બાલનપ્રભુ વ્યંકટેશ્વર (જ. 1880; અ. 1971) – વેલોટી વ્યંકટેશ્વરન્ (જ. 1882; અ. 1951) : તેલુગુ લેખકો. આ બંને લેખકોનો જન્મ કાકીનાડા(આંધ્રપ્રદેશ)માં થયો અને શાળામાં સાથે ભણતા હતા ત્યારની મૈત્રી હતી અને તે અંત સુધી ટકી રહી. એટલું જ નહિ, પણ બંનેએ સહિયારું સાહિત્યસર્જન કર્યું. કાકીનાડા દેશી રાજ્ય હતું અને રાજાએ આ બંને લેખકોને રાજ્યાશ્રય આપ્યો હતો. એમણે તેલુગુ સાહિત્યમાં અનેક નવાં પ્રસ્થાન કર્યાં, જેમ કે આંધ્ર પ્રચારિણી ગ્રંથમાળા સ્થાપી, તે દ્વારા હિન્દી, મરાઠી તથા બંગાળી નવલકથાના તેલુગુ અનુવાદો આપી, તેલુગુ વાચકોને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો. બંગાળીમાંથી બંકિમચન્દ્ર, હિન્દીમાંથી પ્રેમચંદ, મરાઠીમાંથી વિ.સ. ખાંડેકર વગેરેની નવલકથાના અનુવાદો કરી તેલુગુ વાચકોને ભારતીય સાહિત્યની ઝાંખી કરાવી. એમણે એમનાં પ્રકૃતિકાવ્યો દ્વારા પ્રકૃતિનાં વિધવિધ સ્વરૂપોનું સૌંદર્યપાન કરાવ્યું. તેલુગુ બાલસાહિત્યનો નવેસરથી  આરંભ કર્યો. તેમાં કાવ્યો તથા બાળવાર્તાઓ દ્વારા પૌરાણિક તથા ઐતિહાસિક ઘટનાઓનો બાળકોને આસ્વાદ કરાવ્યો. ભાગવત, મહાભારત અને રામાયણની કથાઓને તેમણે તેલુગુમાં અનૂદિત કરી. ‘વૃંદાવન કાવ્ય’ દ્વારા મધુરાભક્તિનું માહાત્મ્ય પણ તેમણે આલેખ્યું.

બંને કવિઓ સાથે રહીને ‘રામાયણકાવ્ય’ રચતા હતા. ત્યાં વેલાટી વ્યંકટેશ્વરન્નું મૃત્યુ થતાં બાલનપ્રભુએ એ અધૂરું રહી ગયેલું કાવ્ય પછીથી પૂરું કર્યું.

ચન્દ્રકાન્ત મહેતા