જાપાન

જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા નાના નાના ટાપુઓને સમાવતા આ દેશનું ક્ષેત્રફળ આશરે 3,77,915 ચોકિમી. છે. 4 પૈકી સૌથી મોટો ટાપુ હોન્શુ છે. અને તેથી તેને ‘જાપાનનો તળપ્રદેશ’ (mainland) કહેવામાં આવે છે. હોન્શુ ટાપુની ઉત્તરે હોકાઇડો તેમજ દક્ષિણે ક્યુશુ અને શિકોકુ ટાપુઓ આવેલા છે. જાપાનનો સમુદ્રતટ આશરે 26,600 કિમી. લાંબો છે, જેમાં સેંકડો ઉપસાગરો અને નદીનાળ (estuaries) છે. કુદરતે બક્ષેલા અત્યંત લાંબા અને ખાંચાખૂંચીવાળા સમુદ્રતટને લીધે જાપાનને આદર્શ બંદરોની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. વળી તેનું ટાપુમય સ્થાન આંતરરાષ્ટ્રીય વ્યાપારવાણિજ્યની દૃષ્ટિએ ખૂબ અનુકૂળ છે. આમ, તેને આંતરરાષ્ટ્રીય ધોરી માર્ગો સ્વરૂપે સસ્તા જળમાર્ગોની ભેટ સહજ અને અનાયાસે મળેલી છે.

લોકવાયકા એવી છે કે ઈ. પૂ. 660માં સમ્રાટ જિમ્મુએ જાપાનના સામ્રાજ્યની સ્થાપના કરી. 1868માં સમ્રાટ મેઇજીના શાસન દરમિયાન જાપાન એકહથ્થુ સત્તા નીચે આવ્યું. આ પહેલાં શાસન અંગે કોઈ કેન્દ્રીય સત્તા નહોતી. 1854માં જાપાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વ્યાપારી કરારો કર્યા. આ પહેલાં તે વિદેશો સાથે થોડાક જ વ્યાપારી સંબંધો ધરાવતું હતું. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હાર્યું અને તેણે તેના કબજામાં આવેલા પ્રદેશો ગુમાવ્યા, પણ ત્યારપછીના ટૂંકા સમયગાળામાં તેણે નોંધપાત્ર આર્થિક વિકાસ સાધ્યો. તેની કુદરતી સાધનસંપત્તિ મર્યાદિત હોવા છતાં યુદ્ધ પછીનાં વર્ષોમાં તેણે મેળવેલી આત્મનિર્ભરતાનો યશ ત્યાંના અડગ, કૃતનિશ્ચયી અને ભારે કામગરા લોકોને ફાળે જાય છે. તેણે ઔદ્યોગિક અને તકનીકી ક્ષેત્રે હરણફાળ ભરીને વીસમી સદીના છઠ્ઠા દાયકા બાદ દુનિયાનાં સૌથી મોટાં ગણાતાં ઔદ્યોગિક રાષ્ટ્રો યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા પછી વિશ્વમાં ત્રીજું સ્થાન મેળવ્યું. કૅમેરાથી માંડીને મોટરકાર, ટેલિવિઝન સેટ અને સુપર ટૅન્કર જેવી તેની ઔદ્યોગિક પેદાશો વિશ્વબજારમાં સારી ગુણવત્તા માટે આવકારપાત્ર બની. આમ, આજે આ ઉદ્યોગપ્રધાન રાષ્ટ્ર અન્ય એશિયાઈ ખેતીપ્રધાન રાષ્ટ્રોથી જુદું તરી આવે છે.

પ્રાકૃતિક રચના : ભૂસ્તરવેત્તાઓના મતે જાપાનના ટાપુઓ હકીકતે તૃતીય જીવયુગ દરમિયાન પૅસિફિક મહાસાગરના તળવિસ્તાર પરથી ઊંચકાઈ આવેલી વિરાટ કદની પર્વતશ્રેણીના ટોચ વિસ્તારો છે. જાપાનના ટાપુઓ અને તેના પરની પર્વતશ્રેણીઓ સાથે અનુસંધાન સાધતી અનેક દ્વીપશૃંખલાઓ અને પર્વતશ્રેણીઓ સમુદ્રનાં પાણી નીચે ગરકાવ થઈને આગળ જતાં ફરીથી પાણીની સપાટી બહાર દેખાઈ આવે છે. આ પૈકીની હોકાઇડોથી શરૂ થતી ક્યુરાઇલ દ્વીપશૃંખલા ઈશાન સાઇબીરિયાના દ્વીપકલ્પ તરફ લંબાયેલી છે. એવી જ રીતે ટોકિયો ઉપસાગરથી બોનિન દ્વીપશૃંખલા દક્ષિણ તરફ ચાલી જાય છે. વળી ક્યુશુ ટાપુથી નૈર્ઋત્યે ‘ક્યુશુ દ્વીપશૃંખલા’ લગભગ તાઇવાન સુધી લંબાયેલી છે. આ ઉપરાંત જાપાનની ઉત્તર તરફના સખાલીન પર્વતો સોયા સામુદ્રધુનીમાં ડૂબી ગયા પછી ફરીથી હોકાઇડો ટાપુમાં ઊંચકાયેલા જોઈ શકાય છે. આગળ જતાં તે હોન્શુ ટાપુમાં ટોકિયોની પશ્ચિમે અને ક્યુશુ ટાપુ સુધી લંબાય છે. આ પ્રમાણે કોરિયાઈ પર્વતો ડૂબેલી ચાપ રૂપે દક્ષિણ પશ્ચિમ હોન્શુ પરના પર્વતો સાથે અનુસંધાન સાધે છે. જાપાનસહિતની આ બધી દ્વીપશૃંખલાઓમાં જ્વાળામુખી પ્રક્રિયાથી રચાયેલાં ભૂમિસ્વરૂપો સામાન્ય છે.

જાપાનનો નકશો

જાપાનના પશ્ચિમ અને પૂર્વ કિનારાને અડીને આવેલાં સમુદ્રતળનાં ઊંડાણોની બાબતમાં મોટો વિરોધાભાસ જોવા મળે છે. તેના પશ્ચિમ કિનારે આવેલા જાપાનના સમુદ્રની સરેરાશ ઊંડાઈ 1350 મી. જેટલી છે. અહીંનું સૌથી ઊંડું સ્થળ 4036 મી.ની ઊંડાઈ ધરાવે છે, જ્યારે તેના પૂર્વ કિનારાનું સમુદ્રતળ અગાધ ઊંડાણને વ્યક્ત કરે છે. પૂર્વ તરફના સમુદ્રતળની સીધી ધાર પાસે ‘ટસ્કારોરા ગહન સમુદ્રખીણ’ આવેલી છે, જે 10,374 મી. ઊંડી છે. વિશ્વની ગહન સમુદ્રખીણોમાં તેની ગણના થાય છે. તે અસ્થિર ભૂસ્તરીય સ્થાન હોવાથી જાપાનમાં વારંવાર ધરતીકંપ અનુભવાય છે. ખાસ કરીને ટોકિયો ઉપસાગરની આસપાસ ધરતીકંપના આંચકા વધુ આવે છે.

જાપાનનો આશરે 85% ભૂમિવિસ્તાર પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે, જ્યારે બાકીના ભૂમિવિસ્તારમાં કિનારાનાં નીચાં અને સાંકડાં મેદાનો પથરાયેલાં છે. આવાં મેદાનો ઘણુંખરું ઓછા વિસ્તારવાળાં અને છૂટાંછવાયાં છે. તેમાં કાન્ટોનું મેદાન, જ્યાં ટોકિયો આવેલું છે, તે વિશાળ છે અને આશરે 13,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ સિવાય ઇશિકારી-યુકુત્સાનું મેદાન (આશરે 2000 ચોકિમી.) પણ અગત્યનું છે.

જાપાનના બધા ટાપુઓમાં પર્વતશ્રેણીઓ અને જ્વાળામુખી પર્વતો જોવા મળે છે. હોન્શુ ટાપુમાં આવેલી જાપાની આલ્પ્સ નામની પર્વતશ્રેણી 3000 મી.થી વધુ ઊંચાં શિખરો ધરાવે છે. તેનું સર્વોચ્ચ શિખર પ્રખ્યાત જ્વાળામુખી ફ્યુજી છે. આ જ્વાળામુખી 3776 મી. ઊંચો છે (પણ સક્રિય નથી). જાપાનના બધા થઈને લગભગ 200 જ્વાળામુખીમાંથી આશરે 60 જેટલા જ્વાળામુખી સક્રિય છે. ક્યુશુ ટાપુમાં આવેલો આસો (1592 મી.) નામનો સક્રિય જ્વાળામુખી વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાપાનમાં આવેલાં જ્વાળામુખીક્ષેત્રોમાં ઠેરઠેર ગરમ પાણીના ઝરા જોવા મળે છે. 7-1-2024ના રોજ જાપાનમાં 7.6 રિક્ટર સ્કેલ તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. પરિણામે જાનમાલનું નુકશાન થવા ઉપરાંત પ્રકૃતિ પણ ભૂકંપથી પ્રભાવિત થઈ હતી. આ ભૂકંપને કારણે જાપાનનો સમુદ્રકિનારો આશરે 300 મી. પાછો ધકેલાઈ ગયો છે. નોટો દ્વીપકલ્પમાં કાયસોની આકાસાકીના વિસ્તારમાં તટીય ભૂમિ ઉંચકાય છે. જેને સિસ્મિક કોસ્ટલ અપલિફ્ટ કહેવાય છે.

જાપાન ચાર ટાપુઓમાં વહેંચાયેલો દેશ છે. સમુદ્ર ઓળંગ્યા વિના એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે સમુદ્ર પર વિરાટ પુલો બાંધીને ટાપુઓને જોડવામાં આવ્યા છે. આમાં તેનો કાઈક્યો બ્રિજ ગગનચુંબી બ્રિજ તરીકે દુનિયાભરમાં જાણીતો છે. તે એટલો લાંબો છે કે તેના એક છેડે ઊભા રહીએ તો સામેનો બીજો છેડો દૂરબીન વડે પણ ન દેખાય ! જાપાન ધરતીકંપનો દેશ છે છતાં ભારેમાં ભારે ધરતીકંપમાં આ પુલે ટકી રહીને મજબૂતાઈનો વિશ્વવિક્રમ નોંધાવ્યો છે તેમ કહેવાય. લગભગ અંદાજે 2000 મીટર દૂર ઊભા કરાયેલા બે ટાવરોને પોલાદના દોરડા વડે જોડી તેના પર પુલનું માળખું ટેકવવામાં આવ્યું છે. આ બે ટાવરો પોલાદના ગંજાવર વાડકા જેવા પાયા પર ઊભા કરાયા છે. પ્રત્યેક ટાવર 330 મીટરની ઊંચાઈ ધરાવે છે. જાપાનના હોન્શુ અને અવાજી ટાપુને જોડતો 38 મીટર પહોળો રસ્તો આ પુલ પર બનાવવામાં આવ્યો છે. સ્ટીલનાં દોરડાંના સેંકડો વાયરો ગૂંથીને આ પુલ બનાવવામાં આવ્યો છે.

જળપરિવાહ : જાપાનની એકંદરે ટૂંકી નદીઓ સીધા ઢોળાવવાળી ડુંગરાળ ખીણોમાં વહીને સમુદ્રને મળે છે. હોકાઇડો ટાપુ પરની જાપાનની સૌથી લાંબી નદી ઇશિકારા 443 કિમી.ની લંબાઈ ધરાવે છે. જાપાનની નદીઓ જાપાનને જળવિદ્યુતના તથા ખેતીમાં સિંચાઈના ખૂબ સારા લાભ આપે છે. આમ છતાં જળમાર્ગ તરીકે તે બહુ ઉપયોગી નથી. આ સિવાય જાપાનમાં અનેક નાનાં નાનાં સરોવરો છે. તે પૈકીનાં કેટલાંક સરોવરો મૃત જ્વાળાકુંડ પર રચાયેલાં છે.

આબોહવા અને કુદરતી વનસ્પતિ : ભૌગોલિક અને અક્ષાંશીય સ્થાન, સમુદ્રથી અંતર, સમુદ્રસપાટીથી ઊંચાઈ, સમુદ્રપ્રવાહો વગેરે પરિબળો જાપાનની આબોહવા પર અસર કરે છે. તે એશિયાના ભૂમિસમુચ્ચયના પૂર્વ કિનારાને લગભગ અડીને આવેલો હોવાથી ત્યાં મોસમી આબોહવા અનુભવાય છે. આમ છતાં તે ચારે બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો છે, પરિણામે સમુદ્રના પ્રભાવથી આ પ્રકારની આબોહવા નરમ બને છે. જાપાન ઉત્તરદક્ષિણ લાંબો અને પૂર્વપશ્ચિમ સાંકડો આકાર ધરાવે છે તેથી દક્ષિણથી ઉત્તર તરફ જતાં આબોહવામાં તફાવત જણાઈ આવે છે. આમ અહીંની આબોહવા એકંદરે ઠંડીથી લઈને સમશીતોષ્ણ પ્રકારની છે. દક્ષિણના ભાગોમાં ગરમ ઉનાળો લાંબો ચાલે છે અને શિયાળો હૂંફાળો હોય છે. ટોકિયોનું ઑગસ્ટ માસનું સરેરાશ તાપમાન 26° સે. અને જાન્યુઆરી માસનું 30°સે. જેટલું રહે છે. તેની તુલનામાં ઉત્તરના ભાગોમાં આવેલાં સ્થળોમાં વધુ ઠંડક અનુભવાય છે.

જાપાનમાં ઉનાળામાં મધ્ય એપ્રિલથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી ગરમ અને વરસાદી હવામાન અનુભવાય છે. ઉનાળાના અંત ભાગમાં અહીં ફૂંકાતો ટાઇફૂન ચક્રવાત પણ સારો વરસાદ આપે છે. આ ચક્રવાત કેટલીક વાર ભારે નુકસાન પણ પહોંચાડે છે. દેશના મોટા ભાગના પ્રદેશોમાં 1000 મિમી. જેટલો વરસાદ પડે છે, પણ દક્ષિણમાં તેનું પ્રમાણ 3000 મિમી.થી વધુ હોય છે. જાપાનમાં શિયાળાના ખંડીય પવનોથી અગ્નિ તરફ ઠંડું અને સૂકું હવામાન રહે છે, પણ વાયવ્ય કિનારાના પર્વતીય પ્રદેશોમાં સપ્ટેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધી ભારે વરસાદ સાથે હિમવર્ષા થાય છે. નવેમ્બરથી એપ્રિલ દરમિયાન સમગ્ર હોકાઇડોમાં તથા હોન્શુના આંતરિક ભાગોમાં હિમના થરો છવાઈ જાય છે. વસંત ઋતુમાં હિમના થરો ઝડપથી પીગળી જતાં અહીંના પ્રદેશોની નદીઓમાં ભારે પૂર આવવાની સંભાવના રહે છે. આ ઋતુમાં પૂર્વ ભાગોમાં તથા મધ્યસ્થ પર્વતીય પ્રદેશોમાં શુષ્ક અને સુસવાટા મારતા પવનોવાળું હવામાન રહે છે.

