કિરાત (મૉંગોલોઇડ) :  પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા લોકો અસમ અને બ્રહ્મદેશના સીમાંત વિસ્તારમાં રહેતા નાગ લોકોમાં અને (આ) પહોળા માથાવાળા લોકો ચટગાંવની પહાડી જાતિ લકમાસ અને કિલિક્યોંગની લેપ્યા જાતિમાં નજરે પડે છે. આ લોકો ભારતમાં નૂતન પાષાણયુગના અંત પછીના થોડા સમયે (પાંચથી ચાર હજાર વર્ષ પૂર્વે) આવેલા હોવાનું જણાય છે. તિબેટી મૉંગોલ લોકો સંભવતઃ ચારથી ત્રણ હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને આવ્યા અને સિક્કિમ અને ભૂટાનમાં વસ્યા. ભારતના એક સીમાંત પ્રદેશમાં વસેલી અને સભ્યતાની દૃષ્ટિએ પછાત આ પ્રજાએ સ્થાનિક (ખાસી પહાડીઓમાં બોલાતી) મોન-ખ્મેર અને ભોટિયા ભાષાઓના વિકાસમાં થોડાં પ્રદાનો કરવા સિવાય સમગ્ર ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કોઈ નોંધપાત્ર ફાળો આપ્યો નથી. જોકે સમય જતાં આ પ્રજાનું સમગ્રપણે ભારતીયકરણ થતાં એણે અસમ, પૂર્વ બંગાળ અને બિહારની ઉત્તરે આવેલા પ્રદેશોના લોકોના સ્વભાવઘડતરમાં કેટલોક પ્રભાવ ચોક્કસ પાડ્યો છે.

જયકુમાર ર. શુક્લ

પ્રવીણચંદ્ર પરીખ