ઇન્ડિયન સિવિલ સર્વિસ (ICS) : ભારતમાં જાહેર વહીવટના ક્ષેત્રે કર્તવ્યનિષ્ઠ, બુદ્ધિનિપુણ અને કાર્યદક્ષ અધિકારીવર્ગ પૂરો પાડવા માટેનો સર્વોચ્ચ સેવા સંવર્ગ (cadre). 1780ના અરસામાં ગવર્નર જનરલ વૉરન હૅસ્ટિંગ્સે આ સનદી સેવાનાં બીજ નાખ્યાં. 1786માં લૉર્ડ કૉર્નવોલિસે તેને વ્યવસ્થિત રૂપ આપ્યું. શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સિવિલ સર્વિસ તરીકે ઓળખાતી આ સેવા 1857થી ઇન્ડિયન સિવિલ સર્વિસ બની. પ્રારંભમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરોની ભલામણના આધારે જ એમાં ભરતી કરાતી અને માત્ર બ્રિટિશ અધિકારીઓ તેમાં નિમણૂક પામતા. 1833માં હિંદુસ્તાનવાસીઓની ભરતી માટે અને 1853માં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જોગવાઈ થઈ પણ પરીક્ષાઓ ઇંગ્લૅન્ડમાં લેવાતી હોવાથી પ્રથમ ભારતીય સત્યેન્દ્રનાથ ટાગોર છેક 1864માં આ સેવામાં લેવાયા. 1925માં આ પરીક્ષા ભારતમાં લેવાવાનું શરૂ થયું. આ સેવાની ઇમ્પીરિયલ, પ્રોવિન્શિયલ અને સબૉર્ડિનેટ એવી ત્રણ કક્ષાઓ પાડી. ઇમ્પીરિયલ સર્વિસમાં સ્પર્ધા અને નિમણૂકની પ્રથા ચાલુ રાખી તથા 20 ટકા જગ્યાઓ પ્રાંતીય સેવાઓમાંથી બઢતીથી ભરવાનું નક્કી કરાયું. 1935 સુધી આઇ. સી. એસ. અધિકારીઓને ન્યાયખાતામાં પણ નિમણૂક અપાતી અને હાઈકૉર્ટના 1/3 ન્યાયમૂર્તિઓ તેમનામાંથી લેવાતા. 1870માં કુલ 884 અધિકારીઓ, 1919માં કુલ 1285માં 73 અને 1939માં 1299 જેમાં 540 ભારતીય અધિકારીઓ હતા.

પસંદ થયેલા અધિકારીઓ માટે બે વર્ષનો પૂર્વ-સેવા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવતો હતો. આમાં સંસ્કૃત, ફારસી અને હિંદુસ્તાની ઉપરાંત યુરોપીય ભાષાઓ, ગણિત, કાયદો, અર્થશાસ્ત્ર અને ઇતિહાસનું શિક્ષણ અપાતું. તાલીમ બાદ 1-2 વર્ષ માટે મદદનીશ કલેક્ટરની ક્ષેત્રીય કામગીરીના અનુભવ માટે મૂકવામાં આવતા. આમ, મદદનીશ કલેક્ટર 7થી 10 વર્ષ બાદ કલેક્ટર અને પછી સચિવ તરીકે કામ કરતા. ન્યાયખાતા માટેના અધિકારીઓને અલગ તાલીમ આપી જિલ્લા જજ તરીકે નિમણૂક અપાતી અને તેના વિકલ્પો ઇન્ડિયન પોલીસ સર્વિસ અને એવી અન્ય અખિલ ભારતીય સેવામાં નિમણૂક અપાતી. પોલિટિકલ સર્વિસમાં પણ 1/3 સભ્યો આ સેવામાંથી લેવાતા હતા. 25 વર્ષની સેવા પછી એ અધિકારીની મુખ્ય સચિવ, કમિશનર કે હાઈકૉર્ટના જજ તરીકે નિમણૂક થઈ શકતી. આમાં વાર્ષિક 400થી 2000 પાઉન્ડનું પગારધોરણ હતું અને કમિશનર જેવી જગ્યાઓ પર 3600 પાઉન્ડ જેટલાં ભથ્થાં મળતાં. આ સંવર્ગને 25 વર્ષ બાદ મરજિયાત અને 35 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિ મળતી. આઇ. સી. એસ. અધિકારીને નિવૃત્તિવેતન (pension) વાર્ષિક 1000 પાઉન્ડ મળતું.