જાપાનમાં સમુદ્રપ્રવાહોનો પણ આબોહવા પર પ્રભાવ જોવા મળે છે. ઉત્તર તરફ જતો ક્યુરોશિવોનો ગરમ પ્રવાહ ક્યુશુ ટાપુ આસપાસ વહેંચાઈને જાપાનના વાયવ્ય કાંઠાને સ્પર્શતો હોકાઇડો સુધી તેમજ અગ્નિકાંઠા પર થઈને ટોકિયો ઉપસાગર સુધી જાય છે, જે કિનારાના ભાગોને હૂંફાળા રાખે છે. એવી જ રીતે ઉત્તર તરફથી આવતો ઓયાશિવોનો ઠંડો પ્રવાહ જાપાનના ઈશાન કાંઠાને શીતળ રાખે છે. આ બંને પ્રવાહો જ્યાં મળે છે ત્યાં ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે.

જાપાનનું વનસ્પતિજીવન તેની આબોહવા અનુસાર પાંગરેલું છે. જાપાનમાં આશરે 2/3 ભાગમાં જંગલો છવાયેલાં છે. દ. ક્યુશુ, દ. શિકોકુ તેમજ દ. હોન્શુના કાઈ દ્વીપકલ્પમાં ઉષ્ણકટિબંધીય જંગલો તેમજ હોકાઇડોના મધ્ય ભાગમાં ઉપધ્રુવીય શંકુદ્રુમ જંગલો જોવા મળે છે. અહીંની જંગલપેદાશોમાં મુખ્યત્વે ઇમારતી લાકડું, લાકડાના કોલસા, કાગળ અને કાગળના માવાનો સમાવેશ થાય છે.

ખેતી, પશુપાલન અને મત્સ્યસંપત્તિ : જાપાન ઔદ્યોગિક રાષ્ટ્ર છે, આમ છતાં ખેતીનો વ્યવસાય આજે પણ એટલો જ મહત્વનો છે. કિનારાના કાંપનાં ફળદ્રુપ મેદાનો ખેતી માટે આદર્શ છે, પણ હવે જમીનનો શહેરી અને ઔદ્યોગિક વપરાશ વધતાં ખેતભૂમિ પર કાપ મુકાતો જાય છે. વળી, મેદાનોને અડીને આવેલા ઊંચા ભૂમિપ્રદેશોમાં પગથિયાકાર ખેતરો બનાવીને પણ ખેતી કરવામાં આવે છે. જાપાનનો માત્ર 15% ભૂમિવિસ્તાર ખેતી હેઠળ છે, આમ છતાં અહીંની ખેતી ઘણી કાર્યક્ષમ હોવાથી વિશ્વમાં હેક્ટરદીઠ મહત્તમ ઉત્પાદન મેળવાય છે. ખેતીમાં નવી સુધારેલી પદ્ધતિઓ અને યંત્રોના વિશેષ ઉપયોગને લીધે હવે ક્રાંતિ આવી છે. ઓછી જમીનમાંથી ધરખમ ઉત્પાદન મેળવાય છે. 1950થી જમીન પર કૃષિ-કામ કરતા લોકોનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જઈને આજે આશરે 12% જેટલું થયું છે. કુલ ખેતભૂમિના લગભગ અર્ધા ભાગમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. વળી કાન્ટોનાં મેદાનોમાં વર્ષમાં બે પાક લેવાય છે. જાપાનના લોકોનો મુખ્ય ખોરાક ચોખા છે અને તેની બાબતમાં તે આત્મનિર્ભર છે. બટાટાની ખેતી પણ અહીં સારા પ્રમાણમાં થાય છે. અન્ય અગત્યની પેદાશોમાં દૂધ, ઈંડાં, માંસ, ફળો, ચા, તમાકુ, હૅમ્પ અને શેતૂર(રેશમના કીડાના ઉછેર માટે)નો સમાવેશ થાય છે. થોડા પ્રમાણમાં ઘઉં અને જવ પણ ઉગાડવામાં આવે છે. આમ છતાં જાપાન અનાજ (ચોખા સિવાય) તેમજ ઢોર માટેના ખાદ્ય પદાર્થોની ઠીક ઠીક પ્રમાણમાં આયાત કરે છે.

જાપાનમાં આશરે 40 લાખ જેટલાં ઢોર અને 80 લાખ ડુક્કરોનો ઉછેર થાય છે. એકંદરે જોતાં જાપાન તેની આશરે 85% ખાદ્યસામગ્રી દેશમાંથી જ મેળવે છે. માછલી પ્રોટીન આપતો અગત્યનો આહાર છે. મત્સ્ય-ઉદ્યોગના વિકાસમાં જાપાન અગ્રગણ્ય રાષ્ટ્ર રહ્યું છે. અહીંથી મુખ્યત્વે ઍલાસ્કા પૉલૅક, ચબ, મૅકેરલ આદિ માછલી તથા કઠિન બલ્ક, છીપ આદિ સમુદ્રી જીવો મળે છે. વહેલ પકડવાની બાબતમાં જાપાન દુનિયામાં આગળ પડતું સ્થાન ધરાવે છે.

જાપાનનું સત્તાવાર ચલણ યેન છે. દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP)નું મૂલ્ય 3671 અબજ અમેરિકન ડૉલર તથા માથાદીઠ કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP per capita) 29,251 અમેરિકન ડૉલર (2004) જેટલી આંકવામાં આવી છે. આથી વિશેષ માથાદીઠ ઉત્પન્ન કેવળ સ્વિટ્ઝર્લૅન્ડનું તથા એકત્ર ઉત્પન્ન યુ.એસ.નું છે.

ઊર્જાસ્રોતો, ખનિજસંપત્તિ અને ઉદ્યોગો : માત્ર અગાધ જળરાશિ સિવાય જાપાન પાસે કુદરતી સાધનસંપત્તિનું પ્રમાણ મર્યાદિત છે. અસમતળ પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે. કાયમી પાણીપુરવઠો ધરાવતી નદીઓ પર તેણે બંધો બાંધવાનું આયોજન કરીને સિંચાઈ અને જળવિદ્યુતના ઘણાબધા લાભ મેળવ્યા છે. વિદ્યુતશક્તિની કુલ જરૂરિયાતનો લગભગ અર્ધો ભાગ જળવિદ્યુત રૂપે મેળવે છે. આ ઉપરાંત વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અહીં એક અણુવિદ્યુતમથક તેમજ માત્સુકાવા તથા ઓતાકેમાં ભૂગર્ભ ઉષ્માશક્તિનાં વિનિયોગમથકો સ્થાપવામાં આવ્યાં છે. જાપાનમાં એકંદરે 55 અણુવિદ્યુતમથકો આવેલાં છે. જાપાનના ઈશાનકોણમાં સમુદ્રકાંઠે આવેલા ફુંકુશિમા અણુમથક પર ત્સુનાસીની અસર થયેલી અને તેથી પારાવાર 2011-12ના ગાળા દરમિયાન નુકસાન થયું હતું. જાપાન હલકી જાતના કોલસાના ભંડાર ધરાવે છે. અહીં ઉત્ખનન કરવામાં આવતો કોલસાનો ¼ ભાગ ઉદ્યોગોમાં વપરાય છે. દેશમાં જોઈતા કોકિંગ કોલસા અને બળતણ તેલોની મોટા પાયા પર આયાત કરે છે. દેશની જરૂરિયાતોને પહોંચી વળાય તેટલા પ્રમાણમાં અહીં જસત, સીસું અને ગંધકનાં ખનિજો મળી રહે છે. વળી, અહીંથી થોડાક પ્રમાણમાં તાંબું અને ઍલ્યુમિનિયમ ઉપરાંત સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુઓ પણ મળી આવે છે.

જાપાનમાં ઉદ્યોગો માટેનો મોટા ભાગનો કાચો માલ આયાત કરાય છે. તેમાં મુખ્યત્વે શુદ્ધ કર્યા વિનાનું રૂ અને ઊન, ફૉસ્ફેટ-રૉક, ક્રૂડ રબર, નિકલ, બૉક્સાઇટ, મૅગ્નેસાઇટ, કલાઈ, લોખંડની કાચી ધાતુઓ અને ભંગાર, અશુદ્ધ ખનિજતેલ, મીઠું વગેરે મુખ્ય છે. વિવિધ પ્રકારનું પોલાદ બનાવવા માટે જોઈતી મિશ્ર ધાતુઓની બહારથી આયાત કરવી પડે છે. દેશની કાર્યશીલ વસ્તીના આશરે 25% લોકો વસ્તુઉત્પાદન – ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તેઓ દેશના કુલ ઉત્પાદનમાં 37% જેટલો ફાળો આપે છે. અહીંના ભારે ઉદ્યોગોમાં લોખંડ અને મિશ્રધાતુઓ, અશુદ્ધ લોખંડ, સિમેન્ટ, સંશ્લિષ્ટ રબર, ન્યૂઝપ્રિન્ટ કાગળ, કાપડ (સુતરાઉ, ગરમ, રેશમી અને માનવસર્જિત રેસામાંથી), રસાયણો, મોટરવાહનો, જહાજબાંધકામ વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકીના ઘણાખરા ઉદ્યોગો ઉત્પાદનની દૃષ્ટિએ વિશ્વમાં દ્વિતીય કે તૃતીય સ્થાન ધરાવે છે. આ સિવાય ખાતરો, યંત્રો, ઇલેક્ટ્રૉનિક અને ર્દશ્ય ઉપકરણો, ચિનાઈ માટી, ખાદ્ય ચીજો અને તમાકુની પેદાશોને લગતા ઉદ્યોગો આગળ પડતા છે. જાપાને મત્સ્ય-ઉદ્યોગનો મોટા પાયા પર વિકાસ કર્યો છે.

છેલ્લાં થોડાંક વર્ષોમાં જાપાન જહાજ બાંધકામ ક્ષેત્રે પશ્ચિમ યુરોપના દેશોની તુલનામાં ઘણું જ આગળ વધી ગયું છે. તેને દુનિયાભરના દેશોમાંથી વિરાટકાય જહાજો બાંધવાના ઑર્ડર મળે છે.

દુનિયામાં બાંધવામાં આવતાં કુલ જહાજોમાં જાપાન લગભગ 27% જેટલો ફાળો ધરાવે છે. વળી તેલવાહક જહાજોના બાંધકામમાં તેનો ફાળો 36% છે. આ ઉદ્યોગમાં તેણે જે પ્રભુત્વ મેળવ્યું છે તે પાછળનાં કેટલાંક ભૌગોલિક અને આર્થિક પરિબળો આ પ્રમાણે છે. (1) સુરક્ષિત ઊંડા પાણીવાળાં વિશાળ બંદરો તેમજ વિસ્તૃત જહાજવાડા, (2) ઓછું ઉત્પાદનખર્ચ અને ધિરાણની આકર્ષક શરતો, (3) ઝડપી કામ અને ગ્રાહકને નિયત સમય પહેલાં જહાજ તૈયાર કરી આપવાની પ્રથા, (4) સસ્તા વેતનદરે કાર્યકુશળ અને તજજ્ઞ મજૂરોની ઉપલબ્ધિ, (5) હૂંડિયામણનો અનુકૂળ દર, (6) આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી આવે તોપણ પોતાના દેશના મત્સ્યઉદ્યોગ માટે જોઈતાં જહાજોની માગ, તે ઉપરાંત પૂર્વના દેશોમાં સારા એવા વિસ્તૃત બજારક્ષેત્રની ઉપલબ્ધિ, (7) વિપુલ ઇમારતી લાકડાની ઉપલબ્ધિ.

જાપાનમાં જહાજબાંધકામનાં મુખ્ય કેન્દ્રોમાં કોબે, કુરે, નાગાસાકી, ટોકિયો, માઇઝુસ, ટામાના, ઐશોઈ તથા યોકોહામાનો સમાવેશ થાય છે.

દેશની આશરે 60% જેટલી ઔદ્યોગિક પ્રવૃત્તિ ટોકિયો અને ઓસાકામાં, 10% ઉ. ક્યુશુ ટાપુ પર અને 10% નાગોયાની આસપાસ છે. જાપાનનાં ઔદ્યોગિક નગરોમાં ટોકિયો, શિમીઝુ, નાગોયા, ઓસાકા, કોબે, ટોયામા, કાનાઝાવા, ઓકાયામા, કુરે, નિહામા, કિતાક્યુશુ, ઓમુટા, નિગાતા, સાપોરો, યોકોહામા, કાગોશિમા વગેરેનો સમાવેશ થાય છે.

પરિવહન અને વ્યાપાર : દેશનું ટાપુમય સ્વરૂપ અને પહાડી ભૂપૃષ્ઠ જેવાં કુદરતી પરિબળો ખાસ કરીને ભૂમિ પરનાં પરિવહનનાં સાધનોના વિકાસમાં અવરોધક રહ્યાં છે. તેમ છતાં ઔદ્યોગિક અને તકનીકી ક્ષેત્રે જાપાને કરેલી પ્રગતિ, કુદરતી અવરોધો પર કેટલેક અંશે વિજય મેળવવામાં સહાયક બની છે.

