કોબીજ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુસિફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. capitata Linn. f. (હિં. બંદ-ગોબી, પટાગોભી; બં. બંધકાપી, કોપી; ગુ. કોબીજ; મ. કોબી; ક. યેલેકોસુ; મલા. મુટ્ટાકોસે; તા. મુટ્ટાઈકોસે; તે. આલુગોબી, કેબેજ; અં. કૅબેજ) છે. કોબીજ વર્ગના પાકોમાં કોબીજ, કૉલીફ્લાવર અને નોલકોલ અગત્યના અને જાણીતા પાકો છે. ભારતમાં કૉલીફ્લાવરના પાક કરતાં કોબીજનો પાક પોર્ટુગીઝો દ્વારા વહેલો દાખલ થયેલ છે. મુઘલ સામ્રાજ્યના સમયથી તેનું વાવેતર શરૂ થયેલ છે. જોકે કોબીજનો પાક બ્રિટિશ અમલ દરમિયાન વધારે જાણીતો થયેલ છે.

સ્વરૂપ : તે નાની, નીચી, દ્વિવર્ષાયુ (biennial) શાકીય વનસ્પતિ છે અને મધ્યસમુદ્રીય પ્રદેશની મૂલનિવાસી છે. તેનું પ્રકાંડ ટૂંકું, મજબૂત અને સાદું હોય છે. પર્ણો નીલાભ (glaucous) હોય છે. મૂળપર્ણો (radical leaves) ખરી પડે છે. સ્તંભીય (cauline) પર્ણો મોટાં, ઘણુંખરું 30 સેમી. પહોળાં, કેટલીક વાર 60 સેમી. સુધી પહોળાં, લંબચોરસ-પ્રતિ અંડાકાર(oblong-obovate)થી માંડી વર્તુલાકાર, નાનાં હોય તો તલપ્રદેશેથી ખંડિત, નીચેનાં પર્ણો વીણાકાર (lyrate), લીસાં કે કરચલીઓવાળાં, સાદાં, એકાંતરિક અને અનુપપર્ણીય (exstipulate) હોય છે. વનસ્પતિસૃષ્ટિમાં તેની અગ્રકલિકા સૌથી મોટી ગણાય છે. તે ઘટ્ટ, ગોળાકાર, ચપટી કે શંકુ આકારની, લીલી-સફેદ કે ભાગ્યે જ લાલ રંગની હોય છે. પુષ્પનિર્માણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થાય છે. પુષ્પો પીળા રંગનાં હોય છે અને કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ કૂટપટી (silique) પ્રકારનું હોય છે.

કોબીજનો છોડ

વાવેતર : કોબીજનું વાવેતર આશરે 4000-8000 વર્ષથી થાય છે. યુરોપમાં તે ઈ.પૂ. 2500 વર્ષથી ઉગાડવામાં આવતી હતી. હાલની સંવર્ધિત કોબીજ વન્ય દડાવિહીન સ્વરૂપમાંથી ઉદભવી હોવાનું માનવામાં આવે છે. આ વન્ય સ્વરૂપ પશ્ચિમ યુરોપ અને ભૂમધ્ય સમુદ્રના ઉત્તરના કિનારાનું મૂલનિવાસી હતું. હાલમાં તે નિમ્ન-ભૂમિવાળા ઉષ્ણકટિબંધ સહિત સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે. સમગ્ર ભારતની શિયાળાની તે સૌથી લોકપ્રિય શાકભાજી છે.

કોબીજ અને કૉલીફ્લાવરનું વાવેતર ભારતનાં બધાં રાજ્યોમાં થાય છે. જોકે બિહાર, છિંદવાડા (મધ્યપ્રદેશ), સિમલા અને નાસિક(મહારાષ્ટ્ર)ના પ્રદેશોમાં ઉનાળુ પાક પણ લેવામાં આવે છે.

જાતો : તેના દડાના રંગને આધારે તેનાં બે સ્વરૂપો છે : (1) alba DC. (સફેદ કોબીજ) – તેનો દડો સફેદ કે લીલા રંગનો હોય છે; અને (2) rubra (લાલ કોબીજ) – તેનો દડો લાલ રંગનો હોય છે. ભારતમાં માત્ર સફેદ કોબીજ જ વ્યાપારિક મૂલ્ય ધરાવે છે.

કોબીજની વાવવામાં આવતી જાતોમાં તેના પાનના આકાર, કદ, રંગ તેમજ દડાના કદ, આકાર, રંગ અને તેની કુમાશ કે સુંવાળાપણા મુજબ તથા દડાના પાનના બંધારણ મુજબ ઘણા પ્રકાર જોવા મળે છે. તેનું બીજ ઠંડા હવામાનમાં તૈયાર થઈ શકે છે. તેથી કાશ્મીર અને કુલુની ખીણોમાં બિયારણ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વાવેતર હેઠળની જાતોની વર્ગવાર યાદી આ પ્રમાણે છે : (1) ગોળ દડાવાળી જાતો : પ્રાઇડ ઑવ્ ઇન્ડિયા, ગોલ્ડન એકર, કૉપનહેગન માર્કેટ, (2) ચપટા દડાવાળી જાતો : પુસા ડ્રમહેડ, (3) શંકુ આકારના દડાવાળી જાતો : જર્સી વેકફિલ્ડ.

સારણી 1 : ભારતીય કોબીજની કેટલીક જાતોનાં લક્ષણો

 જાત પાકવાના

દિવસો

ઉત્પાદન

(ટન/ હે.)

લક્ષણો અને અનુકૂલનક્ષમતા

(adaptability)

 કૉપનહેગન માર્કેટ 60-80 20-25 વહેલી પાકતી જાત, દડો
ગોળ, દંડ ટૂંકો, પુષ્પનિર્માણ
માટે 280-310 દિવસ,
કોડાઈકૅનાલની ટેકરીઓમાં
ઉનાળામાં ઉગાડી શકાય.
 ગોલ્ડન એકર 60-75 25-30 વહેલી પાકતી જાત, દડા
એકસરખા, નક્કર, ગોળ,
દડાનું સરેરાશ વજન 0.75- 1.0
કિગ્રા., બીજનિર્માણ  310-340
દિવસમાં, દડાના અંદરના સફેદ
ભાગની ગુણવત્તા ઊંચી,
પંજાબ, લાહુલ ખીણ અને
કોઈમ્બતુરનાં મેદાનો માટે
યોગ્ય.
 પ્રાઇડ ઑવ્ ઇન્ડિયા 60-80 20.00 વહેલી પાકતી જાત; દડા ગોળ,
નક્કર મધ્યમ કદના, 1.0 -1.5
કિગ્રા. વજન ધરાવતા.
 પુસા ડ્રમ હેડ 110-120 25-35 મોડી પાકતી જાત, 23 કિગ્રા.
વજન, કાળા પગના રોગની
અવરોધક.

