ઇન્ડિયન સોસાયટી ઑવ્ લેબર ઇકોનોમિક્સ

January, 2002

ઇન્ડિયન સોસાયટી ઑવ્ લેબર ઇકોનોમિક્સ : ભારતમાં શ્રમિક અર્થશાસ્ત્રના અધ્યયન તથા સંશોધનને ઉત્તેજન આપવા 1957માં સ્થાપવામાં આવેલું મંડળ. તેની પ્રથમ વાર્ષિક પરિષદ 1957માં લખનૌ ખાતે અને બીજી પરિષદ 1958માં આગ્રા ખાતે યોજાઈ હતી. આ બંને પરિષદોનું પ્રમુખસ્થાન ભારતના જાણીતા શ્રમિક-નેતા વી. વી. ગિરિએ શોભાવ્યું હતું.

મંડળના ઉદ્દેશો : (1) શ્રમિક-અર્થશાસ્ત્રના અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન આપવું, (2) ભારતીય શ્રમિકોની સમસ્યાઓ પર ચર્ચાવિચારણા કરી તેના ઉકેલ માટે નીતિવિષયક માર્ગદર્શન પૂરું પાડવું, (3) શ્રમિક-અર્થશાસ્ત્રના અભ્યાસને ઉત્તેજન આપવા માટે જ્ઞાનગોષ્ઠી, ચર્ચાસભાઓ, પરિસંવાદો તથા પરિષદોનું આયોજન કરવું, (4) શ્રમિક-સંશોધનમાંથી તરી આવતા સૈદ્ધાન્તિક અને પ્રયુક્ત જ્ઞાનનો પ્રસાર કરવો.

મંડળનાં વાર્ષિક અધિવેશનોના ભૂતકાળના પ્રમુખોમાં વી. વી. ગિરિ ઉપરાંત પ્રો. પી. સી. મહાલોનોબિસ, પ્રો. ડી. ટી. લાકડાવાલા, પ્રો. રાજક્રિશ્ન તથા સુખમય ચક્રવર્તી ઉલ્લેખનીય છે.

સંસ્થા ‘ધી ઇન્ડિયન જર્નલ ઑવ્ લૅબર ઇકૉનૉમિક્સ’ નામનું ત્રૈમાસિક પ્રકાશિત કરે છે.

ભાનુપ્રસાદ છોટાલાલ ઠાકર