ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ

January, 2002

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ : કૃષિ-અર્થશાસ્ત્રના અધ્યયન અને સંશોધનનું મંડળ. સ્થાપના 1939. તેના સ્થાપક અને  ઘડવૈયાઓમાં એલ. કે. એલ્મ્હર્સ્ટ, ટી. જી. શિરનામે, એમ. એલ. ડાર્લિંગ, ટી. વિજયરાઘવાચારી, મણિલાલ બી. નાણાવટી, ડી. આર. ગાડગીલ, એમ. એલ. દાંતાવાળા તથા વી. એમ. દાંડેકર જેવા કૃષિ-અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થયો હતો. સંસ્થાનું રજતજયંતી સંમેલન આણંદ ખાતે (1964) તથા સુવર્ણજયંતી સંમેલન મુંબઈ ખાતે (1989) યોજાયું હતું.

મંડળનાં ધ્યેયો : (1) કૃષિ-અર્થશાસ્ત્ર તથા ગ્રામવિકાસને સ્પર્શતા વિષયો પર સંશોધનને પ્રોત્સાહન આપવું, (2) કૃષિ-અર્થશાસ્ત્રનાં વિવિધ પાસાંઓ તથા સમસ્યાઓ પર જ્ઞાનગોષ્ઠી, ચર્ચાસભાઓ, પરિસંવાદો અને પરિષદો યોજવાં, (3) કૃષિ-અર્થશાસ્ત્ર તથા ગ્રામવિકાસને લગતા પ્રશ્નો પર થતા ચિંતનશીલ અધ્યયનનાં તારણોનો પ્રસાર કરવો, (4) સમાન હેતુ ધરાવતાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંપર્ક અને સહકાર સાધવાં.

મુંબઈ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં સ્થપાયેલા આ મંડળને ત્યાંના કૃષિ-અર્થશાસ્ત્રના નિષ્ણાતોનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. આ મંડળ ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ ઍગ્રિકલ્ચરલ ઇકૉનૉમિક્સ’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરે છે.

ભાનુપ્રસાદ છોટાલાલ ઠાકર