કાલ-દીપ્તિ નિયમ (Period Luminosity Relation) : જેમના તેજાંકમાં વધઘટ થતી રહે છે તેવા (cepheid) પ્રકારના રૂપવિકારી તારાના આવર્તકાળના અભ્યાસ ઉપરથી તેમનું અંતર જાણવા માટેનો નિયમ. આ નિયમ હેનરિટા લેવિર નામની વૈજ્ઞાનિક મહિલાએ 1912માં તારવ્યો હતો. આ પ્રકારના તારાઓના તેજાંકમાં થતી વધઘટ નિયતકાલીન (periodic) હોય છે. તેમનો આવર્તકાળ તેમના તેજાંકના સમપ્રમાણમાં હોય છે. [ડેલ્ટા (δ) સીફીડનો આવર્તકાળ 5.37 દિવસ છે.] શેપલી નામના વૈજ્ઞાનિકે આ નિયમનો ઉપયોગ આકાશગંગાની બહાર આવેલી નિહારિકાઓનાં અંતર માપવા માટે કર્યો હતો. તારાના આવર્તકાળ ઉપરથી તેનો મૂળભૂત તેજાંક જાણી શકાય છે. તેને દેખીતા તેજાંક સાથે સરખાવતાં, તારો કેટલો દૂર છે તે જાણી શકાય છે. આમાં પાછળથી એક સુધારો કરવો પડ્યો હતો; કારણ કે સીફીડ તારાના બે પ્રકાર હોય છે : (i) ગ્લૉબ્યુલર તારકસમૂહ (ii) ગૅલેક્ટિક તારકસમૂહ. બન્ને પ્રકાર માટે આવર્તકાળ તેજાંકના સમપ્રમાણમાં હોય છે. પરંતુ સમપ્રમાણનો અચળાંક બન્ને પ્રકાર માટે જુદો હોય છે. કાલ-દીપ્તિ નિયમને આધારે ફરતી નિહારિકાઓમાં આવેલા આ પ્રકારના તારાના આવર્તકાળના અભ્યાસ પરથી તેમનું અંતર જાણવું શક્ય બન્યું હતું. તેના આધારે હબલ નામના વૈજ્ઞાનિકે એમ બતાવ્યું કે આપણું વિશ્ર્વ વિસ્તરતું રહ્યું છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