ગંગાધર : મહંમદ બેગડાના સમકાલીન કર્ણાટકના કવિ અને નાટ્યકાર. આ લેખકની ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ નાટક (1449) અને ‘માંડલિક મહાકાવ્ય’ એ બે કૃતિઓ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની છે. તેમણે ગુજરાતના સુલતાનના દરબારની અને જૂનાગઢના રા’માંડલિકના દરબારની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની તે સૂચક છે.

ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના સુલતાન મુહંમદશાહ 2જા વચ્ચેની લડાઈ અને મુહંમદની પીછેહઠનું વર્ણન કરતું નવ અંકવાળું નાટક ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ ચાંપાનેરના મહાકાલીના મંદિરના સભાગૃહમાં ભજવાયું હતું. સંસ્કૃત નાટક પંદરમી સદીમાં ભજવાય તે સંસ્કૃત ભાષા હજી જીવંત હતી તેમ સૂચવે છે. આ નાટકને ભજવનારા કલાકારો પણ કર્ણાટકથી આવ્યા હતા. સલ્તનતકાળ દરમિયાન હિંદુઓના સામાજિક જીવનની કેટલીક વિગતો તેમાંથી મળે છે. 30 શ્લોકોમાં ચાંપાનેરનું વર્ણન નોંધપાત્ર છે.

ગંગાધરે જૂનાગઢના રાજાના દરબારની મુલાકાત લઈને રા’માંડલિકના જીવનનો ચિતાર આપતું દસ સર્ગોવાળું ‘મંડલિક મહાકાવ્ય’ લખ્યું હતું. મહંમદ બેગડાએ જૂનાગઢ જીત્યું તે પહેલાં આ કાવ્ય લખાયું છે. કવિ ગંગાધરે આ કાવ્યમાં માંડલિકના પૂર્વજોની વંશાવળી આપી છે. આ ઉપરાંત બીજા રાજવંશોની પણ તેમાં થોડી વિગત છે. માંડલિકની રાણીઓ અને અન્ય નોંધપાત્ર વ્યક્તિઓની પણ આ કાવ્યમાં વિગત છે. આમ આ ગ્રંથોમાંથી સલ્તનતકાળના સમકાલીન ઇતિહાસનું કલ્પનામિશ્રિત પ્રસંગો સાથેનું વિવરણ મળે છે.

શિવપ્રસાદ રાજગોર