેરાત કરી, લશ્કરી શાસકોના બધા કાયદા અને વટહુકમો ગેરકાયદે છે એમ જાહેર કર્યું. તેથી સરકારે એન. એલ. ડી.ના 900 સભ્યોની ધરપકડ કરી. સપ્ટેમ્બર, 1998માં હજારો વિદ્યાર્થીઓએ વિરોધી દેખાવો કરવાથી તેમની મોટી સંખ્યામાં ધરપકડ કરીને, યુનિવર્સિટીઓ બંધ કરી દેવામાં આવી. આંતરરાષ્ટ્રીય કામદાર સંસ્થાએ તેના હેવાલમાં સરકાર ઉપર શારીરિક યાતનાઓ, અત્યાચારો અને ખૂનના આરોપો મૂક્યા. જૂન, 2002માં લશ્કરી શાસકોએ ઑગ સાન સૂ ચીને નજરકેદમાંથી મુક્ત કર્યાં છે અને ત્યાર બાદ તેમણે રાજકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે. જોકે અત્યારે (2002) પણ ત્યાં લશ્કરી શાસન ચાલુ છે.

રાજકીય : 18 સપ્ટેમ્બર 1988માં લશ્કરી દળોએ સત્તા હાંસલ કરી અને સ્ટેટ લૉ એન્ડ ઓર્ડર રેસ્ટોરેશન કાઉન્સિલ (State Law and Order Restoration Council – SLORC)ની સ્થાપના કરી. આ સ્લોર્ક કાઉન્સિલે જણાવ્યું કે ધારાસભા નવા બંધારણ બાબતે સંમત થશે પછી જ સત્તાનાં સૂત્રો ચૂંટાયેલી સરકારને સોંપવામાં આવશે. જુલાઈ, 1990માં સ્લોર્કે જણાવ્યું કે તેઓએ દર્શાવેલી માર્ગદર્શક વિષયસૂચિ મુજબ નવું બંધારણ ઘડવાનું કાર્ય ચાલુ રાખવામાં આવશે.

આ પછી મ્યાનમારમાં ઝડપી રાજકીય ઘટનાઓનો દોર ચાલ્યો. વિરોધપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નવાં પગલાંનો વિરોધ કરતા પ્રતિનિધિઓની દેશદ્રોહના આક્ષેપો હેઠળ ધરપકડ કરવામાં આવી. ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોને ભાવિ ચૂંટણીમાં ઊભા રહેવાની મનાઈ ફરમાવવામાં આવી.

1990માં ચૂંટણીઓ યોજાઈ. મુખ્ય વિરોધ પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી (NLD)ને 60 ટકા મત મળ્યા. મ્યાનમાર ઑગ સાન સૂ ચીના નેતૃત્વ હેઠળ આવ્યું. આ પક્ષે 392 બેઠકો મેળવી. જોકે લશ્કરી શાસને આ પરિણામોની સદંતર અવગણના કરી અને આ પક્ષને સત્તાનાં સૂત્રો ન સોંપ્યાં.

નવેમ્બર, 1995થી આ નીતિમાં સાધારણ પરિવર્તન આવ્યું. 706 સભ્યોની બનેલી બંધારણીય સમિતિની બેઠક બોલાવવામાં આવી, જેમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (NLD) પક્ષના 107 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું. જોકે આ પક્ષે માત્ર પ્રારંભિક બેઠકમાં જ હાજરી આપી હતી.

1997માં ત્યાંના શાસકોએ સરકારમાં ફેરબદલી કરી સ્ટેટ પીસ ઍન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (state Peace and Development Council, SPDC)ની રચના કરી અને કૅબિનેટની પુનર્રચના કરી. ડિસેમ્બર, 1997માં તેના નાણાકીય ચલણનું અવમૂલ્યન થતાં કૅબિનેટમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા અને ઉપર્યુક્ત કાઉન્સિલ હેઠળનું લશ્કરી શાસન ચાલુ રહ્યું.

