ડી સાંસુરે નિકોલાસ થિયૉડૉર

January, 2014

ડી સાંસુરે નિકોલાસ થિયૉડૉર (જ. 14 ઑક્ટોબર 1767, જિનીવા; અ. 18 એપ્રિલ 1845, જિનીવા) : સ્વિસ રસાયણજ્ઞ અને વનસ્પતિ- દેહધર્મવિજ્ઞાની. વનસ્પતિઓ પર પાણી, હવા અને પોષક પદાર્થોની અસર વિશેના તેમના માત્રાત્મક (quantitative) પ્રયોગોએ વનસ્પતિ-રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો.

તે હૉરેસ બેનિડિક્ટ ડી સાંસુરે નામના ભૂસ્તર વિજ્ઞાનીના પુત્ર હતા. તેમણે તેમના પિતાને ઘણા પ્રયોગો અને અન્વેષણ-યાત્રાઓમાં સહાય કરી હતી. જૉસેફ પ્રિસ્ટલી, જીન સેનેબાયર અને જેન ઇંજેનહાઉઝનાં સંશોધનો પર  સાંસુરેનું સંશોધનકાર્ય  આધારિત હતું. તેમણે વનસ્પતિ-પેશીમાં કાર્બનિક ઍસિડ અને તેના નિર્માણ પર ત્રણ લેખો ‘annales de chimie’(annals of chemistry)માં પ્રકાશિત કર્યા. ‘rechereches chimiques sur la vegetation’ (chemical research on vegetation)માં સાંસુરેએ (1804) સ્ટીવન હોલ્સનો સિદ્ધાંત ‘વનસ્પતિ પાણી અને અંગારવાયુનું અભિશોષણ કરી વજનમાં વધારો કરે છે’ સાબિત કર્યો.  ઉપરાંત, તેમણે જણાવ્યું કે ભૂમિમાંથી નાઇટ્રોજનના થતા અભિશોષણ પર વનસ્પતિઓ આધારિત હોય છે. તેમણે 1808ની શરૂઆતમાં શ્રેણીબદ્ધ મહત્વના લેખો પ્રકાશિત કર્યા; જે મહદંશે  વનસ્પતિકોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓનું વિશ્લેષણ દર્શાવતા હતા. તે યુરોપની લગભગ બધી એકૅડેમીના સભ્ય તરીકે રહ્યા હતા. તેમણે 1825માં અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યાં હતાં.

બળદેવભાઈ પટેલ