કલિંગ : પૂર્વ ભારતનું પ્રાચીન રાજ્ય. ભારતનાં નવ પ્રાચીન રાજ્યો પૈકી કલિંગ જનપદ, રાજ્ય અને શહેર છે. તેનું બીજું નામ કક્ષીવાન ઋષિ અને કલિંગની રાણીની દાસીના પુત્રના નામ ઉપરથી ઓરિસા પડ્યું છે. દીર્ઘતમા ઋષિ અને બાણાસુરની રાણી સુદેષ્ણાથી ઉત્પન્ન થયેલ પુત્ર કલિંગે પોતાના નામ ઉપરથી પછી રાજ્યનું નામ કલિંગ પાડ્યું એવો બીજો ઉલ્લેખ છે.

કલિંગની સીમા અનિશ્ચિત છે. ગંગાના મુખથી ગોદાવરીના મુખ સુધીની પૂર્વ સમુદ્ર સુધીની તેની સીમા હતી. કેટલાક વૈતરણીથી ગોદાવરી સુધી અને મોટાભાગના વિદ્વાનો મહાનદીથી ગોદાવરી સુધી તેની સીમા હતી તેમ જણાવે છે. વાત્સ્યાયનના કામસૂત્રમાં તેની સીમા પુરીથી ગંગાતટ સુધીની અને પાંચમી સદીના એક શિલાલેખ પ્રમાણે મહાનદીથી કૃષ્ણાનદી સુધીની જણાવી છે. કલિંગના રાજા ખારવેલનું રાજ્ય ગંગાના મુખથી આંધ્રપ્રદેશના વિશાખાપત્તનમ્ સુધી વિસ્તરેલું હતું.

બૌદ્ધ સાહિત્યમાં ઉત્તર અને દક્ષિણ કલિંગ એવા બે વિભાગોનો ઉલ્લેખ છે. સિંહબાહુ રાજાએ જંગલ સાફ કરીને કલિંગનગર વસાવ્યું હતું. ગંગવંશી રાજાઓનું ‘ત્રિકલિંગાધિપતિ’ બિરુદ કલિંગના ત્રણ વિભાગો સૂચવે છે પણ ત્રીજા વિભાગની માહિતી મળતી નથી.

પાણિનિના ‘અષ્ટાધ્યાયી’, મહાભારત, પતંજલિના મહાભાષ્ય, મત્સ્ય, કૂર્મ અને ભાગવત પુરાણો, રઘુવંશ, બૃહત્સંહિતા, દશકુમારચરિત, કાવ્યમીમાંસા વગેરે ગ્રંથોમાં કલિંગનો ઉલ્લેખ છે. પાણિનિએ તેનો ‘એકરાજ જનપદ’ તરીકે નિર્દેશ કરેલો છે. મહાભારતમાં તેનો જંગલવાળા પ્રદેશ તરીકે અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પ્રબળ યુદ્ધોપયોગી વન્ય હાથીના મુલક તરીકે ઉલ્લેખ છે. રોમન ઇતિહાસકાર પ્લિનીએ કલિંગની પ્રબળ સેનાનો ઉલ્લેખ કર્યો છે. સાતમી સદીમાં આવેલા ચીની મુસાફર યુઅન-શ્વાંગ કલિંગના યુદ્ધના હાથીઓ ઉપરાંત 10 બૌદ્ધ મઠો, 100 હિંદુ મંદિરો અને મહાયાન પંથના 100 ભિક્ષુઓનો નિર્દેશ કર્યો છે. કલિંગના લોકો ઉદ્ધત અને શીઘ્રકોપી હોવાની તેમણે નોંધ લીધી છે. અશોકના વખતમાં તોસલી કલિંગની રાજધાની હતું. ત્યારબાદ કલિંગનગર કલિંગની રાજધાની બન્યું. શ્રીકાકુલમ્ જિલ્લામાં વંશધારા નદીના મુખ ઉપર આવેલ કલિંગપત્તન કે મુખલિંગમ્ એ જ કલિંગનગર હોવાનો સંભવ છે. જુદા જુદા સમયે કલિંગમાં નાનાંમોટાં રાજ્યોને લીધે રાજધાનીનાં શહેરોની સંખ્યામાં વધારોઘટાડો જણાય છે.

મલય સાહિત્યમાં ભારતને કલિંગ તરીકે ઓળખાવેલ છે. દક્ષિણ એશિયાના બ્રહ્મદેશ, મલય, જાવા, સુમાત્રા, કલિમંથન, શૂલવેષી વગેરે ટાપુઓ(ઇન્ડોનેશિયા)માં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરનાર કલિંગના લોકો હતા. ભારતના બધા લોકો ‘કલિંગા’ તરીકે ઓળખાતા હતા.

શિવપ્રસાદ રાજગોર

ચીનુભાઈ નાયક