ગોખલે, ગોપાળ કૃષ્ણ

February, 2011

ગોખલે, ગોપાળ કૃષ્ણ (જ. 9 મે 1866, કાતલુક, રત્નાગિરિ; અ. 19 ફેબ્રુઆરી 1915, પૂણે) : ભારતના રાષ્ટ્રીય આંદોલનના અગ્રગણ્ય નેતા, માનવતાવાદી, રાજકારણમાં તેઓ મવાળ પક્ષના ગણાતા હતા. અગ્રણી સમાજસુધારક, નિર્ભીક પત્રકાર તથા ગાંધીજીએ જેમને રાજકીય ગુરુ ગણેલા એવા નેતા. વિવિધ સંસ્થાઓના સ્થાપક. ચિત્પાવન બ્રાહ્મણ. તેમના પિતા કૃષ્ણરાવ શ્રીધર અને માતા સત્યભામા હતાં. આર્થિક કારણોને લીધે પિતાના મૃત્યુ પછી મોટા ભાઈએ પોતાના શિક્ષણને ભોગે ગોપાળ કૃષ્ણને ભણાવ્યા. 1881માં કોલ્હાપુરમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે યુનિવર્સિટી શિક્ષણ કોલ્હાપુરની રાજારામ કૉલેજ, પુણેની ડેક્કન કૉલેજ તેમજ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં લીધું. 1884માં તેઓ બી.એ. થયા પછી મુંબઈની લૉ કૉલેજમાં જોડાયા; પરંતુ કાયદાનો અભ્યાસ અધૂરો છોડ્યો.

ગોપાળ કૃષ્ણ ગોખલે

સ્નાતક થયા પછી ગોપાળ કૃષ્ણ પુણેની ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં જોડાયા અને તેના આજીવન સભ્ય બન્યા. 1885માં ફર્ગ્યુસન કૉલેજ સ્થપાતાં ત્યાં અંગ્રેજી સાહિત્ય અને ગણિતના અધ્યાપક બન્યા. 1902માં ત્યાંથી નિવૃત્ત થયા.

રાજકીય વિચારોમાં ગોખલે ન્યાયમૂર્તિ રાનડેને પોતાના ગુરુ માનતા હતા. તેમના પર દાદાભાઈ નવરોજી તથા ફિરોઝશાહ મહેતાની અસર પણ વિશેષ હતી.

1889માં ગોખલે હિંદી રાષ્ટ્રીય મહાસભાના સભ્ય થયા. 1890માં તેઓ પુણેની સાર્વજનિક સભાના માનાર્હ મંત્રી બન્યા. 1893માં તે બૉમ્બે પ્રોવિન્શિયલ કૉન્ફરન્સના મંત્રી હતા અને 1895માં ટિળક સાથે હિંદી રાષ્ટ્રીય મહાસભાના સંયુક્ત મંત્રી બન્યા. 1897માં તેઓ વેલ્બી કમિશન તરીકે જાણીતા રૉયલ કમિશનમાં ભાગ લેવા દખ્ખણના પ્રતિનિધિ તરીકે પ્રથમ વાર ઇંગ્લૅન્ડ ગયા. 1898માં પ્લેગ સંકટનિવારણના કાર્યમાં આગળ પડતો ભાગ લીધો. 1899માં મુંબઈ પ્રાંતની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા. 1902માં કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાયા. તેમણે સરકારની આર્થિક અને નાણાકીય નીતિની કડક ટીકા કરી. 12 જૂન, 1905ને દિવસે તેમણે ભારત સેવક સમાજની સ્થાપના કરી અને એ જ વર્ષે હિંદી રાષ્ટ્રીય મહાસભાના (બનારસ અધિવેશનમાં) તેઓ પ્રમુખ બન્યા. ઉપરાંત, પુણે મ્યુનિસિપાલિટીના પણ તેઓ પ્રમુખ બન્યા હતા.

1907માં સૂરતમાં કૉંગ્રેસના ભાગલા વખતે તેઓ મવાળ પક્ષના નેતા હતા. 1908માં ચોથી વાર ઇંગ્લૅન્ડ ગયા. (આ અગાઉ 1897, 1905 તથા 1906માં ઇંગ્લૅન્ડ ગયા હતા.) તેમના પ્રયાસથી મોર્લે-મિન્ટો સુધારા જાહેર થયા. 1910માં તેમણે નાતાલમાં ગિરમીટિયા મોકલવા ઉપર પ્રતિબંધ મૂકતો ઠરાવ કેન્દ્રીય ધારાસભામાં રજૂ કર્યો હતો. 1912માં પાંચમી વાર ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી અને ત્યાંથી હિંદીઓને થતા અન્યાયની તપાસ માટે દક્ષિણ આફ્રિકા ગયા અને ગાંધીજીની લડતને ટેકો આપ્યો. 1913માં તે છઠ્ઠી વાર ઇંગ્લૅન્ડ ગયા અને દક્ષિણ આફ્રિકાની લડત માટે ફાળો એકઠો કરવાનું કામ ઉપાડ્યું. 1913ની જેમ 1914માં પણ જાહેર સેવા આયોગ અંગેના કામ માટે સાતમી વાર ઇંગ્લૅન્ડ ગયા. દક્ષિણ આફ્રિકામાં ગાંધી-સ્મટ્સ સમાધાન પછી ગાંધીજી ઇંગ્લૅન્ડમાં ગોખલેને મળ્યા. આ સમય દરમિયાન મવાળ અને જહાલ જૂથો વચ્ચે સમાધાન કરવામાં ગોખલે નિષ્ફળ ગયા. તેમના મૃત્યુ પહેલાં 1915માં ગાંધીજી પુણેમાં તેમને મળવા આવ્યા હતા.

