ગોખલે, અરવિંદ (જ. 19 ફેબ્રુઆરી 1919, ઇસ્લામપુર; અ. 24 ઑક્ટોબર 1992, પુણે) : મરાઠી નવલિકાલેખક. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. દિલ્હીના ઇમ્પીરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સાઇકોજેનેટિક્સ વિષય સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા પછી એમ.એસસી. માટે ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ મેળવી. એ અમેરિકાની વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં ગયા. અમેરિકાથી આવી પુણેના કૃષિ-વિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા તથા ત્યાં 1943થી 1963 સુધી કાર્ય કર્યું.

તેમની વાર્તાઓનો અન્ય ભારતીય ભાષાઓ તથા કેટલીક વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી મરાઠી વાર્તાસાહિત્યમાં જે નવી પ્રયોગશીલ વાર્તાઓનો ઉદય થયો તેમાં અરવિંદ ગોખલેનું પ્રદાન મહત્વનું છે. એમની વાર્તાઓ વ્યક્તિકેન્દ્રી છે. તેમાં પાત્રોની આંતરચેતનાનો પરિચય કરાવી તેનું વિશ્લેષણ થયેલું છે. એમાં પુરુષ કરતાં સ્ત્રીપાત્રો વધારે તેજસ્વી તથા વિદ્રોહી દર્શાવાયાં છે.

એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘નઝરાણા’ 1944માં પ્રગટ થયો. એ સંગ્રહે જ એમને પ્રથમ કોટિના વાર્તાકાર તરીકે સ્થાપિત કર્યા. એમના અન્ય વાર્તાસંગ્રહો ‘મોહર’ (1949), ‘કાતરવેળ’ (1958), ‘મિથિલા’ (1959), ‘શુભા’ (1960), ‘અનામિકા’ (1961), ‘રિક્તા’ (1973), ઉપરાંત ‘દેશાંતર’, ‘અનય’, ‘ગહિરે’ અને ‘મંત્રમુગ્ધા’. 1958 તથા 1960માં એમને મહારાષ્ટ્ર રાજ્યનાં પારિતોષિકો મળેલાં. એશિયા-આફ્રિકાની ટૂંકી વાર્તાની સ્પર્ધામાં એમને ‘ગંધવાર્તા’ માટે એન્કાઉન્ટર લંડન તરફથી દ્વિતીય પારિતોષિક મળેલું. એ દર વર્ષે વર્ષની શ્રેષ્ઠ મરાઠી વાર્તાઓની એક પુસ્તિકા પ્રગટ કરતા રહેતા. એમણે પાકિસ્તાન તથા બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી ત્યાંની શ્રેષ્ઠ વાર્તાઓનો મરાઠી અનુવાદ પ્રગટ કર્યો છે.

ભારતીય ઉપખંડની જુદી જુદી ભાષાઓમાં લખાયેલી વાર્તાઓનો તુલનાત્મક સંશોધન-અભ્યાસ હાથ ધરવા માટે ભારત સરકારે તેમને ફેલોશિપ આપી હતી.

ઉત્કૃષ્ટ અહિંદી વાર્તાકારનો બિહાર સરકારનો ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો.

કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની એમરેટસ ફેલોશિપ તેમને એનાયત થઈ હતી. સાહિત્યક્ષેત્રે ઉત્કૃષ્ટ કારકિર્દી બદલ 1990માં તેમને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદનું પારિતોષિક આપવામાં આવ્યું હતું.

1963 પછીના ગાળામાં ધરમસી મોરારજી કેમિકલ્સ કંપનીના સલાહકાર તરીકે તેમણે સેવાઓ આપી હતી.

લલિતા મિરજકર