ઇરિટ્રિયા (Eritrea) : ઇથિયોપિયા દેશનો ઉત્તર છેડાનો પ્રાંત. તે રાતા સમુદ્રના આફ્રિકા ખંડના કિનારા પર પૂર્વભાગમાં 14o ઉત્તર અક્ષાંશ અને 41o પૂર્વ રેખાંશ પર આવેલો છે. તેના ઉત્તર-પશ્ચિમમાં સુદાન, ઉત્તર-પૂર્વમાં રાતો સમુદ્ર, પૂર્વે યેમેન, દક્ષિણ-પૂર્વમાં જીબુટી (Djibouti) તથા દક્ષિણમાં ઇથિયોપિયા આવેલા છે. આ દેશનો કુલ વિસ્તાર 1,21,100 ચોકિમી. છે. તેની વસ્તી 51.3 લાખ (2010) છે, જેમાં 50 ટકા મુસલમાનો અને બાકીના મહદ્અંશે ઇથિયોપિયાના રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ છે. ટિંગ્રિન્યા ત્યાંની મુખ્ય ભાષા છે. ઈ. સ. 950માં ઇથિયોપિયા સાથે તેનું પહેલવહેલું જોડાણ થયું હતું. આસમારા તેનું પાટનગર છે. અસાબ, ડાહલક અને મસ્સાવા તેનાં મુખ્ય નગરો અને મસ્સાવા તેનું બંદર છે.

ઇરિટ્રિયાના ત્રણ મુખ્ય પ્રાકૃતિક વિભાગ છે : (1) રાતા સમુદ્રના કિનારા સાથેની સાંકડી પટ્ટી, (2) ઇથિયોપિયાના પઠારનો ઉત્તર તરફ વિસ્તરેલો પ્રદેશ, (3)  સુદાનની સરહદ નજીકનાં પશ્ચિમી મેદાનોનો પ્રદેશ.

સામાન્ય રીતે આ પ્રાંત સૂકી આબોહવાવાળો ગણાય. વાર્ષિક સરેરાશ વરસાદ 150થી 450 મિમી. અને તાપમાન સરેરાશ 21oથી 32o સે. હોય છે. દરિયાકિનારા જોડેના પ્રદેશમાં તીવ્ર ગરમી અને સૂકું હવામાન, જ્યારે પઠારના પ્રદેશમાં પ્રમાણમાં ઠંડું અને વધારે ભેજવાળું હવામાન હોય છે.

પાણીની અછત, વરસાદની અનિશ્ચિતતા તથા તીડના સતત ભયને કારણે કૃષિવિકાસ ઓછો. પઠાર વિસ્તારમાં ઘઉં, કૉફી તથા કપાસનું ઉત્પાદન થાય છે. મીઠું તથા તાંબું મુખ્ય ખનિજ-સંપત્તિ છે. પાટનગર આસમારા પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર છે, જ્યાં ખાદ્ય ચીજો પર પ્રક્રમણ (process) કરવાના તેમજ કાપડ તથા ચામડાની ચીજવસ્તુઓ બનાવવાના ઔદ્યોગિક એકમો છે.

દેશના ઉચ્ચ પ્રદેશમાં આવેલ માઉન્ટ સોઈરા ઊંચામાં ઊંચું શિખર છે. તેની ઊંચાઈ આશરે 3300 મીટર છે. એનો ઢોળાવ ક્રમશ: પશ્ચિમમાં સુદાન તરફનો છે. પશ્ચિમ તરફ વહેતી નદીઓની ખીણોથી તે વહેંચાઈ જાય છે તથા નદીઓના પાણીના ધસારાથી આ વિસ્તારમાં મોટા પાયા પર ફેરફાર થયાં કરે છે.