જાપાન અત્યંત વિકસિત રેલ-પદ્ધતિ ધરાવે છે. દેશમાં લગભગ 27,501 કિમી. લંબાઈના રેલમાર્ગો છે અને તે મોટે ભાગે વિદ્યુતીકરણ પામેલા છે. તેમાં 1/5 ભાગના રેલમાર્ગો ખાનગી માલિકીના છે. હોન્શુ અને ક્યુશુ ટાપુઓ વચ્ચેના સમુદ્ર નીચે લગભગ 18.6 કિમી.ની લંબાઈનું ભૂગર્ભ રેલ-બોગદું આવેલું છે. આવું જ એક બીજું સમુદ્ર નીચેનું ભૂગર્ભ રેલ-બોગદું હોન્શુ અને હોકાઇડો ટાપુઓ વચ્ચે ત્સુગારો સામુદ્રધુનીના તળ નીચે 240 મી. ઊંડાઈ પર આવેલું છે જેની લંબાઈ 54 કિમી. છે. જાપાનની રાષ્ટ્રીય રેલ-સેવા સંચાલિત ટોકિયો અને ઓસાકા તેમજ ઓસાકા અને ઓકાયામા વચ્ચે વિશ્વમાં અત્યંત વેગીલી રેલગાડીઓ દોડે છે. 1964થી પાટનગર ટોકિયોના મધ્યભાગથી ટોકિયો હવાઈ મથકને જોડતી શહેરી-રેલસેવા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત દેશનાં 8 નગરો ભૂગર્ભ રેલમાર્ગો ધરાવે છે, જેની લંબાઈ 286 કિમી જેટલી છે. જાપાનમાં સડકમાર્ગોની વિકસિત જાળગૂંથણી પણ છે. જાપાનમાં 53,866 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે. જ્યારે નાના-મોટા ગ્રામીણ અને શહેરી રસ્તાઓની લંબાઈ 11,72,000 કિમી. જેટલી છે.

જાપાનનાં વ્યાપારી જહાજો (લગભગ 4 કરોડ ગ્રૉસ ટનની ક્ષમતા ધરાવતાં) કદની ર્દષ્ટિએ વિશ્વમાં લાઇબેરિયા પછી બીજા ક્રમે આવે છે. વળી જાપાન વિશ્વના અન્ય કોઈ દેશ કરતાં વધુ જહાજો તથા ખનિજતેલની વિશાળકાય ટાંકીનૌકાઓ(tankers) ધરાવે છે. વિવિધ દેશોમાં મોટરકારોની નિકાસ કરતા બહુમાળી જહાજમાં એકીસાથે 400 મોટરકાર રાખી શકાય તેવી ગોઠવણ હોય છે. જાપાન સમુદ્રમાર્ગે દેશ અને દુનિયાના અન્ય દેશો સાથે સંકળાયેલું છે. તેનાં મુખ્ય બંદરોમાં યોકોહામા, કોબે, ટોકિયો, નાગોયા અને ઓસાકાનો સમાવેશ થાય છે. જાપાન એરલાઇન્સ તથા ‘ઑલ નિપ્પોન ઍરવેઝ’ જાપાનની મુખ્ય વાયુ સેવા છે. દેશમાં આવેલાં મુખ્ય હવાઈમથકોમાં ફુકુઓકા, હીરોશિમા, કાંગોશિમા, નાગોયા નાહા, નિગાટા સાપોરો, સેન્ડીનો સમાવેશ થાય છે. ટોકિયો અને ઓસાકા વિશાળ આંતરરાષ્ટ્રીય હવાઈમથકો ધરાવે છે. આ સિવાય જાપાનમાં દૂરસંચારનાં બધા જ પ્રકારનાં માધ્યમોની સેવા ઘણી જ કાર્યક્ષમ છે.

જાપાનની મુખ્ય નિકાસમાં લોખંડ, પોલાદ, મોટરવાહનો, જહાજો, વિદ્યુત અને ઇલેક્ટ્રૉનિક પેદાશો, યંત્ર-સામગ્રી, રસાયણો, કાપડ વગેરેનો સમાવેશ થાય છે. તેના દૂરના પ્રદેશો સાથેના વ્યાપારનો મુખ્ય ભાગીદાર દેશ યુનાઇટેડ સ્ટેટ્સ છે જે જાપાનની આશરે 23% નિકાસ મેળવે છે અને તેની સામે તે જાપાનને 20% આયાત પૂરી પાડે છે. આ સિવાય જાપાનને તેની નિકાસ માટે અગ્નિએશિયાના દેશોનું વિશાળ બજાર ઉપલબ્ધ છે, જે જાપાનની આશરે ¼ ભાગની નિકાસ મેળવે છે. ખનિજ બળતણ તથા ઊંજણ જેવી આયાતી ચીજોનો ફાળો જાપાનના કુલ આયાતમૂલ્યના 40% જેટલો થવા જાય છે. આ પૈકી અશુદ્ધ ખનિજતેલનો હિસ્સો લગભગ ¾ ભાગનો છે. જાપાનની ¼ ભાગની આયાત મુખ્યત્વે અન્ય કાચી ચીજવસ્તુઓ (ધાતુમય ખનિજો અને ધાતુભંગાર) તેમજ 1/8 ભાગની આયાતો ખાદ્ય ચીજવસ્તુઓને લગતી હોય છે. જાપાન 80% ખનિજતેલ મધ્યપૂર્વના દેશોમાંથી મેળવે છે.

વસ્તી અને વસાહતો : એશિયાના તળપ્રદેશમાં રહેતા મૉંગોલૉઇડ જાતિના લોકોના પૂર્વજોમાંથી જાપાની લોકો ઊતરી આવેલા છે. ભૂતકાળમાં હજારો વર્ષોના ગાળા દરમિયાન તેમનામાં થોડુંઘણું જાતિમિશ્રણ થયેલું છે. આ ઉપરાંત જાપાનમાં આશરે 15,000 જેટલા મૂળ વતનીઓ ખાસ કરીને હોકાઇડો ટાપુમાં નિવાસ કરે છે. ‘આઇનુ’ તરીકે ઓળખાતા આ લોકો કોકેસોઇડ (આર્ય) જાતિના છે. વળી જાપાનમાં લગભગ 6 લાખ જેટલા કોરિયનો પણ વસવાટ કરે છે. જાપાનની વસ્તીનો મોટો ભાગ શિન્ટો (40%) અને બૌદ્ધ (39%) ધર્મ પાળે છે. આ સિવાય ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા આશરે 8 લાખની (4%) છે. દેશની સત્તાવાર ભાષા જપાની છે. સાક્ષરતાનું પ્રમાણ 98% જેટલું છે. મુખ્ય રાજ્ય-યુનિવર્સિટીઓની સંખ્યા 7 જેટલી છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ પણ છે. ટોકિયો યુનિવર્સિટીની સ્થાપના 1877માં થઈ હતી.

અન્ય દેશોની જેમ જાપાને પણ તેની આગવી સાંસ્કૃતિક પરંપરાઓનો વિકાસ કર્યો છે જે રોજિંદા જીવન (ખાસ કરીને રહેઠાણ, પહેરવેશ, રીતભાત વગેરે)માં પ્રતિબિંબિત થાય છે. જાપાની ભોજન ચોખા, વિવિધ પ્રકારની માછલીના પાતળા-લાંબા ટુકડા, સૂપ, અથાણું, ફળો વગેરેનું બનેલું હોય છે. જાપાનના લોકોની ચા-ઉત્સવની ઉજવણી વિશિષ્ટ હોય છે. જાપાનની કળા અને સંસ્કૃતિ પર ચીનની સંસ્કૃતિનો, બૌદ્ધ અને શિન્ટો ધર્મનો તેમજ ઓગણીસમી સદીના પશ્ચિમના સંસ્કારોનો પ્રભાવ પડેલો જોવા મળે છે.

જાપાન તેના વિસ્તારના પ્રમાણમાં ઘણી વસ્તી ધરાવે છે. હાલમાં તેની કુલ વસ્તી 2022 મુજબ 13.25 કરોડ છે. જાપાનની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ 328 વ્યક્તિઓની છે. આમ છતાં મહાનગરોમાં વસ્તીગીચતાનું પ્રમાણ અનેકગણું વધારે છે. દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ લગભગ 77% તથા ગ્રામ વિસ્તારની વસ્તીનું પ્રમાણ 23% છે. દેશના વસ્તીવિતરણ પ્રમાણે મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશો એકંદરે આછી વસ્તી ધરાવે છે. જ્યારે તેની તુલનામાં કિનારાનાં મેદાનોમાં ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. આ પ્રદેશોને સમુદ્રનું સાંનિધ્ય અથવા દરિયાઈ લહેરોનો ફાયદો મળતો હોઈ અહીં લગભગ વર્ષભર સમધાત પ્રકારની આબોહવા અનુભવાય છે. આની સારી અસર માનવીની કાર્યક્ષમતા પર જોવા મળે છે. કિનારે આવેલાં બંદરો અને નગરોમાં ખાસ કરીને વ્યાપાર, ઉદ્યોગ અને વાહનવ્યવહાર જેવી આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ વધુ પ્રમાણમાં થયો છે અને તેના પર નભતી વસ્તીનું પ્રમાણ વધારે છે.

જાપાનનાં લગભગ 15 શહેરો 5 લાખથી વધુ તેમજ લગભગ 9 શહેરો 10 લાખથી વધુ વસ્તી ધરાવે છે. આ પૈકી જાપાનનું પાટનગર ટોકિયો વિશ્વનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. તેની વસ્તી 3.77 કરોડ(2022)ની છે. તે દેશનું રાજકીય, ઔદ્યોગિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, વ્યાપારિક અને બીજી અનેક પ્રવૃત્તિઓનું મહત્વનું કેન્દ્ર છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગે અને હવાઈમાર્ગે દુનિયાના અન્ય દેશો સાથે સંકળાયેલું છે. આ દેશની આર્થિક અને તક્નિકી સહાયને કારણે જ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે.

બીજલ પરમાર

ઇતિહાસ

વિદેશીઓ દ્વારા કદી સામ્રાજ્ય સ્થાપવામાં આવ્યું ન હોય એવા દેશોમાંનો એક જાપાન છે. ત્યાંનો રાજવંશ સૌથી લાંબા સમયથી સત્તા ભોગવે છે. ઓગણીસમી સદી સુધી તે એશિયાનો નાનો દેશ હતો. વીસમી સદીમાં તે વિશ્વસત્તા બન્યો. ઈ. પૂ. 250માં ત્યાં યાયોગી સંસ્કૃતિ વિકસી. મધ્ય જાપાનના ક્યુશુ પ્રદેશમાં ત્રીજી સદીમાં વિકસિત સંસ્કૃતિ સ્થપાઈ. તે પછીના સૈકામાં યામાતો કોર્ટ હેઠળ દેશની એકતા સાધવામાં આવી. શરૂના જાપાની લોકો શિન્ટો ધર્મ પાળતા. તેમાં કુદરતની સાદી પૂજાનો સમાવેશ થતો. જાપાનના લોકો મૉંગોલૉઇડ છે. તેઓ કોરિયા, ચીનના દક્ષિણ કિનારા તથા દક્ષિણ પૂર્વમાં ફૉર્મોસા તથા રિયુક્યુ ટાપુઓમાં થઈને જાપાનમાં ગયા. પાંચમી સદીની શરૂઆતનાં વર્ષોમાં યામાતો રાજ્ય તેની પરાકાષ્ઠાએ પહોંચ્યું. આ સદીમાં જાપાને ચીનની લેખનપદ્ધતિ અપનાવી લીધી. છઠ્ઠી સદીમાં યામાતો રાજ્યના પતનનાં વરસો દરમિયાન જાપાનમાં બૌદ્ધ ધર્મ પ્રવેશ્યો. સાતમી સદીના પ્રથમ દાયકામાં રાજા શોતોકુએ ચીનના નમૂના મુજબ અમલદારોની બનેલી કેન્દ્ર સરકાર જાપાનમાં શરૂ કરી. તેણે 17 કલમોના બંધારણનો અમલ શરૂ કર્યો. શોતોકુએ ચીનના સુઈ વંશના રાજાઓ સાથે સમાનતાના સંબંધો સ્થાપ્યા. તે અગાઉ જાપાન ખંડિયું રાજ્ય હતું. બંને દેશોએ પરસ્પર પોતાના રાજદૂતો મોકલ્યા. શોતોકુએ જાપાનના વિદ્યાર્થીઓને ચીનની સંસ્કૃતિના અભ્યાસાર્થે ચીન મોકલ્યા. શોતોકુ બૌદ્ધ દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસી હતો. તે પ્રવચનો આપતો તથા વિવેચનો લખતો. 629માં શોતોકુ મૃત્યુ પામ્યો. ત્યારબાદ શોતોકુના પરિવારને હદપાર કરનાર સોગા પરિવારના સભ્યોની હત્યા કરીને, રાજા નાકાનોએ 645માં સત્તા હસ્તગત કરી. તેણે ખાનગી માલિકી રદ કરીને બધી ભૂમિ ઉપર રાજ્યની માલિકી સ્થાપી.

આકૃતિ 1 : ક્યોટો પાસે આવેલો The Phoenix Hall જેના મધ્યખંડમાં પ્રસિદ્ધ કાંસાની બુદ્ધિની મૂર્તિ છે.

આઠમી સદીથી જાપાનનો વિશ્વસનીય ઇતિહાસ મળે છે. આ સદીમાં જાપાનના બે મહત્વના ઇતિહાસગ્રંથો ‘કોજિકી’ અને ‘નિહોન્કી’ લખાયા. જાપાનનો સમ્રાટ ચીનના સમ્રાટની જેમ આપખુદ સત્તા ધરાવતો હતો. તે પરંપરાગત ધર્માચાર્ય પણ હતો. તે રાજ્યમાંથી કરવેરા ઉઘરાવતો અને શાંતિ જાળવતો. પુખ્ત વયના પુરુષોએ સંરક્ષણ સેવા આપવી તથા જાહેર કાર્યો માટે મજૂરી કરવી ફરજિયાત હતી. રાજ્યની બધી જમીન લોકોને સમાન હિસ્સે વહેંચવામાં આવતી. અધિકારીઓ તથા બૌદ્ધ મંદિરોને પણ આવક થાય તે વાસ્તે જમીન આપવામાં આવતી હતી.

710માં સામ્રાજ્યનું પાટનગર આસુકાથી નારા લઈ જવામાં આવ્યું. ત્યાં શોમુ જાણીતો સમ્રાટ થયો. તેણે બૌદ્ધ મંદિરો અને મઠો બંધાવ્યાં તથા બૌદ્ધ ધર્મને ઉત્તેજન આપ્યું. તેણે બંધાવેલાં મંદિરોમાં સંપત્તિ ભેગી થઈ અને બૌદ્ધ સાધુઓને ઉચ્ચ રાજકીય હોદ્દા મળ્યા. તેઓ બિનસાંપ્રદાયિક બાબતોમાં પણ દરમિયાનગીરી કરતા થયા. નાકાતોમી કામાતારી અને તેના પુત્ર ફુહિતોએ (પાછળથી ફુજિવારા તરીકે ઓળખાયા) સમાજનાં દૂષણો દૂર કરવાની ચળવળની આગેવાની લીધી.