આબોહવા : આ પાક ઠંડી ઋતુ અને ભેજવાળી આબોહવામાં સૌથી સારી રીતે થાય છે. તે હિમ-સહિષ્ણુ (frost-hardy) છે, છતાં મધ્યમસરનું હિમ કોબીજની કેટલીક જાતોની સુવાસ સુધારે છે. 13o સે. – 16o સે. મૃદાના તાપમાને તેનું અંકુરણ સૌથી વધારે મળે છે. 6o સે. જેટલું નીચું તાપમાન કઠણ બનેલા રોપાઓ દ્વારા સહન થઈ શકે છે. પહાડી વિસ્તારોમાં તે ઉનાળુ પાક તરીકે ઉગાડવામાં આવે છે. પશ્ચિમી અને પૂર્વીય ભાગોના મોટા વિસ્તારોમાં જ્યાં શિયાળો મંદ રહેતો હોય ત્યાં કોબીજનું વાવેતર થાય છે. મોટાભાગની યુરોપીય જાતો આવી મંદ પરિસ્થિતિમાં સખત દડા બનાવતી નથી. તેમના મોટાભાગના દડા પોચા અને/અથવા ખુલ્લા હોય છે. તેથી ભારતમાં ખેતરોમાં થતા કોબીજના પાકનું સરેરાશ ઉત્પાદન ઓછું હોય છે. જાપાનની ઉષ્ણકટિબંધીય જાતોના વાવેતર દ્વારા ઉત્પાદનમાં સુધારણા થઈ શકે છે. આવી જાપાની જાતોમાં ‘કે-કે-ક્રૉસ’, ‘કે-વાય-ક્રૉસ’નો સમાવેશ થાય છે.

ઋતુઓ : વહેલી પાકતી જાતના બીજની વાવણી ઉત્થિત (raised) ધરુવાડિયામાં ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં અને મોડી પાકતી જાતના બીજની વાવણી સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં કરવામાં આવે છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં નવેમ્બર સુધી વાવણી કરવામાં આવે છે. પહાડી પ્રદેશોમાં બીજનું વાવેતર શાકભાજી માટે માર્ચની શરૂઆતથી જૂનના અંત સુધી અને બીજ માટે જુલાઈ-ઑગસ્ટમાં કરવામાં આવે છે. બીજને રોગરોધી (disease-resistant) બનાવવા નીચેની પૈકી કોઈ એક પદ્ધતિ અપનાવવામાં આવે છે : (1) બીજને કૉપર ઑક્સાઇડની ચિકિત્સા, (2) બીજને 2-5 મિનિટ માટે સંક્ષારક (corrosive) ઊર્ધ્વગમન જ (sublimate) (1:1000)માં ડુબાડેલાં રાખવાં, (3) સેરેસન દર 450 ગ્રા. બીજે એક ચમચો)ની ચિકિત્સા, (4) 50o સે. ગરમ પાણીમાં થોડીક મિનિટો માટે બીજને ડુબાડી રાખવાં.

મૃદા : કોબીજનો પાક વિવિધ પ્રકારની મૃદા ઉપર થઈ શકે છે. ફળદ્રૂપ, બેસર તથા સારા નિતારવાળી મધ્યમ કાળી અને સેન્દ્રિય તત્વોવાળી મૃદામાં આ પાક સારો થાય છે. ચૂનાનાં વધુ તત્વોવાળી (આલ્કેલાઇન) મૃદા કોબીજને અનુકૂળ આવે છે; પરંતુ અમ્લતાવાળી મૃદામાં કોબીજ બરાબર થતી નથી.

નાની અને વહેલી પાકતી જાતો રેતાળ મૃદામાં સારી રીતે થાય છે; જ્યારે મોટી અને મોડી પાકતી જાતો ભારે મૃદામાં વધારે સારી રીતે ઊગે છે. થોડીક આલ્કેલાઇન મૃદા ઍસિડિક મૃદા કરતાં વધારે સારી ગણવામાં આવે છે. મૃદાનો pH 6.0-6.5 શ્રેષ્ઠ ગણાય છે. ઍસિડિક મૃદાને તટસ્થ કે આલ્કેલાઇન બનાવવા ચૂનાના ક્ષારો ઉમેરવામાં આવે છે.

ચોમાસુ પાકની કાપણી બાદ ત્રણથી ચાર હળની સારી ખેડ કરી આગલા પાકનાં જડિયાં, કચરો વીણી લેવામાં આવે છે. ત્યારબાદ બે વાર કરબી, સમાર મારી જમીન તૈયાર કરવામાં આવે છે.

ખાતર : કોબીજ છીછરાં મૂળ ધરાવતો પાક છે અને નાઇટ્રોજન અને પોટાશનો મોટા જથ્થામાં ઉપયોગ કરે છે. ખેતરમાં 250 ટન/હેક્ટર મિશ્ર કે છાણિયું ખાતર આપવામાં આવે છે. ફેરરોપણી (transplanting) પહેલાં પ્રતિ હેક્ટરે 180 કિગ્રા. કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, 300 કિગ્રા. સુપર ફૉસ્ફેટ અને 85 કિગ્રા. પોટાશનો મ્યુરિયેટ આપવામાં આવે છે. ફેરરોપણી પછી ચોથા અને છઠ્ઠા અઠવાડિયે બે સરખી માત્રામાં 320 કિગ્રા. કૅલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ ખાતર પાકમાં વિખેરવામાં આવે છે. યોગ્ય ખાતર આપ્યા પછી ઊંચા તાપમાનને કારણે જો દડા ન બને તો 2 % સોડિયમ ક્લોરાઇડનો છંટકાવ પંદર દિવસને આંતરે કરવામાં આવે છે. ફૉસ્ફરસ થડના સડાની અવરોધશક્તિ વધારે છે. તેની ન્યૂનતાથી દડા મોટા બને છે. પોટૅશિયમ સ્વાદ સુધારે છે અને દડા વધારે ર્દઢ બને છે. તેની ન્યૂનતાથી ઘેરો લીલો રંગ બને છે અને દડાનું સર્જન અવરોધાય છે. યોગ્ય પ્રમાણમાં ચૂનો ઉમેરવાથી ઉત્પાદન વધે છે.

