ક્ષહરાત વંશ : ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોનો આરંભ કરનાર વંશ. ભારતના પશ્ચિમ ભાગ ઉપર તથા ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક પ્રદેશ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. પશ્ચિમી ક્ષત્રપોમાં પ્રાય: ભિન્ન ભિન્ન છ વંશો હતા. તેમાં પહેલું કુળ (વંશ) ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના શાસનનો સમય આશરે ઈ. સ. 23થી 398 સુધીનો ગણાય. ક્ષહરાત વંશના બે રાજાઓ ભૂમક અને નહપાને આશરે 56 વર્ષ રાજ્ય કર્યું હતું. ભૂમકને લગતી માહિતી માત્ર એના સિક્કાલેખોમાંથી જ મળે છે. નહપાનની માહિતી એના સિક્કાલેખો, શિલાલેખો અને અનુકાલીન સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ છે. એના સિક્કાઓ સમયનિર્દેશ વિનાના છે અને એના પિતાના નામનો પણ ઉલ્લેખ નથી. ભૂમક નહપાનનો પુરોગામી હતો એમ જણાય છે. ભૂમકના સિક્કાઓ ગુજરાત, માળવા, અજમેર વગેરે સ્થળોએથી પ્રાપ્ત થયા છે. તેથી એની સત્તા તે પ્રદેશ પર હોઈ શકે. ‘પેરિપ્લસ’માં નામ્બનુસ રાજાનો ઉલ્લેખ છે તે નહપાન છે એમ ઘણાખરા વિદ્વાનો માને છે. નહપાનના સંદર્ભમાં રાજા, ક્ષત્રપ, મહાક્ષત્રપ, અને સ્વામી – એ ચાર બિરુદો ઉપલબ્ધ થાય છે. તેને ઈસુની પહેલી સદીના ત્રીજા કે ચોથા ચરણમાં મૂકી શકાય. તેની રાજધાની ઉજ્જન, ભરૂચ, મીનનગર અને ગોવર્ધનમાંથી કયા નગરમાં હતી તે સ્પષ્ટ થતું નથી. તેના રાજ્યની સીમા ઉત્તરમાં અજમેર, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર, પૂર્વમાં માળવા તથા દક્ષિણમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર કોંકણ તથા અહમદનગર, નાસિક અને પુણે જિલ્લાઓ સુધી હોવાનું સંભવે છે. નહપાન આ વંશનો છેલ્લો રાજા હતો અને એના અંત સાથે આ વંશનો અંત આવ્યો. સાતવાહન વંશના ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાત વંશનો નાશ કર્યો હતો.

રસેશ જમીનદાર

જયકુમાર ર. શુક્લ