મેવાડ : રાજસ્થાનનું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું રાજ્ય. મેવાડના રાજ્યનો સ્થાપક ગૂહિલ, એનો પુત્ર ભોજ, એનો પુત્ર મહેન્દ્ર, એનો નાગ અને એનો શીલાદિત્ય એમ પાંચ રાજા એક પછી એક રાજ્ય કરતા હતા એવી માહિતી ઈ. સ. 646ના સામોલી ગામના શિલાલેખમાંથી જાણવા મળે છે.

શીલાદિત્ય પછી અપરાજિતના લેખમાં રાજાને ગૂહિલ વંશનો જણાવ્યો છે. ત્યારબાદ મહેન્દ્ર બીજો, કાલભોજ અથવા બાપા રાવલ (ઈ. સ. 735–754), ખુમાણ પહેલો, મત્તટ, ભર્તૃભટ પહેલો, સિંહ, ખુમાણ બીજો, મહાયક અને ખુમાણ ત્રીજો સત્તાધીશ બન્યા હતા.

આઠમી સદીમાં પશ્ચિમ ભારતને ખેદાનમેદાન કરનારા અરબ આક્રમકોનો સખત સામનો કરનારા ભારતના રાજાઓમાં બાપા રાવલ પણ હતો. તેણે તેમાં અપૂર્વ શૂરવીરતા બતાવી તેથી કેટલાક લેખકો તેને ગૂહિલ વંશનો સ્થાપક માને છે. ઈ. સ.ની દશમી સદીમાં ભર્તૃભટ બીજાએ પ્રતીહારોની ધૂંસરી ફગાવી દઈને મહારાજાધિરાજનો ખિતાબ અપનાવ્યો. તેણે રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તે પછી અલ્લટ, નરવાહન અને શાલિવાહન રાજાઓ થયા. તેના પુત્ર શક્તિકુમારના સમયમાં (દશમી સદીનો છેલ્લો દાયકો) પરમાર રાજા મુંજે પાટનગર આઘાટ(કે અહર)નો નાશ કર્યો.

શક્તિકુમાર પછી અંબાપ્રસાદ, શુચિવર્મા, નરવર્મા, કીર્તિવર્મા, રણસિંહ (કે કર્ણ) વગેરે સત્તા ઉપર આવ્યા. રણસિંહથી બે શાખાઓ થઈ : (1) મેવાડની મુખ્ય શાખા ‘રાવલ’ તરીકે અને (2) સિસોદ ગામના સામંત તરીકે સત્તા ભોગવતા ‘સિસોદિયા રાણા’ તરીકે ઓળખાયા. કર્ણ પછી એનો પુત્ર ક્ષેમસિંહ અને પછી એનો પુત્ર સામંતસિંહ ઈ. સ. 1171માં મેવાડ પર રાજ્ય કરતો હતો.

સામંતસિંહ સાથેની લડાઈમાં ગુજરાતનો રાજા અજયપાલ ઘવાયો હતો. નડૂલના ચૌહાણ રાજા કીર્તિપાલે મેવાડ ઉપર ચડાઈ કરી. તેણે સામંતસિંહને હરાવી નાસી જવાની ફરજ પાડી. સામંતસિંહના ભાઈ કુમારસિંહે ગુજરાતના રાજાની મદદથી કીર્તિપાલને હરાવી મેવાડ કબજે કર્યું (ઈ. સ. 1182).

તેના પછી મથનસિંહ, પદ્મસિંહ અને જૈત્રસિંહ સત્તા ઉપર આવ્યા. જૈત્રસિંહના સમયમાં મેવાડના ગૂહિલોની પ્રતિષ્ઠા વધી. તેને ગુજરાતના સોલંકી રાજા ત્રિભુવનપાલ સાથે (1242–1244) લડાઈ થઈ હતી. તેના સમયમાં ચિતોડ તેના રાજ્યમાં ઉમેરાયું. એના વારસદાર તેજસિંહનાં બિરુદ ‘પરમભટ્ટારક-મહારાજાધિરાજ-પરમેશ્વર’ એવાં હતાં. એના પુત્ર સમરસિંહે અલાઉદ્દીન ખલજીના સરદાર ઉલૂઘખાનની ગુજરાત પરની ચડાઈ વખતે દંડ ભરીને મેવાડ રાજ્યને બચાવી લીધું હતું (1299). એનો પુત્ર રત્નસિંહ અલાઉદ્દીનની ચિતોડ ઉપરની ચડાઈ (ઈ. સ. 1303) દરમિયાન નાસી ગયો. તે વખતે ચિતોડ સહિત મેવાડનું રાજ્ય મુસ્લિમ સત્તા હેઠળ ગયું અને શાહજાદા ખિઝરખાનને ઈ. સ. 1304માં મેવાડનું શાસન સોંપવામાં આવ્યું.

