કલિંગત્તુય્યરણી (બારમી સદી) : તમિળભરણી-કાવ્ય. આ મધ્યકાલીન તમિળ વીરકાવ્યની રચના જયંકોણ્ડારે કરી હતી. એમાં રાજા કુલોત્તુંગ પહેલાના કલિંગવિજયનું વર્ણન છે. ભરણીકાવ્યોની એક વિશેષતા એ છે કે એમાં વિજયી રાજાઓના કરતાં પરાજિત રાજાઓના વીરત્વનું સવિશેષ નિરૂપણ હોય છે. ઈશવન્દનાથી કાવ્યનો આરંભ થાય છે. તે પછી નગરવૈભવ, મરુભૂમિ તથા કાલીદેવીનું વર્ણન આવે છે. આ કૃતિનાં ભિન્ન ભિન્ન પદોમાં ઉત્સાહ, ભય, ક્રોધ, હાસ્ય, કરુણા, પ્રેમ વગેરે ભાવો તથા વીરરસની સુંદર અભિવ્યંજના છે. કવિ રસ તથા ભાવને અનુરૂપ ક્યારેક લલિત કોમલ પદાવલિ તો ક્યારેક પરુષ શબ્દાવલિનો પ્રયોગ કરે છે. કવિની શબ્દપસંદગીમાં એમની કાવ્યપ્રતિભાની ઝાંખી થાય છે. શૈલી સરલ તથા માધુર્યસભર છે. એમાં સંગીતાત્મકતા પણ રહેલી છે. એમાં કલ્પનાનાં આહલાદક ઉડ્ડયનો પણ છે. ઇતિહાસમાં જેને બીજો સુવર્ણ યુગ કહ્યો છે તે પરવર્તી ચોળ રાજાઓના રાજ્યકાલ સંબંધી આ કૃતિ ઘણી બધી માહિતી પૂરી પાડે છે. તમિળનાં ભરણી-કાવ્યોમાં કલિંગત્તુય્યરણી શ્રેષ્ઠ મનાયું છે.

કે. એ. જમના