કોબે : જાપાનના હોન્શુ ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલું હિયોગો જિલ્લાનું મથક અને ઓસાકાથી 32 કિમી. પશ્ચિમે આવેલું પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 34o 42′ ઉ. અ. અને 135o 12′ પૂ. રે.

આબોહવા : સમધાત અને ભેજવાળી. જાન્યુઆરીમાં સરેરાશ 4oથી 7o સે. અને ઑગસ્ટમાં 27o સે. તાપમાન રહે છે. વરસાદનું પ્રમાણ 1300થી 1500 મિમી. છે. જૂન અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડે છે. કોબેની ફરતે આવેલી ડુંગરમાળા શિયાળાના ઠંડા પવનોથી કોબેનું રક્ષણ કરે છે. સપ્ટેમ્બરમાં વિનાશક વાવાઝોડાનો તે ભોગ બને છે. ડાંગર, ચા વગેરે મુખ્ય પાક છે. શેતૂરનાં વૃક્ષો ઉપર રેશમના કીડા ઉછેરવામાં આવે છે.

1867 સુધી માછીમારોનું પરું રહેલું કોબે ચીન-જાપાન અને ચીન-રશિયા સાથેના વિગ્રહો બાદ વહાણવટાની પ્રવૃત્તિને કારણે વિકસ્યું છે. દર વરસે ત્યાં હજારેક સ્ટીમરો આવે છે. 1868થી પરદેશો સાથેના વેપાર માટે તે ખુલ્લું મુકાયું. પરદેશ સાથેના વેપારમાં તેનો 30% હિસ્સો છે. 1874માં રેલવેથી અને ત્યારબાદ એક્સ્પ્રેસ ધોરી માર્ગો દ્વારા તે ઓસાકા, ક્યોટો, નગોયા વગેરે શહેરો સાથે જોડાયું છે.

તે પાંચ રેલમાર્ગોનું મથક અને મોટું વેપારી કેન્દ્ર છે. યંત્રો, લોખંડ, અનાજ દળવાની મિલો, રબર, કાપડ, રસાયણ, પ્લાસ્ટિક વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. અહીં જહાજી ઉદ્યોગ વિકસ્યો છે અને કાવાસાકી અને મિટ્સુબીશી કંપનીના જહાજવાડાઓ છે. ઉદ્યોગો માટેનો કાચો માલ અને અનાજની આયાત થાય છે. જ્યારે યંત્રો, જહાજો, કાપડ, રબર અને પ્લાસ્ટિકની વસ્તુઓ, રસાયણો વગેરે નિકાસ થાય છે.

અહીં અનેક મસ્જિદો, દેવળો, બૌદ્ધ વિહાર આવેલાં છે જે પૈકી મીનાટોગાવા, નગાટા અને ઇકુટાનાં મંદિર જગપ્રસિદ્ધ છે. નૅશનલ કોબે યુનિવર્સિટી, પરદેશ સાથેના સંબંધોના અભ્યાસ માટેની કોબે શહેર યુનિવર્સિટી, વાણિજ્ય અને શિક્ષણની યુનિવર્સિટીઓ, નૉટિકલ કૉલેજ, ટૅકનિકલ હાઈસ્કૂલો, પુસ્તકાલયો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ છે. રોકો પર્વત ઉપર સુવાયામા પાર્ક છે. કોબે શહેર સમુદ્ર અને 1,000થી 3,000 ટેકરીઓ વચ્ચે આવેલું હોવાથી તેને ખુલ્લા ભૂમિભાગની તંગી નડે છે. શહેરની વસ્તી 15,24,601 જ્યારે બૃહદ શહેરની વસ્તી 24,19,973 (2011) હતી.

શિવપ્રસાદ રાજગોર