ઇરિડિયમ (Ir) : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIII A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1804માં અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથ્સન ટેનાન્ટે પ્લૅટિનમ ખનિજના ઍસિડ-અદ્રાવ્ય વિભાગમાં આ તત્વ શોધી કાઢ્યું અને તેનાં સંયોજનોના વિવિધ રંગોને કારણે મેઘધનુષ્યના લૅટિન નામ ‘iris’ ઉપરથી ઇરિડિયમ નામ પાડ્યું. તે કુદરતમાં પ્લૅટિનમ, ઓસ્મિયમ અને સુવર્ણ સાથે મિશ્ર ધાતુ રૂપે કોઈ વાર મળી આવે છે. નિકલ અને કૉપરના નિષ્કર્ષણમાં પ્લૅટિનમ-સમૂહની ધાતુઓ સાથે તે વ્યાપારી ધોરણે ઉપપેદાશ તરીકે ઉપલબ્ધ થાય છે.

પ. ક્રમાંક 77; પ. ભાર 192.22; ગ.બિં. 2410o સે., ઉ.બિ. 4527o સે., વિ.ઘ. 22.4,  ઇલેક્ટ્રૉન-વિન્યાસ 28-18-32-17 અથવા (Xe) 4f145d9, ઉપચયન આંક +1, +3 અને +4. જોકે 0થી +6 ઉપચયન આંકવાળાં સંયોજનો જાણીતાં છે.

ઇરિડિયમ કીમતી ચાંદી જેવી શ્વેત, કઠણ પણ બરડ ધાતુ છે. 1200oથી 1500o સે. તાપમાને તે તન્ય બને છે. શુદ્ધ ધાતુના બદલે પ્લૅટિનમ સાથેની મિશ્ર ધાતુ તરીકે તે વપરાય છે. ઇરિડિયમ ઉપર અમ્લરાજ (aqua regia) સહિત કોઈ પણ ઍસિડની અસર થતી નથી. ઇરિડિયમ સૌથી શ્રેષ્ઠ ક્ષારણરોધી (corrosion resistant) ગણાય છે. કુદરતી ઇરિડિયમમાં બે સમસ્થાનિકો Ir191 (37.3 %) અને Ir193 (62.7 %) હોય છે.

IrO2 કાળો અને IrCl3 લીલાશ પડતો વાદળી હોય છે. ઇરિડિયમનાં +6 અને +5 ઉપચયન આંકવાળાં સંયોજનો ઉગ્ર ઉપચાયક છે, જ્યારે +4 અને +3 આંકવાળાં સૌથી વધુ સ્થાયી છે. +2 આંક જવલ્લે જ મળે, પણ +1 આંકવાળાં ફૉસ્ફીન અથવા કાર્બોનિલ લિગેન્ડવાળાં સંયોજનો જાણીતાં છે (દા.ત., વેસ્કાનાં સંયોજનો).

ઇરિડિયમ ક્રુસિબલ (લેસર સ્ફટિક બનાવવા માટેની) અને ઍરોપ્લેનના સ્પાર્ક પ્લગની બનાવટમાં વપરાય છે. સામાન્ય રીતે પ્લૅટિનમ + ઇરિડિયમ(30 %)ની મિશ્રધાતુ ઇરિડિયમ જેવી જ ખવાણરોધી હોય છે; પણ તે વપરાશમાં સરળ હોવાથી તે જ ઉપયોગમાં લેવાય છે. આ મિશ્રધાતુ ઝવેરાત, હાડકાં જોડવાની ખીલીઓ અને ફાઉન્ટનપેનની ટાંકનો અગ્રભાગ (point) બનાવવામાં પણ વપરાય છે. ક્લોર-આલ્કલી પ્લાન્ટમાં એનોડના આવરણ તથા એસેટિક-ઍસિડના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે પણ Ir વપરાય છે.

જ. ચં. વોરા