મૌલાના શૌકત અલી (જ. 10 માર્ચ 1873, રામપુર સ્ટેટ, ઉત્તરપ્રદેશ; અ. 26 નવેમ્બર 1938, દિલ્હી) : રાજકીય તથા સામાજિક પ્રવૃત્તિઓના નિષ્ઠાવાન કાર્યકર. પિતા અબ્દુલ અલીખાન રામપુર સ્ટેટના નવાબ યૂસુફઅલીખાન નઝીમના દરબારી હતા, જે 1880માં 31 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તે વખતે બીબી અમ્મા તરીકે ઓળખાતાં હિંમતવાન અને ર્દઢ સંકલ્પવાળાં વિધવા અબદીબાનો બેગમે ધાર્મિક શિક્ષણ આપતી મદરેસાની પરંપરાથી પર જઈને, સગાંસંબંધીના વિરોધને અવગણીને, પોતાનું અંગત ઝવેરાત વેચી દઈને પણ પોતાનાં બાળકોને અદ્યતન શિક્ષણ આપવાનું હિંમતભર્યું પગલું ભર્યું હતું. શૌકત અલીને તેમણે બરેલીમાં શિક્ષણ લેવા મોકલ્યા. થોડાં વર્ષો બાદ 1888માં તેઓ ઉચ્ચ શિક્ષણ માટે અલીગઢ ગયા. કૉલેજકાળ દરમિયાન તેઓ ક્રિકેટ ટીમના સુકાની રહ્યા. 1895માં બી.એ.ની પદવી મેળવી. તે પછી મદદનીશ ઑપિયમ એજન્ટ તરીકે નિમાયા. સરકારી નોકરી ઉપરાંત તેમણે તેમની માતૃસંસ્થા એમ. એ. ઓ. કૉલેજ, અલીગઢની બાબતમાં ઊંડો રસ દાખવ્યો. કૉલેજના અલમનાઈ ઍસોસિયેશનના સેક્રેટરી તરીકે તેઓ ચૂંટાયા. તે દરમિયાન તેમણે ‘ઓલ્ડ બૉય’ નામના મૅગેઝિનનું સંપાદન પણ કરેલું. 17 વર્ષની સરકારી નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લેવા પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ તે પોતાની કૉલેજને પૂર્ણ-વિકસિત યુનિવર્સિટી બનાવવા માટે જાહેર મત ઊભો કરવાનો અને તે માટે જરૂરી નાણાં ઊભાં કરવાનો  હતો. તેમણે તે માટે સર આગાખાનના સેક્રેટરી તરીકે તેમની સાથે પ્રવાસ પણ કર્યો હતો.

1913માં તેમણે ‘અંજુમને ખુદ્દામે કાબા’ (ધી ઍસોસિયેશન ઑવ્ ધ સર્વન્ટ્સ ઑવ્ ધ કાબા) નામની સંસ્થાની સ્થાપના કરી. આ મંડળના ઉદ્દેશો હતા : (1) મક્કા ખાતેના કાબાના મકાનને તત્કાલીન ઑટોમન રાજવીઓ સામે આંતરવિગ્રહ કરી રહેલા સાઉદી સૈનિકો નુકસાન ન પહોંચાડે તે જોવું; (2) હજ માટે મક્કા જતા ભારતના મુસ્લિમ યાત્રીઓને  સગવડો પૂરી પાડવી. આ મંડળના પ્રમુખ અને સેક્રેટરી અનુક્રમે ખાદિમ (સર્વન્ટ) ખાદિમુલ-ખુદ્દામ (ધ સર્વન્ટ ઑવ્ ધ સર્વન્ટ્સ) તરીકે ઓળખાતા હતા. શૌકતઅલી આ મંડળના પ્રથમ ખાદિમ તરીકે ચૂંટાયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે બંને અલી ભાઈઓ તુર્કસ્તાન-વિરોધી વલણ ધરાવતી બ્રિટિશ સરકારના જોરદાર ટીકાકાર બન્યા. ભારતની બ્રિટિશ સરકાર વિરુદ્ધમાં મુસ્લિમોની ઉશ્કેરણી કરવાના આરોપસર 30મી મે, 1915ના રોજ તેમની ધરપકડ કરાઈ. તેમને મળતું પેન્શન પણ જપ્ત કરવામાં આવ્યું. યુદ્ધ પૂરું થયા બાદ ભારતની રાજકીય પરિસ્થિતિ ડામાડોળ થતાં રાજકીય કેદીઓને ડિસેમ્બર, 1919માં છોડી દેવાયા હતા.

