બર્ક, એડમંડ (જ. 12 જાન્યુઆરી 1729, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 9 જુલાઈ 1797, બકિંગશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ રાજનીતિજ્ઞ, ચિંતક, પત્રકાર અને અપ્રતિમ વક્તા. તેમણે ટ્રિનિટી કૉલેજ–ડબ્લિન (1744) અને ત્યારબાદ મિડલ ટેમ્પલ, લંડનમાં અભ્યાસ કર્યો હતો. ક્વેકર સંપ્રદાયની શાળામાં શિક્ષણ લીધું હોવાથી સ્વતંત્ર વિચારશક્તિ કેળવાઈ હતી. કાયદાની વિદ્યાશાખાના અભ્યાસમાં તેમને રસ ન પડ્યો એટલે અભ્યાસ છોડી શરૂઆતમાં રખડુ જીવન પસંદ કર્યું.

વિશ્વની ઘટનાઓની વાર્ષિક નોંધ રૂપે ‘ધી ઍન્યુઅલ રજિસ્ટર’ના પ્રકાશનનો તેમણે પ્રારંભ કર્યો અને તેનો પ્રથમ અંક  1758માં પ્રકાશિત કર્યો. ત્યારબાદ સતત 30 વર્ષો સુધી આ પ્રકાશન ચાલુ રાખ્યું. 1774માં તેઓ બ્રિસ્ટલના મતદાર વિભાગમાંથી ચૂંટાઈને પ્રથમવાર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના સભ્ય બન્યા. આ સાથે તેમની રાજકીય કારકિર્દીનો પ્રારંભ થયો. સતત છ વર્ષ તેમણે બ્રિસ્ટલનું પ્રતિનિધિત્વ કર્યું. તે દરમિયાન એક મૂળભૂત પરંતુ વિવાદાસ્પદ વિચાર છેડ્યો કે ચૂંટાયેલો ઉમેદવાર પ્રજાનો પ્રતિનિધિ છે કે પ્રજાનો કહ્યાગરો સેવક ? તેમના મતે પ્રતિનિધિ સ્થાનિક, સંકુચિત યા કોઈ એક મતદાર વિભાગનાં હિતોને બદલે સમગ્ર પ્રજાનાં વ્યાપક હિતોથી દોરવાતો હોય તેમજ સમગ્ર દેશના હિતનો વિચાર કરતો હોય તેવો હોવો જોઈએ. તેમના મતે મતદારનું કર્તવ્ય યોગ્ય અને વાજબી ઉમેદવારને ચૂંટવાનું છે. અન્ય બાબતો પ્રજાએ પોતાના ચૂંટેલા પ્રતિનિધિની વિવેકશક્તિ પર છોડવી જોઈએ. આ વિવાદને કારણે બ્રિસ્ટલના મતદારોનો વિશ્વાસ તેઓ ટકાવી ન શક્યા અને શેષ સંસદીય કારર્કિદી દરમિયાન તેઓ માલ્ટન મતદાર વિભાગમાંથી ચૂંટાતા રહ્યા.

એડમંડ બર્ક

બ્રિટનના રાજકારણમાં તેઓ રૂઢિચુસ્તતાના હિમાયતી હોવા છતાં રાજાશાહીની સત્તા પર મર્યાદા મૂકવાના વિચારોને તેમણે ટેકો આપ્યો. અમેરિકામાંનો બ્રિટિશ સંસ્થાનવાદ અને ફ્રેંચ રાજ્યક્રાંતિ આ બંને રાજકીય ઘટનાઓએ તેમને જાહેર જીવનમાં સક્રિય બનાવ્યા. 1765માં અમેરિકા પર લાદવામાં આવેલ સ્ટૅમ્પ ઍક્ટનો તેમણે વિરોધ કર્યો. અમેરિકામાં અસરકારક પ્રતિનિધિત્વનો ઇનકાર કરતા બ્રિટિશ શાસનને તેમણે ભારે અન્યાયકર્તા ઠેરવ્યું અને ત્યાં લોકશાહી દાખલ કરવાની હિમાયત કરી. એ જ રીતે, 1760 અને 1770 દરમિયાન તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં દખલ કરવા બદલ બ્રિટિશ સરકારનો વિરોધ કર્યો અને ભારતમાંના બંગાળના ગવર્નર વૉરન હેસ્ટિંગ્સનાં અપકૃત્યોને વખોડ્યાં અને તેને લીધે 1787માં હેસ્ટિંગ્સ પર મહાઅભિયોગનો આરોપ મૂકી કામ ચલાવવામાં આવ્યું.

