કિરાણા ઘરાણું : અબ્દુલ કરીમખાં સાહેબે સ્થાપેલું ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઘરાણું. એમનો જન્મ દિલ્હી નજીક આવેલા કિરાણા ગામમાં થયો હતો તે કારણે એમણે સ્થાપેલું ઘરાણું કિરાણાને નામે ઓળખાય છે. આ ઘરાણાની શૈલી સુમધુર હોવાને લીધે તે અન્ય ઘરાણાં કરતાં વધુ લોકપ્રિય છે.

અબ્દુલ કરીમખાં સાહેબે ગ્વાલિયર ઘરાણાના મહાન ગાયક રહેમતખાંનું સંગીત સાંભળ્યું ત્યારે એમને પ્રતીતિ થઈ કે સ્વર જ સંગીતનો આત્મા છે. ત્યારબાદ કઠોર પરિશ્રમ કરીને એમણે કંઠને મુલાયમ બનાવ્યો અને સ્વરો પર સંપૂર્ણ આધિપત્ય મેળવ્યું. અબ્દુલ કરીમખાં સાહેબ ઠૂમરીની શૈલી તેમજ મરાઠી નાટ્યસંગીતના પણ નિષ્ણાત હતા.

અબ્દુલ કરીમખાંના શિષ્યોમાં સવાઈ ગંધર્વ તથા રોશનઆરા બેગમે પુષ્કળ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સવાઈ ગંધર્વના શિષ્યો ભીમસેન જોષી અને ફિરોજ દસ્તૂર તથા શિષ્યા ગંગુબાઈ હંગલ હાલ કિરાણા ઘરાણાના સર્વશ્રેષ્ઠ કલાકારો છે અને એમણે સમગ્ર ભારતમાં નામના મેળવી છે. આ ઘરાણામાં બીજા એક સમર્થ સંગીતકાર બહેરે બુઅ અને અબ્દુલ વહીદખાં હતા. એમણે સુવિખ્યાત ગાયિકા હીરાબાઈ બડોદેકરને તાલીમ આપી હતી.

કિરાણા ઘરાણામાં સ્વરની શુદ્ધતા પર અધિક ધ્યાન આપવામાં આવે છે. ચીજની શરૂઆતના બેચાર શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે. આ ઘરાણામાં રાગોના ભંડોળ દરબારી, માલકંસ, શુદ્ધકલ્યાણ, વસંત વગેરે સાદા રાગો જ ગવાય છે. આ ઘરાણાનો ખાસ રાગ અભોગી છે તેમજ કલાકારો ઠૂમરીની શૈલી તેમજ મરાઠી નાટ્યસંગીતનાં નિષ્ણાત હોય છે.

બટુક દીવાનજી