કાલપી : મધ્યપ્રદેશમાં બુંદેલખંડ વિસ્તારમાં યમુના નદીના દક્ષિણકાંઠે આવેલી પ્રાચીન નગરી. ત્યાંના વ્યાસક્ષેત્રને કારણે તે પ્રસિદ્ધ છે. અહીં વેદવ્યાસે પોતાના અમર ગ્રંથોની રચના કર્યાનું મનાય છે. દશમી સદીમાં ચંદેલ્લ રાજાઓનું આધિપત્ય પ્રવર્તતાં કાલપીનો અભ્યુદય થયો. તે યમુના નદી પરનું વેપારી કેન્દ્ર બન્યું. ચંદેલ્લાઓએ અહીં દુર્ગ તેમજ બીજી ઇમારતો બાંધ્યાં. મુઘલ કાલ સુધી આ નગર આબાદ રહ્યું. અહીંની ઇમારતોમાં કિલ્લો, બીરબલનો રંગમહેલ, પ્રભાવતી મંડી, મુઘલ ટંકશાળ, ચૌરાસી ગુંબજ અને ગોપાલ મંદિર મુખ્ય છે. અહીંના કિલ્લા તેમજ ગોપાલ મંદિરમાં 1857ના સંગ્રામનાં બે મુખ્ય સેનાનીઓ  લક્ષ્મીબાઈ તથા તાત્યા ટોપેએ વાસ કર્યો હતો.

પ્રવીણચંદ્ર પરીખ