મેવાડો, વલ્લભ (જ. 1640 કે 1700; અ. 1751) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઈ. સ.ની 18મી સદીના પૂર્વાર્ધમાં થયેલા આ કવિ મુખ્યત્વે ગરબા કાવ્યસ્વરૂપના પ્રયોજક હતા. તેઓ અમદાવાદ પાસેના નવાપુરાના ભટ્ટ મેવાડા બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ હરિ ભટ્ટ હતું કે ભાઈનું તે સ્પષ્ટ નથી. માતા ફૂલકોર. કવિએ સલખનપુરીની અનેક વાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ જેમનું નામ બોલાય છે એ ધોળા એમના ભાઈ અને કવિ હતા.

કવિની એક કૃતિની રચના સંવત 1736ની છે. એટલે તેઓ ઈ. સ. 18મી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે.

વિવિધ રાગઢાળમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક લાંબા વર્ણનાત્મક ગરબા કવિએ રચ્યા છે. એમના બધા ગરબા મુદ્રિત મળે છે. માતાજીના ગરબાઓમાં મુખ્યત્વે બહુચરમા, મહાકાળીમા, અંબામાનાં વિવિધ રૂપો, તેમની શક્તિ, પરાક્રમો, શણગારનાં વર્ણનો, અસુરો સાથેનાં યુદ્ધો એક ભક્તની આરતથી માતા બહુચરને ત્રિપુરેશ્વરી ગણીને કરેલી આરાધના – આ બધું મુક્ત મને અને ક્યાંક ઊંડી આરતથી વર્ણવ્યું છે. ભાવને અનુરૂપ લય, તાલ, રાગ ચાલની યોજના કવિએ ગરબામાં કરી છે. આ ઉપરાંત આ રચનાઓમાંનો અલંકારવૈભવ, સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, પ્રાસાનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ, શક્તિની ઉત્પત્તિ, શક્તિના અવતારો, દેવીના પૂજન-અર્ચનની વિગતો વગેરે તત્ત્વોને લીધે આ ગરબા ધ્યાનાર્હ બન્યા છે.

માતાજીવિષયક લાંબા વર્ણનાત્મક ગરબામાં 61 કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’, 118 કડીનો ‘આનંદનો ગરબો’ 157 કડીનો ‘ધનુષધારીનો ગરબો’ (ર. ઈ. સ. 1736/ સં. 1792, અષાડ વદ 11, મંગળવાર), 73/75 કડીનો ‘મહાકાળીનો ગરબો’, 40 કડીનો ‘ગાગરનો ગરબો’ – આ પાંચ ગરબા મળે છે.

કવિએ કૃષ્ણભક્તિના ગરબા રચ્યા છે : 84 કડીનો ‘આંખમીંચામણાનો ગરબો / રાધિકાજીનો ગરબો’, 43 કડીનો ‘સત્યભામાનો ગરબો’. આ ઉપરાંત 29 કડીનો ‘કજોડાનો ગરબો / ગોરમાનો ગરબો’ અને 58 કડીનો ‘કળિકાળનો ગરબો’ જેવા ઐતિહાસિક–સામાજિક વિષયના ગરબા પણ આ કવિના છે.

તેમની ભુજંગપ્રયાતમાં રચાયેલી ‘રુદ્રદેહાસ્તુતિ’ (ર. ઈ. સ. 1698), ‘રંગમાં રંગતાળી’, ‘રંગે રમે, આનંદે રમે’, ‘ચાલોને ચાચર જઈએ’ જેવી લોકપ્રિય ગરબીઓ; અંબાજી, કમળાકંથ, ગોપી આદિને વિષય બનાવી મહિના, વાર, હોરી આરતી સ્વરૂપની કૃતિઓ તથા વિવિધ રાગનિર્દેશવાળાં શક્તિ ને કૃષ્ણભક્તિનાં ઘણાં પદો કવિએ રચ્યાં છે. આ બધી જ રચનાઓ મુદ્રિત મળે છે.

‘પ્રેમગીતા’ (ર. ઈ. સ. 1723) અને ‘લંકાનો સલોકો’ (ર. ઈ. સ. 1714)ને ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ આ કવિની કૃતિઓ ગણે છે; પરંતુ ‘લંકાનો સલોકો’ આખ્યાનકાર વલ્લભ કવિની કૃતિ હોવાની સંભાવના પણ વ્યક્ત થઈ છે.

કીર્તિદા શાહ