ઠાકર, લાભશંકર જાદવજી

January, 2014

ઠાકર, લાભશંકર જાદવજી (જ. 14 જાન્યુઆરી 1935, સેડલા, જિ. સુરેન્દ્રનગર; અ. 6 જાન્યુઆરી 2016, અમદાવાદ) : ‘પુનર્વસુ’. સાહિત્યસર્જક. દોઢ-બેની વયે સેડલાથી પાટડીમાં સ્થળાંતર. પાટડીમાં 8 ધોરણના અભ્યાસ પછી નવમાથી છેક એમ.એ. (1959) અને ડિપ્લોમા ઑવ્ શુદ્ધ આયુર્વેદિક કોર્સ (1964) સુધીનો અભ્યાસ અમદાવાદમાં. 1962નો ‘કુમાર’ ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક. 1981માં રણજિતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો, પછી 1993માં તેનો  સ્વીકાર. ‘ટોળાં અવાજ ઘોંઘાટ’ માટે દિલ્હીની સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. સાતેક વર્ષ ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક પણ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિના તબીબ-વૈદ્ય તરીકેનો વ્યવસાય મુખ્ય. પૂર્વે ‘આકંઠ સાબરમતી’ નાટ્યલેખનની વર્કશૉપમાં સક્રિય રસ લીધેલો, ઉપરાંત, ‘રે-મઠ’ની પરંપરાવિરોધી પ્રવૃત્તિઓ સાથે ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ જેવાં સામયિકોનું પ્રકાશન પણ આદરેલું.

લાભશંકર જાદવજી ઠાકર

લેખનપ્રિય વૈદ્ય પિતા અને હલકદાર કંઠથી ગાતાં લયલીન માતા પ્રભાવતી, દેશી નાટક કંપનીઓના નટો, કથાકીર્તનકારો, મેળાઓમાં વિચરતા બહુવિધ કલાકસબીઓનો ઘડતર–ઉછેરમાં ફાળો. ઉપરાંત પ્રભાવક પરિબળો તરીકે ‘કલાપીના કેકારવ’થી આરંભી, ‘કુમાર’, ‘સંસ્કૃતિ’ જેવાં સામયિકો, નરસિંહ–મીરાં–દયારામ અને ખાસ તો પ્રેમાનંદથી આરંભી રવીન્દ્રનાથ ટાગોર–સુન્દરમ્–ઉમાશંકર,  રાજેન્દ્ર–નિરંજન અને ખાસ કરીને હરિશ્ચંદ્ર ભટ્ટ, પ્રહલાદ પારેખ, બાળાશંકર તેમજ સિતાંશુ, વાર્તા-નવલકથાકાર તરીકે પન્નાલાલ, ચૅહફ, નાટ્યકાર લેખે બૅકેટ-આયનેસ્કો અને પિન્ટર હૅન્રી, ફિલ્મકાર રૂપે ભારતના સત્યજિત રાય, જાપાનના નાગીસા ઓશિમા, પૉલિશ દિગ્દર્શક ઝાનૂસી અને જર્મન દિગ્દર્શક વાકર સ્કૉનડ્રોફનાં નામો નોંધપાત્ર.

ગાંધીપ્રભાવવાળી અને ગાંધીયુગ પછીની જાગતિક સભાનતા અને સૌંદર્યપ્રધાન કવિતાના પ્રભાવો પચાવી જઈ પોતાનો અલગ આધુનિક અવાજ અને મિજાજ ઊફરા ચાલીને પ્રદર્શિત કરતી કવિતા રચનારાઓમાં લાભશંકર(તેમજ ‘રે-મઠ’ના કવિગણ)નું પ્રદાન મુખ્ય છે. જોકે 1965માં પ્રકાશિત પ્રથમ કાવ્યસંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’માં પ્રકૃતિનિરૂપણ તથા છંદોવિધાનનું સંધાન પુરોગામી કાવ્યધારા સાથે વધુ હતું તોયે એમાંની ‘તડકો’ કૃતિ પ્રયોગદિશા સ્પષ્ટ ચીંધે છે. 1968માં ‘માણસની વાત’ જેવી દીર્ઘ કાવ્યકૃતિ આપીને કવિએ અધુનાતન સર્જક લેખે, છંદોલય  સાથે અછાંદસના સંમિશ્રણવાળી, તર્કને ઉશેટી હળવાશ પ્રસરાવતી, કલ્પનપ્રધાન શૈલીથી નિર્ભાંતિની અનુભૂતિને તીવ્ર વાચા આપી સંમાન્ય સ્થાન મેળવ્યું. 1972માં ‘મારા નામને દરવાજે’ અને 1974માં ‘બૂમ કાગળમાં કોરા’ કવિતાસંગ્રહો આપ્યા. એમાં મનોભીંસ, બંધ દ્વારો સામેનો બળવો તથા ભાષા–શબ્દની નિરર્થકતા અને વંધ્યતાનો અહેસાસ પ્રબળપણે પ્રસ્તુત થયો.