નારા કાળના 70 વર્ષના સમયગાળામાં સરકારે ચીની રાજા તાંગના દરબારમાં 4 સરકારી પ્રતિનિધિમંડળ મોકલ્યાં. તે દરેક વખતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે ચીન ગયા. 794માં સમ્રાટ ક્વાચુએ કિયોટો શહેર બંધાવ્યું. તેમાં ચીની સ્થાપત્યની શૈલી મુજબ સુંદર ઇમારતો બંધાવી. 1868 સુધી તે નગર જાપાનનું પાટનગર રહ્યું. દરમિયાન જાપાન પર બૌદ્ધ ધર્મનો વ્યાપક પ્રભાવ ચાલુ રહ્યો. જાપાનના સમ્રાટો બૌદ્ધ ધર્મના શ્રેષ્ઠ અનુયાયીઓ થયા. આ સમય દરમિયાન બૌદ્ધ ધર્મનાં પુસ્તકોના ચીની ભાષામાંથી જાપાની ભાષામાં અનુવાદ થયા. ચીનની સંસ્કૃતિની શ્રેષ્ઠ અસરો સહિત એની નબળાઈઓનો પણ પ્રભાવ પડવાથી, જાપાની સમ્રાટો વિલાસી, વ્યસની તથા આડંબરી બન્યા. વિલાસી જીવનના પરિણામે મિકાડોની સત્તા ક્રમશ: અસ્ત પામી. સરકારનાં કાર્યોમાં બૌદ્ધ ધર્મગુરુઓ દ્વારા હસ્તક્ષેપ નિયંત્રિત રહે એ રીતે ધર્મ તરીકે તેને ઉત્તેજન આપવામાં આવ્યું. જાપાનમાંથી સાઇકો અને કુકાઈ નામે બે તેજસ્વી સાધુઓ ચીન જઈને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીને આવ્યા બાદ તેમણે અનુક્રમે તોન્ડાઈ અને શિન્ગોન નામના બે સંપ્રદાયો સ્થાપ્યા.

કેમુ પછીના સમ્રાટોએ તેની નીતિઓ ચાલુ રાખી તેથી 150 વર્ષ સુધી શાંતિ જળવાઈ રહી. નવમી સદીની મધ્યમાં, સમ્રાટ સિવા 9 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો ત્યારે તેના માતૃપક્ષે દાદા ફુજિવારા યોશીફુસા તેના વાલી (Sessho) બન્યા. સમ્રાટ યોઝીના સમયમાં યોશીફુસાનો પુત્ર મોતોત્સુન તેનો વાલી બન્યો. ત્યારબાદ સમ્રાટ ઉદાના અમલ દરમિયાન તે દીવાન (kampaka) બન્યો. એ રીતે પ્રથા રૂઢ થઈ કે ફુજિવારા પરિવારનો સભ્ય સમ્રાટનો વાલી અથવા દીવાન બને. એ માટે વ્યક્તિએ પોતાની પુત્રી રાજ્યપરિવારમાં પરણાવવી એવો રિવાજ થયો. પછી તેના પુત્રને સમ્રાટ બનાવવામાં આવતો. તેના પરિણામે દરબારમાં સતત સંઘર્ષો થતા. ફિુજવારા કુટુંબ દ્વારા બીજાં કુટુંબોના સભ્યોને કાઢી મૂકવામાં આવતા.

નવમી સદીના અંતે રાજદૂતોને મોકલવા માટે થતું ખર્ચ અને ચીનમાં રાજકીય અશાંતિ થવાને લીધે, જાપાને ચીન સાથેના સંબંધો તોડી નાખ્યા. દસમી અને અગિયારમી સદીમાં ફુજિવારા પરિવારના વારસો સમ્રાટના વાલી તથા દીવાનના પદનો અધિકાર ધરાવતા હોવાથી, તેઓ દેશની સરકાર પર અંકુશ ધરાવતા થયા. તેમને પુષ્કળ સંપત્તિ મળવાથી તેઓ વૈભવી જીવન જીવતા થયા. ફુજિવારા પરિવારે જાપાનને અનેક વિદ્વાનો તથા રાજપુરુષો આપ્યા. સમય જતાં સમ્રાટો નબળા પડ્યા. ફુજિવારા, તાઇરા અને મિના જેવા પ્રસિદ્ધ પરિવારો સત્તાપ્રાપ્તિ માટે સ્પર્ધા તથા મુત્સદ્દીગીરીના દાવપેચ રમવા લાગ્યા. તેમાં ક્રૂરતા પણ આચરાતી. સમ્રાટની સત્તા નામમાત્રની રહી હતી. કોઈ સ્વમાની સમ્રાટ સત્તા ભોગવવા પ્રયાસ કરતો તો તેમાં તે નિષ્ફળ જતો. શોગુનો વંશપરંપરાગત સર્વસત્તાધીશ બન્યા. જાપાનની આમજનતા ઉમરાવો અને સામંતોના શાસન હેઠળ હતી. ઉમરાવોના અત્યાચારો તથા અન્યાયો લાંબો સમય ચાલુ રહ્યા. સમ્રાટોના વિલાસી જીવન ઉપર આ લડાયક જાગીરદારોએ નિયંત્રણો મૂક્યાં. પરાક્રમી યોદ્ધાઓએ રાજ્યના શાસનની જવાબદારી સ્વીકારી પરંતુ તેમણે પોતાના બહાદુર સાથીઓને વિવિધ જાગીરો વારસાગત ઇનામમાં આપી. તેથી જાપાનમાં ફુજિવારા, તાઇરા તથા મિના જેવા પ્રસિદ્ધ વંશોની શક્તિશાળી જાગીરો અસ્તિત્વમાં આવી. જોકે તેમનામાં કુસંપ વધવાથી નિરંકુશ સત્તા પ્રાપ્ત કરવા માટે, તેઓ વિશાળ લશ્કરો રાખી પરસ્પર લડાઈ કરવા લાગ્યા. 1198 બાદ, હોરો પરિવાર જાપાનમાં સત્તાધીશ બન્યો.

ચીનના મૉંગોલ સમ્રાટ કુબલાઈખાને 1280માં માગણી કરી કે જાપાને ચીનનું સાર્વભૌમત્વ સ્વીકારવું; પરંતુ તે માગણીનો અસ્વીકાર થવાથી તેણે એક મોટો નૌકાકાફલો જાપાન પર ચડાઈ કરવા માટે મોકલી આપ્યો. તે કાફલો ક્યુશુ કિનારે 1281માં સખત વાવાઝોડાથી નાશ પામ્યો. એ રીતે જાપાનની સ્વતંત્રતા જળવાઈ રહી. 1200થી 1333 દરમિયાન જાપાનમાં હોજો વંશના શોગુનો થઈ ગયા. આ સમયે જાપાને ખૂબ ઉન્નતિ ભોગવી. સમ્રાટની ગાદી ઉપર બાળકોને જ બેસાડવામાં આવતાં. તેમને યુવાન થવા દેવામાં આવતાં નહિ અથવા તો કિશોર સમ્રાટોને ફરજિયાત સાધુ થવું પડતું. આ સમયે શોગુનો પણ સિકેન નામના અમીરોના હાથમાં રમકડાં બન્યાં. તેરમી સદીમાં બૌદ્ધ ધર્મગુરુઓએ જાપાની ભાષામાં ઉત્કૃષ્ટ સાહિત્યની રચના કરી.

1333માં સમ્રાટ ગો-ડેગોએ શોગુનો પાસેથી સત્તા ઝૂંટવી લીધી; પરંતુ 1338માં આશિકાગા વંશના અધ્યક્ષે સમ્રાટને પદભ્રષ્ટ કરી ફરી શોગુનપદ મેળવ્યું. આશિકાગા વંશે 1565 સુધી શોગુનપદ ભોગવ્યું. આ વંશે કિયોટોમાં રાજધાની સ્થાપી. શોગુનોએ સમ્રાટોનું બાહ્ય સન્માન બરાબર જાળવવું પડતું હતું. આશિકાગા શોગુનોના અમલ દરમિયાન જાપાનમાં સમુરાઈ સંસ્કૃતિ વિકાસ પામી. આ સમયે જુદા જુદા અમીરો વચ્ચે સ્પર્ધા વધી ગઈ. તેઓ સૌ શોગુનપદ મેળવવા ઉત્સુક હતા. તેથી તેમની વચ્ચે લડાઈઓ તથા ઘર્ષણો ચાલતાં. આ સમયે જાપાનમાં વિદેશીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી.

સમ્રાટ ગો-ડેગોને પદભ્રષ્ટ કરવામાં આવ્યો. છતાં તેણે પોતાના અધિકારો છોડ્યા નહિ. તેથી જાપાનમાં આંતરવિગ્રહ થયો. ગો-ડેગોના મૃત્યુ બાદ તેના વંશજોએ પણ આંતરવિગ્રહ ચાલુ રાખ્યો. આખરે બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તદનુસાર પ્રત્યેક પરિવારમાંથી વારાફરતી સમ્રાટ ચૂંટવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ દરમિયાન આશિકાગા વંશના શોગુનો સર્વસત્તાધીશ હતા; પરંતુ બીજા અમીરો એમની અદેખાઈ કરતા હતા. તેથી જાપાનમાં આગેવાન પરિવારો વચ્ચે અનેક વિગ્રહો થયા. અનેક શહેરો બળી ગયાં. લોકો ખૂબ દુ:ખી અને દરિદ્રી બની ગયા. ઓડા નોબુનાગા દ્વારા એક સદીની અંધાધૂંધીનો અંત આવ્યો; પરંતુ વિજય હાથવેંતમાં હતો ત્યારે તે મૃત્યુ પામ્યો. નોબુનાગાની હત્યા થવાથી એના સરસેનાપતિ તોયોતોમી હિદેયોસીએ વિજયયાત્રા ચાલુ રાખી. એણે 1590માં આખું જાપાન જીત્યા બાદ કોરિયા જીતી લીધું, પણ ચીનના સૈન્યે આખરે એનાં મોટાં સૈન્યોને હરાવ્યાં. ફિલિપિન તથા ફૉર્મોસા જીતી લેવાના તેના પ્રયાસો નિષ્ફળ ગયા. હિદેયોસી 1598માં મૃત્યુ પામ્યો. જાપાનમાં એક મહાન વિજેતા તરીકે તે પ્રસિદ્ધ થયો. તે ઘણો સારો વહીવટકર્તા પણ હતો. તેણે દેશમાં એકતા સ્થાપી. એના સમયમાં લોકો સુખી હતા. જાપાન એક મજબૂત રાષ્ટ્ર બન્યું.

આયેસુ તોકુગાવાએ નોબુનાગા તથા હિદેયોસીની સાથે યુદ્ધોમાં ભાગ લીધો હતો. એણે હિદેયોસીના મૃત્યુ બાદ, એના વંશજને હરાવી 1603માં શોગુનપદ મેળવ્યું અને ટોકિયોમાં રાજધાની સ્થાપી. એણે જાપાનમાં રહેતા ખ્રિસ્તીઓ પર અત્યાચારો કર્યા. વિદેશો સાથેના જાપાનના સંબંધો તોડી નાખ્યા. એના એક વંશજ ઇમિટ્સુ(1622-31)એ ખ્રિસ્તીઓને પકડી પકડીને મારી નંખાવ્યા. એણે બૌદ્ધ ધર્મને રાજ્યધર્મ તરીકે દાખલ કર્યો. તોકુગાવા વંશના પાંચમા શોગુન સુનયેશી(1680-1709)એ વિદેશોમાંથી પ્રસિદ્ધ પંડિતોને નિમંત્રી જાપાનમાં વિજ્ઞાન તથા શાસ્ત્રીય જ્ઞાનનો વિકાસ કરાવ્યો. એના વંશના આઠમા શોગુન યોશીમુને (1716-45) કાયદામાં સુધારા કરાવ્યા, ખેડૂતોના કરવેરા ઘટાડ્યા, વેપારને ઉત્તેજન આપ્યું તથા યુરોપી ભાષાઓનાં પુસ્તકોના અનુવાદ કરાવ્યા. આ શોગુન પછી ફરી પાછી અવ્યવસ્થા પ્રસરી. એના વંશજો ઉડાઉ તથા વિલાસી બન્યા. પરિણામે જાપાનમાં બળવા થયા, દુષ્કાળો પડ્યા તથા લોકોને અનેક સંકટો ભોગવવાં પડ્યાં. લોકોમાં અસંતોષ ફેલાયો. સમ્રાટની પુન:પ્રતિષ્ઠાનું સૂચન કરનારને મારી નાખવામાં આવ્યા. અઢારમી સદીમાં સમ્રાટને રાજ્યસત્તા સોંપવાની હિલચાલ કરનાર આગેવાનોને કારાવાસમાં પૂરવામાં આવ્યા. શોગુનો હવે કર્તવ્યભ્રષ્ટ થયા હતા.

1854માં અમેરિકન નૌસેનાપતિ પેરી ફરી વાર (અગાઉ જુલાઈ 1853માં તે જાપાન આવ્યો હતો) તેની નૌકાસેના સહિત જાપાનના કિનારે પહોંચ્યો. ત્યારે જાપાનના શોગુને 31 માર્ચ, 1854ના રોજ તેની સાથે સંધિ કરીને વિદેશી જહાજોને કોલસા તથા પાણી લેવાની, અમેરિકાનો પ્રતિનિધિ જાપાનમાં રાખવાની તથા ખલાસીઓને સગવડો આપવાની વાત સ્વીકારી. ત્યારબાદ બ્રિટન, ફ્રાન્સ, હોલૅન્ડ અને રશિયાએ પણ જાપાન સાથે સંધિ કરીને એવા જ લાભો મેળવ્યા. વિદેશીઓ વગર જકાતે વેપાર કરી શકતા હોવાથી જાપાનમાં અસંતોષ ફેલાયો.

