બાવકાનું મંદિર

January, 2000

બાવકાનું મંદિર : દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામમાં આવેલું બારમી સદીનું સોલંકીકાલીન પ્રાચીન શિવમંદિર. આ મંદિર નાગરશૈલીનું છે. તે ગર્ભગૃહ અને સભામંડપ ધરાવતું મૂળ લંબચોરસ આકારનું મંદિર હતું. તેમાં 0.61 મીટર વ્યાસનું લિંગ છે, જેનો ઉપરનો ભાગ ખંડિત છે. આ મંદિરનું ગર્ભગૃહ અને શિખર તથા સભામંડપની પશ્ચિમ તરફની દીવાલ ખંડિત હતાં. ગર્ભગૃહની દીવાલના બહારના ભાગમાં આવેલી મૂર્તિઓ પણ વેરવિખેર હાલતમાં હતી; પરંતુ પશ્ચિમ વિભાગના પુરાતત્ત્વખાતાના અધીક્ષક દ્વારા તેના ગર્ભગૃહ અને સભામંડપની મરામત કરાતાં હાલ તે મૂળ સ્થિતિમાં જોવા મળે છે. તેના સ્તંભોનો પાયાનો ભાગ અને સ્તંભશીર્ષો ગોળાકાર છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની બારસાખના મધ્યભાગમાં ગણેશની મૂર્તિ છે. ગર્ભગૃહના વેદિકાના ભાગમાં નરથર, ગજથર અને વામન મનુષ્યાકૃતિઓ અને વિવિધ પશુઓનો આકૃતિયુક્ત થર છે. ગર્ભગૃહના આગળના ભાગમાં વેદિકાયુક્ત કક્ષાસન અને વામનસ્તંભોની રચના છે. સ્તંભો ઉપર ઘટ-પલ્લવનાં શિલ્પવાળાં સુશોભનો છે. ચાંપાનેરના ચૌહાણ વંશના રાજાની નર્તકીએ આ મંદિર બંધાવ્યું હોવાની સ્થાનિક અનુશ્રુતિ છે. દર વર્ષે આંબલી અગિયારસ, એટલે કે ફાગણ સુદ અગિયારસના દિવસે ત્યાં મેળો ભરાય છે, જેમાં આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થાય છે.

શિવપ્રસાદ રાજગોર