મેવાતી ઘરાણા : ઉત્તર હિંદુસ્તાનના શાસ્ત્રીય સંગીતનું એક લોકપ્રિય ઘરાણું. જયપુર, કીરાના, ગ્વાલિયર તથા આગ્રા એ પ્રકારનાં ઘરાણાં છે. મેવાતી ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ધધ્ધે નઝીરખાં રાજસ્થાનના અલવર રાજ્યમાં મેવાત નામે ઓળખાતા પ્રદેશમાં રહેતા હોવાથી તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘મેવાતી ઘરાણા’ પડ્યું.

ધધ્ધે નઝીરખાં જોધપુર રિયાસતના દરબારી ગાયક હતા તે વેળા અલાબક્ષ તથા ફતેહઅલી નામના પતિયાળા ઘરાણાના બે નામી  ગાયકોએ વસંત રાગની ઉત્કૃષ્ટ રજૂઆત કરી, પણ ત્યાર બાદ ધધ્ધે નઝીરખાંએ તે જ રાગની અપ્રતિમ રજૂઆત કરી બંને ઉસ્તાદોને અત્યંત પ્રભાવિત કર્યા.

ધધ્ધે નઝીરખાંના શિષ્યોમાંના એક સાણંદના ઠાકોરસાહેબ જયવંતસિંહજી હતા; તેઓ મહાન દેવીભક્ત તથા દાનવીર હતા. તેમણે રચેલી દેવીસ્તુતિઓ મેવાતી ઘરાણાના મુખ્ય ગાયક પંડિત જસરાજે સ્વરબદ્ધ કરી છે અને કેટલીક મહેફિલોમાં તે રજૂ કરે છે. તેમની સ્મૃતિમાં પંડિત જસરાજે ‘જયવંતી તોડી’ નામનો એક નવીન રાગ રચ્યો છે.

જોધપુર છોડ્યા પછી ધધ્ધે નઝીરખાં ભોપાલ જઈ વસ્યા; ત્યાં તેમણે પંડિત નથ્થુલાલજીને સંગીતની તાલીમ આપી. નથ્થુલાલજીએ પોતાના ભત્રીજા પંડિત મોતીરામજીને 14 વર્ષ સુધી સંગીત-વિદ્યા શીખવી. ત્યારબાદ પંડિત મોતીરામજી કાશ્મીરના મહારાજા પ્રતાપસિંગના દરબારી સંગીતકાર તરીકે અને પછી હૈદરાબાદના નિઝામના દરબારી સંગીતકાર નિમાયા. પણ તે જ દિવસે તેઓ દેવલોક પામ્યા.

પંડિત નથ્થુલાલજીએ સંગીતની તાલીમ પોતાના બંધુ પંડિત જ્યોતિરામને તથા તેમના પુત્રો પંડિત મણિરામ તથા પંડિત પ્રતાપનારાયણને આપી. પંડિત મણિરામ દેવલોક પામ્યા છે અને પંડિત પ્રતાપનારાયણે હવે સંગીતના ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી છે.

પંડિત જસરાજે સંગીતની તાલીમ પોતાના જ્યેષ્ઠ બંધુ પંડિત મણિરામ પાસેથી મેળવી છે અને તેમની ગણના ભારતના અતિ ઉચ્ચ કક્ષાના ગાયક તરીકે થાય છે. શાસ્ત્રીય સંગીત ઉપરાંત વૈષ્ણવ મંદિરોમાં ગવાતા હવેલી સંગીતની પણ તેમની ઘણી કૅસેટ તથા કૉમ્પૅક્ટ ડિસ્ક (CD) પણ તૈયાર થયેલી છે. તેમણે અનેક મહેફિલો તથા સંગીત-પરિષદોમાં યશસ્વી કાર્યક્રમો આપ્યા છે અને અમેરિકા, કૅનેડા તથા પશ્ચિમના દેશોમાં ઘણા કાર્યક્રમો આપ્યા છે. કૅનેડાના વાનકુવર શહેરમાં ‘જસરાજ ફાઉન્ડેશન’ નામની એક સંગીતસંસ્થાની સ્થાપના થઈ છે અને અમેરિકામાં એક સભાગૃહ સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. તેમને ‘પદ્મભૂષણ’ તથા સંગીત નાટક અકાદમી ઍવૉર્ડનું સન્માન મળ્યું છે. તેમના શિષ્યોમાં શંકર અભ્યંકર, રતન શર્મા, ચંદ્રશેખર સ્વામી, હેમાંગ મહેતા તથા સંજય અભ્યંકર કુશળ ગાયકો છે.

મેવાતી ઘરાણાના ગાયકોમાં મોટેભાગે પોતાના ઘરાણાની વિશેષ બંદિશો જ ગાવાની પ્રથા છે. તે ઘરાણામાં સરગમોને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે છે. આ ઘરાણું ખયાલ શૈલીનું હોવા છતાં તેની ગાયકીમાં ઠૂમરીનું અંગ પણ વર્તાઈ આવે છે.

બટુક દીવાનજી