1867માં સમ્રાટ મુત્સુહિતો(મેઈજી)ને સર્વસત્તા સુપરત કરીને છેલ્લા શોગુનને સત્તાત્યાગ કરવાની ફરજ પડી. તેમ છતાં સમ્રાટે તેને સંરક્ષણ તથા વિદેશ ખાતાના વડા તરીકે ચાલુ રાખ્યો. સમ્રાટે આ વખતે શોગુનપદ નાબૂદ કર્યું. તે સાથે જાપાનમાં 750 વરસથી ચાલી આવતી શોગુનની સત્તાનો અંત આવ્યો. તેને અનુસરીને સેંકડો સામંતોએ દેશભક્તિથી પ્રેરાઈને પોતાની જાગીરો સમ્રાટને સોંપી દીધી. સમ્રાટે તેમને જાગીરોના ગવર્નર બનાવ્યા તથા સાલિયાણું બાંધી આપ્યું. સમ્રાટે 1868માં લોકશાહી પદ્ધતિ સ્થાપવાની જાહેરાત કરી અને પશ્ચિમીકરણ અપનાવ્યું. 1879માં ઇતાગાકીએ ઉદાર દળની તથા કાઉન્ટ ઓકુમાએ 1887માં પ્રગતિદળની સ્થાપના કરી. તેમણે સંસદીય સરકારની સ્થાપના માટે રાજકીય આંદોલનો કર્યાં. 1889માં પ્રિન્સ ઇતોએ નવું બંધારણ ઘડ્યું અને સમ્રાટે તેનો સ્વીકાર કર્યાની જાહેરાત કરી. તેમાં રાજાશાહી અને લોકશાહીના સિદ્ધાંતોનો સમન્વય સાધવામાં આવ્યો હતો.

સમ્રાટ મેઈજીએ રાષ્ટ્રીય સરકાર સ્થાપીને જાપાનમાં નવા યુગનો આરંભ કર્યો. તે સમય દરમિયાન લશ્કર તથા નૌકાદળનું આધુનિકીકરણ; શિક્ષણ, પોશાક, રીતરિવાજો વગેરેમાં પશ્ચિમના દેશોનું અનુકરણ તથા આર્થિક ક્ષેત્રે ઉદ્યોગીકરણ કરવામાં આવ્યું. પાશ્ચાત્ય દેશો સાથેના સંપર્ક બાદ જાપાને ઝડપી પ્રગતિ કરીને સમાજનું પશ્ચિમીકરણ કર્યું. ત્યાં વિશાળ કારખાનાં, પુષ્કળ માલનું ઉત્પાદન, મૂડીવાદ તથા ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. તેથી જાપાન સામ્રાજ્યવાદી બન્યું. તેની લશ્કરી તાકાતમાં અપૂર્વ વધારો થયો.

1894-95માં કોરિયાને પોતાના પ્રભાવ હેઠળ લાવવા જાપાને ચીન સાથે યુદ્ધ કર્યું. જાપાને ચીનના નૌકા-કાફલાને હરાવી તેનો નાશ કર્યો. જાપાનના લશ્કરે કોરિયા કબજે કર્યું અને ચીનના દરિયાકિનારા પર જાપાનનો પ્રભાવ સ્થપાયો. 1895માં શિમોનોસેકીની સંધિ અનુસાર કોરિયાને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું. ચીને લિયાઓ તુંગ દ્વીપકલ્પ તથા ફૉર્મોસા જાપાનને આપ્યાં. રશિયાની દરમિયાનગીરીથી જાપાને લિયાઓ તુંગનો પ્રદેશ છોડવો પડ્યો. પણ મંચુરિયા તેનાં ખનિજસંપત્તિ અને ખેતીની પેદાશ, જાપાનના ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવા માટે તથા ઉત્પાદિત માલ ખરીદનાર બજાર તરીકે અતિ આવશ્યક હતું. તેથી 1904–05ના રૂસો-જાપાન યુદ્ધ માટે મંચુરિયા તથા કોરિયાની સમસ્યાઓ કારણભૂત બની. આ યુદ્ધમાં યુરોપની મહાસત્તા જેવા રશિયાનો સખત પરાજય થયો. તેનાથી એશિયાના અનેક દેશોમાં સ્વતંત્રતાની ચળવળને વેગ મળ્યો. યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ હૅમ્પશાયરના પૉર્ટસ્મથ ખાતે 1905માં સંધિ કરવામાં આવી. તે મુજબ કોરિયા પર જાપાનના પ્રભુત્વનો સ્વીકાર કરવામાં આવ્યો તથા મંચુરિયામાં જાપાનને રશિયાના જેવા વિશેષાધિકારો આપવામાં આવ્યા.

1902માં જાપાને ´ગ્લૅન્ડ સાથે સંરક્ષણના કરાર કર્યા. તે પછી 1905માં લંડનમાં નવી આંગ્લ-જાપાન સંધિ કરવામાં આવી. તેનો હેતુ પૂર્વ એશિયામાં શાંતિ સ્થાપવાનો હતો. ચીનમાં પશ્ચિમનાં બધાં રાષ્ટ્રો માટે ‘ખુલ્લાં દ્વાર’ની નીતિ અપનાવવામાં આવી તથા ચીનની સ્વતંત્રતા જાળવી રાખવાની ખાતરી આપવામાં આવી. 1912માં 45 વર્ષ રાજ્ય કર્યા બાદ સમ્રાટ મેઈજીનું અવસાન થયું. મેઈજી ગાદીએ બેઠા ત્યારે તેમનું રાજ્ય નાનું હતું. તેમાંથી તેમણે એક વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. મેઈજી યુગ દરમિયાન, જાપાનમાં અંગ્રેજોએ રેલવે બાંધી, તાર-સેવા શરૂ કરી તથા નૌકાદળ તૈયાર કર્યું. જાપાનની ટપાલસેવા, શિક્ષણ તથા ખેતીવાડીના વિકાસ માટે અમેરિકનોએ માર્ગદર્શન આપ્યું. જર્મનોએ તબીબી વિજ્ઞાન તથા સ્થાનિક સ્વરાજનો વિકાસ કર્યો અને ફ્રેંચોએ જાપાનના સૈનિકોને આધુનિક વ્યૂહરચનાની તાલીમ આપી.

મેઈજી સમ્રાટના અવસાન બાદ તેનો ત્રીજો પુત્ર યોશિતો હરુનોમિયા 33 વર્ષની વયે સમ્રાટ બન્યો. તે સમ્રાટ તાઈશો નામથી ઓળખાયો. યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયા બાદ, જાપાને 23 ઑગસ્ટ 1914ના રોજ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. ત્યારબાદ 18 જાન્યુઆરી 1915ના રોજ જાપાને ચીન સમક્ષ પાંચ જૂથમાં 21 માગણીઓ મૂકી. નબળા ચીન પાસે તેને સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેની જાણ થતાં, ચીનના તમામ વિરોધ પક્ષો રાષ્ટ્રપતિ યુઆન શી કાઈને ટેકો આપવા લાગ્યા. જાપાને એશિયાની મહાસત્તા તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જાપાને જર્મની સાથેના વિગ્રહથી શાંડોંગ પ્રાંત પર વર્ચસ્ જમાવ્યું. તે અરસામાં માર્શલ, કેરોલિના તથા મૅરિયાના જેવા દ્વીપસમૂહો કબજે કરીને તેણે પૅસિફિકમાં મહત્વનાં વ્યૂહાત્મક સ્થળો અંકુશ હેઠળ લીધાં. 1921માં મળેલી વૉશિંગ્ટન પરિષદમાં જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ તથા ઇટાલીએ નૌકા નિ:શસ્ત્રીકરણના કરાર કર્યા. તે દ્વારા જાપાનની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા પર અંકુશ મૂકવામાં આવ્યો. ફેબ્રુઆરી 1922માં ચીન-જાપાન વચ્ચે થયેલી સંધિ મુજબ જાપાને પ્રથમ વિશ્વયુદ્ધમાં કબજે કરેલ શાંડોંગ પ્રાંત તથા કિયાઓ-ચાઉ બંદર ચીનને પાછાં સોંપવાનું કબૂલ્યું.

આકૃતિ 2 : જાપાનનું નૅશનલ સ્ટેડિયમ, ટોકિયો

જાપાનમાં 1916 પછી કામદાર સંઘો સ્થપાયા. શ્રમિકોનો અસંતોષ હડતાળોમાં વ્યક્ત થયો. 1917માં 417 તથા 1918માં 500 હડતાળો પડી. જાપાનમાં 1923માં મહાવિનાશક ભૂકંપ થયો, તે પછી 21 ડિસેમ્બર 1946ના રોજ મધ્ય જાપાનમાં અને શિકોકુ ટાપુમાં મહાવિનાશક ધરતીકંપ થયા.

જાપાનમાં તાઇસુક ઇતાગાકી, હિરોબુમી ઇતો તથા તારો કાત્સુરાએ રાજકીય પક્ષો સ્થાપ્યા. તેઓ ધનિક વર્ગના હતા. તેમને લોકશાહીમાં કોઈ રસ ન હતો. 1894થી 1931 દરમિયાન જાપાને નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ કર્યો. તેણે રેલવે નાખી તથા રસ્તા બાંધ્યા. બૅંકો સ્થાપી આધુનિક નાણાપદ્ધતિ દાખલ કરી; જંગી વહાણો બાંધ્યાં તથા ટપાલ અને ટેલિફોનની વ્યવસ્થા કરી. જાપાનના વિદેશ વ્યાપારમાં 70 ગણો વધારો થયો, મૂડીપતિઓનું વર્ચસ્ રાજકીય ક્ષેત્રમાં વધ્યું અને રાજકીય નેતાઓ શ્રીમંતોનાં રમકડાં જેવા બની ગયા.

જાપાને 1931માં મંચુરિયામાં આધિપત્ય જમાવવા માંડ્યું. તે ચીનનો જ પ્રદેશ છે, એમ ચીનના રાજપુરુષો માનતા હતા. ફ્રેબ્રુઆરી 1932માં મંચુરિયામાં, જાપાનના આધિપત્ય હેઠળ સ્વતંત્ર રાજ્યની સ્થાપના થઈ. તેનું નામ મંચુકુઓ રાખ્યું. જાપાની સલાહકારો મંચુકુઓની રાજનીતિનું સંચાલન કરતા થયા. રાષ્ટ્રસંઘે (લીગ ઑવ્ નૅશન્સે) મંચુરિયાના પ્રશ્ર્નની તપાસ માટે કમિશન નીમ્યું. તેનો હેવાલ જાપાનની વિરુદ્ધમાં આવવાથી 1933ના માર્ચમાં જાપાન રાષ્ટ્રસંઘના સભ્યપદેથી અલગ થઈ ગયું. ત્યારબાદ જાપાને ચીનના હોવેઇ, શાનસી અને શાંડોંગ પ્રદેશો કબજે કરી લીધા.

જાપાને મંચુકુઓમાં કેટલાક વિશેષાધિકારો પ્રાપ્ત કર્યા. તેનું ક્વાતુંગ લશ્કર મંચુકુઓમાં રાખ્યું. જુલાઈ 1937માં ચીન પર આક્રમણ કરી હોપેઇ, ચાહર અને સુઇયુઆન પ્રાંતો જીતી લીધા. ત્યાં જાપાની સલાહકારોની સૂચના મુજબ ચાલતી સરકારો રચવામાં આવી. આમ જાપાનમાં રાષ્ટ્રવાદની ભાવના ઉગ્ર બની અને આક્રમક રાષ્ટ્રવાદ ઉદભવ્યો. તેણે લશ્કરવાદ તથા સામ્રાજ્યવાદ તરફની કૂચ ચાલુ રાખી. 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં જાપાન જર્મનીના પક્ષે ભળ્યું. 1940માં હિંદી ચીન જીતી લીધું. ડિસેમ્બર 1941માં તેણે યુનાઇટેડ સ્ટેટ્સના નૌકામથકના પર્લ હાર્બર તથા હવાઈમથક પર હુમલો કર્યો. જાપાન યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇંગ્લૅન્ડની સામે યુદ્ધે ચડ્યું. તેણે હૉંગકૉંગ, સારાવાક, સિંગાપોર, બટેવિયા, મ્યાનમાર (બર્મા), ફિલિપિન્સ અને આંદામાન-નિકોબાર ટાપુઓ કબજે કર્યાં. ઑગસ્ટ 1945માં યુનાઇટેડ સ્ટેટ્સે હિરોશીમા અને નાગાસાકી પર અણુબૉમ્બ નાખ્યા જેમાં 1,55,000 માણસો મરણ પામ્યાં. જાપાને તરત શરણાગતિ સ્વીકારી. 2 સપ્ટેમ્બર 1945ના રોજ શરણાગતિની શરતો પર સહી કરી. તેના પ્રદેશો મર્યાદિત થઈ ગયા.

મિત્રદેશોના સર્વોચ્ચ સેનાપતિપદે જાપાનમાં જનરલ મૅકઆર્થરની નિમણૂક કરવામાં આવી. તેણે સપ્ટેમ્બર 1945થી એપ્રિલ 1951 સુધી નિર્વિઘ્ને શાસન કર્યું. જાપાનની ભૂમિસેના, નૌસેના તથા વાયુસેના વિખેરી નાખવામાં આવી. યુદ્ધના અપરાધીઓ પર ખટલા ચલાવી વડાપ્રધાન જનરલ હિડેકી ટોજો અને વિદેશમંત્રી મત્સુઆકા સહિત 7 નેતાઓને ફાંસીની તથા બાકીનાને આજીવન કારાવાસની સજા કરવામાં આવી.

