કિરાડ, અરવિંદકુમાર (જ. 27 જૂન 1950) : ગુજરાતી ફિલ્મોનો મહારાષ્ટ્રિયન અભિનેતા. પુણેની ફરગ્યુસન કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કરી અભિનય તરફ વળ્યા. ગુજરાતી ફિલ્મોમાં આવતાં પહેલાં પાંચ હિન્દી ફિલ્મોમાં અભિનય કરેલો. ‘બાઝાર બંધ કરો’, ‘તૂફાન ઔર બીજલી’, ‘અપને આપ’, ‘અખંડ સૌભાગ્યવતી’ અને ‘સુલગતે અરમાન’. ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારની મનોરંજન કરમુક્તિની નીતિથી વિશેષરૂપે સક્રિય બનેલા ગુજરાતી ચલચિત્રઉદ્યોગ પ્રતિ આકર્ષાયા અને કેટલીક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. પરંતુ તેમના અભિનયની નોંધ લેવાઈ નિર્માતા-દિગ્દર્શક ચંદ્રકાન્ત સાંગાણીની રંગીન સિનેકૃતિ ‘રાખનાં રમકડાં’(1983)થી. તેમાં કિરણકુમારની બેવડી ભૂમિકા સામે અરવિંદ કિરાડે સ્ટેશનમાસ્તરના પાત્રમાં સંવેદનશીલ અભિનય આપ્યો. ત્યારપૂર્વે બનેલી પરંતુ પાછળથી રજૂઆત પામેલ ‘નાની વહુ’(1982)માં અભિનય માટે તેમને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો.

અરવિંદ કિરાડ

1982થી 1985-’86 સુધીના સમયગાળામાં તેમણે આશરે 45 ફિલ્મોમાં કામ કર્યું છે. 1983ના વર્ષમાં નિર્માણ અને રજૂઆત પામેલ કુલ 29 ગુજરાતી ફિલ્મોમાંથી 7 ફિલ્મોમાં અરવિંદકુમારે અભિનય કર્યો છે. ‘ખમ્મા મારા લાલ’, ‘જિંથરો ભાભો’, ‘મા કોઈની મરશો નહિ’, ‘રેતીનાં રતન’, ‘રાખનાં રમકડાં’, ‘સંસાર છે, ચાલ્યા કરે’, ‘સંપૂર્ણ મહાભારત’. ગુજરાતી ચલચિત્રોની તત્કાલીન લોકપ્રિય સઘળી અભિનેત્રીઓ જોડે તેઓ અભિનય કરી ચૂક્યા છે.

તેમની ‘મહિયરની ચુંદડી’ (1984) ઘણી લોકપ્રિય થઈ હતી. આ ગુજરાતી સિનેકૃતિનાં ભોજપુરી, મારવાડી, બંગાળી, આસામી, ઊડિયા, હરિયાણવી, હિંદી તથા મરાઠી જેવી ભારતીય ભાષાઓમાં રૂપાન્તર થયેલાં છે.

પાછળથી તેમણે ‘મનખાનો મેળો (1985), ‘પ્રીતઘેલાં માનવી’ (1986) અને ‘મા બુટ ભવાની’(1987)માં અભિનય કર્યો. ગુજરાતી રૂપેરી પડદા પર રીટા ભાદુરી સાથેની તેમની જોડી સારી લોકપ્રિય થઈ હતી.

ઉષાકાન્ત મહેતા