રાષ્ટ્રીય આંદોલનની પ્રવૃત્તિ ઉપરાંત, ગોખલેએ સમાજસુધારાની પ્રવૃત્તિ પણ આદરી હતી. તેમણે જ્ઞાતિપ્રથાનો વિરોધ કર્યો હતો. તેઓ કન્યાકેળવણી તથા મહિલામુક્તિના હિમાયતી હતા. પત્રકાર તરીકે તેમણે 1886થી લોકમાન્ય ટિળકપ્રણીત ‘મરાઠા’માં લેખો લખવાની શરૂઆત કરી હતી. 1888માં આગરકરે ‘સુધારક’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેમાં અંગ્રેજી વિભાગનું ગોખલેએ સંપાદન કર્યું. 1887થી 1896 સુધી પુણે સાર્વજનિક સભાના મુખપત્ર ‘ક્વૉર્ટર્લી’ના તંત્રી હતા. 1895માં તેમણે ‘રાષ્ટ્રસભા સમાચાર’ નામનું નવું સામયિક શરૂ કર્યું. કેળવણીકાર તરીકે તેમણે પાશ્ચાત્ય કેળવણીની હિમાયત કરી હતી. તેમ છતાં, તેઓ માતૃભાષામાં શિક્ષણ આપવાની તરફેણમાં હતા. તેમણે ઔદ્યોગિક તથા ટૅક્નિકલ શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. સ્વદેશી ભાવનાના પુરસ્કર્તા તરીકે તેમણે બ્રિટિશ શાસનની આર્થિક નીતિની ઝાટકણી કાઢી. તેમણે ખેડૂતો માટે સહકારી ધિરાણ મંડળીની સ્થાપના માટેની ઝુંબેશ શરૂ કરી. રવીન્દ્રનાથ ઠાકુરની કવિતા સમજવા માટે તેઓ બંગાળી શીખ્યા હતા.

લગભગ ત્રણ દાયકા સુધી (1885–1911) ગોખલે હિંદના જાહેર જીવનના મહત્વના અગ્રણી હતા. બંધારણીય અભિગમ અને સમાધાનની નીતિ દ્વારા તેમણે બ્રિટિશ રાષ્ટ્રસમૂહમાં હિંદને સ્વાયત્ત રાષ્ટ્ર તરીકે સ્થાન મળે તે માટે અથાક પ્રયાસ કર્યા. લોકમાન્ય ટિળકને એમની સાથે મતભેદો હોવા છતાં ટિળકે તેમને અંજલિ આપતાં કહ્યું હતું કે ગોખલે ‘હિંદનો હીરો, મહારાષ્ટ્રનું રત્ન અને કર્તૃત્વશાળી નરવીર’ હતા. ગાંધીજીએ તેમને પોતાના રાજકીય ગુરુ માન્યા હતા. હિંદના જાહેરજીવનના સ્તરને ઊંચો રાખવા તેમણે અવિરત પુરુષાર્થ કર્યો હતો. જાહેરજીવન અને રાજકારણ આ બંનેના આધ્યાત્મિકીકરણના તેઓ પ્રખર પુરસ્કર્તા હતા.

ઘણા વિદ્વાનોએ તેમનું ચરિત્ર લખ્યું છે; પરંતુ તેમાં ચાર ચરિત્રગ્રંથો વિશેષ ઉલ્લેખનીય છે. બી. આર. નંદા દ્વારા અંગ્રેજીમાં લખેલ ચરિત્ર, તે પૂર્વે જી. એ. નટેશન દ્વારા લિખિત ચરિત્ર, દ્વારકાદાસ લિખિત મરાઠી ચરિત્ર અને 2005માં પ્રકાશિત પત્રકાર ગોવિંદ તલવળકર દ્વારા લિખિત ચરિત્ર.

માત્ર પચાસ વર્ષના ટૂંકા જીવનકાળમાં આટલું વૈવિધ્યપૂર્ણ અને નિષ્કલંક જીવન જીવી દિગંત કીર્તિ મેળવનાર ગોપાળ કૃષ્ણ ગોખલે જેવા નેતાઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા ઓછા છે. તેમનું જીવન પ્રજાના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પિત હતું એવી શ્રદ્ધાંજલિ મહાત્મા ગાંધીએ તેમને આપી હતી.

ર. લ. રાવલ