કેટલાક સમય પછી અલાઉદ્દીને જાલોરના સોનગરા ચૌહાણ માલદેવને મેવાડનું રાજ્ય સોંપ્યું. ઈ. સ. 1341 આસપાસ માલદેવના પુત્ર જેસા પાસેથી હમ્મીરે મેવાડ જીતીને સિસોદિયા તરીકે જાણીતા ગૂહિલવંશને સત્તાધારી બનાવ્યો. હમ્મીરના મરણ પછી તેનો પુત્ર ક્ષેત્રસિંહ ગાદીએ બેઠો અને 1378થી 1405 સુધી રાજ્ય કર્યું. તેણે બુંદીના હાડા સરદારોને હરાવ્યા અને તેમના પ્રદેશો જીતી લીધા. તેણે ઈડર ઉપર ચડાઈ કરીને રણમલને કેદ કર્યો. 1405માં તેનું અવસાન થવાથી એનો પુત્ર લક્ષ્મસિંહ કે લાખો રાણો મોટી ઉંમરે ગાદીએ બેઠો.

તેના પછી 1420માં મોકલ મેવાડનો શાસક થયો. તેના સમયમાં મારવાડ અને નાગોરના કેટલાક પ્રદેશો જીતવામાં આવ્યા. ઈ. સ. 1433માં મોકલનું અવસાન થવાથી તેનો પુત્ર કુંભો ગાદીનશીન થયો. મેવાડમાં આંતરવિગ્રહનો લાભ લેવા ગુજરાત અને માળવાના સુલતાનો તથા મારવાડના રાણા જોધાએ 1455-56માં મેવાડ પર આક્રમણ કર્યું; પરન્તુ રાણા કુંભાએ સમાધાન કરી તેમને વિદાય કર્યા. તેના સમયમાં વાસ્તવિક સત્તા ભોગવનાર મારવાડના રણમલનું ચિતોડમાં ખૂન થયું.

મારવાડ અને મેવાડ વચ્ચે પચીસ વર્ષથી સારા સંબંધો હતા. તેને બદલે હવે રાઠોડો અને સિસોદિયા પરિવારો વચ્ચે સદીઓ પર્યંત વેર બંધાયું. રાણા કુંભાએ અનેક મંદિરો, ઇમારતો અને કિલ્લા બંધાવ્યાં હતાં. તે બહાદુર યોદ્ધો અને કાર્યદક્ષ શાસક હોવા ઉપરાંત વિદ્વાન હતો. ‘એકલિંગમાહાત્મ્ય’ નામની તેની સમકાલીન હસ્તપ્રત જણાવે છે કે તે વેદો, સ્મૃતિઓ, મીમાંસા, ઉપનિષદો, વ્યાકરણ, રાજકારણ અને સાહિત્યનો અભ્યાસી હતો. તે સંગીતશાસ્ત્રમાં નિષ્ણાત હતો. તેણે ‘સંગીતરાગ’, ‘સંગીતમીમાંસા’ અને ‘સૂરપ્રબંધ’ નામના ગ્રંથો લખ્યા હતા.

તેના પછી તેના પુત્ર રાયમલ્લે 36 વર્ષ (1473–1509) રાજ્ય કર્યું. તેનો પુત્ર રાણા સાંગા 1509માં ગાદીએ બેઠો ત્યારે મેવાડ ઉત્તર ભારતનું ઘણું મહત્ત્વનું રાજ્ય હતું. અન્ય રાજ્યો મેવાડ જેટલાં શક્તિશાળી નહોતાં. તેણે પડોશી રાજ્યો સાથે લડાઈઓમાં વિજયો મેળવ્યા. તેણે ગુજરાતમાં ઈડર અને અહમદનગર (હિંમતનગર) જીતી લીધાં. તેણે દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. ઇબ્રાહિમ લોદી પર આક્રમણ કરવા રાણા સાંગાએ બાબરને જણાવ્યું હતું; પરન્તુ બાબર વિજય મેળવ્યા બાદ ભારતમાં રહી જશે એવી તેને કલ્પના નહોતી. 1527માં બાબર સામે થયેલા ખાનવાના યુદ્ધમાં રાણા સાંગાનો પરાજય થયો. ત્યારબાદ 1528માં 46 વર્ષની વયે સાંગાનું અવસાન થયું.

