ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું.

ઝાકિરહુસેન

ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની એમ.એ.ઓ. કૉલેજમાં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. કૉંગ્રેસ અને ખિલાફત સમિતિના સંયુક્ત અસહકાર આંદોલનથી તેઓ આકર્ષાયા. ગાંધીજીએ સરકાર સંચાલિત શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવા હાકલ કરી ત્યારે તેમણે પણ હકીમ અજમલખાન તથા અન્ય રાષ્ટ્રીય મુસ્લિમ નેતાઓને રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવા સમજાવ્યા. પરિણામે 29 ઑક્ટોબર, 1920ના રોજ જામિયા મિલિયા ઇસ્લામિયા સંસ્થા અસ્તિત્વમાં આવી. 1923માં વધુ અભ્યાસ માટે બર્લિન ગયા અને અર્થશાસ્ત્રના વિષય સાથે પીએચ.ડી. થઈ 1926માં સ્વદેશ આવ્યા.

જામિયા મિલિયા ઇસ્લામિયા સંસ્થાનું 1925માં અલીગઢથી દિલ્હી સ્થળાંતર થયું હતું. ભારત પાછા આવ્યા બાદ તેઓ તે સંસ્થામાં 1926ના મધ્યભાગમાં શૈખુ જામિયા એટલે કે વાઇસ-ચાન્સેલર થયા. 1926–48 સુધી નવી સંસ્થા તરીકે તેનું ઘડતર કર્યું. તેમણે શિક્ષણના તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હોવાથી વિદ્યાર્થીઓને આ વિદ્યાપીઠના વાતાવરણમાંથી નીતિ અને ધૈર્યના ગુણોની તાલીમ મળતી. તેમણે સ્વયંશિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો. 1938માં દેશમાં પાયાની રાષ્ટ્રીય કેળવણી યોજના દાખલ કરવામાં આવી તેના વડા તરીકે તેમણે તે કાર્યાન્વિત કરવા માટે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું. 1938–48 દરમિયાન હિંદુસ્તાની તાલીમી સંઘ, સેવાગ્રામના પ્રમુખ હતા. 1948–49માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના પ્રમુખપણા નીચે સ્થપાયેલ યુનિવર્સિટી કમિશનના સભ્ય હતા.

1948થી 1956 સુધી અલીગઢની મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર રહ્યા. ‘વર્લ્ડ યુનિવર્સિટી સર્વિસ’ સંસ્થાના ઉપક્રમે ઇન્ડિયન નૅશનલ કમિટીના ચૅરમૅન અને 1954માં ‘વર્લ્ડ યુનિવર્સિટી સર્વિસ’ સંસ્થાના પ્રેસિડેન્ટ થયા. 1956માં રાજ્યસભામાં સભ્ય તરીકે નિયુક્તિ થઈ. યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતના પ્રતિનિધિ બન્યા. 1957 સુધી માધ્યમિક શિક્ષણના મધ્યસ્થ બોર્ડના ચૅરમૅનપદે અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સભ્યપદે રહ્યા. 1948–49માં બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ માટેની શૈક્ષણિક પુનર્રચના સમિતિના સભ્ય બન્યા.

1957માં બિહારના ગવર્નર તરીકે નિમાયા. 1962માં ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે અને 1967માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને અવસાન પર્યંત આ સર્વોચ્ચ પદ પર રહ્યા.

તેઓ 1954માં ‘પદ્મવિભૂષણ’ અને 1963માં ‘ભારતરત્ન’ના ખિતાબથી સન્માનિત કરાયા. દિલ્હી, કૉલકાતા, અલીગઢ અને  અલ્લાહાબાદ યુનિવર્સિટીઓએ અને કૅરોની અઝહર યુનિવર્સિટીએ પીએચ.ડી.ની માનાર્હ ઉપાધિ વડે તેમનું સન્માન કર્યું હતું. તેમણે ગ્રીક તત્વચિંતક પ્લેટોનું ‘રિપબ્લિક’ અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કેનનના ‘એલિમેન્ટરી પોલિટિકલ ઇકૉનૉમી’ નામનાં પુસ્તકોનું ઉર્દૂમાં ભાષાંતર કર્યું હતું. જર્મનીમાં હતા ત્યારે ‘દીવાન-એ-ગાલિબ’ પુસ્તક તૈયાર કરવામાં સહાય કરી હતી. ગાંધીજી ઉપર જર્મન ભાષામાં પણ પુસ્તક લખ્યું. હિંદુસ્તાની એકૅડેમીના આશ્રયે અર્થશાસ્ત્ર અંગે તથા દિલ્હી યુનિવર્સિટીના આશ્રયે 1945માં ‘કૅપિટાલિઝમ’ વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાનો આપ્યાં. ફ્રેડરિક લિન્ટનના ‘નૅશનલ ઇકૉનૉમી’ પુસ્તકનું ભાષાંતર કર્યું. તેમણે પદવીદાન સમારંભ પ્રસંગે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ ‘ડાઇનૅમિક યુનિવર્સિટી’ નામે પ્રસિદ્ધ થયો છે. બાળકો માટે પણ તેમણે સુંદર વાર્તાઓ લખી છે.

તેઓ આધ્યાત્મિક વૃત્તિવાળા અને કલાપ્રેમી હતા. મુસ્લિમ સૂફીઓ અને કવિઓની તેમના જીવન ઉપર ગાઢ અસર હતી. તે ઊંડી ધાર્મિક વૃત્તિવાળા હતા પણ ધર્મના બાહ્યાચારને મહત્વ આપતા નહિ. વિવિધ ધર્મોના અનુયાયીઓનો પોતાની ધર્મનિરપેક્ષવૃત્તિથી પ્રેમ સંપાદન કર્યો હતો.

શિવપ્રસાદ રાજગોર