મોદી, મધુસૂદન ચીમનલાલ

February, 2002

મોદી, મધુસૂદન ચીમનલાલ (જ. 20 નવેમ્બર 1904, ઠાસરા, જિ. ખેડા; અ. 23 માર્ચ 1974, બીલીમોરા) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમજ તુલનાત્મક વિવેચનાની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની ગ્રંથસંપાદનની કલાના અભ્યાસી. 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી થોડો સમય વડોદરામાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી 1926માં બી.એ. અને સંસ્કૃત-વેદાન્તશાસ્ત્ર વિષયોમાં એમ.એ. થયા. અમદાવાદથી એલએલ.બી.ની ડિગ્રી (1932) મેળવી. વેપાર કરવા ઉપરાંત તેઓ શેઠ જીવણલાલ ગિરધરલાલ તથા સર ચીનુભાઈ બૅરોનેટને ત્યાં બાળકોને ખાનગી ટ્યૂશન આપતા હતા. વેપારની જેમ તેમના શિક્ષણ તરફના લગાવે અમદાવાદમાં 3 હાઈસ્કૂલોની સ્થાપના કરવા પ્રેર્યા. રતિલાલ મોહનલાલ ત્રિવેદીના સહયોગમાં ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલની સ્થાપના કરી (1938); ત્યારબાદ 1952માં નૂતન હાઈસ્કૂલની અને 1953માં વિદ્યાનગર હાઈસ્કૂલની સ્થાપના કરી. તેઓ બીલીમોરામાં સ્ટ્રૉ બૉર્ડના કારખાનામાં ભાગીદાર હતા અને ત્યાંના કારખાનામાં જ તેમનું અવસાન થયું હતું.

પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં એમના સંશોધનાત્મક પ્રદાનને ધ્યાનમાં લઈ 1939થી આરંભાયેલ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાં શિક્ષક તરીકે તેમને માન્યતા મળી હતી.

‘અંતગડદસાઓ’ અને ‘અણુત્તરોવવાઇયદસાઓ’ (1932) તથા ‘વિવાગસુયં’ (1935) યુનિવર્સિટીના અભ્યાસક્રમ માટે અંગ્રેજીમાં પ્રસ્તાવના, ટિપ્પણ અને ભાષાન્તર સાથે તૈયાર કરેલાં તેમનાં શરૂઆતનાં સંપાદનો છે. વિ. સં. 1300ના અરસામાં લખાયેલ ‘વસંત-વિલાસ’ના તેમના સંપાદનમાં પ્રસ્તાવના, મૂળ પાઠ અને શબ્દકોશ આપવા ઉપરાંત તેમણે આપેલા ટિપ્પણથી તેમના ભાષાજ્ઞાન અને અર્થઘટનની સૂઝનો પરિચય થાય છે. ઐતિહાસિક અને તુલનાત્મક માહિતી માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક ગ્રંથમાળાનું પાંચમું પુષ્પ–‘હેમસમીક્ષા’ (1942) હેમચંદ્રાચાર્યે આજીવન કરેલી અદ્વિતીય વાઙ્મય-ઉપાસનાનો સુંદર અને સર્વગ્રાહી પરિચય કરાવે છે. ‘ગુર્જર રાસાવલિ’ (1956) બ. ક. ઠાકોર અને મો. દ. દેસાઈની સાથે કરેલું તેમનું સંપાદન છે. અપભ્રંશ કૃતિઓ ‘પઉમસિરિચરિઉ’ (1947) અને ‘નેમિનાહચરિઉ’(1972)નાં સંપાદનો હરિવલ્લભ ભાયાણીના સહયોગમાં તૈયાર કરેલાં છે. ગુજરાતના શ્રીમાલ-વંશીય સંસ્કૃત મહાકવિ માઘના વંશમાં જન્મેલા કવિ ધાહિલના ‘પઉમસિરિચરિઉ’ની પાટણના સંઘવીના પાડામાંથી મળેલી એકમાત્ર પ્રતિ લહિયાઓની અશુદ્ધિઓથી ભરેલી અને વિલક્ષણ લેખનશૈલીવાળી હોવા છતાં તે વાંચીને અર્થયોજના કરવાનું કઠિન કાર્ય તેમણે ખૂબ સારી રીતે પાર પાડેલું છે. ઉપરાંત વરયત્તનું ‘વરસામિચરિઉ’ અને દેવચંદ્રસૂરિનું ‘સુલસક્ખાણુ’ ખાસ સંપાદન કરવાની ર્દષ્ટિએ તૈયાર કરેલાં. ‘છક્કમુવએસો’(1972) એમનું સ્વતંત્ર સંશોધન-સંપાદન છે. ‘અપભ્રંશ પાઠાવલિ’ અને ‘ભાવનાસંધિ પ્રકરણ’ પણ એમના અપભ્રંશ ભાષાજ્ઞાનનો પરિચય કરાવનારા ગ્રંથો છે. દી. બ. કેશવ હર્ષદ ધ્રુવના સૂચનથી તૈયાર કરેલ ‘અપભ્રંશ પાઠાવલિ’માં ઈ. સ. સાતમાથી અગિયારમા સૈકાના અપભ્રંશ સાહિત્યમાંથી ઉદ્ધરણો લેવામાં આવ્યાં છે. તે અપભ્રંશ ભાષાના અભ્યાસીઓ માટે સુંદર પાઠ્યપુસ્તક તરીકે સ્વીકાર પામી ચૂકેલ છે. ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝ માટે ‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ’નું એક પુસ્તક પણ તેમણે તૈયાર કરેલું.

કાનજીભાઈ પટેલ