જાની, હિંમતરામ મહાશંકર

January, 2012

જાની, હિંમતરામ મહાશંકર (જ. 22 ઑક્ટોબર 1913, ઘડકણ, જિ. સાબરકાંઠા; અ. 6 જાન્યુઆરી 1996, અમદાવાદ) : જ્યોતિષના પ્રસિદ્ધ વિદ્વાન. પિતા સારા ઉપાસક અને શિક્ષક. ગુજરાતી શાળાંત પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી તેમણે ગુજરાતી શાળામાં થોડોક વખત અધ્યાપન કર્યું. પણ ઉત્કટ વિદ્યાભિલાષાને લીધે નોકરી છોડી તે 1932માં કાશી ગયા. ત્યાં બાર વર્ષ રહી સિદ્ધાંત જ્યોતિષ અને ખગોળજ્યોતિષ વિષયની આચાર્ય પદવી પ્રાપ્ત કરી. તે સાથે વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, આયુર્વેદ અને આગમશાસ્ત્રનું પણ અધ્યયન કર્યું. 1944માં  અમદાવાદમાં સ્થિર થયા. બુહુશ્રુતતાને લીધે વિદ્વત્સમાજમાં તેમને સારી પ્રતિષ્ઠા મળી. અહીં તેમણે જ્યોતિષ વિષયના જાતકચંદ્રિકા, લઘુપારાશરી, તાજિક નીલકંઠી અને અન્ય કેટલાક ગ્રંથોનું વિવરણ કર્યું, જેને સારો આદર મળ્યો. વળી, સસ્તું સાહિત્ય વગેરે સંસ્થાઓને તેમણે પંચાંગ તૈયાર કરી આપ્યાં. એમનાં પંચાંગો ગણિતશુદ્ધ અને ધર્મશાસ્ત્રીય ચોકસાઈવાળાં રહ્યાં છે. અમદાવાદની વેધશાળામાં તેમણે હરિહર ભટ્ટ સાથે કામ કર્યું. પછી વેધશાળામાં પ્રાચીન વિભાગના નિયામક પણ થયા. પ્રાચીન જ્યોતિષના વેદાંગ ગ્રંથ ‘ઋગજ્યોતિષ’નું અધ્યયન આરંભ્યું. આ ગ્રંથ ઘણા અશુદ્ધ પાઠવાળો હતો. થિબો, બાર્હસ્પત્ય, સુધાકર દ્વિવેદી વગેરે પ્રૌઢ વિદ્વાનોએ આ ગ્રંથ પર કામ કરેલું પણ અધૂરું છોડી દેવું પડેલું. જાનીએ પૂરા ગ્રંથની પાઠશુદ્ધિ કરી તેનું સંસ્કૃતમાં વિવરણ કર્યું અને મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિભાગમાંથી આ ગ્રંથના સંશોધનાત્મક પાઠ પર પ્રબંધ લખી ‘વાચસ્પતિ’ (Ph.D.) પદવી મેળવી. વળી તેમણે દુર્લભ એવી વૃદ્ધ ગર્ગસંહિતાની પોથી મેળવીને તેનું પણ અધ્યયન કરી પ્રાચીન જ્યોતિષ વિશેના અર્વાચીનોના કેટલાક મતોનું નિરસન કર્યું. ઈ. પૂ. 1000થી ઈ. 500 સુધીનાં વર્ષો દરમિયાન થયેલા અને ઇતિહાસમાં ન નોંધાયેલા મહત્વના વિદ્વાનો અને તેમના પ્રદાનનો વૃત્તાંત આપ્યો. ‘વેદાંગ જ્યોતિષ’ પરનું તેમનું સંસ્કૃત વિવરણ ભારતીય જ્યોતિષમાં ઘણું મહત્વનું પ્રદાન છે.

હિંમતરામ મહાશંકર જાની

અંબાજી તીર્થના સંસ્કૃત વિદ્યાલયના આચાર્યપદે તેમણે આપેલી સેવા બદલ ભારત સરકારે તેમને ‘સંસ્કૃતના ઉત્તમ અધ્યાપક’ તરીકે પુરસ્કાર્યા.

નટવરલાલ યાજ્ઞિક