1986માં ‘પ્રવાહણ’ બીજું દીર્ઘકાવ્ય થયું, જેમાં મલોત્સર્ગની એકાન્તિક પ્રવૃત્તિને કવિતાસર્જન સાથે સાંકળી  પ્રતીકાત્મક રીતિએ ‘કમૉડ’ને પણ ‘આધુનિક ‘મિથ’નો પદાર્થ બનાવવાની અસ્તિત્વલક્ષી ચેષ્ટા છે. 1987માં ‘લઘરો’ પ્રકાશિત થતાં હાસ્ય-કટાક્ષપ્રચુર શૈલીમાં બૅકેટના ‘નિહિલિસ્ટ’, ન-કિંચિત્ દર્શન સમાન કૃતિ સ્વકીય વિદ્રોહમુદ્રા સાથે ઝળકી. ‘લઘરો’ પુરાકલ્પનનો ઇનકાર પોતે જ એક પુરાકલ્પન  બને એવી સંરચના છે. ‘કાલગ્રન્થિ’(1989)માં ‘પ્રવાહણ’ની જેમ જ આત્મસંઘર્ષ અને સ્થાન યા સમયમાં અસ્થૈર્ય અને અનિશ્ચિતતાની પ્રતીતિ અને ‘ટોળાં અવાજ ઘોંઘાટ’(1990)માં ભાષા અને ચેતનાના  ભ્રમનિરાસને કારણે વિચ્છિન્નતા અને વિદ્રોહની અભિવ્યક્તિ થાય છે. એ પછી પણ એમનું કાવ્યલેખન અવિરત ચાલુ રહ્યું છે. ‘કલ્પાયન’ (1998), ‘કિચૂડ કિચૂડ’ (1999), ‘સમય સમય’ (2000), ‘હથિયાર વગરનો ઘા’ (2000), ‘ટેવ’ (2001), ‘છે’ (2002), ‘છે પ્રતીક્ષા’ (2002), ‘આઇ ડૉન્ટ નો સર’ (2002), ‘રમત ?’ (2003), ‘મેં કમિટ કર્યું છે શું ?’ (2004), ‘આપ’ (2004), ‘કથકનો ક’ (2005), ‘કૅમેરા ઑન છે’ (2009) ઇત્યાદિ એમના કાવ્યસંગ્રહો છે.

નાટ્યકાર લેખે 1965માં સુભાષ શાહની સાથે રચાયેલું બેકેટના ‘વેઇટિંગ ફૉર ગોદો’ના સંસ્કારોવાળું ‘એક ઊંદર અને જદુનાથ’ નાટક ગુજરાતી ભાષાસાહિત્યનો ધ્યાનાર્હ પ્રયોગ છે. ‘મેઇક બિલીવ’ (1967) સંકલનમાં પ્રકાશિત એકાંકી ‘અસત્યકુમાર એકાગ્રની ધરપકડ’ અને પોતાના સ્વતંત્ર એકાંકીસંગ્રહ ‘મરી જવાની મઝા’(1973)માં ઍબ્સર્ડ ધારાની કૃતિઓ છે. નાટ્યાત્મક ક્રિયા અલ્પવત્ પણ સંવાદની ભાષાના સામર્થ્ય અને હળવાશભર્યા નિરૂપણ પર મદાર વિશેષ.