જીબરેલિક ઍસિડની કોબીજ ઉપર લાભદાયી અસર હોય છે. તેનાથી દડાનું સર્જન વહેલું થાય છે. તેનું શુષ્ક વજન અને જાડાઈ વધે છે. ‘ગોલ્ડન એકર’ અને ‘પ્રાઇડ ઑવ્ ઇન્ડિયા’ની જાતોને 2.5, 5.0, 7.5 અને 10 પી.પી.એમ. સાંદ્રતાએ જીબરેલિક ઍસિડ આપતાં અંદરનાં પર્ણોનો સ્વાદ વધારે સારો બને છે.

બીજ : સંગ્રહની સારી સ્થિતિ હેઠળ બીજની જીવનશક્તિ (viability) ચાર વર્ષ સુધી જળવાઈ રહે છે. લગભગ 285 બીજનું એક ગ્રામ વજન થાય છે. સારાં બીજ 90 % – 95 % જેટલું અંકુરણ આપે છે. વહેલી પાકતી જાત માટે 500 ગ્રા./હે. અને મોડી પાકતી જાત માટે 350-400 ગ્રા./હે. બીજનો દર છે.

ધરુઉછેર : કોબીજનાં બીજ કદમાં નાનાં હોવાથી તેનું પ્રથમ ધરુ ઉછેરી કોબીજના રોપની ખેતરમાં ફેરરોપણી કરવામાં આવે છે. તે માટે રોપણીનાં 5-6 અઠવાડિયાં અગાઉ સારી રીતે તૈયાર કરેલા ગાદી-ક્યારાઓમાં 5-10 સેમી.ના અંતરે હરોળમાં બીજ વાવવામાં આવે છે. વહેલી વાવણી માટે ધરુવાડિયામાં ઑગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન અને મોડી વાવણી માટે સપ્ટેમ્બર-ઑક્ટોબર દરમિયાન બીજ વાવી શકાય છે.

ફેરરોપણી : પાંચથી છ અઠવાડિયાં પછી ધરુનો રોપ 10.0-12.5 સેમી. ઊંચો બને ત્યારે અગાઉથી તૈયાર કરેલ અને ક્યારા બનાવેલ જમીનમાં 60 – 60 સેમી.નું અંતર રાખી ફેરરોપણી કરવાની થાય છે. કોબીજની જાત તેમજ મૃદાની ફળદ્રૂપતા મુજબ ફેરરોપણીના અંતરમાં વધ-ઘટ કરી શકાય છે. વહેલી જાત માટે બે હાર વચ્ચે 60 સેમી. અને બે છોડ વચ્ચે 30 સેમી.નું અંતર રાખવામાં આવે છે, જ્યારે મોડી જાત માટે 60-60 સેમી.નું અંતર જરૂરી હોય છે.

પિયત : કોબીજના પાકના યોગ્ય વિકાસ માટે ભેજનો પુરવઠો સતત પૂરો પાડવો જરૂરી છે. દર 12 દિવસે પિયત આપવામાં આવે છે. મોડી જાતો અને ગરમ આબોહવાની કોબીજ માટે વધારે ટૂંકા આંતરે પિયત અપાય છે. જ્યારે દડા બને ત્યારે ભારે પિયત અપાતી નથી. પિયતો વચ્ચે 2-3 વાર ખેડ કરવામાં આવે છે. ખેડાણ એટલું ઊંડું ન હોવું જોઈએ કે જેથી છીછરા મૂળતંત્રને ખલેલ પહોંચે. ફેરરોપણીનાં 5-6 અઠવાડિયાં પછી ખેડાણ કરવાથી નક્કર દડા મળે છે.

હિમાચલ પ્રદેશની લાહુલ ખીણમાં કોબીજનો ઉનાળુ પાક લાભદાયી છે. ‘ગોલ્ડન એકર’ અને ‘અર્લી ડ્રમહેડ’ની જાતો ખીણમાં સારી રીતે થઈ શકે છે. લાહુલની પરિસ્થિતિમાં 250થી 300 ક્વિન્ટલ/હે. જેટલું ઉત્પાદન મળે છે; જે મેદાનો પર મળતા ઉત્પાદન કરતાં 25 % – 40 % જેટલું વધારે હોય છે.

મૂલાંકુર (ratoon) પાક : કોબીજને મૂલાંકુર પાક તરીકે પણ ઉગાડી શકાય છે. મૂલાંકુર પાક મેળવવા મુખ્ય પાકની લણણી સમયે નીચે રહેલાં એક અથવા બે પર્ણોને વિક્ષેપ રહિત રાખવામાં આવે છે. લણણી પછી તરત જ ખેતરને પિયત આપવામાં આવે છે અને પ્રકાંડને સૂર્યના તાપથી રક્ષણ આપવા પાન વડે ઢાંકવામાં આવે છે. 15-20 દિવસ પછી કોબીજની નવી 4-20 કલિકાઓ પ્રકાંડની ટોચ ઉપર ફૂટે છે. જ્યારે આ કલિકાઓ બટન જેવડી થાય ત્યારે 23 કલિકાઓ રાખવામાં આવે છે. આ સમયે 0.2 % યુરિયાનો છંટકાવ કરી પિયત આપવામાં આવે છે. મૂલાંકુર પાક મુખ્ય પાકની લણણી પછી 60-70 દિવસમાં લણણી માટે તૈયાર થાય છે. ગોલ્ડન એકર, કૉપનહેગન માર્કેટ, અર્લી ડ્રમહેડ, અને પ્રાઇડ ઑવ્ ઇન્ડિયાનાં મૂલાંકુર પાકનાં સારાં પરિણામો મળ્યાં છે. મૂલાંકુર પાકના દડા નાના હોવા છતાં પ્રત્યેક છોડે દડાની સંખ્યા વધારે હોવાને કારણે તેનું ઉત્પાદન બમણું થાય છે.