તેના પુત્ર રત્નસિંહે માળવાના આક્રમણને પાછું હઠાવી, સારંગપુર સુધીનો પ્રદેશ જીતી લીધો. 1531માં રત્નસિંહ મરણ પામ્યો અને તેનો ભાઈ વિક્રમાદિત્ય મેવાડની ગાદીએ બેઠો. તેના સમયમાં ગુજરાતના બહાદુરશાહે ચિતોડનો કિલ્લો જીતી લીધો (1535), જે વિક્રમાદિત્યે પાછો મેળવ્યો.

તેના પછી વનવીર (1536–1540) અને ત્યારબાદ ઉદયસિંહ (1540–1572) ગાદીએ બેઠો. તેણે 1568માં ઉદયપુરમાં રાજધાની ફેરવી. તેનાં કેટલાંક વર્ષ મારવાડના માલદેવ સાથેની લડાઈઓમાં વીત્યાં. તેના સમયમાં અકબરે મેવાડ પર ચડાઈ કરી. તેણે ચિતોડ જીતીને 30,000 માણસોની કતલ કરી. ઉદયસિંહ 28 ફેબ્રુઆરી, 1572ના રોજ મૃત્યુ પામ્યો.

1 માર્ચ, 1572ના રોજ મહારાણા પ્રતાપસિંહ ગાદીએ બેઠો. જૂન, 1576માં તે મુઘલો સામે પ્રસિદ્ધ હલદીઘાટની લડાઈ લડ્યો; પરન્તુ તેમાં પરાજય મળતાં મહારાણાએ ગુપ્ત રહીને મુઘલોનો સામનો કર્યો અને 1584 સુધીમાં કેટલાક પ્રદેશો જીતીને પાછા મેળવ્યા. 29 જાન્યુઆરી, 1597ના રોજ તત્કાલીન જગતના સૌથી વધુ સત્તાધીશ સમ્રાટ અકબર સામે ઝૂઝનાર મહારાણા પ્રતાપસિંહ દેવલોક પામ્યો. મધ્યકાલીન ભારતનો તે સૌથી વધુ પરાક્રમી યોદ્ધો હતો.

તેના પુત્ર અમરસિંહ(1597–1620)ના સમયમાં મુઘલોએ મેવાડ જીતી લેવાના પ્રયાસો ચાલુ રાખ્યા. 1614માં અમરસિંહે શાહજાદા ખુર્રમ સાથે સમાધાન કર્યું. તેના પુત્ર કર્ણસિંહે (1620–1628) લડાઈઓને કારણે ખેદાનમેદાન થયેલા મેવાડની સ્થિતિ સુધારવામાં સફળતા મેળવી. તેણે મુઘલ બાદશાહ જહાંગીર સાથે સારા સંબંધો રાખ્યા.

તેના પુત્ર જગતસિંહે (1628–1652) દાન કરવામાં તથા ઇમારતો બાંધવામાં રસ લીધો. રાજસિંહે (1652–1680) તેના પિતાએ શરૂ કરેલ ચિતોડનો કિલ્લો સુધરાવવાનું કામ ચાલુ રાખ્યું. તે સામે મુઘલ બાદશાહને વાંધો હોવાથી, તેના લશ્કરે તે કિલ્લો તોડી નાખ્યો. ઔરંગઝેબે બદનોર, માંડલગઢ, ડુંગરપુર, વાંસવાડા, બસબાર અને ગ્યાસપુર જિલ્લા આપ્યા અને તેની મનસબ વધારીને 6,000ની કરી.

1769માં મરાઠા સરદાર મહાદજી સિંધિયાએ મેવાડ પર ચડાઈ કરી ત્યારે ત્યાં રતનસિંહ અને અરિસિંહ વચ્ચે વારસાવિવાદ ચાલતો હતો. અરિસિંહે સિંધિયાને 64 લાખ અને રતનસિંહને જાગીર આપવાનું કબૂલી સિંધિયાને વિદાય કર્યો. ત્યારબાદ 13 જાન્યુઆરી, 1818ના રોજ બ્રિટિશ સરકારે મેવાડ સાથે સહાયકારી સંધિ કરી. તે મુજબ પહેલાં પાંચ વર્ષ રાજ્યની આવકનો 14 ભાગ અને તે પછી 38 ભાગ પ્રતિવર્ષ ખંડણી પેટે આપવા રાણો કબૂલ થયો. 1947માં ભારત સ્વતંત્ર થયા બાદ ઉદયપુરના મહારાણા સર ભૂપાલસિંહજી એપ્રિલ, 1948માં રાજસ્થાન સંઘમાં જોડાયા અને મહારાજા સંઘના આજીવન રાજપ્રમુખ બન્યા.

જયકુમાર ર. શુક્લ