ઠાકર, વિનાયક જે. (જ. 23 ડિસેમ્બર 1920, જોડિયા, જિ. જામનગર) : ભારતના આયુર્વેદક્ષેત્રના એક પ્રસિદ્ધ ગુજરાતી વિદ્વાન. તેઓ વેદ, વ્યાકરણ, સંસ્કૃત. સાહિત્ય અને આયુર્વેદના સમર્થ પંડિત તથા ચિંતક છે. તેમણે પ્રાપ્ત કરેલી ઉપાધિઓ આ મુજબ છે : વ્યાકરણ મધ્યમાના સાહિત્યશાસ્ત્રી. કાવ્યતીર્થ એ.એમ.એસ. ડી.લિટ.(આયુ.), એફ.એન.એ.આઇ.એમ. (ઑનર્સ) (વારાણસી), એફ.આર.એ.વી.એમ. (નવી દિલ્હી), ચરકસંહિતાના રાષ્ટ્રીય ગુરુ.

હાઈસ્કૂલના અભ્યાસ પછી તેમણે જામનગરને 1946થી પોતાનું કર્મક્ષેત્ર બનાવેલું, જે આજ પર્યંત ચાલુ છે. આયુર્વેદના શિક્ષણક્ષેત્રે 1946થી 1956 દરમિયાન જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. પછી ત્યાં જ અનુસ્નાતક  કેન્દ્રમાં 1956થી 1961 સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે અને 1961થી 1980 સુધી ગુ. આયુ. યુનિવર્સિટીના I.P.G.T.R.ના વિભાગીય વડા તરીકે રહેલ. નવી દિલ્હીથી નૅશનલ એકૅડેમી ઑવ્ આયુર્વેદના ‘ચરક સંહિતા’ના માનનીય ગુરુ તરીકે અને ગુ. આયુ. યુનિવર્સિટીના મુલાકાતી અધ્યાપક તરીકે તેમની સેવાઓ 1996માં પણ ચાલુ હતી હાલ નિવૃત્ત છે.

આયુર્વેદિક પદ્ધતિના મૂળ સિદ્ધાંતવિષયક સાહિત્યના સર્જનક્ષેત્રે તેમણે ‘અનુપાનમંજરી’ નામની કૃતિની પાઠશુદ્ધિ, ટીકા તથા તેનું હિંદીમાં ભાષાંતર કરેલ છે. તે ઉપરાંત બાવાભાઈ અચલજીકૃત ‘બૃ. રસરત્ન મણિ’ ગ્રંથનું સંપાદન કરી તેને આયુ. યુનિ.ના સામયિક ‘આયુ’માં પ્રગટ કરેલ. આયુર્વેદના અનેક વિષયો પર હિંદી, ગુજરાતી, સંસ્કૃત તથા અંગ્રેજીમાં તેમનાં 12 પુસ્તકો પ્રગટ થયાં છે. તે ઉપરાંત અંગ્રેજીમાં 22, હિન્દીમાં 26, ગુજરાતીમાં 19 અને સંસ્કૃતમાં 4 મળી કુલ 71 લેખો અને સંશોધનપત્રો તેમણે આપેલ છે.

આયુર્વેદ યુનિવર્સિટીના એમ.ડી. (આયુ.) અને પીએચ.ડી. (આયુ.)ના 75 જેટલા વિદ્યાર્થીને તેમણે સંશોધન માટે માર્ગદર્શન આપેલ છે. જામનગરમાં રહીને આયુર્વેદ શિક્ષણમાં ઉપયોગી થાય તેવી અનેક શાખાઓમાં તેમણે સંસ્કૃતમાં લેખનકાર્ય તથા વિશેષ અધ્યયનરૂપ કાર્ય કરેલ છે.

ભારતભરની અનેક વિખ્યાત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને એકૅડેમી તરફથી તેમને અનેક માનપદકો તથા ચંદ્રકો એનાયત થયાં છે.

પોતાના જીવનનાં બહુમૂલ્ય વર્ષો તેમણે આયુર્વેદ શિક્ષણક્ષેત્રને સમર્પિત કરી, જામનગરને નિજ કર્મભૂમિ બનાવી, રાષ્ટ્રની ઉમદા સેવા કરી છે.

તેમની વિદ્વત્તાને જોઈ ગુજરાત સરકારે 1966માં જામનગર ખાતે સ્થપાયેલ વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરનું પદ આપીને તેમનું બહુમાન કરેલું. આ પદે તે 1966થી 1968 તથા તે પછી 1981થી 1984નાં વર્ષોમાં એમ બે વાર નિયુક્ત થયેલા. ગુ. આયુ. યુનિ.ના ડબ્લ્યૂ.એચ.ઓ.(W.H.O.)ના સહકારથી સ્થપાયેલ કેન્દ્રના મુખ્ય સંશોધક તરીકે તેમણે 1981થી 1984 સુધી સેવા આપેલી. 1969થી 1977 સુધી ગુ. આયુ. યુનિ.ના બૉટનિકલ ગાર્ડનના નિયામકપદે, 1980માં ગુ. આયુ. યુનિ.ની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોસ્ટ-ગ્રૅજ્યુએટ ટ્રેનિંગ ઍન્ડ રિસર્ચ(I..P.G.T.&R.)ના ડીન તરીકે તથા આયુ. યુનિ.ના રિસર્ચ જર્નલ ‘આયુર્વેદાલોક અને આયુ’ના મુખ્ય તંત્રી તરીકે વારાણસી અને નવી દિલ્હીના ‘રિસર્ચ ઇન ઇન્ડિયન મેડિસિન’ જર્નલના તંત્રીમંડળના સભ્ય તરીકે, ગુલાબકુંવરબા સોસાયટી (જામનગર) દ્વારા નિર્મિત ‘ચરક સંહિતા’ના સંપાદકમંડળના સભ્ય તરીકે તેમજ ભારતની 30 જેટલી પ્રાદેશિક અને કેન્દ્રીય સ્તરની સમિતિઓના તથા કમિટીઓના માનાર્હ સભ્ય તરીકે સેવાઓ આપતા રહ્યા છે.

બળદેવપ્રસાદ પનારા

ગોવિંદપ્રસાદ વૈદ્ય