ઝાકિરહુસેન (જ. 9 માર્ચ 1951, મુંબઈ) : વિખ્યાત તબલાવાદક તથા ભારતીય અને પાશ્ચાત્ય સંગીતના સ્વરકાર. સંગીત પરિવારમાં જન્મ. પાંચ વર્ષની વયેથી પિતા અલ્લારખાં પાસેથી તબલાવાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. તબલાવાદનના ક્ષેત્રમાં પિતાએ ખૂબ ખ્યાતિ મેળવી છે અને ‘ભારતરત્ન’ રવિશંકર અને અલીઅકબરખાં જેવા વિશ્વવિખ્યાત વાદકો સાથે તેમણે ભારતમાં અને વિદેશોમાં તબલાની સંગત કરી છે. ઝાકિરહુસેનને  પણ ભારતના ખ્યાતનામ સંગીતકારો પાસેથી પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં છે. મુંબઈની શાળામાં ઔપચારિક શિક્ષણ લીધા બાદ ઝાકિરહુસેને વૉશિંગ્ટન યુનિવર્સિટીમાંથી શાસ્ત્રીય સંગીતની પદવી પ્રાપ્ત કરી. આમ નાનપણથી જ ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના શાસ્ત્રીય સંગીતની ખૂબીઓ તેમણે આત્મસાત્ કરી હતી અને તેને પરિણામે આ બંને સંગીતની શૈલીઓમાં તેઓ કુશળ સ્વરકાર (composer) બન્યા છે; એટલું જ નહિ, પરંતુ તેમની ઘણી રચનાઓમાં આ બંનેનો અપ્રતિમ સમન્વય થયેલો દેખાય છે. પિતાની જેમ તેમણે પણ ભારતના પ્રથમ પંક્તિના સંગીતકારો સાથે તબલાસંગત કરી છે. ઉપરાંત, જૉન મેકૉગ્લિન, જૉન હાર્ડી અને જૉર્જ હૅરિસન જેવા ખ્યાતિપ્રાપ્ત પાશ્ચાત્ય સંગીતકારો સાથે પણ તબલાસંગત કરી છે. રૉક, જાઝ અને ફ્યૂઝન જેવા પાશ્ચાત્ય સંગીત પ્રકારોના પણ તેઓ જાણકાર છે. ભારતમાં અને વિશ્વના અન્ય દેશોનાં નગરોમાં તેમણે પોતાના અનેક એકલ કાર્યક્રમો રજૂ કર્યા છે અને તેમાં અપાર લોકચાહના મેળવી છે. સંગીતના જાહેર કાર્યક્રમો ઉપરાંત તેમણે અમેરિકાની વૉશિંગ્ટન ઉપરાંત કૅલિફૉર્નિયા, લૉસ એન્જેલિસ અને લાગ બીચ યુનિવર્સિટીઓમાં સંગીતનું અધ્યાપન કર્યું છે. ન્યૂ ઓરલીન્સ સિમ્ફનિ, બોસ્ટન સિમ્ફનિ, લંડન સ્ટ્રિંગ ક્વાર્ટેટ, જેરી ગાર્સિયા અને ગ્રેટફુલ ડેડ જેવી પાશ્ચાત્ય સંગીતમંડળીઓના જલસાઓમાં તેમણે પોતાની કળાનો પરિચય આપ્યો છે. અત્યારસુધી ઝાકિરહુસેનના ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારનાં સંગીતનાં 170 ઉપરાંત આલબમ બહાર પડ્યાં છે. તેમણે ભારતીય અને પાશ્ચાત્ય ચલચિત્રોમાં સંગીતનિર્દેશન કર્યું છે; જેમાં હિંદી ચલચિત્ર ‘સાઝ’ ઉપરાંત ‘એપોકૅલિપ્સ નાઉ’, ‘હીટ ઍન્ડ ડસ્ટ’ અને ‘વિયેટનામ : એ ટેલિવિઝન હિસ્ટરી’ જેવાં અંગ્રેજી ભાષામાં ઉતારેલાં ચલચિત્રોનો પણ સમાવેશ થાય છે. ‘સાઝ’ અને ‘હીટ ઍન્ડ ડસ્ટ’માં તેમણે અભિનય પણ કર્યો છે.

ઝાકિરહુસેન

અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના એક નગરમાં આવેલ અલીઅકબર કૉલેજ ઑવ્ મ્યુઝિક સાથે અધ્યાપક તરીકે તેઓ સંકળાયેલા છે.

1988માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો. અમદાવાદમાં દર વર્ષે ‘સપ્તક’ દ્વારા યોજાતા શાસ્ત્રીય સંગીતના સમારોહમાં તેઓ પોતાની તબલાવાદનની કલા પ્રસ્તુત કરતા હોય છે.

પિતા અલ્લારખાં ઉપરાંત તેમના બે નાના ભાઈઓ ફઝલ કુરેશી અને તૌફિક કુરેશી પણ તબલાવાદનના અગ્રણી કલાકારો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે