બાવચી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના પૅપિલિયોનૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Psoralea corylifolia Linn. (સં. बाकुची, सोमराज, अवल्गुजा, चंद्रलेखा, सुगंधकंटक, હિં. बाब्ची, बावंची; બં. सोमराज, બાવચી; મ. બાબચી, બાવચ્યા; ગુ. બાવચી, માળી બાવચો; માળવી બાવચો) છે. તે ટટ્ટાર એકવર્ષાયુ અને 30 સેમી.થી 180 સેમી. ઊંચી શાકીય વનસ્પતિ છે અને લગભગ સમગ્ર ભારતમાં થાય છે. તેનાં પર્ણો પહોળાં ઉપવલયાકાર અને દંતુર હોય છે. પુષ્પો પીળાં અથવા ભૂરાં જાંબલી હોય છે અને કક્ષીય, લાંબાં, પુષ્પવૃંત પર મુંડક (head) સ્વરૂપે ઉત્પન્ન થાય છે. ફળ અસ્ફોટનશીલ શિંબી, નાનું, 3.5 મિમી.થી 4.5 મિમી. લાંબું અને 2.0 મિમી.થી 3.0 મિમી. પહોળું હોય છે. તે અંડાકાર-લંબચોરસ (ovoid-oblong), કેટલેક અંશે સંકોચિત (compressed), તીક્ષ્ણાગ્રી (muctonate) અને ઘેરા બદામીથી માંડી લગભગ કાળા રંગનું હોય છે અને એક લીસું બીજ ધરાવે છે. બીજની સાથે ફલાવરણ ગાઢ રીતે ચોંટેલું હોય છે. તેથી ફળને ઘણી વાર બીજ તરીકે ઓળખવામાં આવે છે.

આ વનસ્પતિનું વ્યાપારિક ધોરણે ક્યાંય વાવેતર થતું નથી; છતાં રાજસ્થાનમાં અને પંજાબના પૂર્વ તરફના જિલ્લાઓમાં બીજ માટે વાવવામાં આવે છે. રાજસ્થાનમાં ઊંચી ગુણવત્તાવાળાં બીજ ઉત્પન્ન થાય છે. તે સામાન્ય જમીનમાં ઊગે છે. તેનું વાવેતર માર્ચ-એપ્રિલમાં 30 સેમી.ના અંતરે હરોળોમાં પ્રતિ હેક્ટરે 7.0 કિગ્રા.ના પ્રમાણમાં કરવામાં આવે છે. તેનું ચોમાસામાં પુષ્પનિર્માણ થાય છે અને નવેમ્બરમાં બીજ પરિપક્વ બને છે. યોગ્ય કાળજી રાખવામાં આવે તો વનસ્પતિ 5થી 7 વર્ષ સતત ઊગી શકે છે.

તેનાં ફળ (બીજ) ચીકણું તૈલી ફલાવરણ, સખત બીજાવરણ અને મીજ (kernel) ધરાવે છે. ફળને ચૂસતાં તે ઉગ્ર ગંધ આપે છે, અને સ્વાદે કડવાં હોય છે. તે એક બાષ્પશીલ તેલ (0.05 %), અબાષ્પશીલ ટર્પેનૉઇડ તેલ, કાળું બદામી રાળ (8.6 %), રંજકદ્રવ્ય (સંભવત: હાઇડ્રૉક્સિફ્લેવોન), બકુચિયોલ (મોનોટર્પેનૉઇડ ફીનૉલ : C18H24O), બદામી રંગનું સ્થિર (fixed) તેલ (10 %), રેફિનોઝ અને સોરેલીન (C11H6O3), આઇસોસોરેલીન, સોરેલીડીન (C20H16O5) અને કોરોલીફોલીન (C17H18O3) જેવાં કુમેરિન સંયોજનો ધરાવે છે. સ્થિરતેલ ઘટ્ટ અને કડવું હોય છે. તે રેઝિન ઍસિડ (21.5%) ધરાવે છે.

આયુર્વેદ અનુસાર તે કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયણ, મધુર, રુચિપ્રદ, રુક્ષ, હૃદ્ય, અગ્નિદીપક, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડુ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ અને વાયુનો નાશ કરે છે. તેનાં ફળ તીખાં, કડવાં, કેશ્ય, ત્વચાને હિતાવહ, સારક અને પિત્તલ હોય છે અને કફ, વાયુ, સોજો, મૂળવ્યાધિશ્વાસ, ઉધરસ, કુષ્ઠ તથા મૂત્રકૃચ્છનો નાશ કરે છે. ખસ પર અને ચામડીના રોગો ઉપર તેનું તેલ લગાડવામાં આવે છે.

બાવચી : (1) પર્ણ, પુષ્પ અને ફળ સાથેની શાખા; (2) બી

સફેદ કોઢ પર બાવચીનાં બીજનું તેલ લગાડીને સૂર્યના કૂણા તડકામાં 1થી 5 મિનિટ સુધી બેસવાથી તે સ્થાને ફોલ્લો થાય છે અને તે બાવળના કાંટાથી ફોડવાથી તેમાંથી પાણી ઝમી જાય છે, અને ત્યારબાદ દરરોજ લીમડાના ઉકાળેલા પાણીથી સાફ કરવાથી જે ચામડી આવે છે તે પહેલાં જેવી જ હોય છે. ધીરજ રાખીને આ પ્રયોગ લાંબા વખત સુધી કરવાથી ‘સફેદ કોઢ’ મટે છે.