સ્વતંત્રતાની સાથોસાથ 1947માં આ સંવર્ગનો પણ અંત આવ્યો. ઘણાખરા અંગ્રેજ અમલદારો છૂટા થયા. તત્કાલીન ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલની દૂરંદેશીથી ભારતીય આઇ. સી. એસ. અમલદારોને નવી સ્થાપેલી ભારતીય વહીવટી સેવા(I.A.S.)ની સમાંતર ચાલુ રાખવામાં આવ્યા.

31-3-1980ના રોજ કેન્દ્રીય કૅબિનેટ સચિવપદેથી નિવૃત્ત થનારા એન. કે. મુકરજી છેલ્લા આઇ. સી. એસ. અધિકારી હતા. ગુજરાત પૂરતા 1-3-1976ના રોજ નિવૃત્ત થયેલા લલિતચંદ્ર દલાલ આ સંવર્ગના છેલ્લા ગુજરાતી અધિકારી હતા. આ સેવાના સભ્યોએ ઊંચી બુદ્ધિમત્તા, વિશાળ જ્ઞાન તથા નોંધપાત્ર કાર્યદક્ષતા અને પ્રામાણિકતાને લીધે ભારતમાં જાહેર વહીવટના ક્ષેત્રે કેટલીક ઉત્તમ અને ઉચ્ચ પ્રણાલી સ્થાપી અને તેને વિશ્વભરમાં વિશિષ્ટ સનદી સેવા તરીકે નામના અપાવી. બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાં ર્દઢ કરનાર આ સેવાને ‘લોખંડી માળખા’નું બિરુદ પણ મળ્યું હતું. બીજી બાજુ વિશાળ સત્તા, મોટા વેતન અને ઊંચી પ્રતિષ્ઠાને કારણે તે ઐશ્વરી સેવાઓ (heaven-born service) તરીકે પણ ઓળખાતી. એકંદરે સક્ષમ વહીવટ ઉપરાંત, આ સેવાના અધિકારીઓએ દેશના સાંસ્કૃતિક અને સામાજિક જીવનમાં તેમજ ઇતિહાસ તથા સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના(1885)માં ઍલન ઑક્ટેવિયન હ્યુમ અને સર વિલિયમ વેડરબર્ન જેવા આ સંવર્ગના અધિકારીઓએ આપેલો સક્રિય સહયોગ, સર જ્યૉર્જ ગ્રિયરસનના ‘લિંગ્વિસ્ટિક સર્વે ઑવ્ ઇન્ડિયા’નું યોગદાન તથા રમેશચંદ્ર દત્તનું ઇતિહાસલક્ષી સંશોધનકાર્ય વિશેષ ઉલ્લેખનીય છે. આ સેવામાં વિશેષ ખ્યાતિ પામનારા ભારતીય અધિકારીઓમાં એચ. વી. આર. આયંગર, ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ, કે. પી. એસ. મેનન, વિદ્યાશંકર રે વગેરેનો અને ગુજરાતી અધિકારીઓમાં ચંદુલાલ ત્રિવેદી, એચ. એમ. પટેલ, સી. સી. દેસાઈ, બી. આર. પટેલ, વી. ટી. દહેજિયા, લલિતચંદ્ર દલાલ વગેરે હતા.

આઝાદી પછી આ સંસ્થા ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) નામથી ઓળખાતી થઈ છે.

અખિલ ભારતીય કક્ષાની આઈ.એ.એસ., આઈ.આર.એસ., આઈ.એફ.એસ., આઈ.પી.એસ. જેવી સનદી સેવાઓની નોકરીમાં પ્રવેશ કરવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં વર્ષ 2013માં ગુજરાતમાંથી કુલ 11 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે. જેમાં એક મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે. આ કુલ સફળ 11 ઉમેદવારોમાં 5 ઉમેદવારો અનુસૂચિત જાતિ (S.C.)ના, 3 ઉમેદવારો ખુલ્લા વર્ગના તથા 3 ઉમેદવારો ઓ.બી.સી. (Other Background Classes) વર્ગના છે.

દેશનાં ઘણાં રાજ્યોના ઉમેદવારોની સરખામણીમાં ગુજરાત રાજ્યના ઉમેદવારોની સંખ્યા મર્યાદિત હોય છે એ ચિંતાની બાબત ગણાય.

કુ. પો. યાજ્ઞિક