મે 1947થી જાપાનમાં નવા બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો. તેમાં પ્રજાકીય સાર્વભૌમત્વના સિદ્ધાંતનો સ્વીકાર કરી, સમ્રાટનું પદ ચાલુ રાખીને સંસદ(diet)ને સર્વોચ્ચ સત્તાધારી બનાવવામાં આવી. ઉદ્યોગ, વેપાર અને અર્થતંત્રને ઇજારાશાહીની પકડમાંથી મુક્ત કરવા માટે મિત્સુઈ, મિત્સુબિશી, સુમિરાઓ તથા ટામુડાની પ્રસિદ્ધ પેઢીઓ વિખેરી નાખવામાં આવી. ખેતીની સુધારણા તથા મજૂરમંડળોનો વિકાસ કરવામાં આવ્યો અને વસ્તીવધારો અટકાવવા ગર્ભપાત કરાવવાની છૂટ આપવામાં આવી. 1950માં કોરિયાનું યુદ્ધ શરૂ થતાં મૅકઆર્થરે રાજકારણમાંથી સામ્યવાદીઓને દૂર કરવાનો હુકમ કર્યો. મોટા ભાગના સામ્યવાદીઓ ભૂગર્ભમાં જતા રહ્યા. તે સમયે દેશના લોકોને સામ્યવાદીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ રહી ન હતી. કોરિયાનું યુદ્ધ શરૂ થવાને લીધે 8 સપ્ટેમ્બર 1951ના રોજ સાન ફ્રાંસિસ્કોમાં 48 દેશોના પ્રતિનિધિઓની પરિષદે શાંતિ સંધિ કરી. યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન ઉપરના આધિપત્યનો ત્યાગ કર્યો. એપ્રિલ 1952માં જાપાન ફરી સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય બન્યું અને ડિસેમ્બર 1956માં તે સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું. જાપાને 1954માં મ્યાનમાર (બર્મા) સાથે, 1956માં ફિલિપિન્સ સાથે અને 1958માં ઇન્ડોનેશિયા સાથે નુકસાની ભરપાઈ કરવાની સંધિ કરી. 1956માં સોવિયેત સંઘ સાથે રાજકીય સંબંધો પુન: સ્થાપિત કર્યા. દક્ષિણ અને અગ્નિ એશિયાના આર્થિક વિકાસ માટે તે કોલંબો યોજના જૂથનું સક્રિય સભ્ય બન્યું તથા જનરલ ઍગ્રીમેન્ટ ઑન ટૅરિફ્સ ઍન્ડ ટ્રેડ (GATT) અને ઓર્ગેનાઇઝેશન ફૉર ઇકોનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ(OECD)નું સભ્ય બન્યું. 1965-66માં એશિયન ડેવલપમેન્ટ બૅંક સ્થાપવામાં જાપાને મહત્વનો ભાગ ભજવ્યો. 1964માં ઑલિમ્પિક રમતો અને 1970માં ઓસાકામાં એક્સ્પો ’70 માટે જાપાન યજમાન દેશ બન્યો.

1948માં યોશિદા વડાપ્રધાન બન્યા અને ડિસેમ્બર 1954 સુધી તેમણે સત્તા ભોગવી. 1952માં જાપાન સ્વતંત્ર થયા બાદ તેનું અર્થતંત્ર વિકાસ ભણી વેગથી કૂચ કરતું રહ્યું. બધાં ક્ષેત્રોમાં તેણે નોંધપાત્ર વિકાસ કર્યો. જમીનોના સુધારાથી ખેડૂતોને લાભ થયો. ઔદ્યોગિક કેન્દ્રો તરફ મોટા પ્રમાણમાં સ્થળાંતર થયું. દૂરનાં ગામડાંમાં, ખેતીમાં તથા ઘરવપરાશનાં સાધનોમાં આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ થવા લાગ્યો. સંતતિનિયમન દ્વારા વસ્તીનિયંત્રણ અને ઔદ્યોગિક વિકાસ દ્વારા પૂર્ણ રોજગારી સિદ્ધ થઈ. કેટલાક પ્રમાણમાં મજૂરોની તંગી પણ પેદા થઈ. યોશિદા પછી ડિસેમ્બર 1954માં હાતોયામા ઇચિરો વડાપ્રધાન બન્યા. 1957થી 1960 દરમિયાન કિશી વડાપ્રધાન રહ્યા. 1960માં ઇકેડા હાયાતો વડાપ્રધાન બન્યા. તેમણે આર્થિક વિકાસ દ્વારા 10 વરસમાં રાષ્ટ્રીય આવક બમણી કરી દીધી તથા વાર્ષિક વિકાસદર વધીને 10 %થી પણ વધારે થયો. ઇકેડાએ માંદગીને કારણે 1964માં વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું. ત્યારબાદ 1972 સુધી સાતો ઇસાકુ વડાપ્રધાન રહ્યા ત્યારે પણ દેશનો ઝડપી આર્થિક વિકાસ ચાલુ રહ્યો. વડાપ્રધાન સાતોની સરકારે 1967માં બૉનિન ટાપુઓ તથા 1972માં રિયુક્યુ યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી પાછા મેળવ્યા. અણુશસ્ત્રો વિરુદ્ધની જાપાનની નીતિ જાળવી રાખવા માટે સાતોને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. સાતો પછી તનાકા કાકુઈ વડાપ્રધાન બન્યા. તેમણે ચીનના પાટનગર પેકિંગની રાજકીય મુલાકાત લીધી અને જાપાનની ચીન પ્રત્યેની અગાઉની નીતિ બદલી. તેમના ઉપર 1974માં આર્થિક કૌભાંડનો આરોપ મૂકવામાં આવતાં તેમણે રાજીનામું આપવું પડ્યું.

છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન નીચે પ્રમાણે વડાપ્રધાનો થયા :

(1) 1989 : મોબુરુ તાકેશિતા, (2) 1989 : સૌસુકે ઊનો, (3) 1989–91 : તોશિકી કાઈફુ, (4) 1991–93 : કિચી મિયાઝાવા, (5) 1993–94 : મોરિહિરો હોસોકાવા અને (6) 1994–: તોમિઈચી મુરાયામા.

રાષ્ટ્રના વડાના પદે 1989થી રાજા આકિહિતો છે.

1992માં જાપાનમાં દેશનું સૌથી મોટું રાજકીય કૌભાંડ જાહેર થયું. તેમાં અગાઉના ત્રણ વડાપ્રધાનો અને બે કૅબિનેટના પ્રધાનો સહિત જાપાનની સંસદ(ડાયેટ)ના 130 સભ્યો સંડોવાયા હતા. તેમાંનો એક લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીનો ઉપ-પ્રમુખ શીન કાનેમારુ દેશનો ઘણો પ્રભાવશાળી નેતા હતો. તેણે લોકોના અતિશય દબાણને વશ થઈને પક્ષના ઉપ-પ્રમુખપદેથી અને સંસદના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું. તેણે 4 મિલિયન યુ.એસ. ડૉલરની લાંચ લીધાનો સ્વીકાર કર્યો.

લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટી જાપાનના રાજકારણમાં છેલ્લાં 40 વર્ષથી પ્રભાવશાળી હતી. જાપાનની સંસદ (Diet)ના વધુ સત્તાધીશ નીચલા ગૃહમાં તેની બહુમતી હતી; અને તેનો નેતા વડોપ્રધાન બનતો હતો. 1992માં જાપાનનો આર્થિક વિકાસ ધીમો પડ્યો. તેમ છતાં યુ. એસ. ડૉલર સામે જાપાનના યેનનું મૂલ્ય ઊંચું હતું; અને ત્યાં બેકારી માત્ર 2 ટકા જેટલી હતી. 1992માં થયેલી ચૂંટણીમાં લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીને બહુમતી મળી નહિ. તેણે બીજા પક્ષોની મદદથી સરકાર રચી પણ તે લાંબી ટકી નહિ. તેમાં ભંગાણ પડ્યું અને વડાપ્રધાન મિયાઝાવાએ રાજીનામું આપ્યું. તે પછી ડાયેટે (જાપાનની સંસદે) સાત પક્ષોની સંયુક્ત સરકારના વડા તરીકે મોરીહીરો હોસોકાવાને વડાપ્રધાન ચૂંટ્યો.

યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની જાપાને માગણી કરી. રશિયાના પ્રમુખ બોરિસ યેલ્તસીને ઑક્ટોબર 1993માં જાપાનની મુલાકાત લીધી. આ દરમિયાન રશિયાએ બીજા વિશ્વયુદ્ધ પછી કબજે કરેલ જાપાનના ચાર કુરીલ ટાપુઓ પાછા મેળવવામાં  જાપાનને સફળતા મળી નહિ. એપ્રિલ, 1994માં હોસોકાવાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું અને તેનો વિદેશમંત્રી સુતોસુહાતા વડાપ્રધાન બન્યો. તેણે જૂનમાં રાજીનામું આપ્યું અને સમાજવાદી તોમીચી મુરાયમા વડોપ્રધાન બન્યો. વિદેશો સાથેના વેપારમાં જાપાનની વિદેશોમાંથી ખરીદી કરતાં તેનું વિદેશોમાં વેચાણ ત્રણગણું હતું. અમેરિકામાં જાપાનની મોટરો અને તેની એસેસરીનું વેચાણ ઘણું વધારે હતું. 1995માં જાપાને કેટલીક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 17 જાન્યુઆરીની સવારે જાપાનના ઔદ્યોગિક શહેર અને ઘણા મહત્વના બંદર કોબ પાસે 6.8ના રિક્ટર સ્કેલ(મૅગ્નિટ્યુડ)નો ધરતીકંપ થયો. તેમાં 56,000 મકાનો નાશ પામ્યાં કે તેમને નુકસાન પહોંચ્યું અને પાંચ હજારથી વધારે લોકો મરણ પામ્યા. તેની પુનર્રચના માટે યુ.એસ. ડૉલર 120 મિલિયનનો ખર્ચ થવાનો અંદાજ હતો. ભૂકંપને લીધે ત્રણ લાખ માણસો ઘરવિહોણા થઈ ગયાં હતાં.

20 માર્ચ, 1995ના રોજ ટોકિયોની સબ-વે સિસ્ટમ (અન્ડર ગ્રાઉન્ડ રેલવે)માં નર્વ ગૅસ પ્રસરવાને કારણે 12 લોકો મરણ પામ્યા અને 5500થી વધારે લોકોને હાનિ પહોંચી. પાંચ સબ-વે ટ્રેનમાં આવો ગૅસ છોડવામાં આવ્યો હતો. આ ગુના માટે પોલીસે કટ્ટર ધાર્મિક સંપ્રદાય ઓમ શિનરીકિયોના નેતા શોકો અસાહારા અને તેના 40 અનુયાયીઓની 16 મેના રોજ ધરપકડ કરી. આ વર્ષે આર્થિક વિકાસ નબળો રહ્યો. બેકારી વધીને 3.2 ટકા થઈ, જે જાપાનમાં વધારે ગણાય. નિશાન મોટર કંપનીએ એક કારખાનું બંધ કર્યું. એક વ્યાપારી બૅંક બંધ થઈ. ભાવો નીચા ગયા.

રિયુતારો હાશિમોતો 7 નવેમ્બર 1996ના રોજ ફરી વાર વડાપ્રધાન ચૂંટાયો. જુલાઈ 1996માં ખોરાકમાં ઝેરી બેક્ટેરિયા આપવાથી 11 લોકો મરણ પામ્યા અને બીજા 9400ને તેની હાનિકારક અસર થઈ.

અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને એપ્રિલ 1996માં જાપાનની મુલાકાત લીધી અને બંને દેશો વચ્ચેના સંબંધો સુધર્યા. આ વર્ષે દેશની આર્થિક સમસ્યાઓ ચાલુ રહી. મિલકતોની કિંમતોમાં ઘટાડો થયો. નાણાં સંસ્થાઓએ ધિરાણ કરેલ યુ. એસ. ડૉલર 200 બિલિયન માંડી વાળવા પડ્યા. એટલી જ રકમ વસૂલ થયા વગરની લોન બાકી રહી.

1997માં રિયુતારો હાશિમોતોની વડાપ્રધાન તરીકેની બીજી મુદત શરૂ થઈ. 5 સપ્ટેમ્બર, 1997ના રોજ જાપાનની સંસદના નીચલા ગૃહમાં તેના રૂઢિચુસ્ત લિબરલ ડેમૉક્રૅટિક પક્ષે બહુમતી મેળવી. તેણે કેટલાક નાના પક્ષોના ચૂંટાયેલા સભ્યોને પોતાના પક્ષમાં ખેંચી લીધા અને બહુમતી મેળવી હતી. 24 સપ્ટેમ્બર, 1997ના રોજ જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ 1960ના જાપાનીસ-અમેરિકન સલામતી કરારનો નવા માર્ગદર્શક નિયમો મુજબ અમલ કરવા કબૂલ થયા. 1997માં જાપાનને ચીન અને તાઇવાન સાથે સંઘર્ષ થવાની શક્યતા હતી. સંસદે એપ્રિલ 1997માં યુનાઇટેડ સ્ટેટ્સને લશ્કરી મથકો માટે જમીન આપવા માટેનો ખરડો પસાર કર્યો. આ ખરડા મુજબ મથકો માટેની જમીનના પટા વિસ્તારવામાં આવ્યા. આ વર્ષે જાપાનમાં મિલકતોના ભાવ 1970ની તુલનામાં આશરે 20 ગણા વધ્યા.

સંસદના ઉપલા ગૃહની ચૂંટણીમાં સત્તાધારી લિબરલ ડેમૉક્રૅટિક પક્ષે બેઠકો ગુમાવ્યા પછી, 13 જુલાઈ, 1998ના રોજ રિયુતારો હાશિમોતોએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું. કીઝો ઓબુચી 25 જુલાઈના દિવસે લિબરલ ડેમૉક્રૅટિક પક્ષનો પ્રમુખ અને 30 જુલાઈના રોજ જાપાનનો વડાપ્રધાન ચૂંટાયો. તેણે કિચી મિયાઝાવાને નાણામંત્રી નીમ્યો. મિયાઝાવા અગાઉ 1986થી 1988 સુધી નાણામંત્રી અને 1991થી 1993 સુધી વડોપ્રધાન હતો. તે આંતરરાષ્ટ્રીય આર્થિક મંત્રણા કરવામાં નિષ્ણાત હતો. ઓબુચીની સરકારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બકોએ અબજો ડૉલરનું કરેલું ધિરાણ વસૂલ થતું નહોતું. બેકારીમાં વધારો, કંપનીઓની નાદારીમાં વધારો, શેર બજારમાં ધરખમ મંદી, રાષ્ટ્રીય ચલણના મૂલ્યમાં ઘટાડો વગેરે જાપાનની આર્થિક સમસ્યાઓ હતી.