કોબીજ અને કૉલીફ્લાવરને થતા રોગો અને જીવાત :

રોગો : કોબીજને Plasmodiophora brassicae નામની શ્લેષ્મી ફૂગ દ્વારા ગ્રથિત મૂળ(club root)નો રોગ થાય છે. તેનાં પાર્શ્વમૂળો પર ત્રાકાકાર ગાંઠો ઉત્પન્ન થાય છે. આ અનિયમિત વૃદ્ધિથી છોડના પાણીના પુરવઠા પર અસર થાય છે. પર્ણો સીસા જેવાં ભૂખરા રંગનાં બને છે અને સામાન્ય કરતાં વધારે જલદી સુકાય છે. તેનું નિયંત્રણ (1) ખેતરમાં થતાં બ્રેસિકેસી કુળનાં અપતૃણોનો નાશ કરવાથી, (2) સારા નિતારણવાળી રોગમુક્ત મૃદાનો અને (3) રોગમુક્ત મૃદામાં તૈયાર કરેલા રોપાઓનો ઉપયોગ કરવાથી અને (4) બ્રેસિકેસીના કોઈ પણ પાકનું લાંબા સમયે વાવેતર કરીને કરી શકાય છે. ધરુવાડિયાની મૃદાને વેયમ (2.0-2.5 લી./10 મી.2) કે મિયાઇલ બ્રોમાઇડ (0.5થી 1.0 કિગ્રા./10 મી.2) દ્વારા ધૂમિત કરવામાં આવે છે. આ ચિકિત્સા આપ્યા પછી 7-10 દિવસમાં વાવણી કરવામાં આવે છે. મૃદામાં ભીંજવેલો ચૂનો ઉમેરી pH 7.2 રાખવાથી અને મૃદા એકસરખી ભેજવાળી રાખવાથી અસરકારક નિયંત્રણ થાય છે. રોપાઓને 0.5 % બેન્લેટના નિલંબનમાં 15-20 મિનિટ ડુબાડી રાખવાથી રોગનું નિયંત્રણ થાય છે.

આર્દ્ર-પતન (damping-off)નો રોગ બીજાંકુરોને થાય છે. તેને માટે Pythium, Phytophthora, Thielavia, Phoma, Glomerella, Fusarium, Botrytis, Sclerotium, Ozonium વગેરેની વિવિધ જાતિઓ જવાબદાર છે. Pythium dedaryanum, P. aphanidesmatum, P. butleri, P. ultimum અને P. arrhenomanesની જાતિઓ બીજી જાતિઓ કરતાં રોગ ઉત્પન્ન કરવા માટે વધારે જવાબદાર છે.

બીજ-રક્ષકો તરીકે એગ્રોસન GN, કૅપ્ટાન, થિરમ, બોટ્રેન અને ડાઇફોલેટન જેવા ફૂગનાશકોની ભલામણ કરવામાં આવી છે. બીજના વજનના 0.3 % ઍગ્રોસન આપવામાં આવે છે. વળી કૅપ્ટાન અને થિરમ પણ લગભગ તે જ માત્રાએ (2.5 ગ્રા./ કિગ્રા. બીજ) આપવામાં આવે છે. ધરુવાડિયાની મૃદાને વધારે પ્રમાણમાં અપાતું યુરિયા Pythium spp.ની વસ્તી સામે ખૂબ અસરકારક હોય છે.

Rhizoctonia solani અને Pellicularia filamentosa કોબીજના પાકને તેની વૃદ્ધિની વિવિધ અવસ્થા ચેપ લગાડે છે. બીજાંકુરને તેઓ આર્દ્ર-પતનનો રોગ લાગુ પાડે છે. મોટા છોડોને તળિયાનો, દડાનો અને મૂળનો સડો થાય છે. આ સડામાં અસરગ્રસ્ત પેશીઓ (અન્ય રોગજન; દા.ત., Pythium, Sclerotinia, Erwinia દ્વારા પેશીઓ પોચી પડે છે.) પોચી પડતી નથી. Alternaria spp. દ્વારા પર્ણની ઉપરની સપાટીએ જ માત્ર ચેપ લાગે છે. મૃદાને વિઘટનીય સેન્દ્રિય દ્રવ્યો ધરાવતું લીલું ખાતર આપવાથી રોગજનની વસ્તી મૃદામાં ઘટે છે. મૃદાની 20-30 કિગ્રા./ હે.ના દરે બ્રેસિકોલ (PCNB)ની ચિકિત્સા પણ અસરકારક હોય છે.

તલછારો : તે Peronospora brassicae નામની ફૂગ દ્વારા થતો રોગ છે. આ રોગમાં પર્ણોની નીચેની સપાટીએ જાંબલી બદામી ટપકાં ઉત્પન્ન થાય છે. કોબીજમાં દડાને પોચો સડો થાય છે. આ રોગની સાથે Albugo candida લાગુ પડે તો સફેદ ફોલ્લા ઉત્પન્ન થાય છે, ત્યારે નુકસાન ખૂબ વધારે થાય છે. કૉલીફ્લાવર ટોચ પરથી ઓછા બદામી રંગમાં ફેરવાય છે.

બીજને ગરમ પાણીની ચિકિત્સા, પાકની ફેરબદલી, અપતૃણોનો નાશ, સ્વચ્છ ધરુવાડિયું, 0.2 % મેનોબનો 10 દિવસના અંતરે બેથી ત્રણ વાર છંટકાવ જેવા ઉપાયો કરીને તેના આ રોગનું નિયંત્રણ કરાય છે.

સફેદ ગેરુ : આ રોગ Albugo candida નામના રોગજન દ્વારા થાય છે. પર્ણો ઉપર સફેદ રંગની પિટિકાઓ (pustules) ઉત્પન્ન થાય છે. તે પુષ્પવિન્યાસ અને પુષ્પીય ભાગોમાં અતિવૃદ્ધિ (hypertrophy)ને પ્રેરે છે. તેને કારણે તેઓ ફૂલે છે અને વિકૃત બને છે. 0.8 % બોર્ડો મિશ્રણનો છંટકાવ અસરકારક રહે છે.

