બાલભારત (નવમી સદી) : નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. મહાભારત પર આધારિત આ નાટકનું બીજું નામ ‘પ્રચંડપાંડવ’ એવું નાટ્યકારે આપ્યું છે, જે મહાભારતના યુદ્ધમાં પ્રચંડ બનેલા પાંડવોના સંદર્ભમાં યોગ્ય છે. જોકે તેનું ‘બાલભારત’ શીર્ષક વધુ જાણીતું છે. ‘બાલ’ નામથી ઓળખાતા કવિએ ભારત એટલે મહાભારત પર કરેલી નાટ્યરચના એવો અર્થ તારવી શકાય.

કમનસીબે આ નાટકના ફક્ત બે જ અંકો હાલ ઉપલબ્ધ છે. એ સિવાયના અંકો કાં તો કવિએ રચ્યા ન હોય અથવા તો કોઈક કારણે રચાયા પછી નાશ પામ્યા હોય. આથી આ નાટક આખું પ્રાપ્ત થતું નથી.

ઉપલબ્ધ પ્રથમ અંકમાં દ્રૌપદીના સ્વયંવરનો પ્રસંગ રજૂ થયો છે. જુદા જુદા રાજાઓના દેખતાં અર્જુન લક્ષ્યવેધ કરે છે અને દ્રૌપદીને પત્ની તરીકે પ્રાપ્ત કરે છે. બીજા અંકમાં દુર્યોધન યુધિષ્ઠિરને દ્યૂત માટે તેડું મોકલે છે અને યુધિષ્ઠિર અનિચ્છાએ ત્યાં આવી દ્યૂતમાં સંપત્તિ, ભાઈઓ અને દ્રૌપદી વગેરેને હારી જાય છે. દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ અને વિકર્ણે કરેલી કૌરવોની નિંદા સાથે બીજો અંક સમાપ્ત થાય છે. ‘બાલરામાયણ’ની જેમ ‘બાલભારત’ પણ યુદ્ધ અને અંતે પાંડવોના વિજયનું વર્ણન કરતું સમાપ્ત થયું હશે એવું અનુમાન કરી શકાય.

પ્ર. ઉ. શાસ્ત્રી