મેસ વર્ડી નૅશનલ પાર્ક

February, 2002

મેસ વર્ડી નૅશનલ પાર્ક : અન્સાઝી ઇન્ડિયન પ્રજાનાં પ્રાગ્-ઐતિહાસિક સમયનાં કરાડ(cliff)–વસવાટો તથા ખુલ્લાં ગામ કે નગરો(pueblo)નું મુખ્ય ઉત્ખનન-સ્થળ. તે નૈર્ઋત્ય કૉલોરાડોમાં ડુરાંગોથી આશરે 45 કિમી. દૂર 210 ચોરસ કિમી.માં પથરાયેલ રાષ્ટ્રીય પાર્ક બન્યું છે. સીધાં ચઢાણવાળી ખડક-દીવાલો અને સપાટ ટોચ(mesas)થી રચાયેલી તેની ખાસ ભૂ-રચનાના આધારે, આ પાર્કનું નામ ગ્રીન ટેબલ માટેના સ્પૅનિશ શબ્દ પરથી ઉપર પ્રમાણે પાડવામાં આવ્યું છે. આ પાર્ક 1906માં સ્થપાયો. વર્ષમાં ગમે ત્યારે તેની મુલાકાતે જઈ શકાય છે.

સંખ્યાબંધ ખંડિયેરો તથા હાથકારીગરીની વસ્તુઓ પરથી આ સ્થળે હજારેક વર્ષો સુધી સાંસ્કૃતિક વિકાસ થયો હશે એમ માનવામાં આવે છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓએ આના 4 સમયગાળા પાડ્યા છે. પ્રારંભિક ગાળો તે ખ્રિસ્તી યુગથી ઈ. સ. 400 સુધીનો ગાળો. આ દરમિયાન ‘બાસ્કેટ-મેકરો’ એટલે કે ટોપલી બનાવનારી જાતિના લોકો ગુફામાં અને ગર્ત-નિવાસોમાં રહેતા હતા. તેઓ સપાટ ટોચવાળી ટેકરીઓ પર વટાણા, મકાઈ અને કોળું ઉગાડતા હતા અને કૂતરાં તથા ટર્કી મરઘાં પાળતા હતા. તે પછીનો ગાળો તે ‘મૉડિફાઇડ બાસ્કેટ-મેકરો’નો ગાળો’ : તેમાં માટીકામની વસ્તુઓ બનાવવાનું તથા ઘરો બાંધવાનું શરૂ થયું. તે ગાળો પાંચમી સદીથી આઠમી સદીના મધ્ય ભાગ સુધી રહ્યો. આઠમી સદીના મધ્ય ભાગથી અગિયારમી સદી સુધીનો ગાળો તે પ્વેબલો વિકાસનો ગાળો. તે દરમિયાન આ રહેવાસીઓ પ્વેબલો બાંધતા થયા. પ્વેબલો એટલે લંબચોરસ આકારનાં ઍપાર્ટમેન્ટ જેવાં અને ઘણી વાર બહુમાળી પ્રકારનાં પથ્થરનાં મકાનો. ક્લાસિક પ્વેબલો યુગ બારમીથી ચૌદમી સદીના પ્રારંભ સુધી રહ્યો. તે દરમિયાન ટેકરીની ધારે પથ્થર, માટીગાળો અને લાકડાથી બંધાયેલા મેસ વર્ડી જેવા સામૂહિક કરાડ-નિવાસો ધ્યાન ખેંચે છે.

સૌથી પ્રભાવશાળી ખંડિયેર ક્લિફ પૅલેસનું છે. તેનું ઉત્ખનન 1909માં કરવામાં આવ્યું હતું. તે ક્લાસિક પ્વેબલો ગાળાની ઇમારત છે. તેમાં 200 ઉપરાંત ખંડો તથા ‘કિવાસ’ તરીકે ઓળખાતા અને ધાર્મિક ક્રિયાકાંડ માટેના ભૂમિગત 20 ખંડો છે. બીજાં નોંધપાત્ર ખંડેરોમાં બાલ્કની હાઉસ, સ્પ્રૂસ ટ્રી (શંકુ આકારના ઝાડ જેવું) હાઉસ તથા સ્ક્વૅર ટાવરહાઉસ મુખ્ય છે. આ બધાંનું નિર્માણ બારમીથી તેરમી સદી દરમિયાન થયું હતું.

મેસ વર્ડી નૅશનલ પાર્ક

ઈ. સ. 1300 પછી મેસ વર્ડીના રહેવાસીઓ એ ગામો છોડી બીજે જતા રહ્યા. એનાં સંભવિત કારણોમાં હિંસાખોર અને આક્રમક ભટકતી જાતિના હુમલાઓ હોય અથવા ખાસ્સો લાંબો સમય દુકાળ ચાલ્યો એ હોય. આ કરાડ-વસવાટો સદીઓ સુધી ત્યજાયેલા રહેવાથી વીસરાઈ ગયા હતા; પરંતુ ઓગણીસમી સદીના અંતે કેટલાક ભરવાડોએ આ સ્થળ શોધી કાઢ્યું હતું અને તે પછી તેનું ઉત્ખનન થયું હતું.

મહેશ ચોકસી