1789ની ફ્રેંચ ક્રાંતિની તેમણે આકરી ટીકા કરી. આ ક્રાંતિમાં ગિલોટીનની જે પદ્ધતિ વિકસાવવામાં આવી હતી તે દ્વારા ક્રાંતિ-વિરોધીઓને જાહેરમાં ફાંસી આપી મારી નાંખવામાં આવતા. તેમની ર્દષ્ટિએ ગિલોટીનની આ પદ્ધતિ ભારે અન્યાયકર્તા હતી, જેને કોઈ પણ ભોગે ચલાવી લઈ શકાય નહિ. ફ્રેન્ચ ક્રાંતિ તેમના મતે ધર્મ પરનું આક્રમણ હતી; એટલું જ નહિ, પરંતુ પરંપરાઓનો છેદ ઉડાડી  નવી સમાજવ્યવસ્થાની હિમાયત કરતી આ ક્રાંતિ ‘આમ જનતાનું પાશવી આક્રમણ’ હતી. આ ક્રાંતિ વિશે તેમણે નોંધ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા વિરુદ્ધ દૂષણરૂપ એવાં આ તોફાનો ફાટી નીકળ્યાં. પાર્લમેન્ટની બેઠકોમાં અને પોતાનાં લખાણો દ્વારા ક્રાંતિ વિરુદ્ધનો સંઘર્ષ તેમણે જારી રાખ્યો. તેમના ‘રિફ્લેક્શન્સ ઑન ધ રેવૉલ્યૂશન ઇન ફ્રાંસ’ (1790) એ ગ્રંથમાં ક્રાંતિ અંગેના વિચારો સંગૃહીત થયા છે. તેમનું આ પ્રકાશન ઊંડો મર્મ ધરાવનારું હોઈ તે ઠીક ઠીક ચર્ચાસ્પદ રહ્યું. તેમને આ ક્રાંતિમાં આદર્શ સમાજનાં ઉત્તમ તત્ત્વોને જાળવી રાખવાની જનસમાજની અશક્તિ અને અવિશ્વાસ દેખાયાં હતાં; તેથી તેઓ તેનું સમર્થન કરી શક્યા નહિ. તેના જવાબરૂપે ટૉમસ પેઇનના ‘રાઇટ્સ ઑવ્ મૅન’ અને મૅકિન્ટૉશના ‘વિન્ડીશિય ગેલેકી’ (Vindiciae Gallicae) ગ્રંથો પ્રકાશિત થયા. બર્કના પરમ મિત્ર ફૉક્સને ફ્રેંચ ક્રાંતિ વિરુદ્ધના તેમના વિચારો પસંદ નહોતા, જેને લીધે બંને મિત્રો વચ્ચેની મિત્રતાનો અંત આવ્યો; પરંતુ તેમના આ વિચારોનો બ્રિટિશ નીતિ પર ભારે પ્રભાવ પડ્યો.

અસાધારણ વક્તૃત્વકૌશલ ધરાવતા બર્ક જાહેર જીવનમાં સચ્ચાઈના આગ્રહી હતા તેમજ સત્યને ખાતર સરકાર કે તાજ વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવાની તેમની હિંમત કાબિલે-દાદ હતી. રાજકીય વિચારક તરીકે વખતોવખત તેમણે લખાણો દ્વારા બ્રિટિશ આમજનતાનું ધ્યાન દોરવા સતત પ્રયાસો કર્યા હતા. ‘અ ફિલોસૉફિકલ ઇન્કવાયરી ઇનટુ ધી ઓરિજિન ઑવ્ અવર આઇડિયાઝ ઑન ધ સબ્લાઇમ ઍન્ડ બ્યૂટિફુલ’ (1757), ‘થૉટ્સ ઑન ધ પ્રેઝન્ટ ડિસ્ક્ન્ટેન્ટ્સ’ (1770), ‘અપીલ ફ્રૉમ ધ ન્યૂ ટુ ધી ઓલ્ડ વિગ્ઝ’ (1791), ‘થ્રી લેટર્સ ઍડ્રેસ્ડ ટુ અ મેમ્બર ઑવ્ ધ પ્રેઝન્ટ પાર્લમેન્ટ ઑન ધ પ્રપોઝલ ફૉર પીસ વિથ ધ રેજિસાઇડ ડિરેક્ટરી ઑવ્ ફ્રાંસ’ (1796–97) અને ‘લેટર્સ ટુ અ નોબલ લૉર્ડ’ (1796) વગેરે તેમના જાણીતા ગ્રંથો છે.

1794માં તેમણે જાહેર જીવનમાથી નિવૃત્તિ લીધી હતી.

રક્ષા મ. વ્યાસ