કેદમુક્તિ બાદ તેઓ ભારતના મહત્વના સ્વાતંત્ર્ય-સૈનિક તરીકે ઊભર્યા. તેઓ ગાંધીજી અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયા. મુસ્લિમ સમાજ સમક્ષ પોતાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા, તેમનામાં રાષ્ટ્રીય ભાવના જાગ્રત કરવા તેમણે દેશવ્યાપી પ્રવાસ ખેડ્યો. વાસ્તવમાં શૌકતઅલી અને તેમના ભાઈ મુહમ્મદઅલી – એ બંને અલીભાઈઓએ મુસ્લિમ સમાજમાં ગાંધીજીનો પ્રભાવ પહોંચાડવામાં મદદ કરી હતી. તેમણે ઑલ ઇન્ડિયા ખિલાફત કમિટીનું કાર્ય ઉપાડી લીધું અને તે કમિટી માટે સ્વયંસેવકો નોંધવા અને નાણાં ઊભાં કરવા સારુ એક શહેરથી બીજા શહેરનો પ્રવાસ કર્યો. અસહકારની ચળવળ દરમિયાન મુસ્લિમોમાં એ ચળવળને લોકપ્રિય બનાવવા તેમણે સખત જહેમત ઉઠાવી.

1923માં કોકોનાડા ખાતે એ કમિટીની ભરાયેલી આર્થિક સભામાં તેમણે પ્રમુખસ્થાન શોભાવ્યું અને ભારતીયોની સામાજિક સ્થિતિ સુધારવા માટે સામાજિક રાજકીય જૂથ રચવા ઠરાવ પસાર કર્યો. તદનુસાર હિંદુસ્તાની સેવા દળની રચના કરવામાં આવી. 1924માં બેલગામ ખાતેની આ દળની સભાના તેઓ પ્રમુખ બન્યા.

તેઓ સ્વભાવે ઉગ્ર અને પોતાનાં મંતવ્યોમાં બિનસમાધાનકારી વલણ ધરાવતા હોવાથી તેમણે ભાવિ સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોની સ્થિતિના મુદ્દે કૉંગ્રેસ સાથે છેડો ફાડ્યો. નહેરુના અહેવાલોને લીધે મતભેદો પર મહોર વાગી ગઈ. તેથી કૉંગ્રેસમાંથી રાજીનામું આપી તેઓ મુંબઈમાં સ્થાયી થયા. ત્યાં ‘ખિલાફત, મુંબઈ’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કરીને તેમણે મુસ્લિમોના પ્રશ્નો ઉપાડી લીધા. કમિટીના પ્રચાર માટે 1920થી તેને ‘ખિલાફતે ઉસ્માનિયા’ નામનું અઠવાડિક બનાવ્યું. કૉંગ્રેસ છોડવા છતાં તેઓ જીવનભર તેના સન્માનપાત્ર પ્રતિસ્પર્ધી બની રહ્યા હતા. જોકે કૉંગ્રેસ-વિરોધી તત્વોની લાલચુ મોહજાળમાં તેઓ કદી ફસાયા નહિ. જીવનનાં પાછલાં વર્ષોમાં તેઓ ભારતની સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા હતા. તેમના અવસાન બાદ તેમના દેહને દિલ્હીની પ્રખ્યાત જુમા મસ્જિદ પાસે ફારસીના જાણીતા કવિ સર્મદની કબર નજીક દફનાવવામાં આવ્યો હતો.

મહેબૂબહુસેન એહમદહુસેન અબ્બાસી

બળદેવભાઈ કનીજિયા