26 એપ્રિલ, 2001ના રોજ સત્તાધારી લિબરલ ડેમૉક્રૅટિક પક્ષે જુનીચીરો કોઈઝુબીને વડાપ્રધાન પસંદ કર્યો. તે યોશીરો મોરીનો અનુગામી બન્યો. નવો વડાપ્રધાન ઝડપથી લોકપ્રિય બન્યો; પરંતુ આર્થિક સમસ્યાઓ ચાલુ રહેવાથી તેની લોકપ્રિયતા ઘટી. તેણે જાપાનની પ્રખ્યાત મહિલા રાજનીતિજ્ઞ મકીકોતનાકાને વિદેશમંત્રી નીમી. જુલાઈ 2001માં થયેલ ચૂંટણી પછી સરકારે અગાઉના 12 મહિના દરમિયાન થયેલ ઔદ્યોગિક ઉત્પાદનના આંકડામાં દર્શાવ્યું કે જાપાનીસ કંપનીઓ ચીનમાં મજૂરી સસ્તી હોવાથી, ત્યાં ગઈ હતી. તેથી જાપાનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો થયો હતો. આ આંકડા પ્રગટ થયા તે દિવસે શેરબજાર છેલ્લાં 16 વર્ષમાં સૌથી નીચું ગયું. નિકાસમાં ઘટાડો થયો. અર્થતંત્ર પુનર્જીવિત કરવા સરકારે બજેટમાં લગભગ 7.5 અબજ (બિલિયન) ડૉલરનો કાપ મૂક્યો. સપ્ટેમ્બરમાં જાપાનમાં બેકારી 5.3 ટકા પર પહોંચી, જે બીજા  વિશ્વયુદ્ધ પછી સૌથી વધારે હતી. 2002ના વર્ષમાં જાપાનમાં, બેકારી, ભાવોમાં પુષ્કળ ઘટાડો તથા બૅંકોની વસૂલ ન થતી અબજો ડૉલરની લોનની સમસ્યાઓ હતી. વિશ્વમાં બીજા ક્રમાંકનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા જાપાનમાં મંદી પ્રસરી.

વડાપ્રધાન કોઈઝુમીએ જાપાનની ભ્રષ્ટ રાજકીય પદ્ધતિ સુધારવાની, જાહેર ખર્ચ ઘટાડવાની અને બૅંક-ઉદ્યોગમાં સુધારા કરવાની 2003માં પ્રતિજ્ઞા લીધી. તેને લીધે તેને લોકોનો અને રાજકીય ટેકો મળ્યો. બૅંકોએ વસૂલ ન થતાં ધિરાણો (NPA) (Loans) માંડી વાળ્યાં અને ખર્ચમાં કાપ મૂક્યો. 2003ના વર્ષમાં જાપાનમાં ખૂન, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં 17 ટકા જેટલો વધારો થયો હતો. નિષ્ણાતોએ જણાવ્યું કે લાંબા સમયની આર્થિક મંદીને કારણે ગુનાખોરીમાં વધારો થયો હતો. 2004માં જાપાને યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદ(Security Council)માં કાયમી બેઠક મેળવવાના પ્રયાસો ઘનિષ્ઠ કર્યા. આ વર્ષે જાપાનની વસ્તીની સરાસરી વય ઔદ્યોગિક જગતમાં સૌથી વધારે હતી અને તેમાં ઝડપથી વધારો થતો હતો.

સપ્ટેમ્બર 2005માં વડાપ્રધાન જુનીચીરો કોઈઝુમીએ સંસદના નીચલા ગૃહમાં પોતાના લિબરલ ડેમૉક્રૅટિક પક્ષને વિજય અપાવ્યો. આ પક્ષે જાપાનમાં સતત આશરે 50 વર્ષ સુધી શાસન કર્યું હતું. સપ્ટેમ્બર 2006માં જાપાનની સંસદે શિન્ઝો એબને વડાપ્રધાન ચૂંટ્યો અને કોઈઝુમીએ વડાપ્રધાનનો હોદ્દો છોડ્યો. એબ લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીનો પ્રમુખ પણ હતો. એબ 52 વર્ષનો હતો. તે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી નાની વયનો વડોપ્રધાન હતો. તે જાપાનના શિક્ષણમાં દેશભક્તિનો સમાવેશ કરવાનો આગ્રહ રાખતો હતો. જાપાનનું બંધારણ, બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાનો કબજો હતો તે દરમિયાન ઘડાયું હતું. તેમાં લશ્કરી દળોના ઉપયોગ પર પ્રતિબંધ હતો. એબ આ બંધારણ બદલવા માગતો હતો; પરંતુ તેમાં તે સફળ થયો નહિ. ઈ. સ. 2007માં તેના પ્રધાનમંડળના કેટલાક સભ્યો, તેમનાં નિવેદનોને કારણે ટીકાપાત્ર બન્યા. જાપાનની 29 જુલાઈ 2007ની ચૂંટણીમાં ઉપલા ગૃહમાં વડાપ્રધાન શિન્ઝો એબના પક્ષ – લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીને ઘણી ઓછી બેઠકો મળી. નીચલા ગૃહ જેટલું ઉપલા ગૃહનું મહત્વ નહોતું. છતાં પરંપરા મુજબ તેણે 12 સપ્ટેમ્બર, 2007ના રોજ રાજીનામું આપ્યું. તેના પક્ષે નવા નેતા તરીકે યાસુઓ ફુકુડાને ચૂંટ્યો. તે 25 સપ્ટેમ્બર, 2007ના રોજ જાપાનનો વડોપ્રધાન બન્યો. અગાઉ વડાપ્રધાન કોઈઝુમીએ શરૂ કરેલા આર્થિક અને સામાજિક સુધારા આગળ વધારવાનું તેણે જાહેર કર્યું. 71 વર્ષનો ફુકુડા અનુભવી રાજનીતિજ્ઞ હતો અને સ્થિર સરકાર આપશે તેવી આશા લોકોને હતી. તેના પિતા ટાકેઓ ફુકુડા 1976થી 1978 દરમિયાન જાપાનના વડાપ્રધાન હતા. યાસુઓએ પ્રધાનમંડળના મુખ્ય સચિવ તરીકે ઘણાં  વર્ષો સેવા આપી હતી અને મે 2004માં રાજીનામું આપ્યું હતું.

16 જુલાઈ, 2007ના રોજ જાપાનના વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) કિનારે 6.8 મૅગ્નિટ્યૂડનો ધરતીકંપ થયો. તેમાં 10 માણસો માર્યા ગયા અને વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને ઘણું નુકસાન થયું.

1 સપ્ટેમ્બર, 2008ના રોજ વડાપ્રધાન ફુકુડાએ રાજીનામું આપ્યું. ઉપલા ગૃહમાં તેના પક્ષની બહુમતી નહોતી. તેથી ડેમૉક્રૅટિક પાર્ટી ઑફ જાપાનના સભ્યો તેનાં કાર્યોમાં વારંવાર તકલીફો કરતા હતા. તેને પોતાના પક્ષ લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીમાં પણ ઘણી બાબતોનો સામનો કરવો પડતો હોવાથી તેણે રાજીનામું આપ્યું. 24 સપ્ટેમ્બર, 2008ના રોજ તારો આસો જાપાનનો, બે વર્ષમાં ચોથો વડોપ્રધાન બન્યો. અગાઉની બે સરકારોમાં તેણે વિદેશ મંત્રી તરીકે સેવાઓ આપી હતી. તેનો પુરોગામી યાસુઓ ફુકુડા હેઠળ પક્ષના મહામંત્રીના મહત્ત્વના હોદ્દા પર તેણે કામ કર્યું હતું.

જાપાનનું અર્થતંત્ર 2008ની શરૂઆતમાં ધીમું પડ્યું. તે પછી વડાપ્રધાન આસોએ વિશ્વવ્યાપી નાણાકીય કટોકટીનો સામનો કરવો પડ્યો. આર્થિક વિકાસ ક્ષીણ થયો. આયાતોમાં ખનીજ તેલના ભાવો વધ્યા. બેકારી વધવા લાગી. દેશનું દેવું વધ્યું. અધિકારીઓએ જાહેર કર્યું કે જાપાનમાં મંદી પ્રસરી છે. ઔદ્યોગિક વિકાસ ખૂબ ઘટ્યો. ઑગસ્ટ, 2009માં થયેલી ચૂંટણીમાં 54 વર્ષ સુધી સત્તા પર રહેલી લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીને ડેમૉક્રૅટિક પાર્ટી ઑવ્ જાપાને હાર આપી. વડાપ્રધાન તારો આસોએ સત્તા છોડવી પડી અને 16 સપ્ટેમ્બર 2009ના રોજ યુકીઓ હાતોથામા વડોપ્રધાન બન્યો. તેણે ઓકાડાને વિદેશીમંત્રી નીમ્યો. વૈશ્વિક મંદીની ઘણી વધારે અસર જાપાનમાં થઈ હતી. મહામંદીની અસર જાપાનની મોટી કંપનીઓ ઉપર પણ થઈ અને કેટલીક કંપનીઓએ કરોડો યેનની ખોટ કરી. 13 અને 14 નવેમ્બર 2009માં અમેરિકાના પ્રમુખ ઓબામાએ જાપાનની મુલાકાત લીધી.

જયકુમાર ર. શુક્લ

જાપાનનું રાજકારણ

જાપાન પ્રાચીનતા અને અર્વાચીનતાનો અદભુત સંગમ છે. જાપાનવાસીઓએ પ્રાચીનતાની સાથે સાથે આધુનિકીકરણને અપનાવેલ છે. ઓછી ભૂમિની સરખામણીમાં વધુ વસ્તી એ જાપાનની રાષ્ટ્રીય પરિસ્થિતિનું એક અગત્યનું પાસું છે. જાપાનની રાજકીય વિચારધારા તથા રાજકારણ બંનેમાં પ્રાચીનતા અને અર્વાચીનતાનો સમન્વય થયેલો જણાય છે. જાપાનના રાજકીય વિચારોમાં જુદાં જુદાં તત્વો–પરિબળોનો મેળ થયેલો માલૂમ પડે છે. તેના રાજકીય વિચારો પર બૌદ્ધ કોન્ફ્યૂશિયાઈ શિન્ટો અને ખ્રિસ્તી ધર્મની અસર જોઈ શકાય છે. જોકે છેલ્લાં થોડાં વર્ષોથી જાપાનમાં વિવિધ પ્રકારના રાજકીય વાદોનો પ્રભાવ વધતો રહેલો માલૂમ પડે છે. સૌથી ધ્યાન ખેંચતી બાબત એ છે કે જાપાનીઓ સમાજ અને રાજ્ય વચ્ચે કોઈ પ્રકારનો ભેદ સ્વીકારતા નથી. તે બંને જાણે એક જ છે તેમ તેઓ માને છે. રાજ્યના કાર્યક્ષેત્રને તેઓ વ્યાપક અને અસીમિત ગણે છે અને રાજ્યવાદમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. આથી જ જાપાન વ્યક્તિવાદી રાષ્ટ્ર કરતાં રાજ્યવાદી રાષ્ટ્ર તરીકેની છાપ ધરાવે છે. જાપાનીઓ સામાજિક સંગઠનો માટે કુટુંબને નમૂનારૂપ ગણે છે. સામાન્ય રીતે પોતાનાથી મોટી વ્યક્તિઓ પ્રત્યે આદર અને નિષ્ઠા ધરાવે છે અને તેમના આદેશોનું પાલન કરે છે. જાપાનમાં અધિકાર ધરાવનાર વ્યક્તિને ‘ઓયાબૂન’ અને અધીન વ્યક્તિને ‘કોબૂન’ કહેવામાં આવે છે. એથી જાપાનમાં અધિકારી અને અધીનના સંબંધને ‘ઓયાબૂન-કોબૂન’ સંબંધ કહે છે. રાજકીય ક્ષેત્રે પણ આ ભાવનાની વ્યાપક પ્રમાણમાં અસર પડેલી જણાય છે. તેવી જ રીતે જાપાનના રાજકીય જીવનમાં રાજા-સમ્રાટનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. ત્યાં સમ્રાટને સૂર્યનો અવતાર – દૈવી અવતાર માનવામાં આવે છે અને જાપાનીઓ સમ્રાટની ઈશ્વરની માફક પૂજા કરે છે.

જાપાનના રાજકીય જીવનમાં હિંસા-યુદ્ધની પરંપરા જોવા મળે છે. જાપાનમાં શરૂઆતમાં સામંતશાહી લડવાવાળો વર્ગ પોતાના શૌર્ય પર જીવતો હતો. જોકે મૈજી યુગની શરૂઆત થતાં આ વર્ગનો અંત આવ્યો. પણ તે વર્ગની હિંસા–લડાઈની પરંપરાઓ તો ચાલુ રહી. બીજી તરફ સામ્યવાદી વિચારધારાનો પ્રભાવ પણ જાપાનમાં ઠીકઠીક વધતો રહ્યો. ત્રીજી તરફ રાજકારણમાં ભ્રષ્ટાચાર અને હિંસા પણ વધતાં રહ્યાં. ટૂંકમાં લડાઈ, હિંસા, ભ્રષ્ટાચાર, આતંકવાદ એ પણ જાપાનમાં રાજકીય જીવનનું એક અગત્યનું પરિબળ છે. જાપાનના શાસનનો આધાર ધર્મ પર પણ રહેલો જણાય છે. શિન્ટો ધર્મ એ ત્યાંનો પ્રાચીન રાજધર્મ. 1947 સુધી રાજધર્મ તરીકે તે ચાલુ રહ્યો. જાપાનના લોકોમાં પ્રબળ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળે છે તેની પાછળનું મુખ્ય પરિબળ આ શિન્ટો ધર્મ અને તેની પરંપરાઓ છે. 1947ના બંધારણ દ્વારા જાપાનીઓને ધાર્મિક સ્વાતંત્ર્યનો હક મળ્યો છે. સમગ્ર રીતે જાપાનનું રાજકીય જીવન વિવિધ પ્રકારની રાજકીય વિચારધારાઓથી ઘડાયેલું છે; તેમાં રાજાશાહી, પૈતૃક સિદ્ધાંત, રાષ્ટ્રવાદ–રાજ્યવાદ, હિંસા–યુદ્ધવાદની પરંપરાઓ વગેરેનો સમાવેશ કરી શકાય.

જાપાનની સંસ્કૃતિ, વૈભવ-વારસો, પરંપરાઓ જૂની છે, તો બીજી બાજુ વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, કમ્પ્યૂટરયુગ વગેરેમાં જાપાનની પ્રગતિ અદભુત છે. વિજ્ઞાન, ઔદ્યોગિક ક્ષેત્રે તથા કમ્પ્યૂટર જેવી ટૅક્નૉલૉજી ક્ષેત્રે જાપાન ઘણું જ આગળ છે. જાપાનમાં રાષ્ટ્રીયતાનો વિકાસ પણ ખૂબ જ થયો છે. ઉગ્ર રાષ્ટ્રવાદ અને વિસ્તારવાદી નીતિ એ જાપાનનાં અગત્યનાં લક્ષણો છે.