પાનનાં ટપકાં કે કાળાં ટપકાં Alternaria brassicicola અને A. brassicac દ્વારા થાય છે. આ ફૂગ બીજમાં વસવાટ ધરાવે છે. બીજને 50o સે. તાપમાને 20 મિનિટ માટે ગરમ પાણીમાં રાખવાથી ફૂગની કવકજાળનો નાશ થાય છે. કૉપર ઑક્સિક્લોરાઇડ (0.5 થી 0.75 %), મેનેબ (0.2 %), ઝિનેબ (0.25 %) અને અન્ય ડાઇથાયૉકાર્બેમેટનો બેથી ત્રણવાર છંટકાવ કરતાં રોગનું નિયંત્રણ થાય છે.

ગોળ ટપકાંનો રોગ Mycosphaerella brassicicola દ્વારા થાય છે. આ ટપકાં પર્ણો અને ફળો પર વધારે સ્પષ્ટપણે જોવા મળે છે. ટપકાંનો મધ્યમાં રહેલો બદામી ભાગ ભૂખરો બને છે અને તેઓ લીલા પટ્ટા વડે ઘેરાયેલાં હોય છે. સમગ્ર પર્ણ પીળું બન્યા પછી પણ ટપકાંનો લીલો પટ્ટો રહે છે. દડા પર જોવા મળતાં આ મોટાં ટપકાં તેનું વ્યાપારિક મૂલ્ય ઘટાડે છે.

ગરમ પાણીની ચિકિત્સા, ધરુવાડિયાની અને ખેતરની સ્વચ્છતા અને આલ્ટરનેરિયા માટે ભલામણ કરાયેલા ફૂગનાશકોનો છંટકાવ ચેપ ઘટાડવામાં મદદ કરે છે.

શ્યામવ્રણ(anthracnose)નો રોગ : ચીની કોબીજને આ રોગ Colletotrichum higginsianum નામની ફૂગ દ્વારા અને કૉલીફ્લાવરને Gloeosporium concentricum દ્વારા થાય છે. કૉલીફ્લાવરમાં પાન ઉપર બરફ જેવાં સફેદ ટપકાં ઉત્પન્ન થાય છે અને તેઓ વિકૃત બને છે. તેના નિયંત્રણના ઉપાયો કાળા ટપકાં અને ગોળ ટપકાંમાં દર્શાવ્યા મુજબના છે.

કાળો પગ : સમશીતોષ્ણ પ્રદેશોમાં કાળા પગનો રોગ ગંભીર ગણાય છે. થડના નીચેના ભાગમાં સૌપ્રથમ અંડાકાર કે રેખીય, ગર્તયુક્ત, આછા બદામી રંગનું ચાંદું (canker) ઉત્પન્ન થાય છે. આ ચાંદું વિસ્તરીને થડને મેખલાકારે ઘેરે છે. પર્ણો ઉપર આછા બદામી રંગનાં ગોળ ટપકાં ઉત્પન્ન થાય છે. આ ટપકાંનો મધ્ય ભાગ ભૂખરો હોય છે. તેનો એકમાત્ર ઉપાય ગરમ પાણી(50# સે., 30 મિનિટ માટે)ની ચિકિત્સા છે. જૂનાં બીજ ગરમ પાણીની ચિકિત્સાથી અંકુરણક્ષમતા (germinability) ગુમાવે છે. આ રોગના નિયંત્રણ  માટે સ્વચ્છતા અને અન્ય પૂર્વોપાયો (precautions) યોજી શકાય છે.

કોબીજનો પીળો રોગ : તે પ્રમાણમાં હૂંફાળી પરિસ્થિતિમાં કોબીજનો સામાન્ય રોગ છે. રોગજન ફૂગનું નામ Fusarium oxysporum var. conglutinans છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વાવેલા શિયાળુ પાકમાં તેનું કોઈ મહત્વ નથી. મૃદા દૂષિત થવાથી આ રોગ થાય છે અને ઉત્પાદનમાં 50 %થી 100 % સુધી ઘટાડો થાય છે. આ રોગમાં પર્ણો પીળાં પડી મૃત્યુ પામે છે અને અંતે ખરી પડે છે. વાહક પેશી પીળાથી માંડી ઘેરા બદામી રંગની બને છે. આ રોગનો પ્રતિકાર અવરોધક જાતોના વાવેતર દ્વારા થાય છે.

કાળો સડો : કાળો સડો ‘જીવાણુનો રોગ’, ‘બદામી સડો’, ‘પાનનો કરમાવો’ તરીકે પણ જાણીતો છે અને તે Xanthomonas campestris દ્વારા થાય છે. જ્યાં વરસાદ કે ઝાકળનું પ્રમાણ ભારે હોય, તાપમાન 15-22o સે. રહેતું હોય તેવા સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં બધે થાય છે. તેનાથી કોબીજના વ્યાપારિક ર્દષ્ટિએ યોગ્ય એવા દડા બનતા નથી; તેનો સંગ્રહ પણ થઈ શકતો નથી.

આ રોગમાં પર્ણની પેશીઓ પીળી પડે છે અને હરિમાહીનતા (chlorosis) પર્ણકિનારીએથી મધ્ય ભાગ સુધી વિસ્તરે છે અને ‘V’ આકારનો વિસ્તાર ઉત્પન્ન કરે છે. Vનો તલપ્રદેશ મધ્યશિરા તરફ હોય છે. શિરાઓમાંનું બદામી કે કાળા રંગનું વિવર્ણન (discolouration) થડ સુધી લંબાય છે. કોબીજ અને કૉલીફ્લાવરના દડાને ચેપ લાગતાં તેમનું પણ વિવર્ણન થાય છે.