બાવચીનું ચૂર્ણ અને મુશળી સરખા પ્રમાણમાં નિયમિત સવાર-સાંજ લેવાથી બહેરાશ દૂર થાય છે. તેનાં પાન લસોટીને વહેતા લોહી પર લગાડવાથી તે બંધ થઈ જાય છે. માથામાં નાખવાના તેલમાં તેનું ચૂર્ણ કે તેલ ઉમેરવાથી વાળ ખરતા અટકે છે.

સોરેલીન અને આઇસોસોરેલીન બીજનાં સક્રિય ઔષધ-ઘટકો છે. આ ઔષધની સ્થાનિક અસર હોય છે. ખાસ કરીને ઉપરુધિરકેશિકાજાલ(subcapillary plexus)ની ધમનિકાઓ (arterioles) ફૂલે છે; જેથી આ વિસ્તારમાં રુધિરરસનું પ્રમાણ વધે છે અને ચામડી લાલ રંગની બને છે. શ્યામકોરકો (melanoblasts) ઉત્તેજિત થાય છે. સફેદ કોઢમાં આ કોષો યોગ્ય રીતે કાર્ય કરતા નથી અને ઔષધ દ્વારા તે ઉત્તેજિત થઈ રંજકદ્રવ્યોનો સ્રાવ કરે છે અને સફેદ કોઢના વિસ્તારોમાં પ્રસરણ પામે છે. ઉપદંશીય (syphilitic) જૂથના સફેદ કોઢ પર આ ઔષધ અસરકારક થતું નથી, કારણ કે આવા કિસ્સાઓમાં શ્યામકોરકોનો નાશ થયેલો હોય છે.

બીજનું ચૂર્ણ મોઢા દ્વારા લેવાથી દર્દીઓને બકારીઓ આવે છે. ઊલટી, વ્યાકુળતા (malaise), માથાનો દુ:ખાવો કે કેટલીક વાર વિરેચન (purging) થાય છે, બાષ્પશીલ તેલયુક્ત ઔષધનો બાહ્ય ઉપયોગ કરવાથી તેની અત્યંત ઉત્તેજક અસર થાય છે; જેથી પીડા થાય છે અને કેટલીક વાર ફોલ્લા પડે છે. તેલનું અંત:ત્વચીય (intradermal) અંત:ક્ષેપણ અસરકારક હોવા છતાં સખત પીડા થાય છે અને ચાંદાં પડે છે તેથી બાહ્ય ઉપયોગ માટે બીજના ઑલિયોરેઝિનયુક્ત નિષ્કર્ષની ભલામણ કરવામાં આવે છે.

સોરેલીન અને આઇસોસોરેલીનના ફ્યુરોકુમેરિનયુક્ત મિશ્રણ દ્વારા બનાવાયેલું ઔષધ મુખ વાટે આપવાથી ઓલિયોરેઝિનયુક્ત નિષ્કર્ષ કરતાં વધારે ઉત્સાહજનક પરિણામો પ્રાપ્ત થયાં છે. આ મિશ્રિત ઔષધનો બાહ્ય અને મૌખિક બંને રીતે ઉપયોગ કરવાથી 10 અને 30 દિવસ વચ્ચે અનુક્રિયા(response)નો પ્રારંભ થાય છે.

બીજનો નિષ્કર્ષ Staphylococcus citreus, S. aureus અને S. albusની વૃદ્ધિને અવરોધે છે. સોરેલીન માછલી માટે વિષાળુ છે.

સ્થિરતેલના નિષ્કર્ષણ પછી બાકી રહેતો ભાગ 6.7 % નાઇટ્રોજન અને 7.8 % ખનિજદ્રવ્ય ધરાવે છે; જે ઢોરના ખાણ અથવા ખાતર માટે યોગ્ય ગણાય છે. બુંદેલખંડમાં ઢોર આ વનસ્પતિ ચરે છે. સમગ્ર વનસ્પતિ કાર્બનિક ખાતર તરીકે ઉપયોગી છે. તેના શુષ્ક વજનમાં કાર્બનિક દ્રવ્ય લગભગ 87.77 %; ભસ્મ 11.13 %; નાઇટ્રોજન 3.69 %; કૅલ્શિયમ (CaO) 3.25 %; પૉટેશિયમ (K2O) 1.18 % અને ફૉસ્ફરસ (P2O5) 0.96 % હોય છે.

બાવચી તરીકે ઘણા આવચીબાવચીનાં બીજ કે તખમરિયાનો પણ ઉપયોગ કરે છે; પરંતુ તે અલગ વનસ્પતિ છે.

ગોવિંદપ્રસાદ કૃષ્ણલાલ દવે

બળદેવભાઈ પટેલ