ડીસા : ગુજરાતમાં બનાસકાંઠામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ડીસા શહેર 24°-15´ ઉ. અ. અને 72° – 11´ પૂ. રે. ઉપર બનાસ નદી ઉપર આવેલું છે. તે પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ પાલનપુર તાલુકો, ઉત્તરે અને ઈશાને ધાનેરા તાલુકો, પશ્ચિમે દિયોદર અને થરાદ તાલુકાઓ અને દક્ષિણે જિલ્લાનાં વાગદોડ અને સિરપુર તાલુકા આવેલા છે. આ તાલુકામાં બે શહેરો અને 145 ગામો આવેલાં છે.

ડીસા તાલુકાનો પૂર્વ ભાગ ફળદ્રૂપ છે જ્યારે પશ્ચિમ ભાગ વેરાન છે. બનાસ નદી આ તાલુકામાંથી વહે છે. તાલુકાની આબોહવા વિષમ છે. ડીસાનું ગુરુતમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે 44.8° સે. અને 5.4° સે. છે. હવામાન ખાતાનું નિરીક્ષણકેન્દ્ર ડીસા ખાતે છે. અહીં અનાજ, કઠોળ, એરંડા વગેરે મુખ્ય પાક છે.

આ તાલુકામાં 1893માં પાલનપુર-ડીસા અને 1952માં ડીસા-કન્ડલા રેલવે શરૂ થઈ હતી. ભીલડીથી રાજસ્થાનના રાણીવાડા સુધીની ત્રીજી રેલવેલાઇન છે. પાલનપુરથી રાધનપુર થઈને જતો ધોરી માર્ગ તથા ડીસાથી થરાદ થઈને બારમેર જતો માર્ગ અને ડીસાથી ધાનેરા જતો માર્ગ મહત્વના છે.

ડીસા જિલ્લાનું મહત્વનું વેપારી મથક છે. અહીં તેલ મિલો અને સાબુનાં કારખાનાં છે, સિમેન્ટના પાઇપ, જાળીવાળી  બારી, ટાઇલ્સ વગેરે બને છે. હાડકાં પીસવાની મિલ, લાકડાં વહેરવાની મિલો, ઑઇલ એન્જિન તથા ટ્રૅક્ટરો રિપૅર કરવાનું તથા ખેતીવાડીનાં સાધનો, લોખંડની ખુરશી, કબાટ વગેરે બનાવવાનાં કારખાનાં છે. ઉદ્યોગો ડીસામાં કેન્દ્રિત થયા છે.

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ડીસામાં ઘેટાંઉછેર-ફાર્મ અને ઘેટાં-ઊનવિતરણ–કેન્દ્ર છે. શહેરની વસ્તી 1,11,149 (2011) હતી. અક્ષરજ્ઞાન ધરાવનારની સંખ્યા 50 % જેટલી. હાલ ડીસા શહેરમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ખેતીવાડી શાળા અને આટર્સ અને કૉમર્સ કૉલેજ છે.

શિવપ્રસાદ રાજગોર