બાલબ્રહ્મેશ્વર : ભારતના કર્ણાટક રાજ્યના રાયચુર જિલ્લામાં તુંગભદ્રા નદીને કાંઠે આવેલું પ્રાચીન તીર્થ. એને ‘દક્ષિણ કાશી’ પણ કહે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં સાતવાહનો, ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલચુરિ, કાકતીય અને વિજયનગરના રાજાઓ પછી બહમનીના સુલતાનો અને મુઘલ બાદશાહોનું શાસન પ્રવર્ત્યું હતું. આ બધા સમયના અવશેષો તેમજ કેટલાંક સ્મારકો અહીં મોજૂદ છે. અહીંનાં મંદિરોની રચનામાં અજંટા-ઇલોરાનાં ગુફામંદિરોની ઝલક નજરે પડે છે. મોટાભાગનાં મંદિરો ચાલુક્યકાલીન છે. એમાં બાલબ્રહ્મેશ્વર, જોગૂલંબા, દંતીગણેશ અને કાલભૈરવ મુખ્ય છે. આ મંદિરો વારાણસીના અનુક્રમે કાશી-વિશ્વેશ્વર, વિશાલાક્ષી, દંતીગણેશ અને કાલભૈરવનાં મંદિરોનાં પ્રતિરૂપ છે. કાશીના ગંગાઘાટની જેમ અહીં પણ 64 ઘાટ બન્યા હતા. બ્રહ્મેશ્વર-મંદિર-સમૂહનાં મંદિરો દુર્ગની અંદર આવેલાં છે. એમાં બાલબ્રહ્મેશ્વરનું મંદિર મુખ્ય છે. તેના દ્વારમંડપની રચના અજંટાના ગુફા નં. 19ના ચૈત્યને આબેહૂબ મળતી આવે છે. મંદિરોમાં ગર્ભગૃહ ચોરસ છે અને તેમને ફરતો પ્રદક્ષિણાપથ કરેલો છે. ગુફામંદિરોની ભિત્તિઓમાં પ્રકાશ આવે તે માટે કરેલાં વાતાયનોમાં કોતરણીયુક્ત જાળીઓ બેસાડેલી છે. મંદિરોનાં  શિખરની રચના વિશિષ્ટ પ્રકારની છે. તેથી છિન્નશીર્ષ સ્તૂપની ઉપર ઘુમ્મટ બેસાડ્યો હોય તેવો દેખાવ થાય છે.

અહીંથી 12 જેટલા શિલાલેખ મળ્યા છે તે પરથી જણાય છે કે ઇતિહાસપ્રસિદ્ધ ચાલુક્યનરેશ પુલકેશી બીજાના પ્રપૌત્રે 714માં બાલબ્રહ્મેશ્વરના મુખ્ય મંદિરને તુંગભદ્રાના જળપ્રવાહથી બચાવવા માટે એક પ્રાકારબંધ કરાવ્યો હતો. પ્રાચીન કાળમાં આ સ્થળે એક મહાવિદ્યાલય પણ હતું. તેના આચાર્ય ત્રિલોચન મુનિનાથ અને એકાંતદાસકાડી પંડિતને રાજસભાઓમાં સંમાન પ્રાપ્ત થયું હતું. આ મહાવિદ્યાલયને વીરબલંજય સમય નામના વેપારી મહાજન તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થતી હતી.

બાલબ્રહ્મેશ્વરનાં અન્ય ઉલ્લેખનીય સ્મારકોમાં વિજયનગરના નરેશોએ બનાવેલ દુર્ગ મહત્વનો છે. એનાં પ્રવેશદ્વાર (ગોપુર) વિશાળ અને ભવ્ય છે. એમાં ત્રણ ખાઈઓ અને 30 બુરજો છે. બાલબ્રહ્મેશ્વરનું નામ મુસલમાનોના શાસનકાળમાં આલમપુર રખાયું હતું.

પ્રવીણચંદ્ર પરીખ