જાપાને તેનું પ્રથમ બંધારણ 1889માં તૈયાર કર્યું. હાલ ત્યાં બંધારણીય રાજાશાહી (constitutional monarchy) પ્રકારની શાસનપદ્ધતિ અસ્તિત્વમાં છે. સંસદનાં બે ગૃહો છે : (1) 511 સભ્યો ધરાવતું પ્રતિનિધિ ગૃહ (House of Representatives) તથા (2) 252 સભ્યો ધરાવતું ઉપલું ગૃહ (House of Councillors). દેશના પ્રધાનમંત્રીની વરણી સંસદ (diet) દ્વારા કરવામાં આવે છે.

જાપાનની રાજ્યવ્યવસ્થા વિશિષ્ટ પ્રકારની છે. રાજા રાજ્યનો વડો ખરો પણ તે માત્ર નામ પૂરતો જ, એટલે કે માત્ર બંધારણીય વડો. હકીકતમાં બધી જ સત્તા પ્રધાનમંડળની પાસે છે. જાપાનમાં લોકશાહી અને રાજાશાહી વ્યવસ્થાનું મિશ્રણ થયેલું છે. છેક 1890માં જાપાનની ડાયેટ(સંસદ)ની સ્થાપના કરવામાં આવી. એશિયાના દેશોમાં જૂનામાં જૂની સંસદીય વ્યવસ્થા જાપાનની છે. જાપાનની શાસનવ્યવસ્થા પર એકંદરે જર્મની, ફ્રાન્સ, અમેરિકા અને ચીનનો પ્રભાવ પડેલો જોવા મળે છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધ પહેલાં જાપાન ઉપર જર્મની-ફ્રાંસનો પ્રભાવ હતો, તો બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર બાદ અમેરિકાનો સૌથી વધુ પ્રભાવ રહેલો જોવા મળે છે. ખરેખર તો જાપાનના હાલના બંધારણને અસ્તિત્વમાં લાવવામાં મિત્રરાષ્ટ્રોના એક વખતના અમેરિકન સેનાધિપતિ જનરલ મેકઆર્થરનો બહુ મોટો ફાળો છે.

જાપાનના રાજકારણ પર લગભગ પાંચ સૈકા સુધી શક્તિશાળી ફ્યુજીવારા વંશનું વર્ચસ્ રહ્યું હતું. પણ સમય જતાં તે વંશ શિથિલ, નિર્બળ અને ભ્રષ્ટ બન્યો. પરિણામે 12મી સદીની શરૂઆતમાં જ તેનું પતન થયું હતું. આ વંશના શાસન દરમિયાન રાજકીય સંગઠન-વ્યવસ્થા જંગલી અને ટોળાશાહીપ્રધાન હતી. રાજા તો માત્ર નામ પૂરતો જ હતો જ્યારે સાચી અને વાસ્તવિક સત્તા ટોળીઓના સરદારોના હાથમાં હતી. આ સરદારોએ કેન્દ્રીય સરકારને નબળી બનાવી દીધી જેને પરિણામે સામંતશાહી રાજ્યપ્રથાનો ઉદભવ થયો જે જાપાનની રાજકીય પ્રથાનો બીજો અગત્યનો તબક્કો હતો. આ તબક્કા દરમિયાન શોગુન શાસનવ્યવસ્થાની શરૂઆત થઈ જે પ્રથા હેઠળ એક શક્તિશાળી કુટુંબનો પ્રતિનિધિ શોગુન તરીકે દેશ પર શાસન કરતો હતો. શરૂઆતમાં લશ્કરી બળ દ્વારા સત્તા પ્રાપ્ત કરવામાં આવી પણ સમય જતાં આ પ્રથા પણ વારસાગત બની અને માત્ર દેખાવ ખાતર જ રાજા શોગુનની નિમણૂક કરતો હતો. 1867માં આ શાસનવ્યવસ્થાનો પણ અંત આવ્યો અને રાજાએ ફરીથી વાસ્તવિક સત્તા પ્રાપ્ત કરી જેને રાજાશાહીની પુન:સ્થાપના તરીકે ઓળખવામાં આવે છે. તેને પરિણામે સામંતશાહી વ્યવસ્થાનો અંત આવ્યો અને મેઈજી બંધારણ લાગુ કરવામાં આવ્યું; જે 1889થી છેક 1947 સુધી  અમલમાં રહ્યું અને તે પ્રમાણે જાપાનનું શાસનતંત્ર ચાલ્યું. આ શાસનતંત્રની અસર જાપાનના સામાજિક, રાજકીય, આર્થિક વગેરે ફલકો ઉપર પડી. ખાસ કરીને રાજકીય અસર એવી પડી કે સદીઓ જૂની સામંતશાહી શાસનપ્રથાનો અંત આવ્યો. તમામ રાજકીય સત્તા રાજાના હાથમાં આવી અને જાપાનની શાસનવ્યવસ્થાને એક નવી દિશા મળી. પરિણામે જાપાને પશ્ચિમની વિકાસ પામેલી સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા અપનાવી.

1941માં જાપાને અમેરિકાના પર્લ હાર્બર પર હુમલો કરતાં અમેરિકા વિધિસર રીતે મિત્ર રાષ્ટ્રો વતી બીજા વિશ્વયુદ્ધ (1939-45)માં જોડાયું. 1945માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર ઍટમબૉમ્બ ફેંકી અકલ્પિત હિંસાનો માર્ગ લીધો. એથી જાપાને 14 ઑગસ્ટ, 1945ના રોજ બિનશરતી શરણાગતિ સ્વીકારી. મિત્રરાષ્ટ્રોના લશ્કરે જાપાનનો કબજો લીધો. અમેરિકાના જનરલ ડગ્લાસ મૅકઆર્થર સર્વોચ્ચ સેનાધિપતિ નિમાયા જેમની હકૂમત હેઠળ જાપાનનું શાસન (1945-52) ચાલ્યું.

આ પ્રક્રિયા દરમિયાન 3મે, 1947થી જાપાનમાં લોકશાહી બંધારણ સ્વીકારાયું, તે હેઠળ જાપાનની સરકારમાં આમૂલ પરિવર્તન આવ્યું. સમ્રાટ હીરોહીટોએ તેના દૈવત્વના દાવાને પડતો મૂક્યો અને તે બંધારણીય અને પ્રતીકાત્મક રાજા બન્યા. તેમની વિશાળ સત્તાઓ માત્ર નામની બની અને તેઓ પ્રજાની ઇચ્છાથી હોદ્દો અને સાર્વભૌમત્વ ધરાવે છે તે વિભાવના સ્પષ્ટ બની. શાસનની સત્તા સમ્રાટ પાસેથી પ્રજાના હાથમાં આવી. જાપાને સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો અને પ્રજાકીય સાર્વભૌમત્વ ઘોષિત કરાયું. નાગરિકોને વાણી, ધર્મ, પ્રેસ અને સંગઠનો રચવાનાં તથા એકઠા થવાના સ્વાતંત્ર્યના અધિકારો પ્રાપ્ત થયા. પુખ્તવય-મતાધિકારનો સ્વીકાર થતાં 20 વર્ષથી વધુ વયની મહિલાઓ સહિત તમામ નાગરિકોને મતાધિકાર મળ્યો.

તેની ધારાસભા ‘ડાયેટ’ નામથી ઓળખાય છે. તે બે ગૃહો ધરાવે છે. ઉપલું ગૃહ હાઉસ ઑવ્ કાઉન્સિલર્સ 252 સભ્યોનું બનેલું હોય છે. તેમાં 100 સભ્યો સમગ્ર દેશમાંથી અને 152 સભ્યો તેના 47 રાજકીય વિભાગો, જે પ્રીફેટર્સ તરીકે જાણીતા છે તેમાંથી પસંદ થાય છે. નીચલું ગૃહ હાઉસ ઑવ્ રિપ્રેઝન્ટેટિબ્ઝ હોય છે, જેમાં કુલ 512 સભ્યો હોય છે. તેઓ 4 વર્ષ માટે પ્રજા દ્વારા પુખ્તવયમતાધિકારથી ચૂંટાય છે. તેના મતદાર-વિભાગો ઇલેકટોરલ ડિસ્ટ્રિક્ટસ તરીકે ઓળખાય છે.

તેની કારોબારીના નેતા તરીકે વડાપ્રધાન હોય છે, ડાયેટના નીચલાગૃહની બહુમતી મેળવનાર રાજકીય પક્ષના નેતા વડાપ્રધાન બને છે. વડાપ્રધાનની મદદ માટે કૅબિનેટ હોય છે, જેના સભ્યો વડાપ્રધાન નીમે છે. કૅબિનેટના અડધા સભ્યો ડાયેટમાંથી આવતા હોવા જોઈએ. આમ વડાપ્રધાન અને તેમની કૅબિનેટ રાજકીય કારોબારી તરીકે કામ કરે છે. દેશના વહીવટી ક્ષેત્રે નીતિઓ ઘડવાનું અને તેનો અમલ કરાવવાનું કામ કારોબારી કરે છે.

ન્યાયતંત્રના ક્ષેત્રે સર્વોચ્ચ અદાલત આખરી અદાલત છે. કોઈ પણ સંઘર્ષ, મુકદ્દમો કે ઝઘડાની બંધારણીય તપાસ તથા તે અંગે અંતિમ અને આખરી નિર્ણય લેવાની બંધારણીય સત્તા તે ધરાવે છે. એક મુખ્ય ન્યાયમૂર્તિ અને 14 અન્ય ન્યાયમૂર્તિઓ એમ કુલ 15 ન્યાયમૂર્તિઓથી તે રચાય છે. મુખ્ય ન્યાયમૂર્તિની પસંદગી કૅબિનેટ કરે છે અને સમ્રાટ તેમની નિમણૂક કરે છે. સર્વોચ્ચ અદાલત ઉપરાંત 8 પ્રાદેશિક વડી અદાલતો, 50 જિલ્લાઅદાલતો અને અસંખ્ય સમરી કોર્ટ્સ જે તે કક્ષાએ કામ કરે છે. ઘરેલુ ઝઘડાઓના કિસ્સાઓ માટે કૌટુંબિક અદાલતો (ફૅમિલી કોર્ટ્સ) પણ કામ કરે છે.

આ દેશ સંસદીય લોકશાહી ધરાવતો હોવાને કારણે અનેક રાજકીય પક્ષો ત્યાં અસ્તિત્વમાં છે. લિબરલ ડેમૉક્રેટિક પક્ષ (LDP) રૂઢિચુસ્ત વલણો ધરાવતો ત્યાંનો સૌથી સફળ પક્ષ છે. 1955થી 2009 સુધી લગભગ સતત 54 વર્ષ સુધી તે બહુમતીમાં રહ્યો છે. અલબત્ત, 2009માં તેણે સત્તાનાં સૂત્રો છોડવાં પડ્યાં હતાં. 2009માં ડેમૉક્રૅટિક પાર્ટી ઑવ્ જાપાન (DPJ) નીચલા ગૃહની 480માંથી 300 બેઠકો પર વિજેતા બનતાં ઘણા લાંબા ગાળા પછી લિબરલ ડેમૉક્રૅટિક પક્ષ સિવાયના અન્ય પક્ષને સત્તા પર આવવાની તક મળી છે. જાપાનના રાજકારણના અભ્યાસીઓએ આ પરિવર્તનને ‘લોકશાહીના પુનર્જન્મ’ તરીકે ઓળખાવ્યું છે. યુકીઓ હટોમાયા આ નવી સરકારના વડાપ્રધાન છે. તેઓ જાપાનના 60મા વડાપ્રધાન છે. જાપાન સોશ્યાલિસ્ટ પાર્ટી દેશનો મુખ્ય વિરોધ પક્ષ રહ્યો છે. ઉપરાંત કોમિયતો ડેમૉક્રૅટિક સોશ્યાલિસ્ટ પાર્ટી, જાપાન કૉમ્યુનિસ્ટ પાર્ટી જેવા અન્ય પક્ષો પણ મેદાનમાં છે.

દેશ તરીકે જાપાનને અન્ય દેશ સાથે યુદ્ધ લડવાનો અધિકાર નથી. આથી તેનાં ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ માત્ર જાપાનના સ્વરક્ષણાર્થે કામ કરે છે અને તે માન્ય સૈન્ય ગણાય છે.

વાસ્તવમાં 1990ના પ્રારંભે સંખ્યાબંધ ભ્રષ્ટાચારનાં કૌભાંડો ખૂલતાં જાપાનનું રાજકારણ ડામાડોળ થવા લાગ્યું. લિબરલ ડેમૉક્રૅટિક પાર્ટીમાં ભાગલા પડ્યા. 1994માં પ્રમાણસર પ્રતિનિધિત્વની નવી ચૂંટણી-પદ્ધતિ દાખલ કરવામાં આવી. ટોમીચી મુરાયામા જાપાનના સૌપ્રથમ સમાજવાદી વડાપ્રધાન બન્યા. 1996માં તેમના સ્થાને રયુટારો હાશિમોટો વડાપ્રધાન બન્યા. 1998ની દક્ષિણ એશિયાની આર્થિક કટોકટીથી જાપાન પણ પ્રભાવિત થતાં હાશિમોટોને રાજીનામું આપવું પડ્યું. તે પછી કેઇઝો ઓબુચિ વડાપ્રધાન બન્યા. વર્ષ 2000માં તેમના અવસાનને કારણે યોશિરોમોરી આ પદે આવ્યા પણ જાપાનનું અર્થતંત્ર તેઓ યોગ્ય રીતે સંભાળી ન શકતાં 2001માં જુનિચીરો કોઈઝુમી વડાપ્રધાન બન્યા. વિશ્વરાજકારણમાં જાપાનનો રાજકીય પ્રભાવ સીમિત છે. તે રાષ્ટ્રસંઘનો સભ્ય દેશ હોવા છતાં વિશ્વરાજકારણના ક્ષેત્રે ઉદાસીન છે. 1995ના પ્રારંભે બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી તેણે પહેલી જ વાર રાષ્ટ્રસંઘના ધ્વજ હેઠળ તેની સૈનિક ટુકડીઓને અન્ય દેશોમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ રૂપે મોકલી હતી. આમ 1995થી તેની વિશ્વરાજકારણથી અળગા રહેવાની નીતિમાં પરિવર્તન જોવા મળે છે.

 ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા

રક્ષા મ. વ્યાસ