લીલાનાટ્યની વિશિષ્ટ પ્રક્રિયા અનુસાર  પ્રથમ ભજવણી અને પછી નાટ્યલેખનના પરિણામરૂપ ‘બાથટબમાં માછલી’(1982)ની એકાંકી કૃતિઓમાં ‘નાટક’, પ્રયોગ રૂપે પણ સિદ્ધ થયું લાગે છે. હિન્દીમાં પણ અનુવાદ પામેલ ‘મનસુખલાલ મજીઠિયા’ (1993) અને ‘કાહે કોયલ શોર મચાયે રે’ (1993) લેખકનાં બે લાંબાં નાટકો છે. આ પૂર્વે  ‘પીળું ગુલાબ અને હું’ (1985) દીર્ઘ નાટ્યકૃતિ લેખન અને મંચનની ર્દષ્ટિએ પ્રસિદ્ધ છે. એક અભિનેત્રીના વ્યક્તિત્વની વિભક્તતા, એની તીવ્ર આત્મસભાનતાના કારણે કરુણ પર્યંત પહોંચી જવાનો રસપ્રદ આલેખ છે.

નવલકથા ‘અકસ્માત’ (1968) પ્રણયકથા હતી. પછી એ જ વર્ષમાં ‘કોણ ?’ આવી. સંબંધોથી નિર્ભ્રાન્ત થઈ ચીલાચાલુ જિંદગી છોડી નાઠેલા યુવાનની  પ્રશ્નભાવમુદ્રા આત્મ-કુતૂહલમાં વ્યક્ત કરતી મેટાફિઝિક્લ નવલ તે હતી, પણ 1992માં લેખકે ‘કોણ ?’ નો ઉત્તરાર્ધ આપ્યો, જેમાં પૂર્વેની અધ્યાત્મશોધક સામગ્રી કૃતક હતી એમ જાહેર થવા દઈ ‘આત્મા’ જેવા અમૂર્ત તત્વને સ્થાને  યૌનકેન્દ્રિત અનુભવને કથાના આકારમાં ઢાળ્યો છે. પૂર્વ ‘કોણ?’ની કથાને એના સામગ્રી-સ્વરૂપને ભૂંસીને ઉત્તરાર્ધ ‘કોણ ?’ના  આલેખનનો અભિનવ અખતરો લેખકે કૌશલ્યથી કર્યો છે. ‘હાસ્યાસન’ અને ‘ચંપકચાલીસા’ (બંને 1993માં) લેખકને પ્રિય એવા હાસ્યરસથી પ્લાવિત નવલકૃતિઓ છે. ‘અનાપસનાપ’ (1994) એના અભિધાન પ્રમાણેની વાણી, ક્રિયા અને ગતિને વિસંગતિસભર હળવાશથી આલેખતી અ-ક્રમ નવલકથા છે. નાયિકા–વારાંગનાના નામ સાથે સંકળાયેલ ‘પીવરી’ (1994) નવલકૃતિ, બૌદ્ધકાલીન વાતાવરણની પાર્શ્વભૂમિકામાં લખાયેલી  કથાલેખકની નિષેધભંજક અને ઉન્મુક્ત યૌનાનુભવને પૂરો અવકાશ આપવા મથતી ચેતનાનું ચમકતું, ચમકાવતું ઉદાહરણ લાગશે.

‘એક મિનિટ’ (1986) થી ‘ઓળખ આંતરધનની’ (2013) સુધીના અઢાર નિબંધસંગ્રહો એમની નિબંધકાર છબિને વ્યક્ત કરે છે. ‘ક્ષણ તત્ક્ષણ’ (1989), ‘સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે’ (1993), ‘કાગળની પૂંછડી’ (1997), ‘ઝાકળનો ઝ’ (1997), ‘થોડો અમસ્તો તડકો’ (1999), ‘ઢોળી ગયા જે તડકો’ (2000), ‘વિનિમય વૃક્ષ’ (2001), ‘હમારી સલામ’ (2003), ‘અહો ઝંકારતા ધ્વનિ’ (2004), ‘નિસબત’ (2005), ‘મનજળ થંભ થયેલું’ (2005), ‘મૂંઝારો ધ ઑરેન્જ અને’ (2006), ‘અહોવાના સંદર્ભો’ (2007), ‘સોનેરી ચુંબન’ (2008), ‘શ્રવણ સંપદા’ (2010), ‘પ્રતિભાવન હો !’ (2013) એમના નિબંધલખાણોના સંગ્રહો છે. એક જાગતિક નાગરિક તરીકે સમાજજીવનને સ્પર્શતી બહુવિધ રોજિંદી સમસ્યાઓને આકરી અને આખાબોલી વાણીમાં અહીં વાચા મળી છે. તો લાલિત્યનો સ્પર્શ આ પણ લખાણોમાં છે. જીવનચરિત્રકાર લેખે ‘મારી બા’ 1989માં માતા પ્રભાવતીનું પ્રભાવક અને ‘બાપા વિષે’ 1993માં પિતા જાદવજી વૈદ્યનું કાવ્યરસિત ગદ્યમાં ચિત્ર–ચરિત્ર આલેખી શબ્દ-શ્રદ્ધાંજલિ અર્પી છે. નવલકથાની સ્વરૂપચર્ચા આધુનિક ષ્ટિથી કરતું દિનેશ કોઠારી સાથે લખેલું ‘ઇનર લાઇફ’ (1965) નાનું પણ નવીન વિવેચનર્દષ્ટિથી મંજાયેલું નોંધપાત્ર પુસ્તક છે. એવી જ રીતે 1969માં પન્નાલાલની નવલ ‘મળેલા જીવ’ વિશે મનહર મોદી–ચિનુ મોદી સાથે આસ્વાદ્ય વિવેચન આપ્યું છે.

બાળવારતાઓ સ્વરૂપે 1994માં ‘મુંબઈની કીડી’, ‘કાગડા અંકલ મમરાવાળા’, ‘નદી કાંઠે ડરાઉં ડરાઉં’, ‘તડકાનો પાપડ’, ‘કાનખાઉ રાક્ષસ’ જેવી પાંચ પુસ્તિકાઓમાંની લેખનની હાસ્ય-રમૂજ-ટીખળભરી કથાકથનની પદ્ધતિ વિશુદ્ધ બાળકથાના સ્વરૂપને સમર્થક છે. પ્રેમાનંદના નેકદિલ પ્રશંસક લેખક-કવિએ પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે ‘સુદામાચરિત્ર’, ‘નળાખ્યાન’ અને ‘કુંવરબાઈનું મામેરું’ સંપાદિત કર્યાં છે ને પ્રલંબ પ્રસ્તાવનાલેખ લખી નિજી ર્દષ્ટિનો આસ્વાદ કરાવ્યો છે.

દર્દ–દવા–દર્દીને સાંકળતાં ‘ઉપચારશતક’, ‘દિવેલ’, ‘ઓસડિયું’, ‘રોગ પરિચયમાળા’ અને અન્ય પ્રકાશનો ઉપયોગી છે. પણ 1986માં પ્રસિદ્ધ ‘સર્વમિત્ર’માં નાયકપદે વિચરતા સર્વમિત્રની હેતુલક્ષી છતાં વિશિષ્ટ લાક્ષણિકતાઓના કારણે વ્યથા પણ જાણે કથામાં કલવાઈને એક રસાયણ બની અનુભવાય છે.

ભાષાશૈલી મોટે ભાગે સંસ્કૃતપ્રચુર બાનીમઢી, પણ પ્રસંગોપાત્ત તળપદી તાકાતનો પરચો પણ આપે છે. લયલીનતા અને પ્રાસાનુપ્રાસતા, કલ્પનપ્રધાનતા અને ઉપમાનાવીન્ય લેખકની વૈયક્તિકતાના સુરેખ સિક્કાવાળી છે. સમકાલીન કવિ–લેખકો ઉપર તેમજ ખાસ તો ‘રે-મઠ’ કાળના સમાન રુચિવાન સર્જકો પર લેખકનો પ્રભાવ નિ:શંક પ્રસરેલો છે.

રાધેશ્યામ શર્મા