મૃદાજન્ય ચેપ માટે બે વર્ષની પાકની ફેરબદલી પૂરતી હોય છે. બીજને એગ્રિમાયસિન (0.01 %), સ્ટ્રૅપ્ટોસાઇક્લિન (0.01 %), એરિયોમાયસિન જેવાં પ્રતિજૈવિક (antibiotic) ઔષધો દ્વારા ચિકિત્સા આપવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે. ગરમ પાણી(52o સે. તાપમાન, 30 મિનિટ માટે)ની ચિકિત્સા આપ્યા પછી 30 મિનિટ માટે બીજને સ્ટ્રૅપ્ટોસાઇક્લિન(100 પી. પી. એમ.)માં ડુબાડી રાખવામાં આવે છે. ત્યારપછી 50 પી.પી.એમ.ના ત્રણ છંટકાવ – ફેરરોપણી, દડો બનવાની ક્રિયા અને ફળનિર્માણ વખતે આપવામાં આવે છે. 10.0-12.5 કિગ્રા./ હેક્ટર વિરંજન ચૂર્ણ મૃદાને આપતાં કાળા સડા ઉપરાંત પોચા સડા (રોગજન ફૂગ : Erwinia cartovora)નું પણ નિયંત્રણ થાય છે.

જીવાત : શિયાળુ પાક કોબીજ અને કૉલીફ્લાવરને મોલો (aphid), કાષ્ઠકીટ અને અન્ય કીટકો નુકસાન પહોંચાડે છે. પાકની ફેરરોપણી કરવામાં આવતાં તેમના ઉપર લીલી મોલો અને કાષ્ઠકીટોનો ઉપદ્રવ જોવા મળે છે. મોલોના વધારે પડતા ઉપદ્રવથી ઘણી વાર કોબીજ અને કૉલીફ્લાવરના દડા ન બંધાતાં પાક નિષ્ફળ જાય છે પાક સહેજ મોટો થતાં તેમાં થડ કોરી ખાનાર ઇયળ, હીરાફૂદું Plutella xylostella ચાંચડી, ઘોડિયા ઇયળ અને ચૂસિયાંનો ઉપદ્રવ જોવા મળે છે. કોબીજ કે ફ્લાવરના દડા બંધાવાની શરૂઆત થતાં જ કોરી ખાનારી ઇયળ ઉપદ્રવ કરે છે. તેમાં ખાસ કરીને ચણાની પોપટા કોરી ખાનારી લીલી ઇયળ, તમાકુનાં પાન ખાનારી ઇયળ (પ્રોડેનિયા) અને કોબીજ-વેધક (Hellula undalis) ખાસ ઉપદ્રવ કરતી જણાય છે. તેને કારણે દડામાં કાણાં પડે છે.

કોબીજ અને કૉલીફ્લાવર જેવા ખેતી પાકોમાં પ્લ્યુટેલિડી કુળનાં ફૂદાં પણ ઉપદ્રવ કરે છે. ફૂદાના ઉરસ પ્રદેશ પર સ્પષ્ટપણે હીરા જેવી છાપ દેખાતી હોવાથી તેને હીરાફૂદું (diamond moth) કહે છે. તે આરામની અવસ્થામાં બેઠેલું હોય ત્યારે તેની બંને પાંખો મળીને પીઠ પર તંબૂ જેવો આકાર ધારણ કરે છે. ફૂદાંની માદા ફિક્કા સફેદ રંગનાં 50થી 60 જેટલાં ઈંડાં એકલદોકલ પાનની નીચે મૂકે છે. એકાદ અઠવાડિયામાં ઈંડાના સેવનથી નીકળેલી ઇયળો નીચેની બાજુએથી પાનને ખાઈને તેમાં કાણાં પાડે છે. વધુ ઉપદ્રવથી પાનનો કોમળ ભાગ ખવાઈ જતાં માત્ર નસો જ બાકી રહે છે.

ફૂદાંના ઉપદ્રવને રોકવા મેલેથિયોન 0.05 %, એન્ડો સલ્ફાન 0.035 % અને ફેનિટ્રોથિયૉન 0.05 % પ્રવાહી મિશ્રણ પૈકી ગમે તે એકનો આઠ દિવસના અંતરે 2 થી 3 વખત છંટકાવ કરવામાં આવે છે. સારણી 2માં જીવાત, દવા અને તેનું પ્રમાણ આપવામાં આવ્યાં છે :

સારણી 2 : જીવાત, દવા અને તેનું પ્રમાણ

ક્રમ જીવાતનું નામ દવાનું નામ દવાનું પ્રમાણ
1. મોલો-મશી
(aphids)
મેલેથિયૉન. 50 ઇ.સી. અથવા
મિથાઇલ પેરેથિયૉન 50 ઇ.સી.
10 લી. પાણીમાં
12 મિલી.
 2. પાન ખાનારી
ઇયળ (leaf worm)
5 મિલી. મેલેથિયૉન –
50 ઇ.સી.
14 મિલી.
 3. રાઈની માખી
(mustard fly)
ડાયઝિનોન 20 ઇ.સી.
અથવા એન્ડોસલ્ફાન
35 ઇ.સી. અથવા
મેલેથિયૉન 50 ઇ.સી.
10 મિલી.
10 મિલી.10 મિલી.
 4. હીરાફૂદું
(Plutellaxylostella)
મેલેથિયૉન 50 ઇ.સી.
અથવા એન્ડોસલ્ફાન
અથવા ફેનિટ્રોથિયૉન
50 ઇ.સી.
10 મિલી.
10 મિલી.
10 મિલી.

લણણી અને ઉત્પાદન : રોપણી બાદ લગભગ 3.0-3.5 મહિને દડા ઉતારવા લાયક બને છે. લણણી માટે દડા યોગ્ય કદના અને સખત છતાં કોમળ હોવા જોઈએ. મેદાનોમાં જાત પર આધાર રાખીને નવેમ્બર-મધ્યથી એપ્રિલ સુધીમાં અને પહાડી પ્રદેશમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર-મધ્ય સુધી અને ફરીથી માર્ચથી શરૂ કરીને જૂનની શરૂઆત સુધીમાં લણણી કરવામાં આવે છે. વહેલી પાકતી જાતમાં ફેરરોપણી પછી 60-80 દિવસમાં અને મોડી પાકતી જાતમાં 100-120 દિવસમાં લણણી કરવામાં આવે છે. મૉનોક્રોટોફોસનો કીટકનાશક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો છંટકાવ અને લણણી વચ્ચે ઓછામાં ઓછા 9 દિવસનું અંતર રાખવું જરૂરી છે.