આ દેશમાં વાહનવ્યવહારનો વિકાસ ઠીક ઠીક પ્રમાણમાં થયો છે. 1890–1941ના ગાળામાં તેના પર ઇટાલીનું પ્રભુત્વ હતું તે અરસામાં અને ખાસ કરી બીજા વિશ્વયુદ્ધની પૂર્વતૈયારી રૂપે ત્યાં પાકા રસ્તાઓ, રેલમાર્ગ વગેરેનો વિકાસ થયો હતો. તે જ હેતુથી મસ્સાવા બંદરના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બૅન્કિંગ જેવી સેવાઓ પણ ઊભી કરવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિક પ્રજાના કલ્યાણની અવગણના જ થતી રહી હતી.

ઇતિહાસ : 16મી સદીમાં આ પ્રદેશ ઑટોમન શાસન હેઠળ આવ્યો. 17મીથી 19મી સદી સુધી આ પ્રદેશ ઇથિયોપિયા, ઑટોમન સામ્રાજ્ય, ઇજિપ્ત અને ઇટાલી વચ્ચે તકરારી વિસ્તાર હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં આ પ્રદેશ બ્રિટિશ વહીવટ હેઠળ ગયો અને 1952માં યુનાઇટેડ નૅશન્સની મંજૂરીથી તે ઇથિયોપિયાનું સ્વાયત્ત એકમ બન્યો. 14 નવેમ્બર, 1962ના રોજ ઇરિટ્રિયા ઇથિયોપિયા સામ્રાજ્યનો એક પ્રાંત બન્યો. એ જ વર્ષે ઇરિટ્રિયન પીપલ્સ લિબરેશન ફ્રન્ટની રચના કરીને સમ્રાટ હેઇલી સેલાસીના સૈન્ય સામે, ઇથિયોપિયાથી સ્વતંત્ર થવા માટે ગેરીલા યુદ્ધ શરૂ કરવામાં આવ્યું. સમ્રાટ હેઇલી સેલાસીને લશ્કરી સત્તાપલટાથી પદભ્રષ્ટ કર્યા બાદ, નવી સરકાર સામે 1975થી સ્વતંત્રતાની ચળવળ ફરી શરૂ થઈ. પીપલ્સ લિબરેશન ફ્રન્ટને આરબ દેશોની મદદ મળતી હતી. 24 મે, 1991ના રોજ લિબરેશન ફ્રન્ટે પાટનગર અશ્મારા કબજે કર્યું. તે પછી તેણે સ્વતંત્ર રીતે વહીવટ કરવા માંડ્યો અને ઇથિયોપિયાની સરકારે તેને માન્યતા આપી. 23થી 25 એપ્રિલ, 1993ના રોજ ઇરિટ્રિયામાં લોકમત લેવામાં આવ્યો. સ્વતંત્ર ઇરિટ્રિયાની તરફેણમાં 99.8 % મત મળ્યા. 24 મે, 1993ના રોજ તે સાર્વભૌમ રાજ્ય બન્યું.

ઇરિટ્રિયાને સુદાન અને જીબુટી(Djibouti)ની સાથે સરહદ બાબતે સંઘર્ષનો સામનો કરવો પડ્યો. 1998થી 2000 દરમિયાન તેને સરહદ બાબતે ઇથોપિયા સાથે યુદ્ધ કરવું પડ્યું. ડિસેમ્બર, 2000માં સરહદના નિર્ધારણ, નિર્વાસિતો અને કેદીઓના હસ્તાંતરના પ્રશ્ને કમિશન સ્થાપવામાં આવ્યું. નવેમ્બર 2005માં ઇરિટ્રિયાએ ઉત્તર અમેરિકાના અને યુરોપના યુનોના પ્રતિનિધિઓને હાંકી કાઢ્યા. યુનોના મહામંત્રી કોફી અન્નાને ઇરિટ્રિયાને ઇથિયોપિયાની સરહદેથી તેના લશ્કરને હઠાવી દેવા જણાવ્યું. ઇથિયોપિયા અને ઇરિટ્રિયા વચ્ચે સરહદનો ઝઘડો હોવાથી 2007માં તંગદીલી પેદા થઈ. 2011માં દેશના પ્રમુખપદે ઇસાઇઅસ એફવર્કી હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયકુમાર ર. શુક્લ

થૉમસ પરમાર