બાલ્સમિનેસી

January, 2000

બાલ્સમિનેસી : દ્વિદળી વર્ગની વનસ્પતિઓનું એક કુળ. તેને જિરાનિયેસી કુળથી અલગ કરવામાં આવ્યું છે. આ કુળ બે પ્રજાતિઓ (Impatiens, Hydrocera) અને લગભગ 450 જાતિઓ ધરાવે છે. તે પૈકી Impatiensની 420 જેટલી જાતિઓ છે. આ કુળનું વ્યાપકપણે વિતરણ થયું હોવા છતાં એશિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં તે સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતમાં Impatiens પ્રજાતિની 3 જાતિઓ થાય છે.

આ કુળની વનસ્પતિઓ શાકીય, કેટલીક વાર જલજ (દા.ત., Hydrocera) અથવા ઉપક્ષુપીય (suffrutescent), કેટલીક વાર અમુક અંશે માંસલ કે ક્વચિત્ પરરોહી (epiphyte) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, સંમુખ અથવા ભ્રમિરૂપ (whorled) (એક ગાંઠ પર 3  પર્ણો) અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. પુષ્પો એકાકી (solitary), અથવા કક્ષીય પુષ્પવિન્યાસ અક્ષ પર ગુચ્છમાં આવેલાં હોય છે. તે અનિયમિત (zygomorphic), દ્વિલિંગી, અધોજાયી (hypogynous), વિપર્યસ્ત (resupinate; 180° વળાંક પામેલાં),

બાલ્સમિનેસી Impatiens glandulifera : (અ) પુષ્પીય શાખા; (આ) પુષ્પ; (ઇ) પુષ્પનો ઊભો છેદ; (ઈ) પરિદલપુંજરહિત પુષ્પ; (ઉ) પરિદલપુંજરહિત પુષ્પનો ઊભો છેદ; (ઊ) બીજાશયનો આડો છેદ; (એ) ફળ

દલપુટયુક્ત (spurred) અને પંચાવયવી (pentamerous) હોય છે. વજ્ર અનિયમિત, વજ્રપત્રો 3થી 5, કોરછાદી (imbricate), ઘણી વાર દલાભ (petaloid), પશ્ચ વજ્રપત્ર ખૂબ મોટું અને કોથળી જેવું અને  પાછળની તરફ એક નલિકાકાર મધુગ્રંથિમય દલપુટમાં પરિણમેલું હોય છે. દલપત્રો 5; વજ્રપત્રો સાથે એકાંતરિક, મુક્ત અથવા યુક્ત અને જાણે કે 3 હોય તેમ લાગે; અને ઉપરનાં દલપત્રો કરતાં નીચેનાં દલપત્રો વધારે મોટાં હોય છે. પુંકેસરો 5; અધોજાયી અને સંપરાગ (syngenesious) હોય છે. તેના તંતુઓ ચપટા અને બીજાશયને અને ઘણી વાર પરાગવાહિનીને પણ છત્રની જેમ ગાઢ રીતે આવરે છે. પરાગાશયો દ્વિખંડી હોય છે. સ્ત્રીકેસરચક્ર પંચયુક્ત સ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ બીજાશય અને પંચકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં 3 કે તેથી વધારે અધોમુખી (anatropous) અને નિલંબી (pendulous) અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની એક, ટૂંકી અથવા લુપ્ત (obsolete) હોય છે. તે 1થી 5 પરાગાસનો ધરાવે છે. ફળ 5 કપાટો (valve) ધરાવતું માંસલ પ્રાવર પ્રકારનું હોય છે. કપાટો સ્થિતિસ્થાપક હોવાથી વળી જઈને દબાણપૂર્વક બીજને બહાર ફેંકે છે. કેટલીક જાતિઓમાં અનષ્ઠિલ પ્રકારનું ફળ જોવા મળે છે. બીજમાં ભ્રૂણ સીધો હોય છે અને ભ્રૂણપોષ હોતો નથી.

આ કુળ અન્ય કુળોથી તેનાં પુંકેસરોની વિશિષ્ટતા દ્વારા ઓળખી શકાય છે. માંસલ પ્રાવરનું સ્થિતિસ્થાપક સ્ફોટન પણ આ કુળનું ખાસ લક્ષણ છે. કેટલાક વનસ્પતિશાસ્ત્રીઓ મધુગ્રંથિમય દલપુટને કારણે આ કુળને જિરાનિયેસી અને ટ્રૉપિયોલેસી સાથે સરખાવે છે; પરંતુ બાલ્સમિનેસીમાં દલપુટ પશ્ર્ચ વજ્રપત્રનું રૂપાંતર છે; જ્યારે જિરાનિયેસી અને ટ્રૉપિયોલેસીમાં દલપુટના નિર્માણમાં પુષ્પાસનની પેશીઓ સંકળાયેલી હોય છે.

આર્થિક ર્દષ્ટિએ આ કુળની ખાસ ઉપયોગિતા નથી. I. balsamina (ગાર્ડન બાલ્સમ) અને I. glandulifera (હિમાલયન બાલ્સમ) જેવી કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

યોગેશ ડબગર