ઉત્પાદન : ઉત્પાદનનો આધાર વૃદ્ધિની પરિસ્થિતિ ઉપર અને કોબીજની જાત ઉપર હોય છે. વહેલી પાકતી જાતનું સરેરાશ ઉત્પાદન 30-35 ટન/હે. અને મોડી પાકતી જાતનું 35-45 ટન/હે. સરેરાશ ઉત્પાદન થાય છે. ભારતનું કોબીજનું સરેરાશ ઉત્પાદન ઘણું નીચું હોય છે. કોબીજના છોડના વિવિધ ભાગોની ટકાવારી આ પ્રમાણે છે : દડો 48.3%, ખુલ્લાં પર્ણો 43.1 %, પ્રકાંડ 8.6%.

વધારે જથ્થાનો માલ કોથળામાં દડા એકબીજા ઉપર ઊંધા રહે તે રીતે ગોઠવી બજારમાં મોકલવામાં આવે છે. કોથળામાં નીચે તથા ઉપર કોબીજ અને ફલાવરનાં પાન ગોઠવવામાં આવે છે. દડા બહુ ઢીલા રહી એકબીજાની સાથે ઘસાઈને પાન ઊખડી ન જાય તેની કાળજી રાખવી પડે છે. પૅકિંગમાં લીધેલી આવી કાળજી આર્થિક રીતે ફાયદાકારક બને છે.

સંગ્રહ : ર્દઢ અને સારા પાકેલા રોગમુક્ત દડાઓ સંગ્રહ માટે પસંદ કરવામાં આવે છે. વધારે પાકેલા કે કાચા દડા સારી રીતે સંગ્રહી શકાતા નથી; કારણ કે તેઓ સહેલાઈથી સડી જાય છે અને દ્વિતીય વૃદ્ધિ કરે છે. સંગ્રહવા માટેનું સૌથી શ્રેષ્ઠ તાપમાન 0o સે. અને સાપેક્ષ ભેજ 90-95 % છે. સંગ્રહ માટેના ઓરડામાં પૂરતાં હવા-ઉજાશ જરૂરી છે. કોબીજનું નિર્જલીકરણ કરીને પણ સંગ્રહી શકાય છે. 3 મિનિટ માટે 98.7o સે. તાપમાને વિવર્ણન (blanching) અને 0.5 % K2S2O5ના દ્રાવણ વડે બે મિનિટ માટે સલ્ફિનીકરણ (sulphiting) કરતાં કોબીજનું નિર્જલીકરણ કરવામાં આવે છે. નિર્જલીકૃત કોબીજને છ માસ સુધી સારી સ્થિતિમાં રાખી શકાય છે.

રાસાયણિક બંધારણ અને ઉપયોગ : કોબીજનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : ખાદ્ય ભાગ 88 %, પાણી 91.9 ગ્રા., પ્રોટીન 1.8 ગ્રા., લિપિડ 0.1 ગ્રા., કાર્બોદિતો 4.6 ગ્રા., રેસો 1.0 ગ્રા., ખનિજ દ્રવ્ય 0.6 ગ્રા., કૅલ્શિયમ 39 મિગ્રા., ફૉસ્ફરસ 44 મિગ્રા., લોહ 0.8 મિગ્રા., કૅરોટિન 1200 માઇક્રોગ્રામ, થાયેમિન 0.06 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.09 મિગ્રા., નાયેસિન 0.4 મિગ્રા., વિટામિન ‘સી’ 124 મિગ્રા., ઊર્જા 27 કિકે. કોબીજ ઍસ્કોર્બિક ઍસિડ (124 મિગ્રા./100 ગ્રા.)નો વિપુલ સ્રોત ગણાય છે. અલ્પ તત્વો(trace elements)માં મૅગ્નેશિયમ 10 મિગ્રા.’ સોડિયમ 14.1 મિગ્રા., પોટૅશિયમ 114 મિગ્રા., તાંબું 0.08 મિગ્રા., ક્લોરિન 12 મિગ્રા. અને સલ્ફર 67 મિગ્રા./100 ગ્રા.નો સમાવેશ થાય છે.

પૂરેપૂરી પાકેલી અને પાકતી કોબીજમાં ઇન્ડોલ-3-આલ્ડિહાઇડ, ઇન્ડોલ-3-કાર્બોક્સિલિક ઍસિડ, અત્યંત અલ્પ પ્રમાણમાં 3, ઇન્ડોનાઇલ ઍસિટોનાઇટ્રાઇલ અને મેવેલોનિક ઍસિડ હોય છે. હાજર પૉલિફિનૉલમાં ફ્લેવોનોલ, ક્લોરોજેનિક ઍસિડ અને લ્યુકોઍન્થોસાયનિન (ગૌણ ઘટક)નો સમાવેશ થાય છે.

કોબીજના પાચનથી પ્રાણીઓ અને મનુષ્યના રુધિરમાં થાયૉસાયનેટનાં આયનો વધે છે અને પછી તે મૂત્રમાં આવે છે. રુધિર અને મૂત્રમાં થાયૉસાયનેટનું પ્રમાણ ગલગંડ (goitre) સાથે સંબંધિત છે. કોબીજનો ખોરાકમાં ઉપયોગ ન કરતાં થાયૉસાયનેટનું પ્રમાણ ઘટે છે. આયોડિન-રહિત ખોરાકની સાથે કોબીજ ખાવાથી થાયરૉઇડ દ્વારા થતું આયોડિનનું ગ્રહણ અવરોધાય છે અને સુદમ (benign) ગલગંડ થાય છે. પ્રોગોઇટ્રિન અને ગોઇટ્રિનની ગલગંડજનીય અસર ખોરાકમાં આયોડિન ઉમેરવા છતાં અટકતી નથી. ઢોરોને કોબીજ અને અન્ય બ્રેસિકાનો ચારો આપવાથી ગોઇટ્રોજન દૂધ દ્વારા મનુષ્યમાં આવે છે; પરંતુ તેમની સાંદ્રતા ઘણી ઓછી હોવાથી મનુષ્યને નુકસાન થતું નથી. કોબીજના બીજમાં દડા કરતાં ગ્લુકોસિનોલેટનું પ્રમાણ 10 ગણું વધારે હોય છે.

બીજમાં 35 % સ્થાયી તેલ હોય છે.

ઉપયોગ : કોબીજ એક અગત્યની શાકભાજી છે. તે કચુંબર તરીકે કાચી કે રાંધીને ખવાય છે. તે અન્ય શાકભાજીઓ સાથે મિશ્ર કરીને ખાવામાં આવે છે. કોબીજનો ઉપયોગ કઢી અને અથાણાં બનાવવામાં થાય છે. અથાણા માટે લાલ કોબીજ પસંદ કરવામાં આવે છે. રશિયા, અમેરિકા અને પશ્ચિમ જર્મનીમાં ‘સાવરક્રાઉટ’ નામનો પ્રખ્યાત ખોરાક તેમાંથી બનાવવામાં આવે છે.

સાવરક્રાઉટ કોબીજના ખૂબ નાના ટુકડાઓને 2.25 % મીઠા સાથે મિશ્ર કરી તેમનું બૅક્ટેરિયલ આથવણ કરવામાં આવે છે. કોબીજમાં રહેલી શર્કરાઓનું આથવણ થતાં લૅક્ટિક અને ઍસેટિક ઍસિડ, આલ્કોહૉલ અને કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેઓ બગાડ સામે પરિરક્ષક તરીકે કાર્ય કરે છે તે હિસ્ટેમાઇન ધરાવે છે. આ હિસ્ટેમાઇન ઊંચી દેહધાર્મિક ક્રિયાશીલતા દાખવે છે.

કોબીજ સહેલાઈથી પચતી નથી. તે ઢોરો અને મરઘાં-બતકોને ખોરાકમાં આપવામાં આવે છે. તે નાલ વ્રણ (fistula) અને યકૃતની તકલીફોમાં દર્દીઓના ખોરાકમાં અપાય છે. લાલ જાતો કૅલ્શિયમ, ફૉસ્ફરસ, લોહ, વિટામિન A, B અને Cનો સારો સ્રોત ગણાય છે. 2-3 અઠવાડિયાંના રોપ Cephalosporium sacchari અને Fusarium nivale નામની ફૂગ સામે કવકરોધી (fungistatic) ગુણધર્મો ધરાવે છે.

કોબીજ ઘરગથ્થુ ઉપચાર માટે પણ જાણીતી છે. કાચી કોબીજનો અંતર્ભાગ કૃમિનાશક ગુણધર્મો ધરાવે છે. સામાન્ય સફેદ કોબીજનાં પર્ણો વાટીને ફોલ્લાઓ પર લગાડવામાં આવે છે. તેમનો ઉપયોગ પોટીસ તરીકે ગાઉટ(gout)માં અને સંધિવામાં થાય છે. તેનો રસ મસા(wart)માં ઉપયોગી છે.

આયુર્વેદ અનુસાર, કોબીજ મધુર, વૃષ્ય, પાકકાળે તીખી, કડવી, ગ્રાહક, શીતળ, લઘુ, પાચક, અગ્નિદીપક અને વાતકર હોય છે. તે કફ, પિત્ત, જ્વર, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તદોષ અને પિત્તજન્ય ભ્રમનો નાશ કરે છે.

કોબીજનાં પાનને પાણીમાં ઉકાળીને પાવાથી દારૂનો નશો ઊતરી જાય છે. લોહીની ઊલટી અને જઠરના ચાંદામાં કોબીજના પાનનો રસ સાકર નાખી પીવાથી ઉત્તમ લાભ થાય છે. જઠરના સોજામાં અને પીડામાં કોબીજના રસમાં ચોખાનું ધોવાણ ઉમેરી રોજ પિવડાવવામાં આવે છે. કોબીજ હરસ, પેશાબની અટકાયત અને અલ્પતા અને ગાઉટમાં ઉપયોગી છે.

લાલ કોબીજ પ્રતિસ્કર્વી (antiscorbutic), શામક (emollient) અને વક્ષીય (pectoral) ગુણધર્મો ધરાવે છે. તેના રસમાંથી બનાવેલું શરબત દીર્ઘકાલીન કફ અને શ્વાસી દમ (bronchial asthma)માં ઉપયોગી છે. કોબીજમાંથી અલ્પ ગ્લુકોઝ રક્તતા (hypoglycaemia)નું ઘટક અલગ કરી મધુપ્રમેહમાં તેનો ઉપયોગ કરી શકાય છે. પર્ણો, પ્રકાંડ અને મૂળમાંથી હાઇડ્રૉસાયનિક ઍસિડ અલગ કરવામાં આવે છે.

કોબીજના બીજમાંથી તેલ મળે છે. તેઓ મૂત્રલ (diuretic), રેચક (laxative), ક્ષુધાવર્ધક (stomachic) અને કૃમિહર (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. બીજના નિષ્કર્ષો ધનાત્મક પ્રતિજૈવિક કસોટીઓ આપે છે. આ ક્રિયાશીલતા કેટલાક દિવસો માટે ઓરડાના તાપમાને સંગ્રહ કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. નિષ્કર્ષો કવકરોધી પ્રક્રિયા પણ દાખવે છે. બીજનો જલીય નિષ્કર્ષ સૂત્રકૃમિઓ(Meloidogyne incognita અને Rotylenchulus reni formis)નો નાશ કરે છે. બાષ્પશીલ તેલ પણ કવકરોધી અને જીવાણુરોધી (antibacterial) ગુણધર્મો ધરાવે છે. કોબીજનાં છોતરાં પીળો ઘન પદાર્થ ઉત્પન્ન કરે છે, જે કેટલીક ફૂગ, યીસ્ટ અને બૅક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે. સફેદ અને લાલ કોબીજમાંથી નિષ્કર્ષિત કરેલો પદાર્થ Mycobacterium tuberculosis અને Escherichia coli સામે જીવાણુરોધી પ્રક્રિયા દર્શાવે છે.

ભારત કોબીજ અને કોબીજનાં બીજની નિકાસ મુખ્યત્વે સંયુક્ત અમીરાત ક્વાતાર, કુવૈત અને નેપાળમાં કરે છે.

જ. પુ. ભટ્ટ

પરબતભાઈ ખી. બોરડ

પી. એ. ભાલાણી

બળદેવભાઈ પટેલ