મોદી, મનહર (જ. 15 એપ્રિલ 1937, અમદાવાદ; અ. 23 એપ્રિલ, 2003, અમદાવાદ) : જાણીતા પ્રયોગશીલ ગુજરાતી ગઝલકાર. કબીરપંથી પરિવારમાં જન્મ. પિતા શાંતિલાલ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. 1962માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે અને બીજી વાર 1964માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. . 1966માં ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની પદવી બીજા વર્ગમાં પ્રાપ્ત કરી.

1962 પછી સાહિત્યમાં રસ જાગતાં અમદાવાદમાં ‘કુમાર’ સામયિકના તત્કાલીન તંત્રી બચુભાઈ રાવતની નિશ્રામાં ચાલતી બુધસભા તેમજ કેટલાક પ્રયોગશીલ વિદ્રોહી કવિઓ દ્વારા સ્થપાયેલી ‘રે મઠ’ સંસ્થાના નેજા હેઠળ કાવ્યસર્જનમાં સક્રિય. 1972માં અમદાવાદના નાટ્યસર્જકો–કવિઓ દ્વારા સ્થાપિત ‘આકંઠ સાબરમતી’ સંસ્થામાં પણ સક્રિય હતા.

1966માં ડાકોરની ભવન્સ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે એક વર્ષ કામ કર્યા પછી અમદાવાદની ભક્ત વલ્લભ ધોળા આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. ત્યાંથી 1997માં વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા (1967–97). એમણે ‘રન્નાદે’ પ્રકાશન સંસ્થા શરૂ કરી હતી જે એમના પુત્રો ચલાવે છે.

કાવ્યરચનાના ક્ષેત્રે એક મુક્તક દ્વારા તેમણે 1958માં પ્રવેશ કર્યો. તેમને તેમના કવિતાસર્જનના પ્રારંભિક તબક્કે ગઝલમાં અંબાલાલ ડાયરનું માર્ગદર્શન પણ મળેલું.

મનહર મોદી

‘11 દરિયા’ (1986) નામના સંગ્રહમાં તેમની 1986 સુધીની મોટા ભાગની ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘આકૃતિ’ (1963), ત્યારબાદ ‘ૐ તત્ સત્’ (1967), ‘હસુમતી અને બીજાં’ (1967), ‘એક વધારાની ક્ષણ’ (1993), ‘મનહર અને મોદી’ (1998) અને ‘શ્રીમુખ તડકો’ (2000) કાવ્યગ્રંથો પ્રકાશિત થયા છે. તેમની કવિતામાં વસ્તુ તેમજ અભિવ્યક્તિમાં જે અરૂઢતા આવે છે તે ધ્યાનાર્હ છે. તેમની કાવ્યસર્જનની ગતિપ્રક્રિયા શબ્દથી અર્થ પ્રતિની હોય એવું લાગે છે. તેઓ એ ગતિપ્રક્રિયામાં અણધાર્યાં કેટલાંક વિસ્મયો પણ સર્જે છે. ગુજરાતી ગઝલની નૂતન ઇબારતના નિર્માણમાં તેમજ અરૂઢ કલ્પન-પ્રતીકોથી અછાંદસ કાવ્યપ્રવાહમાં વિલક્ષણ ભાવરૂપો ઉઠાવવામાં એમની વિશેષતા ર્દષ્ટિગોચર થાય છે. તેમના ઉત્તમ શેરોનું ‘મનહરિયત’ નામે એક સંપાદન (સંપા. ચંદ્રકાન્ત શેઠ) પણ, તેમને 1998નો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે પ્રગટ થયેલું. મનહર મોદીને તેમના કેટલાક કાવ્યસંગ્રહો માટે ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પણ પારિતોષિકો મળ્યાં છે.

તેમણે સંપાદિત કરેલી કૃતિઓમાં ‘રે’ કવિજૂથ સાથે ‘ગઝલ ઉસ ને છેડી’ (1974)નો તથા ચિનુ મોદી અને આદિલ મન્સૂરી સાથે રહી તૈયાર કરેલા ‘ગમી તે ગઝલ’ (1980) ગ્રંથનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે 1999માં ‘ગઝલ-સુભાષિત’નું સંપાદન કર્યું હતું. તેમનાં સહસંપાદનોમાં ‘સુરેશ જોષી : મૂલ્યાંકન’, ‘ગદ્યનું કલાસ્વરૂપ’, ‘અધીત – 10, 11, 12’, ‘વિવેચનના વિવિધ અભિગમો’ તથા ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ’ (1988) – એ પ્રકાશનોનો સમાવેશ થાય છે.

તેમણે યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો છે.

તેઓ થોડા સમય માટે ‘નિરીક્ષક’, ‘ઉદગાર’ ‘પરબ’ના તંત્રીપદે હતા. સામયિકોના સંપાદનકાર્યમાં પણ જોડાયેલા હતા.  તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપાધ્યક્ષપદે રહી ચૂક્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે