ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર)

January, 2010

ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર) : ક્ષરણ અને ક્ષણનની પ્રક્રિયા. ‘तत् क्षरणात् क्षणनाद् वा क्षार:’ – ધાતુઓનું ક્ષરણ અને ક્ષણન કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષરણ એટલે દુષ્ટ માંસ વગેરેના તેમજ દોષોના અવરોધોને દૂર કરવા તે. ત્વચા, માંસ વગેરે ધાતુઓનો નાશ કરે છે માટે તેને ક્ષાર કહે છે.

ક્ષારમાં ત્રિદોષઘ્ન, દાહક, પાચક, દારણ, વિલયન, શોધન, રોપણ, શોષક, સ્તંભન અને લેખન વગેરે અનેક ગુણો રહેલા છે.

આ ક્ષારના મુખ્ય બે ભેદ છે – (1) પાનીય ક્ષાર અને (2) પ્રતિસારણીય ક્ષાર. જે ક્ષાર અંત: પરિમાર્જન માટે ઉપયોગમાં લેવાય તેને પાનીય ક્ષાર કહે છે. આ પ્રકારના ક્ષાર મુખ દ્વારા આપવામાં આવે છે. બાહ્ય પરિમાર્જન માટે વપરાતો ક્ષાર પ્રતિસારણીય ક્ષાર કહેવાય છે જે શરીરના બાહ્ય ભાગ પર લગાવવામાં આવે છે. આ પ્રતિસારણીય ક્ષારના બીજા ત્રણ ભેદ પડે છે : (1) મૃદુ ક્ષાર, (2) મધ્યમ ક્ષાર અને (3) તીક્ષ્ણ ક્ષાર.

ક્ષાર કેવી રીતે બને છે ? : પ્રતિસારણીય ક્ષાર બનાવવો હોય તો શરદઋતુમાં પવિત્ર દિવસે પર્વતાળ પ્રદેશની પ્રશસ્ત ભૂમિ હોય ત્યાં ઉત્પન્ન થયેલાં કૃમિ, વિષ, અગ્નિ અને વાયુ વગેરેથી દૂષિત ન હોય તેવાં પરિપૂર્ણ વીર્યવાળાં પલાશ (ખાખરાનું) વૃક્ષ પસંદ કરીને બીજે દિવસે ઉત્તમ મુહૂર્તમાં તે વૃક્ષનાં અંગપ્રત્યંગ કાપીને નિર્વાતસ્થાનમાં એકત્રિત કરવામાં આવે છે. ત્યાર બાદ ચૂનાના ટુકડા સાથે તેને ભેળવીને તલ, કપાસ વગેરે વનસ્પતિનાં ઝાંખરાંથી બાળી નાખવામાં આવે છે. અગ્નિ શાંત થાય ત્યારે ભસ્મ અને ચૂનાના ટુકડા અલગ અલગ પાત્રમાં એકત્રિત કરી લેવાય છે.

ઉપરના વર્ણન મુજબ કુટજ, શાલ, લીમડો, બહેડાં, ગરમાળો, લોધ્ર, આકડો, થોર, અપામાર્ગ, કરંજ, કેળ, ચિત્રક, અર્જુન, દેવદારુ વગેરેનાં મૂળ, પત્ર, ફળ અને શાખા સહિત બાળીને ભસ્મ બનાવવામાં આવે છે.

આ રીતે તૈયાર થયેલી ભસ્મને એક ઘડામાં છગણા પાણીમાં અગર ગૌમૂત્રમાં બરાબર મેળવી ક્ષારીય જળને એકવીસ વખત વસ્ત્રથી ગાળી લેવાય છે. ત્યાર બાદ એ ક્ષારજળને એક મોટી કઢાઈમાં નાખીને ચૂલા પર મૂકી ધીમા તાપે પકાવાય છે. પકાવતી વખતે સતત કડછીથી હલાવતા રહેવું પડે છે. સ્વચ્છ, લાલ, તીક્ષ્ણ (ઉગ્રગંધી) અને ચીકણો પદાર્થ બને ત્યારે ચૂલા પરથી ઉતારી લઈ જાડા વસ્ત્રથી તેને ગાળી લેવાય છે. તે ગાળીને તૈયાર થયેલ દ્રવ્યને ફરીથી ચૂલા પર ચડાવવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ઘન સ્વરૂપને ક્ષાર કહેવામાં આવે છે. પ્રકાર અને પક્વભેદથી તે ઉપર મુજબ મૃદુ, મધ્યમ અને તીક્ષ્ણ ક્ષાર બને છે.

રોગ અને રોગીનાં બળ અનુસાર તીક્ષ્ણ, મધ્યમ અને મૃદુ ક્ષારનો પ્રયોગ કરવામાં આવે છે. વાતજ, કફજ અને મેદજ અર્બુદ વગેરે વિકારોમાં તીક્ષ્ણ ક્ષારનો પ્રયોગ કરવામાં આવે છે. અર્બુદ વગેરે વિકારો મધ્યમ બળના હોય તો મધ્યમ ક્ષારનો પ્રયોગ કરવામાં આવે છે. પૈત્તિક અને રક્તજ અર્શવિકારોમાં મૃદુ ક્ષાર વપરાય છે. પાનીય ક્ષાર માટે બહુ તીક્ષ્ણતાની જરૂર હોતી નથી. પાનીય ક્ષાર મૃદુ હોય છે.

ક્ષારકર્મથી રોગમુક્તિ : પ્રતિસારણીય ક્ષાર અર્શ-ભગંદર, અર્બુદ, નાડીવ્રણ, ચર્મકીલ, કૃમિદંશ, વિષ વગેરે વિકારોમાં વપરાય છે. આ ઉપરાંત દંતરોગ અને કંઠરોહિણીમાં એટલે કે મુખરોગોમાં પણ ક્ષાર લગાવવામાં આવે છે. જ્યારે પાનીય ક્ષાર ખાસ કરીને ગુલ્મ, ઉદરરોગ, અર્જીણ, અરુચિ, અશ્મરી (પથરી), વિદ્રધિ અને અર્શવિકારમાં ઉપયોગી છે.

ક્ષારકર્મ કોને કરવું ? : ગર્ભિણી, રજસ્વલા, બાળક, વૃદ્ધ, દુર્બળ અને ડરપોક વ્યક્તિને તેમજ શોથયુક્ત જલોદર, રક્તપિત્ત, તીવ્રજ્વર, પ્રમેહ અને ઉર:ક્ષતથી પીડાતી વ્યક્તિ, ક્ષીણ વ્યક્તિ, તૃષાર્ત, મૂર્છિત, ક્લીબ તેમજ જે સ્ત્રીનું ગર્ભાશય ઉપર કે નીચે ધસી ગયું હોય આટલી વ્યક્તિઓને ક્ષારકર્મ કદાપિ કરી શકાતું નથી.

આ ઉપરાંત મર્મ – શિરા – સ્નાયુસંધિ તરુણાસ્થિ, સિવની, ધમની, ગળું, નાભિ, નખ, શિશ્નની અંદર સ્રોતોમાં, તેમજ વર્ત્મરોગ સિવાયના નેત્રરોગોમાં ક્ષારનો પ્રયોગ થતો નથી.

ઉત્તમ ક્ષાર : જે બહુ તીક્ષ્ણ ન હોય, બહુ મૃદુ ન હોય, જે શ્વેતવર્ણનો હોય, શ્લક્ષ્ણ કે પિચ્છિલ હોય, શીઘ્ર પ્રભાવ બતાવનારો હોય, સૌમ્ય અને અલ્પ પીડા આપનારો હોય તે ઉત્તમ ક્ષાર કહેવાય છે.

ક્ષારપ્રશંસા : શસ્ત્ર અને અનુશસ્ત્ર કરતાં ક્ષારને સર્વોત્તમ શ્રેષ્ઠતા આપવામાં આવી છે કારણ કે ક્ષારકર્મથી છેદનભેદન અને લેખનકાર્ય શરીરના વિકટ સ્થાનમાં પણ કરી શકાય છે.

ક્ષારસૂત્ર : ક્ષારસૂત્ર એ એક જાતનો દવાવાળો દોરો છે, જે આયુર્વેદીય ઔષધોથી ભાવિત કરવામાં આવે છે. મુખ્યત્વે દવામાં થોરનું દૂધ, અઘેડાનો કે કેળનો ક્ષાર અને હરિદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં સૌપ્રથમ દોરાને થોરના દૂધથી ભાવિત કરવામાં આવે છે. દોરા પર એક વાર થોરનું દૂધ લગાવીને પછી તેને સુકાવા દેવાની ક્રિયાને આયુર્વેદમાં ભાવના કહે છે. આ રીતે થોરના દૂધથી જ 9 વાર દોરાને ભાવિત કરવામાં આવે છે. ત્યાર પછી અઘેડા કે કેળના ક્ષાર દ્વારા એ દોરાને 6 વાર ભાવના આપવામાં આવે છે અને સૌથી છેલ્લે એને હરિદ્રા દ્વારા 3 વાર એમ કરીને કુલ 18 વાર એ દોરાને ભાવિત કરવામાં આવે છે. આ રીતે ક્ષારસૂત્રમાં નિર્દોષ અને દોરાને જંતુનાશક દ્રવ્યો વડે ઔષધયુક્ત કરવામાં આવે છે. આમ દોરાને સંપૂર્ણ જીવાણુમુક્ત કરવામાં આવતાં એને ક્ષારસૂત્ર કહે છે.

આ રીતે તૈયાર કરેલ ક્ષારસૂત્રનો ઉપયોગ મસા અને ભગંદર બંને રોગોમાં થાય છે. મસામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં મસાને એકદમ તેના મૂળ પાસેથી પકડી લઈને પછી ક્ષારસૂત્ર દ્વારા બાંધી દેવામાં આવે છે અને પછી તેમાં મસાનો જે આખો ભાગ હોય તે ‘નેક્રોસ’ થઈ સાતથી આઠ દિવસમાં પડી જાય છે અને બાકીના નાના ઘા મલમપટ્ટાથી રુઝાઈ જાય છે.

ભગંદરમાં આવી રીતનું ક્ષારસૂત્ર ભગંદરવાળા માર્ગમાંથી પસાર કરવામાં આવે છે. આ દોરો એમાં પ્રયોજાતાં તેની ઔષધિ ચારે બાજુ ફેલાય છે. ભગંદરમાર્ગની આજુબાજુ સ્નાયુમાં જે ચેપ લાગે છે તેને આ દોરાની દવા બહાર કાઢી નાખે છે અને એ રીતે સાફ થયેલો એ માર્ગ આખો ધીમે ધીમે રુઝાઈ જાય છે. આ રીતની ક્ષારસૂત્રની પ્રક્રિયામાં ભગંદર કપાય છે અને એ ધીમે ધીમે રુઝાય છે એટલે કે કપાવાની અને રુઝાવાની ક્રિયા બંને સાથે જ થાય છે. ફરીથી ભગંદર થવાનો કોઈ જ અવકાશ રહેતો નથી. વળી તે માટે હૉસ્પિટલમાં દાખલ થવાની પણ કોઈ જ જરૂર હોતી નથી. આ રીતે ભગંદર કોઈ પણ જાતની મુશ્કેલી વગર મટી જાય છે. આ રીતે ક્ષારસૂત્રના ઉપયોગથી મસા, ભગંદર જેવા ખૂબ જ ભયાનક રોગ પર પણ સારો કાબૂ મેળવી શકાય છે.

ઈન્દુભાઈ દવે