બરૌની : બિહાર રાજ્યના બેગુસરાઈ જિલ્લામાં બેગુસરાઈની તદ્દન નજીક વાયવ્યમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 25° 30´ ઉ. અ. અને 85° 58´ પૂ. રે. ગંગા નદીની ઉત્તર તરફ વસેલું આ નગર બેગુસરાઈ સાથે ભળી જઈ તેના એક ભાગરૂપ બની રહ્યું છે. અગાઉ ઝલ્દાભજ તરીકે અહીંનો એક ભાગ 1961માં ફૂલવાડિયા વિભાગ સાથે ભળી ગયેલો. ધોરી માર્ગો, રેલમાર્ગો તથા આંતરિક જળમાર્ગો અહીંથી પસાર થતા હોવાથી તે ખેતીની પેદાશોનું મહત્વનું વેપારી મથક બની રહ્યું છે.

ભારતીય તેલ અને પ્રાકૃતિક વાયુ આયોગ(ONGC)નું તેલ શુદ્ધીકરણ કારખાનું, બરૌની

અહીં ખનિજતેલ-શુદ્ધીકરણ કારખાનું તથા તાપવિદ્યુતમથક આવેલાં હોવાથી તે ઔદ્યોગિક સંકુલ તરીકે વિકસ્યું છે. ભાગલપુર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ અહીં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા