ઠાકર, રમેશ (જ. 27 જૂન 1931, વડોદરા) : ગુજરાતના તસવીરકાર-ચિત્રકાર અને કલાસંગ્રાહક; ટપાલ-ટિકિટસંગ્રાહક, હસ્તાક્ષરસંગ્રાહક તેમજ સંગીત-સંગ્રાહક. ગુજરાતના વઢવાણ શહેરના વતની. ફોટોગ્રાફર પિતા તથા કલાચાહક દેશપ્રેમી વડીલ બંધુ ભૂપતભાઈની પ્રેરણાથી માત્ર અગિયાર વર્ષની વયે ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લીધો. 1943માં કરાંચી રહેવા જવાનું થતાં અનેક રાષ્ટ્રીય નેતાઓને મળવાનું અને સાંભળવાનું બન્યું. એ દરમિયાન હસ્તાક્ષરસંગ્રહનો નાદ લાગ્યો અને સાદા કાગળ પર એ મેળવવાનું મુશ્કેલ લાગતાં ચિત્રકાર બંસી વર્મા ‘ચકોર’નાં રેખાચિત્રોમાંથી પ્રેરણા લઈને જ તે મહાનુભાવોનાં રેખાચિત્રો દોરીને એમના ઉપર હસ્તાક્ષરો મેળવવાની શરૂઆત તા. 26 સપ્ટેમ્બર, 1948ના રોજ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજીના રેખાચિત્રથી કરી. હિંદુસ્તાનના ભાગલા પછી રાજકોટ આવી 1950માં મૅટ્રિકનો અભ્યાસ પૂરો કર્યો.

રમેશ ઠાકર

એ પછી એ સંગ્રહને અનેક રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓના હસ્તાક્ષરો સાથે સમૃદ્ધ કરવા ઉપરાંત કલાગુરુ રવિશંકર રાવળમાંથી પ્રેરણા મેળવીને ચિત્રકળામાં પણ સારો વિકાસ કર્યો. એમાં પણ વ્યક્તિચિત્રો(પૉર્ટ્રેટ્સ)માં વિશેષ નિપુણતા હાંસલ કરી. 1948થી 2000 સુધીમાં અઢાર સો ઉપરાંત પ્રતિભાશાળી વ્યક્તિઓની હૂબહૂ તસવીરો ચીતરી તે ઉપર તેમના હસ્તાક્ષરો મેળવ્યા. જે વિદેશી મહાનુભાવોને રૂબરૂ મળી ન શકાયું તેમના હસ્તાક્ષરો જે તે દેશની એલચી-કચેરી દ્વારા મેળવ્યા. તેમાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલથી માંડીને ડૉ. રાધાકૃષ્ણન્, જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, સમ્રાટ છઠ્ઠા જ્યૉર્જ, વિન્સ્ટન ચર્ચિલ, હૅરી ટ્રૂમૅન, જૉન કૅનેડી, સર બર્ટ્રૅન્ડ રસેલ, પં. ઓમકારનાથ ઠાકુર, પન્નાલાલ ઘોષ, રમણ મહર્ષિ, શ્રી અરવિંદ, શ્રી માતાજી, સ્વામી શિવાનંદ સરસ્વતી, ડૉ. મુલ્કરાજ આનંદ, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, પાબ્લો પિકાસો, દિલીપકુમાર, પંકજ મલિક, તલત મેહમૂદ, સત્યજિત રે, આલ્ફ્રેડ હિચકૉક, ફ્રૅન્ક વૉરેલ, પ્રિન્સ દુલીપસિંહજી, કર્નલ સી. કે. નાયડુ અને સર ડૉન બ્રડમૅન જેવાં વિવિધ ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓનાં નામો સમાવિષ્ટ છે.

ચિત્રકળા અને હસ્તાક્ષર-સંગ્રહ ઉપરાંત તેમનું વિશિષ્ટ પ્રદાન તે માત્ર ગાંધીજીનાં જ વિવિધ મુદ્રાવાળાં સવાસો ચિત્રો દોરીને તેમની ઉપર રાષ્ટ્રીય કક્ષાના તેમના સમકાલીનો કે સાથીઓના ગાંધીજી વિશેના પ્રતિભાવો સાથેના હસ્તાક્ષરો મેળવવા અંગેનું છે. પુસ્તક રૂપે આ સંગ્રહ એક અમૂલ્ય વૈચારિક સંપત્તિ બની રહે એમ છે.

પં. જવાહરલાલ નેહરુ (પેન્સિલ પૉર્ટ્રેટ)

વળી, તેમનો બીજો વિશેષ તે વન્યજીવનના, હિમાલયના અને અન્ય યાત્રાધામોના તસવીરીકરણનો છે. તેમનાં તદવિષયક ચિત્રો ભારતના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનના અને પ્રિન્સ અલીખાન તથા કૅનેડી-પરિવારના સંગ્રહોમાં તેમજ ભારતનાં ઘણાં આકાશવાણી ભવનોમાં સ્થાન પામ્યાં છે. તેમનાં ‘પિલ્ગ્રિમેજ ઑવ્ આર્ટ’ અને ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ પુસ્તકોમાં તેમની આ તસવીરકળા ઉપરાંત લેખનપ્રતિભાનો પણ સુપેરે પરિચય મળે છે. આજ સુધીમાં તેમનાં છ મોટાં કૅલેન્ડરો પ્રકાશિત થયાં છે. ટપાલ-ટિકિટોનો તેમજ સિક્કાઓનો તેમનો સંગ્રહ – બે હજાર વર્ષ સુધીના જૂના સિક્કાઓ, ચલણી નોટો તેમજ ભારતની શરૂઆતથી આજ સુધીની બધી જ ટપાલ-ટિકિટોના નમૂનાઓ ધરાવે છે. વિશ્વના અગ્રગણ્ય નેતાઓનાં પ્રવચનો તેમજ કુંદનલાલ સાયગલની તમામ ગ્રામોફોન-રેકર્ડો તેમના સંગ્રહમાં છે.

તેઓ હાલ (2000) રાજકોટમાં રહે છે.

રજનીકુમાર પંડ્યા