ત્યાંના લશ્કરી શાસને – જે જુન્ટા નામથી ઓળખાતું હતું – રેફરન્ડમ યોજી 10 મે, 2008માં લશ્કરી શાસનને સંમતિ છે તેમ જાહેર કર્યું. અલબત્ત, ટીકાકારોના મતે આ રેફરન્ડમમાં ઘણી ગેરરીતિઓ યોજાઈ હતી. ઑગ સાન સૂ કી વિરોધપક્ષનાં અગ્રિમ મહિલા નેત્રી હતાં. તેમને નજરકેદ રાખવામાં આવ્યાં. 20 જુલાઈ, 1989થી 13 નવેમ્બર, 2010 સુધીના 21 વર્ષોમાં 15 વર્ષો તેમને તેમના ઘરમાં નજરકેદ રાખવામાં આવેલા. સૂ કીના નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પક્ષને ઘણો મોટો વિજય સાંપડેલો. આમ માર્ચ, 2012ની  ઐતિહાસિક  ઉપ-ચૂંટણી છતાં શાસકોએ નવા પક્ષને સત્તા ન સોંપી. આ સાથે નવા બંધારણની માંગ ચાલુ હતી પણ તેનું કોઈ નક્કર પરિણામ આવતું નહોતું. તે પછી માર્ચ, 2012માં ઉપ-ચૂંટણી યોજાઈ, જે ઐતિહારિક બની રહી. ઓંગ સાન સૂ કીના નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પક્ષે ભારે મોટો વિજય પ્રાપ્ત કર્યો. 44 બેઠકોમાંથી 43 બેઠકો પર તે વિજયી નીવડી હતી. કેટલીક બેઠકો પર તેને નેવું ટકાથી પણ વધુ મળ્યા હતા. સૂ કીએ મ્યાનમારના લશ્કરી શાસકો વિરુદ્ધ જે જેહાદ જગાડી હતી તેનું આ પરિણામ હતું. એથી લશ્કરી શાસકો નરમ પડ્યા અને લોકશાહી દિશાની ઘણી છૂટછાટો જાહેર કરી. આર્થિક – રાજકીય સુધારાઓ દાખલ કર્યા. સેન્સરશિપ રદ કરવામાં આવી. વાંશિક લઘુમતીઓ સાથે વાર્તાલાપ યોજ્યા, મજૂર સંઘોને માન્ય કરવામાં આવ્યા આમ પરિવર્તનનો નવો પવન મ્યાનમારમાં ફૂંકાયો.

ઈ. સ. 2003માં ઑગ સાન સૂકીની ફરી વાર ધરપકડ કરવામાં આવી.  7 મે, 2005ના રોજ યાંગોન (રંગૂન)માં ત્રણ બૉમ્બના ધડાકા થયા. તેમાં 19 લોકો મરણ પામ્યા અને 160 જેટલા લોકો ઘવાયા. યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સે મ્યાનમારમાં માનવ-અધિકારોના થતા દુરુપયોગને વખોડી કાઢ્યો. મ્યાનમારની લશ્કરી સરકારનો વિરોધ બૌદ્ધ ધર્મના સાધુઓએ યાંગોન (રંગૂન)માં સપ્ટેમ્બર, 2007માં કર્યો. તે વખતે તેમના પર લશ્કરે કરેલા ગોળીબારથી 31 સાધુઓ મરણ પામ્યા. ત્યાં હજારો સાધુઓને મારવામાં આવ્યા અને અટકાયતમાં રાખ્યા. મે, 2009માં લોકશાહી તરફી નેતા ઍગ સાન સૂકીની ધરપકડ કરીને તેના પર ગૃહ અટકાયતની શરતોનો ભંગ કર્યાના આરોપ હેઠળ કોર્ટમાં કામ ચલાવવામાં આવ્યું. જુલાઈ, 2009માં સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રી બાન કી-મુને મ્યાનમારની મુલાકાત લીધી. પરંતુ સુકીને મળવાની પરવાનગી આપવાનો ત્યાંની સરકારે ઇનકાર કર્યો.

રક્ષા મ. વ્યાસ

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