ડીલ્સ, ઑટો પૉલ હરમેન

January, 2014

ડીલ્સ, ઑટો પૉલ હરમેન (Diels, Otto Paul Herman) (જ. 23 જાન્યુઆરી 1876, હૅમ્બર્ગ, જર્મની; અ. 7 માર્ચ 1954, કીલ, જર્મની) : ડીલ્સ-એલ્ડર પ્રક્રિયાના શોધક અને 1950ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા, જર્મન રસાયણવિદ. તેમના પિતા હરમેન ડીલ્સ એક પ્રખર વિદ્વાન હતા. ઑટો ડીલ્સે બર્લિન યુનિવર્સિટીમાં નોબેલ પુરસ્કાર વિજેતા ઍમિલ ફિશર પાસે અભ્યાસ કરી 1899માં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યારબાદ તેઓ તે જ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીમાં સહાયક તરીકે નિમણૂક પામ્યા. 1916માં તેઓ ત્યાં પ્રાધ્યાપક અને 1913માં વિભાગના વડા બન્યા. 1916માં તેઓ કીલ (Kiel) યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તથા ઇન્સ્ટિટ્યૂટના વડા તરીકે જોડાયા. 1945માં તેઓ માનાર્હ પ્રાધ્યાપક બન્યા અને નિવૃત્તિ (1948) સુધી ત્યાં જ સેવાઓ આપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમના બે દીકરા યુદ્ધમાં માર્યા ગયા. તેમનું ઘર તથા તેમનો સંશોધનવિભાગ પણ હવાઈ હુમલામાં નાશ પામ્યાં, 1945માં તેઓ નિવૃત્ત થવા ઇચ્છતા હોવા છતાં, ઘણી મુશ્કેલી વેઠીને પણ તેમની કામગીરી 1948 સુધી કરતા રહ્યા અને યુનિવર્સિટીના નવનિર્માણનું કાર્ય હાથ ધર્યું.

1906માં ડીલ્સે કાર્બન-સબઑક્સાઇડ અથવા મેલૉનિક એનહાઇડ્રાઇડ જેવું ક્રિયાશીલ સંયોજન શોધી કાઢ્યું અને તેના બંધારણ તથા ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ફૉસ્ફોરસ પૅન્ટૉકસાઇડ વડે મેલૉનિક ઍસિડમાંથી પાણીનો અણુ દૂર કરી તેમણે આ સબ-ઑક્સાઇડ (ટ્રાઇકાર્બન ડાયૉક્સાઇડ, C3O2) મેળવ્યો હતો.

CH2(COOH)2 → O=C=C=C=O + 2H2O

1927માં ડીલ્સે દર્શાવ્યું કે કોલેસ્ટેરોલને સેલીનિયમ સાથે ગરમ કરવાથી કોલેસ્ટેરોલનું વિહાઇડ્રોજનીકરણ થાય છે. અને ઉદભવતી હાઇડ્રોકાર્બન-નીપજો પૈકીની એક 127° સે. ગલનબિંદુ ધરાવે છે. જે હવે ડીલ્સ હાઇડ્રોકાર્બન કહેવાય છે. આ પ્રવિધિ સ્ટેરોલ સંયોજનોને ઍરોમેટિક હાઇડ્રોકાર્બનોમાં ફેરવે છે. તેમનું કાર્ય સ્ટેરોલ રસાયણના ક્ષેત્રમાં માર્ગદર્શન બની રહ્યું. આને લીધે સ્ટીરોઇડ સમૂહ એકસરખું કાર્બનમાળખું (skeleton) ધરાવતું હોવાનું માલૂમ પડ્યું.

1928માં ડીલ્સે તેમના વિદ્યાર્થી અને સહાયક એલ્ડર સાથે એઝોડાયકાર્બોક્સિલિક એસ્ટર ઉપરની પ્રક્રિયા અંગેના સંશોધન દ્વારા ‘ડીલ્સ–એલ્ડર પ્રક્રિયા’ની શોધ કરી. આ પ્રક્રિયામાં સંયુગ્મી (corrugated) ડાઇન (diene) 1,4-યોગ દ્વારા અસંતૃપ્ત સંયોજનોના મોટા સમૂહ, ડાઇનોફિલ્સ (dienophiles) સાથે સંયોજાઈ સામાન્ય રીતે છ સભ્યોવાળી વલય-રચના આપે છે. ડાઇન એક કાર્બનિક સંયોજન છે જેનાં બે C=C દ્વિબંધ હોય છે તથા તે વિવિધ કાર્બનિક સંયોજનો બનાવવામાં વપરાય છે. ડીલ્સની આ પ્રક્રિયા ખાસ કરીને કૃત્રિમ રબર અને પ્લાસ્ટિકના ઉત્પાદન તેમજ પેટ્રોરસાયણ-ઉદ્યોગોમાં મહત્વની નીવડી છે.

ડાઇનસંશ્લેષણની શોધ તથા તેના વિકાસ બદલ ડીલ્સ અને એલ્ડરને 1950નો નોબેલ પુરસ્કાર ઉપરાંત અનેક યુનિવર્સિટીઓ દ્વારા  સન્માનવામાં આવ્યા હતા, જેમાં Adolf Baeyer Modeltion (1930) તથા Grosskreuz des Verdien der Bundesrepublik Deuschland (1952)નો સમાવેશ થાય છે.

જ. પો. ત્રિવેદી